દીવડી/સત્ય અને કલ્પના

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
દીવડી
સત્યની કલ્પના
રમણલાલ દેસાઈ
૧૯૫૪
પાઘડી વગરનું ઘર →

સત્ય અને કલ્પના


સત્ય અને કલ્પના પરસ્પરથી કેટલાં વેગળાં રહે ?

સામાન્ય ખ્યાલ એ છે કે સત્ય ઢાંકણ વગરનું, નવસ્ત્રું, નગ્ન હોય. સત્યની સાથે નગ્ન શબ્દ વાપરવાની ગુજરાતને ઠીકઠીક ટેવ પડી છે !

કલ્પના એટલે ઢાંકી, ઢબૂરી, રંગીન તથા કસબી વસ્ત્રો અને ઝાકઝમાળ અલંકારોથી રૂપાળી બનાવેલી આપણને ગમતી આપણી કોઈ વિચાર-ઢીંગલી. કદાચ એ ઢીંગલી નગ્ન હોય તો ય એ આપણે કલ્પેલી નગ્નતા. રંગરેષા આપણે પૂરેલાં. સત્ય અને કલ્પના બન્ને હાથ ન મિલાવે એવી આપણી આ માન્યતા. હાથ ન મિલાવે તો બંને એકરૂપ તો ક્યાંથી જ બની શકે ?

Musical chair ગીતબેઠક ની રમત આપણે ત્યાં હવે જાણીતી બની ગઈ છે. મોટે ભાગે સ્ત્રીઓ જ એ રમત રમે છે ! નહિ? જીવનમાં સત્ય અને કલ્પનાની એ બેઠક હરીફાઈ જાણે સતત ચાલતી હોય એમ લાગ્યા જ કરે છે ! સંગીત ધીમું, ઉતાવળું, મધુર, કર્કશ વાગ્યા કરે છે. એક ખુરશીની આસપાસ સત્ય અને કલ્પના દોડ્યા કરે છે. ઘડીમાં સત્ય ખુરશી ઉપર બેસી જાય છે; ધડીમાં કલ્પના.

અચલ કવિ હતો – કહો કે સાહિત્યકાર હતો. કવિઓને હવે એકલી કવિતા લખે પરવડતું નથી. સત્ય એ કે એનો દેહ હતો હાડમાંસનું જ માળખું. પરંતુ એ કવિતા લખતો, વાર્તા લખતો; લેખ લખતો; એટલે એના નામની આસપાસ, એના દેહની આસપાસ, એના મુખની આસપાસ વાચકજનતાએ કલ્પનાના અનેક રંગો રંગી, અચલ જાણે એક મેઘધનુષ્યની કણકમાંથી બનાવેલો માનવી હોય એમ ધારી લેવા માંડ્યું, અને એમાંથી સોના નામની એક કિશોરી કે યુવતીએ તે એ રંગીન કવિ અચલને પોતાનું જીવન સમર્પી દીધુ.

જીવનસમર્પણનો અર્થ પત્ની બનવું ! નહિ? પત્ની બન્યા વગર સ્ત્રીથી જીવનસમર્પણ થાય જ નહિ એવી સૃજનજૂની માન્યતા હજી છેક જૂની બની ગઈ નથી. અચલને પણ એમાં કશી હરકત દેખાઈ નહિ. કવિની આંખને સ્ત્રી માત્ર સારી દેખાય છે, એટલે એ બિચારા કોઈ કોઈ વાર વગોવાય છે પણ ખરા; અને સ્ત્રી, આંખને દેખાય છે એવી જ સારી છે કે કેમ એની ખાતરી કરવા પોતાના પ્રત્યે આકર્ષાયલી કોઈ પણ સ્ત્રીને સંકેત-અવલંબનરૂપે વળગી તેનું પતિત્ત્વ કવિઓ પણ સ્વીકારી લે છે.

આમ અચલ અને સોના પતિ પત્ની બની ગયાં. બીજાઓ તો તેમને અભિનંદન આપે જ, શા માટે નહિ? જ્યારે જિંદગી જ જુગાર છે ત્યારે જિંદગીનાં મુખ્ય તત્વો પણ જુગારનાં જ પગલાં હોય ને ? તેમાં યે લગ્ન સરખો રોમાંચક જુગાર બીજો એકે ન જ હોય. લગ્નજીવનમાં સત્ય અને કલ્પના એકબીજેની પાછળ ખૂબ ઝડપથી દોડે છે, વાદ્ય પણ ઊંચામાં ઊંચા સપ્તકે પહોંચી વાગે છે, અને સત્ય તથા કલ્પના એકબીજાની સાથે ઝઘડી ઊઠી, અંચઈનો આરોપ પરસ્પર મૂકી એકબીજાંને ખુરશી ઉપરથી ઉઠાડી મૂકવાની ખેંચાખેંચી પણ કરે છે. લગ્નમાં કાન ફાડે એવાં વાજાં વગાડવાનો વર્તમાન રિવાજ બહુ જ ઉચિત – સૂચક છે. લગ્નમાં બનતું ઘણું ઘણું જોવા-સાંભળવા લાયક ન પણ હોય.

લગ્ન પછી થોડા માસ તો દંપતીજીવનમાં સ્વર્ગ ઊતરી આવે છે. પછી એ સ્વર્ગ નિત્યનું બની જાય છે, એટલે ચાલુ સ્વર્ગના ફરનિચર-કાટમાળમાં સુધારાવધારો અને ફેરફાર જરૂરી બની જાય છે. એક દિવસ સોનાએ પૂછ્યું :

'અચલ ! તું મારું નામ કેમ બદલતો નથી ?' ઘણી પત્નીઓ લગ્ન પછી પતિ પાસે પોતાનું નામ બદલાવવા ઈચ્છે છે.

‘શા માટે બદલું ? આવું સરસ નામ છે ને?' અચલે કહ્યું.

'શું સરસ? સોના તે કાંઈ નામ છે? જૂનું પુરાણું.'

'સોનેરી શરીર, સોનેરી સ્વચ્છતા, સોનેરી ચમક. નામ કોઈને પણ શોભતું હોય તો તેને જ શોભે છે. સોના...! બોલતાં જ હૈયું હલી જાય છે.' અચલે કહ્યું.

'મારા મનમાં કે તું કવિ કે લેખક છે એટલે મારું નવું નામ પાડીશ. અલકનંદા, બકુલાવલી, ઉન્મેષા, પદ્મજા.. કે એવું કાંઈ...'

'નહિ, નહિ, નહિ. બે અક્ષરનું નામ હોય તે કોઈએ બદલવું જ નહિ. કાદંબરીના આખા વાક્ય જેવડું નામ હોય તો ય અંતે તેને બે અક્ષરી જ બનાવવું પડે. મારું જ નામ તું કેવું બગાડી મૂકે છે?...બે અક્ષરમાં લાવવા માટે?'

સોનાનું નામ સોના જ રહ્યું : પતિ કવિ અને લેખક હોવા છતાં !

દિવસો તો વહ્યા જ જાય ! સમય સર્જાયો જ છે પસાર થવા માટે. એમાં બને ઘણું ઘણું; પણ આપણને બનાવોની ખબર જ ઓછી પડે. કવિતા લખવા છતાં કવિઓ પિતા પણ બની શકે છે એ ભૂલવા સરખું નથી.અચલ એક પુત્રીનો પિતા પણ બની ચૂક્યો, અને પિતા તરીકેના ભાવને સુંદર શબ્દોમાં ઉતારતું એક કાવ્ય પણ તેણે લખી નાખ્યું, જેની ચારે પાસ પ્રશંસા થઈ. પ્રશંસાના પત્રો વાંચતાં વાંચતાં સોનાએ હસીને કહ્યું :

'અચલ ! તેં છોકરીની તો કવિતા લખી. પણ..'

‘પણ શું ? તને ન ગમી, સોના?'

'મને બહુ ગમી. જાણે મારું જ મન તેં શબ્દમાં ઉતાર્યું. પણ... તેં મારા ઉપર એક કવિતા ન લખી ! એમ કેમ?'

'તારા ઉપર ? કવિતા? મેં જે પ્રેમકવિતાઓ લખી છે, જે પ્રેમમૂર્તિઓ મેં સર્જી છે, એમાં કાંઈ ને કાંઈ તારી ઝાંખી તો ખરી જ.'

'મને સારું લગાડવા જૂઠું બોલવાની જરૂર નથી.'

'તો સાચી વાત કહું? તારે માટે, તને ઉદ્દેશીને મેં એકે કવિતા ન લખી એનું સાચું કારણ...'

'કહે, અટકે છે કેમ?'

‘તું, તારું સૌંદર્ય અને તારા પ્રત્યેની મારી ઊર્મિ, શબ્દોથી– કવિતાથી પણ પર છે. તેને જોઉં, તને યાદ કરું, એ જ તારી કવિતા.'

સોનાને અચલની દલીલ બહુ ગોઠી નહિ. પતિ પાસે કાવ્યરૂપી ખંડણી તેને જોઈતી હતી.

કવિ કવિતા લખે, સાહિત્યકાર લેખો લખે. તેમના પ્રત્યે લોકોને એક પ્રકારનો સદ્ભાવ થાય એ બધું ઠીક છે. તેમની કૃતિઓની પ્રશંસા થાય તે કવિપત્નીને ગમે પણ ખરી. ભારતમાં કવિઓ અને સાહિત્યકારો પ્રતિષ્ઠા કદાચ પામે, પણ સંપત્તિ પામતા નથી એ જાણતી વાત છે. ધનપતિના બંગલા અને મોટરકાર, અમલદારની આસપાસ ઊડતા સત્તાના ફુવારા અને પ્રધાનોની આસપાસ ફરી વળતાં માનવટોળાંના જયપોકાર સાહિત્યકારનું નહિ, તોય તેની પત્નીનું ધ્યાન જરૂર ખેંચે છે.

'અચલ ! આજ ભાષણ કરવા પગે ચાલીને જવાનો હોઈશ, ખરુંને ?' અચલને વ્યાખ્યાનો આપવા માટે ઘણાં આમંત્રણો મળતા એવું એકાદ આમંત્રણ સોનાના ધ્યાનમાં આવતાં તે હસીને પૂછતી.

કોઈ કોઈ વાર અચલને તેડવા માટે મોટરકાર આવતી : પણ તે કોઈ શેઠિયાની મિલમાંની ગાંસડીઓ ભરી જવા માટેની, હૉર્ન વગરની. ચાર જગાએ વિશ્રામ પામતી મોટરકાર મોટે ભાગે હોય. કદાચ ગાડી આવે તો પગે ખોડવાળા ઘોડાથી દોરાતી, પૈડાંના અડધા રબરને લટકાવતી, ફાનસ વગરની હોય. ઘણું ખરું સાહિત્યકારો માટે પગે ચાલવું જ સલામતી ભરેલું હોય છે.

‘રાહ જોઉં છું. કોઈ વાહન નહિ આવે તો પગે ચાલતો જઈશ.' અચલે જવાબ આપ્યો.

અચલની ટપાલ ઘણી ભારે હતી. વર્તમાનપત્રો. માસિકો, વાર્ષિકોના થોકડા તો આવી પડતા હોય જ; ઉપરાંત, લેખ લખવા માટેના આગ્રહભર્યા પત્રો પણ સારા પ્રમાણમાં આવતા. વળી, તેના સાહિત્યની ચર્ચા કરતાં પત્રો પણ સારા પ્રમાણમાં આવતા. અચલના પાત્રનું સ્ખલન એ એના પોતાના જીવનનો પડઘો છે કે કેમ ? અમુક સ્ત્રી પાત્રને તેના પ્રેમી સાથે ન પરણાવી હતી તો વધારે ન્યાય સર થાત કે નહિ? તેના વિચારો પ્રગતિશીલ ગણાય કે નહિ? આવા આવા ચર્ચા માગતા પત્રો પણ તેના ઉપર આવતા. કોઈ પ્રાથમિક પ્રયત્ન કરતો લેખક સૂચના અને આશીર્વાદ પણ માગે. લગ્ન-ઉત્સુક વાચકો તેની પાસે મંગલાષ્ટકોની માગણીઓ કરતા, અને કેટલાક પત્રો લેખ નહિ તો પ્રેરણાત્મક સંદેશા પણ માગતા.

'આજની ટપાલ તો ઘણી જ ભારે છે, અચલ !' પત્રો વાંચવામાં મશગૂલ બનેલા અચલને સોના કહેતી.

'હા.' સોનાના કથનમાં રહેલા કટાક્ષને સમજી અચલ એકાક્ષરી ઉત્તર આપતો, ‘પણ એમાં એકે ચેક નહિ હોય.'

'આ મહિને તો લગભગ સો રૂપિયાના ચેક આવી ગયા છે.'

‘ઘણી ભારે રકમ મળી, ખરું ?'

'જે જીવનમાર્ગ લીધો એનાં સુખદુઃખ સ્વીકારવાં જ રહ્યાં ને?'

'સુખ અને દુઃખ હોય તો સ્વીકારવા હરકત નહિ; પણ આ તો એકલું...'

'દુઃખ છે, એમ ને? સોના ! મેં તને કેટલી ના કહી હતી કે તું મારી સાથે લગ્ન ન કરીશ? કવિઓ અને લેખકોનાં જીવન મૃગજળ સરખાં હોય છે.'

‘મૃગજળ તો આંખે દેખાય પણ ખરું !'

'સોના ! મંથન કરું છું. મજૂરી કરું છું. ઉજાગરા પણ કરું છું. આ સાહિત્યજીવનમાં સમૃદ્ધિ હોતી જ નથી. હવે ચીલો બદલવા માટે પણ તક નથી, સોના !'

'દુ:ખ ન કરીશ. અચલ ! હું તો અમસ્તી જ કહુ છું, હસવા માટે.' સોનાએ વાત ફેરવી. બોલ વાગે છે એમ એ જાણતી હતી. વધારે સુખ, ચમક અને સગવડ મળે એમ એ ઈચ્છતી હતી જરૂર. સાહિત્ય આપે તો માત્ર પ્રતિષ્ઠા : એનો અર્થ પૂરોપૂરો એ લગ્ન પહેલાં સમજી શકી ન હતી. હવે એણે અર્થ ઉકેલ્યો; પણ એ ગમ્યો નહિ, સાહિત્ય, ધન અને સત્તા ત્રણેનો ત્રિભેટ જેનામાં હોય એ પુરુષ આદર્શ પતિ બની શકે એવી અસ્પષ્ટ કલ્પનાને એ સતત દબાવી રાખતી હતી.

જીવંત માનવીનું વય કાળ જરૂર વધારે જાય છે. સોના, અચલ અને એની પુત્રી મોટાં થયે જતાં હતાં હતાં. અચલની લખેલી કવિતાઓ અને વાર્તાઓ પણ વધતી જતી હતી, પરંતુ એમાંથી એવું ધન મળતું નહિ કે જે બંગલાની, મોટરકારની અને પહેલા વર્ગની મુસાફરીની સગવડ આપી શકે. તુલના કરતાં સોનાના હૃદયમાં સતત પ્રશ્ન ઊઠતો: શું સારું ? સાહિત્યપ્રતિષ્ઠા કે સગવડભર્યું વાતાવરણ? ગરીબી કે ધન ? ધનની તરફેણમાં ઘણી વાર તુલા નીચે નમતી. સફળ સાહિત્યકારને પતિ તરીકે સ્વીકારવાને બદલે એક સફળ ધનપતિને કે એક સફળ અમલદારને તે પરણી હોત તો વધારે સારું થાત એમ ઝાંખી, ભૂંસી નાખવાપાત્ર ભાવના કોઈ કોઈ વાર તેના હૃદયમાં તરી આવતી ખરી.

અચલે એક વીરરસભરી વાર્તા લખી. વાચકો એ વાર્તા ઉપર ફિદા થઈ ગયા. યુવતીઓએ તેના ફોટોગ્રાફ મંગાવ્યા, હસ્તાક્ષર માગ્યા અને અનેક યુવકો અચલ તરફ આંગળી ચીંધી તેને ઓળખવા-ઓળખાવવા લાગ્યા. વિવેચકોએ પ્રશંસા વર્ષાવી અને એક સંસ્થાએ અચલને ઈનામ પણ આપ્યું–જેની કિંમતમાંથી ચાર માસની ચા પણ ન નીકળે ! સાહિત્યકારોને મળતાં ઇનામ માત્ર સંકેત રૂપ જ હોય છે.

સોનાને આ પ્રતિષ્ઠા ગમી ખરી; પરંતુ એ પ્રતિષ્ઠા તેને ભાગ્યે જ દુનિયાની એકાદ સગવડ પણ આપતી હોય. અચલની પત્ની તરીકે તેને નમસ્કાર ઠીકઠીક મળતા, સભાઓમાં આગળ બેસવાનો આગ્રહ પણ તેને થતો. ત્રીજા વર્ગની મુસાફરીમાં કોઈ ભણેલી, અર્ધભણેલી અચલના નામને ઓળખતી સ્ત્રી હોય તો બેસવાની જગા કરી આપે. કદી યુવકયુવતીવૃંદ અચલની પત્ની તરીકે આશ્ચર્ય ભાવથી તેને નિહાળી પણ રહે તેથી વધારે સાહિત્યકારની પત્નીને શું મળી શકે?

સોના ખરેખર એક સત્‌પત્ની હતી. સાહિત્યકાર પતિની આસપાસ એણે ઊભી કરેલી કલ્પનાના રંગ ફટકી જતા હતા. અને સત્ય એટલે સાહિત્ય તથા સાહિત્યકાર માટે તિરસ્કાર કે અણગમો તો નહિ; પરંતુ એક પ્રકારનું છાપણું–લઘુતાગ્રંથિ તેના હૃદયને કોર્યા કરતી હતી એમાં જરા ય સંદેહ નહિ. છતાં અચલને તે દુઃખ દેતી હતી એમ કહેવું સોનાને અન્યાય કરવા બરાબર ગણાય. માત્ર પોતાની કલ્પનાના બીબામાં દિવસે દિવસે અચલ નાનો પડતો જતો હતો, અને કોઈ કોઈ વાર એ સત્ય તેની પાસે એવાં વાક્યો ઉચ્ચારાવતું કે જે સોનાના માનસને અચલ આગળ પૂર્ણ રૂપે પ્રતિબિંબિત કરતું.

'તારી છેલ્લી વાર્તા બહુ વખણાઈ, અચલ !' સોનાએ કહ્યું.

'હા.' અચલે કહ્યું. ઘણી વાર અચલ સોના સાથે લંબાણથી વાતચીત કરતો નહિ, અને ઘરમાં પોતાની અવરજવર પણ અનિયમિત બનાવવાનું અચલે શરૂ કર્યું હતું.

‘વખાણ સર્વથા સાચાં હોય ખરાં ?'

'ના, જરા ય નહિ.'

સોના સહજ હતી. એના હાસ્યમાં કોઈ ગૂઢ પ્રશ્ન હતો. કદાચ અચલ એ પ્રશ્ન સમજી પણ ગયો હોય; પરંતુ એણે પ્રશ્ન કે ઉત્તરનું સૂચન ન કરતાં પોતાની નવી વાર્તા શરૂ કરી. પતિપત્નીના સંબંધ કોઈ કોઈ વાર હરીફાઈના સંબંધ બની જાય છે, અને એ હરીફાઈ માનસિક કે શારીરિક યુદ્ધે ચડે ત્યારે સમાજ છૂટાછેડા પુકારે છે. બહુ ઓછું બોલતા કટાક્ષને ન ગણકારતા, કલ્પનાના બધા રંગોમાં બંધ બેસતા ન આવતા, પ્રશ્નોત્તરીમાં ઊતરી પત્નીનો વિજ્ય ન સ્વીકારતા પતિને આર ઘોંચી ઉશ્કેરવાનું મન કોઈ પણ પત્નીને થાય એમાં નવાઈ નહિ. સોનાએ પૂછ્યું.

'વખાણ સાચાં નહિ તેમ વાર્તા પણ સાચી નહિ; ખરું ?'

'એટલે ?'

'તેં જે વીરરસભર્યાં પાત્રો સર્જ્યાં છે એ સાચાં નહિ જ ને?'

'જૂઠાં તો નહિ જ.'

'મને એમ કહે ને કે તેં જે વીરતા વર્ણવી છે એમાંની તું કયી વીરતા બતાવી શકે?'

'સોના તારું કહેવું સાચું હશે. લેખક તરીકે તે મારી ચીતરેલી છબી કરતાં હું વધારે કદરૂપો નીવડ્યો છું...પણ વિચાર, ભાવના, કલ્પના જ સત્યને ઘડે છે એવી મારી તો ખાતરી થઈ ગઈ છે...' સૌમ્યતા અને બળ વચ્ચે ઝોલાં ખાતા અચલે કહ્યું.

'ખોટું લાગ્યું ? વાતવાતમાં આવો રિસાળ કેમ બની બેસે છે ?'

'ખોટું મને તારા ઉપર નહિ, મારા ઉપર લાગે છે. તું માગે છે એવો હું કેમ બની શકતો નથી?'

'તારા ઉપર કશું લઈ લઈશ નહિ. હું તો માત્ર એ જ જોયા કરું છું કે સત્ય વિચારને, ભાવનાને અને કલ્પનાને મરડી મચડી કદરૂપાં બનાવી દે ખરાં..અને કલ્પનાએ ચીસ પાડી શું ? આવડી મોટી ?...'સોનાની વાત અટકાવતી પુત્રીની ચીસ સાંભળી અચલ અને સોના બને ક્ષણભર કંપી ઊઠ્યાં. પુત્રીનું નામ સોનાએ કલ્પના પાડ્યું હતું, અને નામનવીનતાનો પોતાનો શોખ પુત્રીમાં પૂર્ણ કર્યો હતો.

ચીસની પાછળ આખા ઘરમાં ઝબકારો ફેલાવતો પ્રકાશ વ્યાપી ગયો. ઘર ઘણું નાનું હતું. મહેલાતોનાં વર્ણન આપતાં લેખકેના ઘર હથેલી કરતાં મોટાં હોતાં નથી, એક ઓરડી મૂકી બીજા ખંડમાં દોડીને પ્રવેશ કરવા માગતાં પતિપત્નીએ જોયું કે બાળકી કલ્પના એક અગ્નિભડકામાં ઘેરાઈ ગઈ હતી. શાથી આગ લાગી એનો વિચાર કરવાનો સમય જ નહોતો. અગ્નિભડકામાં પેસી શકાય કે કેમ એનું નિરાકરણ કરવા માટે એક ક્ષણ પણ મળે એવી નહોતી. દોડીને અગ્નિમાં કૂદવા જતી સોનાને હાથ વડે રોકી અગ્નિચક્રમાં અચલે પ્રવેશ કર્યો. બળતી કલ્પનાને ઊંચકી પોતાના દેહ સાથે ચાંપી, ઢાંકી, એ વીજળીની ઝડપે બહાર આવ્યો. પાસે પડેલા ગોદડાંવડે એણે કલ્પનાનાં બળતાં કપડાં હોલવી નાખ્યાં. તેના પોતાનાં સળગેલાં કપડાં, હોલવવા મથતી સોનાને દુર ખસેડી તેને ખેંચી કલ્પનાને લઈ તે બહારના ખંડમાં દોડી આવ્યો, અને આવતાં બરોબર બેભાન બની જમીન પર પટકાઈ પડ્યો. પડતે પડતે એણે જોયું કે કલ્પનાની આંખમાં જીવન છે અને અનેક માણસો ખંડમાં ભેગાં થઈ ગયાં છે. સોનાને પણ તેની આંખે ખોળી કાઢી અને અનેક માણસોને સચેત બનાવતો આ લેખક ભાનવિહીન બની ગયો. એનું સત્ય અને એની કલ્પના અને એની ભાવવિહીનનામાં ડૂબી ગયાં.

એ જાગ્યો ત્યારે મોટા દવાખાનાના એક ખાટલામાં પોતે સૂતો હતો એમ તેને ભાસ થયો. ડોકટર, નર્સ અને સોનાની આંખો તેના મુખ પર ત્રાટક કરી રહેલી એણે જોઈ.

'સોના ! કલ્પના ક્યાં ? હું અહીં ક્યાંથી ?'અચલે બહુ જ ધીમેથી પૂછ્યું.

અને સોનાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો રેલાયા. એકાએક અચલને ખ્યાલ આવ્યો કે તે તો કલ્પનાને દાઝતી બચાવતાં દાઝ્યો હતો.

'કલ્પનાને લાવો. નહિ તો જિવાશે નહિ.' અચલે કહ્યું. દાઝેલી કલ્પનાને લઈ સોના આવી. અચલે તેને પાસે લેવા ઈચ્છા કરી. ન હાથ ઊપડ્યો, ન પગ ઊપડ્યો, ન શરીર ઊંચકાયું. અચલ પોતે કેટલી ભયંકર ઈજા પામ્યો હતો તેનો એને પોતાને છેક હવે ખ્યાલ આવ્યો. કલ્પનાને આંખથી જ સ્પર્શી અચલે આંખ મીંચી દીધી. ભાન ભૂલતાં ભૂલતાં તેણે ડૉક્ટરનો પુરુષકંઠ સાંભળ્યો :

'હવે કહી શકાય કે એ ભયમુક્ત છે.'

'એમ? ચોકસ ?' સોનાનો અવાજ સંભળાયો.

'સોએ સો ટકા. અચલકુમારની પાછળ તમને અમારાથી બળવા દેવાય ?' ડૉક્ટરે હસીને કહ્યું.

અચલને સારું નહિ થાય તો પોતે તેની પાછળ આપઘાત કરશે એવી સોનાની ધમકી ડૉક્ટરે યાદ કરી.

હવે અચલ નિત્ય જાગવા માંડ્યો–વધારે અને વધારે સમય સુધી. દાઝી ગયેલા તેના હાથ, પગ, છાતી અને મુખ તેને બહુ જ પીડા કરતાં હતાં. અસહ્ય પીડા સહન કરવાની શક્તિ કુદરત દર્દીને આપી દે છે; પરંતુ દર્દીની સારવાર કરનારની આંખે એ પીડા સહી જતી નથી. સોનાને રોજ ચોધાર આંસુએ રોવું પડતું.

'સોના ! આમ રડી રડીને તું કેવી દૂબળી પડી ગઈ છે?' અચલ કહેતો.

'તારી પીડા મારા ઉપર પડો એવું હું રોજ પ્રભુ પાસે માગું છું.' સોનાએ કહ્યું.

'કારણ? એ શી ઘેલછા ?'

'અચલ મને પ્રાણ કરતાં પણ વધારે વહાલો છે માટે.'

અચલ થોડી વાર આંખ મીંચીને સૂઈ રહ્યો. જરી વાર રહી તેણે આંખ ઉઘાડી. હાથેપગે તો પાટા હજી બાંધેલા જ હતા. થોડા ભાગ ઉપર આછું દઝાયાથી રૂઝ આવી ગઈ હતી. પાટો છૂટ્યો હતો છતાં ધોળાશભર્યા ચાઠાં દેહ ઉપર દેખી શકાય એવાં હતાં. આંખ ઉઘાડતાં તેની આંખ એવાં એકબે ચાઠાં ઉપર પડી અને અચલની આંખમાં તિરસ્કાર અને મુખ ઉપર તિરસ્કારભર્યું સ્મિત સોનાએ નિહાળ્યાં.

'કોને હસે છે તું ?' સોનાએ જરા આશ્ચર્યથી પૂછ્યું.

‘અચલના દેહને ! અને દેહના બચાવનારને !' અચલે કહ્યું.

'બચાવનારને ભલે તું હસે ! મારા અચલના દેહને કોઈ હસશે તે હું સાંખીશ નહિ.' સોના બોલી.

'હું જાતે મને હંસુ તો ય નહિ ?' અચલે પૂછ્યું.

‘ના; અને તારામાં હસવા જેવું છે શું ?'

'અગ્નિએ દેહ ઉપર કેટલાં ય કદરૂપાં ચાઠાં પાડ્યાં હશે !'

'કદરૂપાં ચાઠાં ? અચલ ! માનવી તને કાંઈ આપી શક્યો નહિ, એટલે કુદરતે તને સોનારૂપાના ચાંદથી ભરી દીધો. મને બહુ ગમે છે...'

'કોણ? હું કે ચાઠાં ?' 'તું, ચાઠાં સાથે ! '

'દીકરીને દાઝતી બચાવી એ વીરત્વ માટે ?'

'હા. અને એ સિવાયના કૈંક અજાણ્યા વીરત્વ માટે.'

'મને ખબર નથી મારું બીજું વીરત્વ.'

'દવાખાનામાંથી આપણે ઘેર જઈએ એટલી જ વાર છે. પછી હું તને તારી બધી વાર્તાઓ કહી સંભળાવીશ.'

'મારી વાર્તા ? એકાદ-બે તો કહે ?'

'તને જોવા આવનાર સેંકડો માણસો તારી સેંકડો વીરવાર્તા મને કહી ગયા છે. તારી સારવાર કરનાર ડૉકટરને તેં જીવને જોખમે ડૂબતા બચાવ્યા હતા.

'એમ ?' અચલે અજ્ઞાન દર્શાવ્યું.

'અને પેલાં નર્સ બહેન શું કહેતાં હતાં ? એક વર્ષ સુધીના તારા એક ટંક ભોજનનો ખર્ચ એ એમના ભણતરની કિંમત...'

'ઓહો ! મને ખબર નથી...'

'અચલ ! તારી સાચી ખબર મને જ ન હતી. હવે હું કદી નહિ પૂછું કે તું તારી વાર્તાનો એકાદ વીર પ્રસંગ જીવી શકે કે નહિ !'

'સોના ! મને ભય છે કે આ અપંગ બનેલા હાથે હવે મારાથી એકે વાર્તા લખાશે નહિ. બન્ને જૂઠા પડી જતા લાગે છે.' શોકની છાયા અચલના મુખ ઉપર ફરી વળી.

'મારા હાથ કોને માટે છે? તું બોલજે, અને હું લખીશ.' દ્રઢતાપૂર્વક સોના બોલી.

'મને લાગે છે. સોના ! ...કે વૈશ્વાનરે* મારી કલ્પનાને પણ બાળી મૂકી હોય..' અચલ બોલ્યો. ગર્જના કરતા મેઘની ચમક મેઘમંડલમાં જ સમાઈ જતી હોય એવું નિષ્ફળતાસૂચક ખાલીપણું અચલની વાણીમાં અવતર્યું.


  • વૈશ્વનર અગ્નિ

'તો ય શું ? તારી માંદગીમાં તારા વીરત્વની મેં એટએટલી વાતો સાંભળી કે હું જીવનભર અચલ બનીને તારી જ વાર્તાઓ લખીશ તો યે ખૂટશે નહિ.'

'તું અચલ બનીશ ?...પછી હું શું બનીશ?' સહજ હસી અચલ બોલ્યો.

'હું તને મારી સોના બનાવી મારા હાથમાં રાખી ફરીશ... જેમ તેં મને રાખી છે તેમ...'

'સોના !...' અચલની આંખમાં કદી ન દેખાયેલાં અશ્રુઆકાર ધારણ કરી રહ્યાં.

અચલથી તો પોતાને હાથે અશ્રુ પણ લુછાય એમ ન હતું. સોનાએ અચલનાં અશ્રુ લૂછતાં લૂછતાં પોતાનાં અશ્રુ પણ મુખફેરવી લૂછી નાખ્યાં.

પડદા પાછળથી ડોકિયું કરતાં ડૉકટરે કહ્યું :

'જે સારવાર કરનાર દર્દીને રડાવે એને દર્દી પાસે બેસાડાય નહિ.'

'મારી ભૂલ થઈ, ડૉકટર' સોનાએ કહ્યું અને પોતાના મુખને પી જતી અચલની આંખોમાં સોનાએ પોતાની દ્રષ્ટિ ઢાળી દીધી.

કલ્પના અને સત્ય એક બની જાય એવી એ ક્ષણ હતી. એ ક્ષણોને લંબાવતાં આવડે તો આખું જીવન કલ્પના અને સત્યની હરીફાઈ મટી તલ્લક છાયો બની જાય.

અચલની આંખો બોલી ઊઠી :

'સોના ! તારા ભેગાં જીવી શકાશે– હું અપંગ હોઈશ તો ય.'

સોનાનું હૃદય ગર્વથી ફૂલ્યું. એણે પતિની પસંદગીમાં ભૂલ કરી ન હતી. એના કલ્પનાવર્તુલ કરતાં પણ સત્ય અચલ વધારે મોટો લાગ્યો- તે ધનિક કે સત્તાધીશ ન હતો છતાં !