દીવડી/સ્ત્રીની કિંમત કેટલી?

વિકિસ્રોતમાંથી
← ડુંગરિયે દવ દીવડી
સ્ત્રીની કિંમત કેટલી?
રમણલાલ દેસાઈ
૧૯૫૪
મંદિરનું રક્ષણ →






સ્ત્રીની કિંમત કેટલી ?


સ્ત્રીની કિંમત કેટલી? હું એક બળવાન પુરુષ છું એમ જ્યારથી મને લાગવા માંડ્યું ત્યારથી આ પ્રશ્ન મારા મનમાં વારંવાર રમ્યા કરતો હતો.

'ત્યારે પુરુષની કેટલી કિંમત ?' હું કૉલેજમાં ભણતો હતો ત્યારે વિલાસિનીએ મને આવા પ્રશ્નના જવાબમાં સામો પ્રશ્ન કર્યો. વિલાસિની બે વર્ષ મારી પાછળ હતી, છતાં કૉલેજની નાનીમોટી સભા અને મેળાવડામાં અમે મળતાં. સ્ત્રી અને પુરુષના સમાન હક્ક, સ્ત્રીઓને પુરુષજાતિએ કરેલા અન્યાય, સ્ત્રીઓની પુરુષોને થતી ઈર્ષા અને સ્ત્રીઓને મિલકત માનવાની પુરુષની ટેવ વિષે મિત્રોમાં ખૂબ ચર્ચા ચાલતી. અંગ્રેજી ભણતરની શરૂઆતથી આ ચર્ચા ઓછા વધતા પ્રમાણમાં ચાલી આવે છે અને એમાં પક્ષો બંધાઈ ઠીક ઠીક ઉગ્ર વાદવિવાદ પણ થયા કરે છે; જેમાંથી કદાચ મૈત્રી પણ બંધાય અગર પરસ્પર અણગમો પણ ઉત્પન્ન થાય. વાદવિવાદનું મારું ધોરણ એવું હતું કે મારા પ્રત્યે ઘણું ખરું વિદ્યાર્થિનીઓને અણગમો ઉત્પન થાય.

એવા એક વાદવિવાદના પ્રસંગે મેં પ્રશ્ન કર્યો : 'સમાન હક્કની બધી વાત ઠીક છે; પણ અંતે સ્ત્રીઓની કિંમત કેટલી ?'

વિલાસિનીએ મને સામો પ્રશ્ન કર્યો : 'ત્યારે પુરુષોની કિંમત કેટલી ?'

'હું પુરુષોની કિંમત ગણાવી જઉં. વીસમી સદીમાં સ્ત્રીઓ અને પુરુષોને સરખા રાજદ્વારી હક મળ્યા છે. કહો, કેટલી સ્ત્રીઓ લૉઈડ જ્યોર્જ, કૈસર, હિટલર, ચર્ચિલ કે સ્ટાલીન બની ? અરે, આપણે હિંદુસ્તાનમાં જ જુઓ ને ? નેહરુ, વલ્લભભાઈ, સુભાષની સાથે મૂકી શકાય એવી એક સ્ત્રી પણ બતાવો ને ?'

'સરોજિની નાયડુ...' કોઈક યુવતીકંઠમાંથી સૂર સંભળાયો.

'હું જાણતા જ હતો કે જેમાં તેમાં એક સરોજિની નાયડુને તમે આગળ કરશો. પણ એની સામે મૂકી શકાય એવા કેટલા પુરુષ છે એનો તમે ખ્યાલ કર્યો? સુરેન્દ્રનાથ, ફિરોજશાહ, ગોખલે, તિલક, ગાંધી, લજપતરાય, ટાગોર એવાં એવાં નામ વચ્ચે એકાદ સોજિની નાયડુ આવે એથી સ્ત્રીઓની કિંમત વધી જતી નથી.' મેં કહ્યું, અને વાદવિવાદ ખૂબ ઉષ્ણતાભર્યો બન્યો. રાજાઓ પણ પુરુષો, લડવૈયા પણ પુરુષો, સેનાપતિઓ પણ પુરુષો, મુત્સદ્દીઓ પણ પુરુષો, કવિઓ પણ પુરુષો અને કલાકારો પણ પુરુષો : એ વસ્તુસ્થિતિ પુરુષ પક્ષે લગભગ સાબિત કરી અને મેં તેમાં ઉમેર્યું :

'અરે એટલું જ નહિ, પાકશાસ્ત્રમાં પણ પ્રાવીણ્ય કોઈએ મેળવ્યું હોય તો તે પુરુષોએ. પાકશાસ્ત્રનો ઇતિહાસ તપાસો.'

'તે તને રસોઈ કરતાં આવડે છે ?' વિલાસનીએ બહુ ગુસ્સે થઈને પ્રશ્ન પૂછ્યો. તેનું ચાલત તો તે મને છૂટી ચોપડી મારત એટલે ગુસ્સો તેના મુખ ઉપર હું જોઈ શક્યો. મેં કહ્યું :

'અંગત વાત જવા દો. સરોજિની નાયડુની માફક મને એક અપવાદ ગણી લેશો. હું તો માત્ર પુરાવા રજૂ કરું છું. અને તેમાં સ્ત્રીઓની ઊતરતી જ નહિ; પરંતુ બહુ નીચી કક્ષા કેમ છે તેનો વિચાર જ કરવા હું સૂચવું છું.'

'સ્ત્રીઓને પશુપક્ષીઓની માફક આત્મા જ હોતા નથી એવી પણ સંભાવના છે.' એક પુરુષ વિવાદીએ કહ્યું.

અને પછી તો અમારી સભા ભાંગી પડી, અત્યંત બૂમાબૂમ થઈ રહી, બેત્રણ છોકરીઓએ રીસમાં ને રીસમાં રડવા પણ માંડ્યું અને હું કૉલેજમાં રહ્યો ત્યાં સુધી ફરી આવી વિવાદસભા થઈ શકી નહિ. પ્રયત્ન કર્યા છતાં વિદ્યાર્થિનીઓએ ચર્ચાસભામાં હાજરી આપવાની જ ના પાડી. બળવાન પુરુષ આમ રિસાઈને અળગો રહ્યો ન હોત; એ જરૂર માથે પડી આવી સભા સર કરી શક્યો હોત.

‘ત્યારથી મારો પ્રશ્ન બહુ તીવ્ર બન્યો:

'સ્ત્રીની કિંમત કેટલી ?'

છતાં એ ઉગ્ર પ્રશ્ને મારું લગ્ન થતું અટકાવ્યું નહિ અને આશ્ચર્યની વાત તો એ હતી કે આવા વિવાદમાં મારો સતત સામનો કરનાર વિલાસની સાથે જ મારું લગ્ન થઈ ચૂક્યું ! લગ્ન કોનાં, કોની સાથે, કેમ થાય છે એ પ્રશ્ન કોઈએ પૂછવો જ નહિ. એ રહસ્ય કદી ઊકલ્યું નથી અને કદી ઊકલવાનું પણ નથી. સ્ત્રીઓની ઊતરતી કક્ષા છે એમ મારું વાચન અને મારી બુદ્ધિ અને વારંવાર કહેતાં હતાં, છતાં સ્ત્રીઓ મને ગમતી ન હતી એમ તો મારાથી કહી શકાય નહિ. ઘણી યે વાર હુ રૂપાળી યુવતીઓ સામે જોઈ રહેતો–જે કદાચ યુવતીઓને પણ ગમતું હોય એમ મને લાગ્યું. રૂપાળી સ્ત્રી છબીઓ અને સ્ત્રીમૂર્તિઓ પ્રત્યે મારું લક્ષ ખેંચાતું હતું જરૂર; પરંતુ એ ખેંચાણ હોવા છતાં મને એમ તો જરૂર લાગતું કે પુરુષની કિંમત સ્ત્રી કરતાં વધારે છે, અને જ્યારે વિલાસિની સાથે મારું લગ્ન લગભગ નક્કી થયું ત્યારે હસતાં હસતાં મેં વિલાસિનીને પૂછ્યું પણ ખરું : 'વિલાસ ! લગ્ન માટે મારી ના નથી, પરંતુ મારા વિચારો તો તારી જાણમાં જ છે ને ?'

'ક્યા વિચારો?' જાણે કૉલેજના અમારા ઉગ્ર વાદવિવાદ સમૂળગા ભુલાઈ ગયા હોય એમ વિલાસિનીએ મને સામે પૂછ્યું.

'કેમ ? ભૂલી ગઈ એટલામાં ? સ્ત્રીઓની કિંમત વિષેના મારા વિચારો...' મેં કહ્યું. પરંતુ મારું વાક્ય પૂરું ન થવા દેતાં વિલાસ વચમાંથી જ બોલી ઊઠી :

'હાં, હાં...એ બધું તો ઠીક છે. પત્નીને મારઝૂડ કરવાની ઉમદા કક્ષાએ તો તારું પુરુષત્વ નથી આવ્યું ને?'

અમે બન્ને એ પ્રશ્નો ઉપર ખૂબ હસ્યાં. હસવા જેવું ન હોય ત્યાં માનવી ઠીકઠીક હસી શકે છે. મેં કહ્યું :

'ધારી લે કે હું તે કક્ષાએ પહોંચ્યો હોઉં; તો?'

'હરકત નહિ. તારી એ કક્ષાને હું જોઈ લઈશ. મને એની બીક નથી.' વિલાસિનીએ જવાબ આપ્યો અને અમારાં લગ્ન થઈ ચૂક્યાં.

હું યુવક હતો અને તેમાં ય બાહોશ યુવક હતો. સારું ભણતર ભણેલો હોવાથી મને નોકરી પણ ઘણી સારી મળી ગઈ હતી. વિલાસિની પણ સારું ભણી હતી, પરંતુ પરણ્યા પછી એણે નોકરીની ઈચ્છા દર્શાવી ન હતી; અને મારો પગાર અમારા બંનેનું ઠીક ઠીક પૂરું કરે એવો હોવાથી વિલાસિનીને નોકરી કરવાની જરૂર પણ રહી ન હતી. અમારો સંસાર સુખમય ઢબે ચાલ્યા કરતો હતો. છતાં વચમાં વચમાં મારો સનાતન પ્રશ્ન મારા હૃદયમાં તરી આવતો અને વાતચીતમાં વિલાસિનીને ખોટું લાગે એવું હું કહેતો પણ ખરો :

'પણ સ્ત્રીની કિંમત કેટલી ?'

'તે તું પગાર લાવે છે, માટે મને પૂછે છે ? મને કહેવા દે કે પુરુષની કિંમત પગાર જેટલી.' સહેજ મોં ચઢાવી વિલાસિનીએ કહ્યું. ચિડાયલી પત્નીને વધારે ચીડવવી એ પણ એક જાતની મોજ છે. મારા પ્રિય વાદને મેં આગળ લંબાવ્યો; 'વિલાસ! તું માગે તો તને કેટલો પગાર મળે ?'

વિલાસિનીએ મારી સામે તાકીને જોયું, અને જરા રહી મને જવાબ આપ્યો.

'નટી બનું તો તારા કરતાં ઘણો વધારે.' આ વાતચીત આગળ લંબાવવી મને ગમી નહિ, અને વિલાસિનીના અપાઈ ચૂકેલા એક જવાબ પછી એ પ્રશ્ન લાંબા સમય સુધી મેં તેને પૂછ્યો જ નહિ. જો કે મારી દિવસે દિવસે ખાતરી થયે જતી હતી કે માનવ સમાજરચનામાં કિંમત તો પુરુષની જ વધારે છે.

વર્ષો વીતતાં હતાં. એક બાળકનો હું પિતા પણ બન્યો. એ પુત્ર સહજ મોટો પણ થયો, અને એના ઉછેરની આસપાસ રૂંધાઈ રહેલી વિલાસિનીને મેં કહ્યું પણ ખરું:

'વિલાસ ! તારા જ્ઞાનનો, ભણતરનો, તારા સંસ્કારનો કશો ઉપયોગ થતો હોય એમ લાગતું નથી.'

'શા ઉપરથી એમ કહે છે ?' વિલાસિનીએ પૂછ્યું.

'પહેલાં તો તું પુસ્તક વાંચતી, માસિકો જોતી, લેખ પણ લખતી – અરે તને કવિતા લખતી પણ મેં પકડી છે. એ બધું ક્યાં ઊડી ગયું !' મેં પૂછ્યું.

'તારી અને તારા બાળકની પાછળ.'

અમે બન્ને એ ઉત્તર પછી મૂક રહ્યા; જો કે મારા મનમાં એક વિચાર દ્રઢ થયો : સ્ત્રીની કિંમત તો માત્ર એક આયા જેટલી જ ને ?

કોણ જાણે ક્યાંથી મારા હૃદયનો વિચાર વિલાસિની વાંચી ગઈ હશે કે કેમ; પરંતુ એક દિવસ મારી પાસે આવી તેણે મને એક પરદેશી માસિકનો અંક બતાવ્યો. એ અંકમાં એક ખૂણે બહુ મહત્ત્વની જાહેરાત હતી : 'રણમોરચે જવા માટે પરિચાકાઓ જોઈએ.' મારું વાચન વિશાળ હતું અને હું જાણતો હતો કે સુધરેલા વિશ્વમાં રણભૂમિ ઉપર મોકલાતી થોકડાબંધ પરિચારિકાઓનો ઉપયોગ દર્દીઓની સારવાર ઉપરાંત સિપાઈઓની કામતૃપ્તિ અર્થે પણ કરવામાં આવે છે. જાહેરાત વાંચી હું જરા ચમક્યો. મેં પૂછ્યું:

' હા, એ જાહેરાત છે, પણ તું શું કહેવા માગે છે? લડાઈ આપણા દેશની નથી !'

‘એ તો હું જાણું છું. હજી આપણા દેશના પુરુષોનું પુરુષત્વ યુદ્ધ કરે એવી કક્ષાએ પહોંચ્યું નથી. હું તો એ પૂછવા માગું છું કે આ પરદેશના યુદ્ધમાં દાખલ થનાર પુરુષ સૈનિકને જે પગાર મળતો હશે તે આ પરિચારિકાઓના પગાર કરતાં વધારે હશે ખરો ?'

મને એ પ્રશ્ન બિલકુલ ગમ્યો નહિ. યુદ્ધ જતા એક સિપાહીની અને ઘવાયેલા સિપાહીની પાટાપટ્ટી બાંધતી પરિચારિકાની કિંમત એ સરખાવવા માગે છે કે શું ? મેં માત્ર એટલું જ કહ્યું :

'એ બન્નેનાં પગાર ધોરણો નક્કી જોઈ લાવીશ. પણ તું જ સમજી લે કે સૈનિક મરવા જાય છે, અને પરિચારિકા પાટાપટ્ટી બાંધવા જાય છે.'

એ વાત એટલેથી જ રહી, અને મેં સૈનિકોના અને પરિચારિકાનાં પગારધોરણો તપાસવાનો જરા યે પરિશ્રમ લીધો નહિ. લોકશાસનમાં ઘણી ઘણી બાબતો લોકથી છૂપી રાખવામાં આવે છે જેની લોકોને જ ખબર હોતી નથી.

એક દિવસ મારું શરીર અને મને ખૂબ પ્રફુલ્લ હતાં, તે વખતે વિલાસિનીએ મને કહ્યું :

'મારે અખિલ હિંદ સ્ત્રીમંડળની બેઠકમાં બેંગલોર જવું પડે એમ છે.'

હું રાજી થયો. ભણેલી ગણેલી સ્ત્રી કાંઈ પણ જાહેર કામ કરતી થાય તો સારું એમ મને લાગ્યા જ કરતું હતું, અને એમાં શિથિલતા જોઈ હું વિલાસિનીને રોજ ચીડવતો પણ હતો. મેં જવાબ આપ્યો: 'બહુ સારું. અઠવાડિયું જઈ આવ. એથી તો વધારે વખત નહિ થાય ને ? '

'ના રે. પણ તારે આ પ્લવંગને એટલા દિવસ સાચવવો પડશે.'

પ્લવંગ એટલો તો વાંદરું. મારો પુત્ર જરા તોફાની હતો એટલે ગમ્મતમાં અમે તેને પ્લવંગ નામ આપ્યું હતું, જેથી સંસ્કૃતિની શિષ્ટતામાં સમાયેલા એ શબ્દનો અર્થ બહુ જ થોડાં માણસો સમજી શકે. પુત્ર પાંચેક વર્ષને થયો હતો અને તે બાલમંદિરમાં જતો હતો, અને તેની માતાના શિક્ષણ નીચે મને કાંઈ પણ તકલીફ ન આપતાં પોતાનું બધું કામકાજ હાથે કરી લેતો હતો : નિદાન એવી અમારી માન્યતા તો હતી જ. મેં કબૂલ કર્યું. બહુ ખુશીની સાથે મેં કબૂલ કર્યું, અને પુરુષસહજ ગર્વ સાથે વિલાસિનીને જતી વખતે મેં કહ્યું પણ ખરું :

'ઘરનો ઊંચો જીવ તું જરા યે ન રાખીશ.'

'પુરુષો ઘર સંભાળવામાં સ્ત્રીઓ કરતાં વધારે પ્રવીણ છે,માટે?' હસીને વિલાસિનીએ મને જવાબ આપ્યો અને તે અખિલ હિંદ પરિષદમાં સ્ત્રીઓના ઉદ્ધાર સંબંધી વિચાર કરવા ચાલી ગઈ.

પહેલે દિવસે તો મેં બહુ ઉત્સાહપૂર્વક ઘરવ્યવસ્થા હાથમાં લીધી. એક અઠવાડિયા સુધી ઘર કેમ ચલાવવું એનું સમયપત્રક પણ કરી દીધું, અને આખા અઠવાડિયા સુધી દર ટંકે શી શી રસોઈ કેટલી કેટલી કરવી તેની વિગતવાર યાદી મેં મારા રસોઈયાને આપી દીધી. સહજ બાહોશી રાખવામાં આવે તો ઘર પુરુષોથી બહુ સારી રીતે ચાલી શકે એમ મને તે ક્ષણે લાગ્યું.

બીજા દિવસથી જરાક મુશ્કેલી પડવા લાગી. મારો નોકરીનો વખત ૧૧ થી પ॥ નો હતો અને મારા બાળકને શાળામાં જવાનો સમય ૧૧ થી ૩ નો હતો. સાંજના ૩ થી ૬ સુધી એકલા પડેલા મારા પુત્રે મારા ઘરની જપ્તી કરવાની હોય એમ ઘણાં ખરાં કબાટ, ટાકાં અને પેટીઓ ઉઘાડી નાખ્યાં હતાં અને તેની તથા રસોઈયાની વચ્ચે એક ચમચા દૂધ માટે ભયંકર ઝઘડો ઊભો થયો હતો. કચેરીમાંથી હું આવ્યો એટલે પુત્રે રસોઇયા સામે, રડતાં રડતાં ખૂબ ફરિયાદ કરી; એટલે મેં રસોઇયાને બોલાવી ઠીક ઠીક ધમકાવ્યો. રસોઈયો કાંઈ પણ બોલ્યા વગર ચાલ્યો ગયો; પણ તે રાત્રે મને લાગ્યું કે રસોઈ રોજ જેટલી સ્વાદિષ્ટ બની નથી.

વાર્તા કહી મેં બાળકને સુવાડી દીધો, અને બીજે દિવસે અમારો સવારનો કાર્યક્રમ શરૂ થયો. નવ વાગે સવારે હું વર્તમાનપત્ર વાંચતો આરામથી બેઠો હતો. ધારાસભાની ગરમાગરમ ચર્ચા મારું ધ્યાન ખેંચી રહી હતી અને એકાએક રસોઇયાએ આવી કહ્યું :

'સાહેબ ! આજ બજારમાં પરવળ મળતાં નથી.'

'તો બીજું શાક લઈ આવ. એમાં પૂછવાને શું આવ્યો ?' મેં જરા જોરથી કહ્યું.

'આ તો આપે લેખી કાર્યક્રમ કર્યો હતો એટલે મને લાગ્યું કે હું આપને પૂછી જોઉં. બીજું શું લાવું ?' રસોઈયાએ કહ્યું.

'ગમે તે લાવ; બટાટાં, દૂધી, કારેલાં, કોબીજ ગમે તે.' મેં પગ ઠોકીને કહ્યું.

'એના ભાવ માટે કંઈ કહેવાનું છે?' રસોઈયાએ પૂછ્યું.

'ના, ભાઈ, ના ! તારે ફાવે તે કર. મને વાંચવા દે.' કહી મેં રસોઈયાને વિદાય કર્યો.

દસ વાગ્યા અને નાનકડો પુત્ર રડતા આવી રસોઈ હજી થઈ નહોતી એવી ફરિયાદ લાવ્યો. તપાસ કરતાં માલૂમ પડ્યું કે કાર્યક્રમમાં ગોઠવેલું શાક ન મળવાથી ફરી વાર શાક લેવા જવું પડ્યું તેને અંગે રસોઈયાને વાર થઈ હતી. સાડા દસે તો બાળકની શાળાગાડી – બસ – આવવાની હતી, અને નિયમિતતાના શોખીન બાળકે વખતસર જમીને જવા માટે મને કાયર કરી નાખ્યો. ‘ગાડી – બસ ભલે ચાલી જાય; હું તને મારી સાથે લઈ જઈશ.' અને બાલમંદિરવાળાં બહેન તને ઠપકો આપશે નહિ એવી મારી આપેલી ખાતરી બાળકને ખરી લાગી નહિ; છતાં હવે બાળકનો તેમ જ મારો બીજો કોઈ ઇલાજ હતો નહિ.

જમી રહી કચેરીમાં જવા માટે મેં કપડાં પહેરવા માંડ્યાં. પરંતુ મારા કોટના ઉપલા ખિસામાં પેનની શાહીએ ટપકીને સારા પ્રમાણમાં ડાધા પાડ્યા હતા અને ટપકા પડવાની ક્રિયા હજી ચાલુ જ રહી હતી. વખત વહી જતો હતો. મહામુશ્કેલીએ કબાટની કૂંચી મેં ખોળી કાઢી : જે કૂંચીથી તાળું ઊઘડ્યું જ નહિ. કંટાળી મેં જોરથી કૂંચી ફેરવી તો કૂંચી તાળામાં જ તૂટી ગઈ, અને મેં કબાટને ત્રણચાર મુક્કા જેરથી લગાવી દીધા તથા અંગ્રેજીમાં કબાટને ગાળો દેવી શરૂ કરી. મારો રસોઈયો ખડખડાટ સાંભળી દોડી આવ્યો અને જરા આછું હસી મારા સહપ્રયત્નોમાં તે સામેલ થયો અને ગમે તેમ કરી તેણે કબાટ ઉઘાડ્યું; તેમાંથી મેં કોટ કાઢ્યો, જે પહેરી બાળકને મારી સાથે ભાડાની ગાડીમાં બેસાડી બાલમંદિરમાં મૂકી કચેરીમાં જવા નીકળ્યો. બાલમંદિરમાં તો મોડું થયું હતું, જે માટે મેં તેનાં સંચાલક બહેનની ક્ષમા માગી : પરંતુ એ ઘણા ડાહ્યા બહેને સહજ મુખ મરડી મને કહ્યું :

'આજ તો ઠીક છે, પણ અમારી બાલસંસ્થામાં અનિયમિતપણું અમે ચલાવી લેતાં નથી.'

એ દોઢડાહી બાઈને તમાચો મારવાનું મને મન થયું ! 'મોટી નિયમિતતાવાળી !' હું મારા મનમાં બબડ્યો, અને ઝડપથી કચેરી ભણી ગયો જ્યાં પણ હું કમનસીબે મોડો પડ્યો. હું ઊંચો અમલદાર હતો છતાં મારા કરતાં વધારે ઊંચા અમલદારે બરાબર સાડા અગિયારને ટકોરે મને જરૂરી કામ લઈને બોલાવ્યો, જે વખતે હું હાજર જ ન હતો. અને માત્ર દસ મિનિટ પછી હું મોટા સાહેબ પાસે ગયો ત્યારે જાણે તેમની સ્ટેનોગ્રાફર બાઈને હું ઉપાડી ગયો હોઉં એવું મોં ચડાવી તેમણે મારી સાથે વાત કરી અને વાત પૂરી થતાં મને એક વાગ્બાણ પણ માર્યું :

'કચેરીનો સમથ સાડા અગિયારનો છે; સાડા અગિયાર અને દસ મિનિટનો નથી.'

હું છોભીલો પડ્યો; સાથે સાથે ખૂબ ગુસ્સે પણ થયો. સહજ દિલગીરી દર્શાવી હું મારે સ્થાને આવ્યો અને તે દિવસે કચેરીના પટાવાળાથી માંડી શિરસ્તેદાર સુધીનાં બધાં માણસને એક અગર બીજે બહાને મેં ધમકાવી નાખ્યા. દસ મિનિટ હું મોડો આવ્યો હતો તેના બદલો વાળવા હું પા કલાક વધારે બેઠો, જેને પરિણામે મારા હાથ નીચેના સઘળા નોકરોના મુખ ઉપર સ્મશાનયાત્રાની છાપ દેખાઈ આવી.

હું ઘેર પહોંચ્યો ત્યાં તો રસોઈયાની અને પડોશીઓની વચ્ચે મારામારીનો પ્રસંગ આવી ગયો હોય એમ લાગ્યું. પડોશીઓને મેં શાંત પાડ્યા, રસોઇયાને ઘસડી હું ઘરમાં લઈ ગયો અને ઘરમાં જોયું તો મારા પ્લવંગે–પુત્રે એક બરણી તોડી, બીજી બરણીમાંથી મુરબા કાઢી લઈ આખા જમણમેજ (Dining-Table) ને મુરબાનો ઓપ આપેલ હતો.

મગજ ઉપર કાબૂ ખોઈ મેં એક ત્રાડ નાખી અને સુંવાળી ઢબે ઊછરેલા એ બાળકના હાથમાંથી એક રકાબી જમીન ઉપર પડી ગઈ. રકાબી ભાંગી, મુરબ્બો જમીન ઉપર ફેલાયો અને વધારામાં બાળકે મોટેથી રુદન શરૂ કર્યું. ગુસ્સો શમાવી મારે બાળકને છાનો રાખવો પડ્યો, રસોઈયાએ જે રસોઈ બનાવી તે જમી લેવી પડી અને કાર્યક્રમ પ્રમાણે તેણે વાનીઓ બનાવી હતી કે કેમ તે તપાસવાનું હું વીસરી ગયો. કોણ જાણે કેમ આજનો દિવસ મને અપશુકનિયાળ લાગ્યો. મને ભયંકર અણગમો આવ્યો. ઘરને અને મારા જીવનને ચલાવતું કોઈ દૈવી ચક્ર અટકી પડ્યું હોય એમ લાગ્યું. સૂતી વખતે મને યાદ ન આવ્યું કે બાળકને મારે વાર્તા કહેવાની છે. બાળકે તેની મને યાદ આપી. મેં કહ્યું : 'આજ મને કોઈ વાર્તા યાદ આવતી નથી.'

'તો પપ્પા ! તમે મા કરતાં ઓછું ભણેલા છો?' બાળકે પ્રશ્ન કર્યો.

નવી ઢબના ડહાપણમાં ઉછરતા આ બાળકને સોટી જડાવી દેવાની મને ઈચ્છા થઈ. કમનસીબે સુધરેલાં ઘરોમાં હવે સોટી પણ મળતી નથી.

આ તો મારા પહેલા બે દિવસનો જ અનુભવ હતો; પરંતુ પછીના દિવસો આથી યે વધારે આકરા પસાર થયા. દિવસની ખરાબ રસોઈ, અનિયમિત જીવન, બાળકનું તોફાન અને કચેરીના કામનો ઉકળાટ આખા દિવસને દોજખરૂપ બનાવી દેતાં હતાં, પરંતુ પછી રાત પણ અગ્નિચિતા બની મને શેકવા લાગી. ઊંઘ જાણે ઊડી ગઈ હોય એમ મને લાગવા માંડ્યું. અને ઊંઘ આવે ત્યારે જીવનભર નહિ જોયેલા ઓથારો અને સ્વપ્ન સાથે લાવે ! કચેરીમાં જાણે મારે અને મારા ઉપરીને મુક્કામારીની શરત થઈ હોય, હાથ નીચેનાં માણસો મને ઊંધો ટાંગી હસતાં હોય, રસોઈયો તેલની કડાઈમાં શાકને બદલે મને છમકારતો હોય અને બાલમંદિરવાળાં બહેન પોતાના નખ અને દાંત મારા દેહમાં પરોવવાની રમત બાળકને શીખવતાં હોય એવાં એવાં સ્વપ્ન મને નિત્ય આવવા લાગ્યાં. કદીક સ્વપ્નમાં એમ જ આવે કે મારા કબાટમાં એકલાં પાટલૂન ભર્યાં છે અને ખમીસકોટ છે જ નહિ; કોઈ રાત એ ઓથાર આવે કે જાણે કચેરીનાં કાગળિયાં નીચે હું કચરાઈ જાઉં છું. ચમકીને જાગ્રત થતાં કવિઓને કવિતા લખવાનું મન થાય એવાં પ્રસ્વેદ-મોતી મારે કપાળે લળકી રહેતાં. અને અઠવાડિયું પૂરું થયું નહિ એટલામાં બેત્રણ સગાંવહાલાંઓ મહેમાન તરીકે પધારવાની ભયંકર ધમકી મોકલાવી. એ વસ્તુ અસહ્ય થઈ પડી. આ બધા ય દિવસો એક પ્રેમી પ્રિયતમાને શોધે, એક ભક્ત પ્રભુને શોધે, એક વેપારી નફાને શોધે, એમ મેં મારી પત્નીને શોધવા માંડી. પ્રેમ કરતાં પણ મને તેની જરૂરિયાત વધારે લાગી. એવામાં પત્નીએ બૅંગ્લોરથી મને તાર મોકલ્યો કે હિંદનો ઉદ્ધાર કરનારી તેની સખીઓ સાથે તે દક્ષિણ હિંદુસ્તાનના જોવા લાયક સ્થળોની મુસાફરીએ નીકળી પડવાની છે અને આઠ દિવસને બદલે એકાદ મહિનો મારે ઘર સંભાળવું પડશે, ત્યારે મેં એક ક્ષણની પણ વાર લગાડ્યા વગર તાર ઓફિસમાં જઈ ભારેમાં ભારે દરવાળો તાર કર્યો કે :

'પહેલી મળતી ગાડીએ પાછાં વળો. હું વિષમજ્વરથી પીડાઉં છું, અને પ્લવંગ એ જ્વરમાં પડવાની તૈયારી કરી રહ્યો છે.'

તાર મોકલ્યા પછી ત્રીજે દિવસે સવારમાં જ મારી પત્નીએ મારું બારણું ખખડાવ્યું. મને એ જ વખતે ઊંઘ આવી ગઈ હતી. એટલે બારણું ઠોકવાના ભાસને મેં સ્વપ્નમાં વરસાદની ગર્જના માની પાસુ બદલ્યું અને હું બે કલાક સુઈ રહ્યો. બે કલાક પછી કચેરીના હુતાશને મને જગાડતાં હું જોઈ શક્યો કે મારી પત્ની મારા પલંગ પાસે એક ખુરશી ઉપર બેઠી બેઠી મારા જાગ્રત થવાની રાહ જોઈ રહી છે ! આંખ ઊઘડતાં બરાબર તો મને લાગ્યું કે હું મારી પત્નીને સ્વપ્નમાં જોઈ રહ્યો છું, પરંતુ વિલાસનીના કંઠેમને જાગ્રતાવસ્થાનું ભાન્ કરાવ્યું.

'તાવ આવે છે ? છોકરો, રસોઈયો કે પડોશી કોઈ તો જાણતાં નથી !' પત્નીએ કહ્યું. તેની આંખોમાં કદી ન જોયેલી લુચ્ચાઈ મેં અત્યારે નિહાળી અને છતાં ગોપીને કૃષ્ણ મળે અને જે અકથ્ય આહૂલાદ ગોપી અનુભવે તે આહ્લાદ મેં પત્નીને નિહાળીને અનુભવ્યું.

'તને અડીને મને ખાતરી કરી લેવા દે કે તું જાતે, પોતે, પ્રત્યક્ષ અહીં હાજર છે.' અને ખરેખર ઊઠીને મેં તેના દેહનો સ્પર્શ કર્યો જ – જોકે આવાં ઊર્મિપ્રદર્શન જાહેરમાં મૂકવાની કક્ષા હું વટાવી ગયો છું. 'હવે ઘેલછા મૂકો ! એક આઠ દિવસ હું ઘર છોડીને ગઈ તેમાં તો તેં આખી પૃથ્વી ચાક ચઢાવી !'

મારા અભિમાનને આગળ કરી મેં તેને સામે પૂછ્યું :

'વિલાસ ! તને એવું શું લાગ્યું? ટેવ ન હોય એટલે વસ્તુ સહેજ આઘીપાછી થઈ હશે. બાકી બીજુ બધું બરાબર છે.'

'શું ધૂળ બરાબર છે ? મહિનાની ખાંડ એક અઠવાડિયા પહેલાં તો ખલાસ કરી નાખી છે ! કાચના પ્યાલામાંથી હવે એક જ આ રહ્યો છે ! માપબંધીમાં અનાજ તો હવે મળશે નહિ એટલે એની તો ભીખ જ માગવી રહી, અને મુરબ્બામાં તો તે હિંદભરના મંકોડાને ઉજાણીએ બોલાવ્યા લાગે છે ! વારુ, ખર્ચ પણ પૂરો લખ્યો નથી અને લખ્યો છે તેમાં આખા મહિનાને પગાર ખર્ચાઈ ગયો છે. એ તો ઠીક, પણ આ તારા વિષમજવરનું શું છે? ચડ્યો યે ખરો અને ઊતરી પણ ગયો ?' વિલાસિનીએ કહ્યું.

'એ મુદતી તાવ હતો, અને તું આઠ દિવસમાં પાછી આવી ન હોત તો આ અઠવાડિયામાં તેં મારા આપઘાતની જાહેરાત વર્તમાનપત્રોમાં વાંચી હોત.' મેં કહ્યું.

'બોલીશ નહિ, એવું અપશુકનિયાળ !' કહી મને ધમકાવી, તે મારે માટે જોતજોતામાં સુંદર ચા કરી લાવી.

બાળક વખતસર એના બાલમંદિરમાં ગયો અને મારી કચેરીમાં પણ વખતસર પહોંચી ગયો. કચેરી કેમ કરીને વહેલી પૂરી થાય એની ઈંતજારીમાં મેં સહુની સાથે સલૂકાઈથી વર્તી કામ પૂરું કરી નાખ્યું. હાથ નીચેનાં માણસોની આંખમાં હું આજે શાંતિ જોઈ શક્યો, અને સાડા પાંચે ઊઠવાની તૈયારી કરતો હતો એટલામાં જ મારા ઉપરીએ મને બોલાવ્યો. બહુ જ શાંતિ અને અદબપૂર્વક હું ઉપરી પાસે જઈ ઊભો. તેમણે પણ સહજ સ્મિત કરી મને પૂછયું.

'આજ તમારી તબિયત સારી લાગે છે, નહિ તો હું તમને લાંબી રજા ઉપર ઊતરવાનું કહેવાનો હતો. તમારા જ્ઞાનતંતુઓ કોણ જાણે કેમ બહુ ઝણઝણેલા રહેતા.. આખું અઠવાડિયું. દવા બરાબર કરજો.'

ઉપરીનો મેં આભાર માન્યો અને ઘેર આવતે આવતે મારા મનમાં વિચાર ઉત્પન્ન થયો :

'વિલાસ ન હોત તો મારી નોકરી પણ જાત કે શું?'

ત્યારથી રોજ પ્રભાતમાં ઊઠી, નાહીધાઈ પહેલું કાર્ય હું મારાં પત્નીના ચરણસ્પર્શનું કરું છું. પત્નીપૂજનથી મારો દિવસ ઊગે છે. એ પછીથી કદી મેં પૂછ્યું નથી કે કહ્યું નથી :

'સ્ત્રીની કિંમત કેટલી ?'

મારે એ કિંમત કરાવવી પણ નથી.