દીવડી/વિચિત્ર વેચાણ

વિકિસ્રોતમાંથી
← લોહીની ખંડણી દીવડી
વિચિત્ર વેચાણ
રમણલાલ દેસાઈ
૧૯૫૪
જાતશત્રુ →




વિચિત્ર વેચાણ


માનવીને જીવનમાં શું શું વેચવું પડે છે એ કોણ કહી શકે? રાજા હરિશ્ચંદ્રને પોતાની સ્ત્રીનું વેચાણ કરવું પડ્યું એ જીવનરમત જાણીતી છે. પુત્રીઓ વેચવાના પ્રસંગો આજે પણ વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ. રાજ્યનાં રાજ્યો ગીરો મુકાય છે અને વેચાય છે એ પણ આપણે વર્તમાન યુદ્ધોમાં જોઈએ છીએ. માનવીને ગુલામ તરીકે વેચવામાં આવતો હતો એ તો ઐતિહાસિક સત્ય છે. આમ માનવજીવનમાં શાનું શાનું વેચાણ નહિ થતું હોય એ કોણ કહી શકે ? સુધરાઈઓ પાણી અને પ્રકાશ બન્ને વેચે છે અને હવા ખાવાનાં સ્થળોએ હવા વેચાય છે. મને લાગે છે કે વેચાણના સૂત્ર આસપાસ અનેકરંગી કથાઓ અને મહાકથાઓ સર્જાય છે.

પરંતુ નથી હું કવિ કે નથી કોઈ વાર્તાકાર. એટલે વેચાણને અવલંબીને હું ભાગ્યે કોઈ સારી વાર્તા કે કવિતા ઉપજાવી શકું; છતાં હમણાં જ મારા જીવનમાં વેચાણનો એક વિચિત્ર પ્રસંગ બની ગયો, જે મારા હૃદયમાં ખૂબ ખટક્યા કરે છે. ક્યાં સુધી એ ખટકશે ? એ વિચિત્ર વેચાણ કરનાર માનવી જીવતો હોય અને પાછો મને મળે ત્યાં સુધી એ ખટકો તો રહેવાનો જ.

હું અને મારી પત્ની હવા ખાવાના એક શાંત સ્થળે પંદર દિવસ માટે રહેવા ગયાં હતાં. નાનકડું એકાંત મકાન અમને મળી ગયું; અને એને નાનું સરખું કંપાઉન્ડ પણ હતું એટલે નવરાશનો વખત હુ કંપાઉન્ડમાં જ ગાળતો. મારે પૂર્ણ આરામ લેવો હતો. સરકારી ઊંચા અમલદારો સરકારી કામ કરી કરીને થાકી જાય છે એટલે કામથી મુક્તિ મેળવવા આવી શાંત જગા ખોળે છે. હું પણ ઠીક સરકારી ઊંચો નોકર હતો. જંજાળને બાજુએ છોડી હું અહીં આવ્યો અને અહીંની જંજાળ મેં તદ્દન બાજુએ નાખી. મોજ આવે તો વાંચતો અને ફાવે ત્યારે ફરવા જતો. મારી પત્નીને પણ મેં કહી રાખ્યું હતું કે એને ફરવા જવું હોય, હવાખાવાના સ્થળનો પૂરો લાભ લેવો હોય તો એ ભલે ફરે; પણ હું તો મારી ઓરડીમાં, મારા કંપાઉન્ડમાં બેસી જ રહેવાનો અને કોઈના પણ બંધન વગર ફરવાનો.

સાંજના પાંચેક વાગ્યાનો સમય હતો. આરામ ખુરશી ઉપર કંપાઉન્ડમાં પડ્યો પડ્યો ચીનની ગરીબી વિષે એક અમેરિકને લખેલું પુસ્તક વાંચતો બેઠો હતો. સામે ચાની ટ્રે બિસ્કિટ અને બીજાં અલ્પાહારનાં સાધનો પડ્યા હતાં. આરામથી થોડી થોડી વારે ચા પીતાં પીતાં થતા મારા વાચનમાં એકાએક વિક્ષેપ પડ્યો, મારી પત્ની તો તેના નિત્ય નિયમ પ્રમાણે તેની બહેનપણીઓ સાથે લાંબે ફરવા ગઈ હતી અને રાત પહેલાં આવે એ સંભવ ન હતો, એટલે હું એક પ્રકારની અજબ સુખભરી શાંતિ અનુભવી રહ્યો હતો. એવામાં મારી સામે બહુ ઊંચી જાતનાં નહિ, છતાં સ્વચ્છ કપડાં પહેરેલો એક પુરુષ આવીને ઊભો. તેનું મુખ જોતાં જ મને ભય લાગ્યો. આમ તો ભય લાગે એવું કશું જ ન હતું, છતાં એના મુખનો દેખાવ કોઈ રોગથી કે ભૂખથી કૃષ થઈ ગયેલા માનવી જેવો લાગતો હતો. 'કોનું કામ છે?' મેં પૂછ્યું.

'હું જરા બેસું, સાહેબ?' કહી હું હા પાડું તે પહેલાં મારી પાસે જ પડેલી ખુરશી ઉપર તે બેસી જ ગયો. મને પણ લાગ્યું કે તેના દેહમાં ભાગ્યે જ કોઈ શક્તિ હોય. ખુરશીમાં બેસીને પણ તે જાણે હમણાં જ ઢળી પડશે એમ મને લાગ્યું. આ માનવી ગાંડો હશે ? ઠગ હશે? કે ખરેખર સાચે જ કોઈ ભૂખ્યો હશે?

'કેમ આવવું થયું ?' મેં પૂછ્યું.

'કાંઈ નહિ, સાહેબ ! જરા થાક્યો હતો એટલે બેસવું હતું. ....અને કાંઈ વેચવું હતું.' તેણે જવાબ આપ્યો.

'ભલે, બેસો ખરા. પરંતુ હું તમને કોઈ મિલકત કે વસ્તુના વેચાણમાં મદદ કરી શકું એમ નથી. વેચાણનો મારો ધંધો નથી.' મેં કહ્યું.

'મિલકત તો મારે પણ વેચવાની નથી. વેચવા જેવી હતી તે બધી વેચાઈ ગઈ. હવે માત્ર જિંદગી જતાં પણ ન વેચવી એવો મંત્ર ભણી પાસે રાખેલી એક વસ્તુ હુ વેચવા માગું છું.' થાકથી અને ભૂખથી એ માણસ પૂરુ બોલી શક્યો પણ ન હોય એમ મને લાગ્યું. મને તેની વાતમાં રસ પડ્યો એટલે મેં આગળ પૂછ્યું :

‘પણ આ તમારી જિંદગી તો હજી છે, પછી કેમ પ્રતિજ્ઞા તોડી એ વસ્તુ વેચો છો?'

'મારામાં જિંદગી છે એવું આપને લાગે છે ખરું ? અને...હશે તો આ વેચાણ થશે એટલે લથડતી જિંદગી પણ ચાલી જશે.'

'એવી શી વસ્તુ વેચવા લાવ્યા છો ?'

'લેશો ખરા ? બહુ કિંમત નથી.' કહી તેણે તેના કોટના ખિસ્સામાંથી કાગળમાં વીંટાળેલી એક સહેજ પહોળી વસ્તુ કાઢી મેજ ઉપર મૂકી.

'શું છે એ ? કેટલામાં આપશો ?' મેં પૂછ્યું.

જરા થરથરતે હાથે તેણે કાગળ ખસેડ્યો અને એક નાનકડી ચાંદીની ફ્રેમને ચોકઠાંને તેણે મારી સામે મૂકી દીધી. ફ્રેમ ખાલી હતી. એમાં કોઈ છબી ન હતી. ચાંદી તેમાં બહુ ન હોય, છતાં તેની કારીગરી બહુ સુંદર હતી. મારી પત્નીની એક નાનકડી છબી મેં એક સુંદર નાનકડી ફ્રેમમાં રાખી હતી. મારી ફ્રેમ કરતાં આ ફ્રેમ વધારે સારી હતી – કારીગરીમાં. એટલે મને વિચાર આવ્યો કે એ લઈ તેમાં મારી પત્નીની છબી મૂકી તે પાછી આવે ત્યારે તેને ચમકાવું તો કેવું? જીવનમાં ગમ્મતને સ્થાન છે જ,

'જુઓ સાહેબ ! આ એક ફ્રેમ છે. આપ એ રાખો અને આપને યોગ્ય લાગે એ કિંમત મને આપો.'

'નહિ, તમે પ્રસન્ન થાઓ એટલી મારે તમને કિંમત આપવી છે.'

'એમ? એની કિંમત આપે જાણવી છે? એની કિંમત નહિ અપાય તો?' બહુ ફિક્કુ હસીને તેણે મને પૂછ્યું.

મને ડર લાગ્યો કે કિંમત લેતાં આપતાં આ માનવી ઢળી ન પડે. એના અશક્ત દેહમાં જીવનતત્ત્વ હોય જ નહિ એમ મને લાગ્યું.

'હા હા, જરૂર કિંમત આપીશ. હું કાંઈ વેપારી નથી; છતાં ફ્રેમની તમે માગો એ કિંમત હું આપી શકીશ. એમાં ચાંદી કેટલી હશે?' મેં પૂછ્યું.

થાકપીડિત માનવીએ પાછું પોતાનું ભૂતિયું સ્મિત કર્યું અને મને કહ્યું :

'કિંમત...આમ તો લાખ રૂપિયા; પણ અત્યારે તેની કિંમત એક ટંકના જમણ જેટલી, એટલું આપશો તો મારે બસ છે. આ ફ્રેમ.' કહી તેણે ફ્રેમ મારી તરફ આગળ વધારી.

'તમે શું બહુ ભૂખ્યા છો ?' મેં પૂછ્યું.

'હા જી. એટલો ભૂખ્યો છું, કે મરવામાં પણ મોજ નથી આવતી. મોજ તો ઠીક, પણ મરવાની શક્તિ પણ રહી નથી. દેહને એક ટંક પોષી લઉં તો તેનામાં મરવાની પણ શક્તિ આવે.' મેં એકદમ ઊભા થઈ મારી ચાદાનીમાંથી બીજા પાસે પડેલા પ્યાલામાં ચા કાઢી તેની સામે મૂકી, બિસ્કિટનો થોકડો અને બીજી વાનીઓ તેની પાસે મૂકી, અને તેને મેં કહ્યું :

'એટલા જ ખાતર તમારે ફ્રેમ વેચવાની જરૂર નથી. તમે એક વખત આ નાસ્તો કરી લો; પછી મારી પત્ની આવે એટલે હું તમને સારી રીતે જમાડું. એવા જમાડું કે જેથી તમને જીવન જીવવાની ઈચ્છા થાય.'

'નહિ, સાહેબ ! મને ખૂબ ભૂખ લાગી છે, એ વાત તદ્દન સાચી. કદાચ એ ભૂખમાં મારો પ્રાણ પણ છૂટી જાય એવી તમને જે બીક લાગે છે એ પણ સાચું; પરંતુ હું મરીશ તોપણ આપના કંપાઉન્ડમાં નહિ. આપને તકલીફ આપીને નહિ. માત્ર આપ એ ફ્રેમ ન લ્યો ત્યાં સુધી હું ચાનો છાંટો પણ મુખમાં મૂકું નહિ અને નાસ્તાનો કકડો પણ જમું નહિ. મફત જમનારો હું ભિક્ષુક નથી'

ફ્રેમ મેં મારી પાસે ખેંચી અને તેને ચા પીવા વિનંતી કરી.

મેં પણ તેની સાથે ચા પીવા માંડી, તેની જ સાથે નાસ્તો લેવા માંડ્યો અને ધીમે ધીમે તેને વાતમાં દોર્યો. મારી નજર તો આ વિચિત્ર વ્યક્તિ તરફ સતત હતી એટલે હું જોઈ શક્યો કે તેને ખરેખર ભૂખ તો લાગેલી હતી જ અને તેનો દેહ પણ ખરેખર પોષણ માગતો હતો. વચમાં વચમાં હું તેને વાતમાં દોરતો હતો અને તે કોણ છે તે તેની પાસેથી કઢાવવા માગતો હતો.

'કેટલા દિવસના ભૂખ્યા છો ?' મેં પૂછ્યું.

'પાંચેક દિવસ થયા હશે?' તેણે પ્રશ્નમાં જવાબ આપ્યો. જાણે તેને પોતાને જ પોતાના ઉપવાસી દિવસોની ખબર ન હોય !

'પાંચ દિવસના ઉપવાસમાં આટલું બધું શરીર ઊતરી ન જાય.' મેં તેને કહ્યું.

'વાત સાચી; પરંતુ એવા કેટલા યે પાંચ પાંચ દિવસો ઉપવાસમાં વીતી ગયા હશે ! પ્રત્યેક ઉપવાસે શરીર નબળું પડતું જ જાય એ સ્વાભાવિક છે.' તેણે કહ્યું.

'પણ આમ ઉપવાસ કરવાની શી જરૂર ?' મેં પૂછ્યું.

'એક જાતની ઘેલછા.' તેણે સહજ હસીને જવાબ આપ્યો.

'શાની ઘેલછા? યોગની કે પ્રેમની ?' મેં પણ હસીને પૂછ્યું.

'યોગની હોય તો તો ઈશ્વરે પોતે મને પોષણ આપ્યું જ હોય. પણ આ તો આપ ધારો છે તેમ પ્રેમઘેલછા જ છે.' તેણે કહ્યું.

'તો તો કોઈ સ્ત્રી પાછળ ઘેલા હશો !; મેં પૂછ્યું

'હા જી. સ્ત્રી સિવાય પુરુષને કોણ ઘેલો બનાવી શકે એમ છે?' તેણે કહ્યું.

'તો હવે હું એક સલાહ આપુ ? બિલ્વમંગળની માફક સ્ત્રીને છોડીને હવે ઈશ્વરની ઘેલછા ઉપાડો તો કેવું?'

ક્ષુધાતુર માણસ સહજ હસ્યો. ક્ષુધાતૃપ્તિ તેનામાં એક પ્રકારનું કૌવત લાવતી હતી એમ હું જોઈ શક્યો. કદી કદી થરથરી ઊઠતો તેનો દેહ અને મીંચાવાને આળસે ઊઘડતી આંખોમાં જીવ જાગ્રત થતો મને લાગ્યો. તેણે મક્કમપણે મને જવાબ આપ્યો :

'સ્ત્રીમાં અને ઈશ્વરમાં બે મહત્ત્વના ભેદ છે. એક તો એ કે એક ઈશ્વરને સહુ કોઈ ભજી શકે છે – ખુશીની સાથે; જયારે એક સ્ત્રીને સહુ કોઈ ભજી શકતું નથી. અને બીજો મોટો ભેદ તે એ છે કે ઈશ્વરને ભજતાં ઈશ્વર જરૂર મળે છે; પરંતુ સ્ત્રીને ભજતાં સ્ત્રી મળે એની જરા યે ખાતરી નહિ.'

મને આ માનવી ખરેખર બુદ્ધિમાન લાગ્યો. અને તેના કહેવામાં મને સત્ય પણ લાગ્યું. અલબત્ત, એ સત્ય હાસ્ય ઉપજાવે એવું હતું એટલે એને સાંભળીને હું પણ હું હસ્યો અને તે પોતે પણ મને હસતો જોઈને હસ્યો; પરંતુ હસતાં હસતાં મેં તેને કહ્યું :

'તમારી વાત સાંભળવા જેવી લાગે છે !'

'કાંઈ નહિ; પ્રેમની બધી વાર્તાઓ વાંચીએ છીએ એવી જ; નવાઈ જેવું કશું નહિ.'

'તો પણ મને કહેશો તો હું રસપૂર્વક સાંભળીશ.'

'ભલે. આપે મારી ઉપર ઉપકાર કર્યો છે. બેત્રણ જગાએ મેં ફ્રેમ બતાવી, ત્યારે જેણે તેણે એને ચોરીનો માલ માની મને રવાના કર્યો. તમે જ એક નીકળ્યા કે જેને મારા કથનમાં શ્રદ્ધા ઊપજી. તમને જરૂર વાત કહું !'

એટલું બોલતાં બોલતાં તેની આંખમાંથી ટપ ટપ અશ્રુબિંદુ પડવા લાગ્યાં. તેના ખિસ્સામાં કદાચ રૂમાલ નહિ હોય અગર તે દુઃખમાં ભૂલી ગયો હશે. તેણે કોટ વડે જ આંખ લૂછી નાખી.

'નહિ નહિ, વાત કહેતાં તમને આટલું દુઃખ થતું હોય તો મારે નથી સાંભળવી; રહેવા દો.' મેં કહ્યું.

આંખ સંપૂર્ણપણે લૂછી નાખી ચાનો પ્યાલો પૂરો પી જઈ તેણે મને જવાબ આપ્યો :

'વાર્તા તો સહજ, ટૂંકી છે. બહુ જ ટૂંકી છે. એના ઉપર તો હું રડી ચૂક્યો છું...કેટલાં ય વર્ષોથી. અત્યારે તો મને કોઈ જુદું જ રુદન આવ્યું !' અને ફરી તેની આંખમાં આંસુ આવતાં મેં જોયાં. મેં તેને આગળ કાંઈ પૂછ્યું નહિ. પણ તેણે પોતે ફરી અશ્રુ લૂછી મને કહ્યું :

'તમને વિચિત્ર લાગશે છતાં મારા અત્યારના રુદનનું કારણ હું તમને જણાવું. માનવદેહ અને માનવલાગણી કેવાં નિર્બળ હોય છે તે આમાંથી પ્રત્યક્ષ થાય છે. ભૂખને લઈને મારો દેહ રડવાની પણ શક્તિ ધરાવતો ન હતો. આપે મને જમાડ્યો એટલે તેનામાં આંસુ પાડવાની પણ શક્તિ આવી. કદી કદી મને પ્રશ્ન થાય છે, ક્ષુધા વધારે બળવાન કે પ્રેમ ? આજ મારા પ્રેમ ઉપર ક્ષુધાએ વિજય મેળવ્યો...મને તેનું દુઃખ થયું હશે. પણ હું મારી વાત તમને ટૂંકમાં કહું.'

અને ખરેખર તેણે બહુ જ ટૂંકામાં તેની વાત કહી. વાત એટલી જ હતી કે કૉલેજમાં ભણતાં એક યુવકયુવતીને પ્રેમ થયો; તે એટલે સુધી કે પરસ્પર છબીઓ પણ તેમણે આપી – લીધી. ભાગ્યવશાત યુવક હિંદમાં જ રહ્યો અને યુવતી વધારે ભણતર માટે પરદેશ ગઈ. પરદેશગમનમાંથી એક મોટો ચમત્કાર ઉત્પન્ન થયો. હિંદમાં રહેલા યુવક પ્રત્યે પરદેશ ગયેલી યુવતીનો પ્રેમ ઘટતો ચાલ્યો અને અંતે તેણે પરદેશમાં જ મળેલા, વધારે અભ્યાસમાં રત થયેલા એક બીજા યુવકમાં પ્રીત જોડી અને હિંદવાસી યુવકને છેલ્લી સલામ લખી દઈ પરદેશશિક્ષિત યુવકની સાથે હિંદ આવી તેણે લગ્ન પણ કરી નાખ્યાં.

'એ હિંદવાસી યુવક તે હું – જોકે હું હવે યુવક રહ્યો નથી.'

'કેટલાં વર્ષ ઉપરની વાત કરો છો ?'

'પંદરેક વર્ષ થયાં હશે, પરંતુ એ પંદરે વર્ષ પંદર ઘા સમાન નીવડ્યાં છે. હવે મૃત્યુની રાહ જોઉં છું.'

'મને લાગે છે કે પંદરેક વર્ષ ઉપર હું પણ પરદેશ ભણતો હતો – લગભગ ભણી રહ્યો હતો. અને મારી પત્ની પણ મને પરદેશમાં મળી અને મેં હિંદ આવીને લગ્ન કર્યાં. તમારી વાત બહુ રસભરી છે. મારી પત્નીને હું પૂછીશ કે આ વાત તેને તો લાગુ નથી પડતી ને ?' સહેજ હસીને મેં કહ્યું, પરંતુ એ મારા હાસ્ય પાછળ મારી હૃદયમાં એક ધ્રુજારી પણ હતી. મારી પત્ની અંગે તો એ કિસ્સો નહિ બન્યો હોય ? એમ હોય તો એ કહ્યા વગર રહે જ નહિ. મારી અને મારી પત્ની વચ્ચે સહજ પણ માનસિક પડદો હોય એમ મેં કદી માન્યું નથી.

'ચાલો સાહેબ ! હું રજા લઈશ. આપનો સમય નિરર્થક વિતાવ્યો; છતાં આપે મને પોષણ આપી રડવાની અને મરવાની શક્તિ આપી એને માટે હું આપનો ખૂબ આભાર માનું છું. શી જીવનની નવાઈ છે કે માનવી ભૂખ્યો હોય ત્યારે તે રડી શકતો નથી અને મરી શકતો પણ નથી !' એમ કહી એ વિચિત્ર હાડપિંજરસમો બની ગયેલો માનવી ઊભો થયો. મેં તેને મારી સાથે રહેવાનો આગ્રહ કર્યો અને મારી પત્નીને મળવા માટે વિનંતિ કરી. મારી પત્નીને મળવાથી તેને ઘણો આનંદ થશે એ પણ હકીકત મેં તેને સમજાવી; પરંતુ તેણે તો રોકાવાની ના જ પાડી. મેં તેને કહ્યું :

'આ ફ્રેમ મારે ન જોઈએ. આપ પાછી લઈ જાઓ.'

'હું કશું જ મફત – કિંમત આપ્યા વગર લેતો નથી. મારા પ્રેમની પણ કિંમત આપી રહ્યો છું. છેલ્લે ફ્રેમ રહી હતી તે પણ હવે વેચી નાખું છું. જૂની પ્રેમકથાને જાગ્રત કરનાર આપનું ખાણું તો હું કિંમત આપ્યા વગર ન જ લઈ શકું.' એમ કહી તેણે આગળ ડગલું ભર્યું. મેં તેને એકાએક પૂછ્યું :

'આ ફ્રેમ તો ખાલી છે. એ છબી સાથે ફ્રેમ આપો તો હું રાખું.'

'નહિ સાહેબ ! એ છબી મારી સાથે બાળવા માટે મેં રાખી છે. અમારા પ્રેમયુગમાં અમે એકબીજાને વચન આપ્યું હતું કે મરીશું તો સાથે જ બળીશું. એ કથન સાચું પાડવા માટે છબી સિવાય મારી પાસે બીજો માર્ગ નથી. એટલે એ છબી તો હું તમને નહિ આપું.' એટલું બોલી અત્યંત ઝડપથી તેણે મારું કંપાઉન્ડ છોડી દીધું અને ટેકરીમાં અદ્રશ્ય થઈ ગયો.

સંધ્યાકાળ થતો હતો; મારી પત્ની પણ ફરીને પાછી આવી મારી પાસે બેઠી. મેં તેને પેલા વિચિત્ર આદમીની વાત કહી સંભળાવી, અને ફ્રેમ તેની સામે મૂકી દીધી.

વાત પૂરી થતાં કે મને જોઈ મારી પત્નીએ મને પૂછ્યું :

'એનું નામ શું હતું ?'

'એ તો પૂછવું રહી ગયું.' એટલું કહી અંધારું થવાથી કંપાઉન્ડમાંથી અમે બંગલામાં ગયાં.

તે રાત્રે મારી પત્ની મારી સાથે જમી નહિ, અને મને લાગ્યું કે એ રાત્રે તેને નિદ્રા પણ આવી નહિ. બીજી સવારે મેં પત્નીની તબિયત પૂછી અને કહ્યું :

'તું રાત્રે બિલકુલ સુતી નહિ. કેમ એમ થયું ?'

'મને ફ્રેમનું વિચિત્ર વેચાણ વારંવાર યાદ આવ્યા કરે છે. હું જ ફ્રેમની છબીમાં જડાઈ હોત તો શું થાત ?'

આટલો જવાબ આપતાં મારી પત્ની સહેજ ધ્રુજી હોય એમ મને લાગ્યું. મારાથી પણ બોલાઈ ગયું :

'કેવું વિચિત્ર વેચાણ!'

અને મારી પત્નીએ પણ ધીમે ધીમે કહ્યું :

'અને તે પણ શા માટે? રુદનની..અને મૃત્યુની શક્તિ મળે એ માટેનું વેચાણ...કદી સાંભળ્યું નથી.' એટલું બોલતાં મારી પત્ની ફરી ધ્રૂજી ઊઠી.

મેં પણ આટલા વિચિત્ર વેચાણની નોંધ રાખ્યા સિવાય બીજી પૂછપરછ કે તપાસ કરી નથી, છતાં આટલી નોંધ તો મેં જરૂર રાખી છે !

ઉપરાંત એક બીજી પણ ટૂંકી નોંધ એ પછી ઉમેરી.

હવા ખાવાને સ્થળે મારી પત્નીને વધારે સમય રાખવી એ મને ઠીક ન લાગ્યું. એ રાત પછી તો મારી પત્નીએ ફરવા જવું પણ બંધ કર્યું અને ઘડી ઘડી બંગલાની બારીએ કે કંપાઉન્ડની જાળી બહાર તે જોયા જ કરતી હતી.

હું તેને મારી નોકરીના સ્થળે લઈ આવ્યો. એક દિવસ વર્તમાનપત્રમાં ટૂંકી નોંધ આવી, જે તરફ મેં મારી પત્નીનું ધ્યાન પણ ખેંચ્યું. જે સ્થળે હવા ખાવા અમે ગયાં હતાં તે સ્થળની કઈ ઊંડી ખીણમાંથી એક માનવલાશ મળી આવી, જેને કોઈ ઓળખી શક્યું નહિ. એટલે તેને સરકારી રાહે અવલમંજીલે પહોંચાડી. લાશ પુરુષની હતી અને તેના ખિસ્સામાં એક કિશોરીની ઘસાઈ ગયેલી જૂની છબી હતી, જેને પણ કંઈ ઓળખી શક્યું નહિ. એ માનવી પગ લપસવાથી ખીણમાં પડી મૃત્યુ પામ્યો હતો; કાં તો એણે આપઘાત કર્યો હોય, અગર કોઈ હિંસક પ્રાણીથી બચવા નાસવા જતાં સમતોલપણું ગુમાવી પોતાનો જીવ ખોયો હોય.

એટલું વધારામાં અહીં નોંધી લઉં : એ સમાચાર વાચ્યા પછી મારી પત્ની કદી હસી નથી. જોકે અમારો વ્યવહાર સરળતાથી ચાલે છે. છબી મારી પત્નીના નાનપણની લગ્ન પહેલાંના યૌવનની તો ન હતી ? એ પ્રશ્ન મેં હજી મારી પત્નીને પૂછ્યો નથી.