દીવડી/હું ફરી કેમ ન પરણ્યો?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પાપનું મૂળ દીવડી
હું કેમ ન પરણ્યો?
રમણલાલ દેસાઈ
૧૯૫૪


હું ફરી કેમ ન પરણ્યો ?


હું ફરી કેમ ન પરણ્યો એ પ્રશ્ન વારંવાર મારા મિત્રો પૂછે છે અને મારા દુશ્મનો પણ પૂછે છે—જોકે મારે દુશ્મન નથી. પરંતુ સહજ પરિચયમાં પણ આ પ્રશ્ન પુછાય ત્યારે પ્રશ્ન પૂછનાર મને દુશ્મન સરખા લાગે છે. જેવો સમય તેવો એ પ્રશ્નનો જવાબ હું આપુ છું, ફરી પરણનાર પુરુષની સ્ત્રીઓ મશ્કરી કરે છે, તેને ઉતારી પાડવા મથે છે, તેણે પુનર્લગ્ન કર્યું એમ પણ કહી તેને વગોવે છે. ઉચ્ચ કોમની સ્ત્રીઓમાં પુનર્લગ્નની છૂટ પ્રતિષ્ઠિત નથી એ કારણે ફરી પરણનાર પુરુષ તરફ સ્ત્રીઓની કડક આંખ હોય એ સમજી શકાય એમ છે. હું સ્ત્રીઓના સરખા હક્કમાં માનું છું. જેને જેટલી વાર પરણવું હોય એટલી વાર તે ભલે પરણે–સ્ત્રી અને પુરુષ. ચિત્રપટમાં કામ કરતા તારકતારિકાઓને એ પ્રશ્ન મૂંઝવતો ન હોય તો પછી એ તારકતારિકાને દેવદેવી માની પૂજનાર જનતાએ શા માટે કશી લગ્નમૂંઝવણ અનુભવવી જોઈએ ?

હું ફરી નથી પરણ્યો એમાં જાણે મેં કઈ વીરશોભન કાર્ય કર્યું હોય એમ કદી કદી ભ્રમ સેવવામાં આવે છે. એવું કાંઈ જ નથી. કેટલી યે વાર ફરી પરણનાર પુરુષની વીરતા માનપત્ર માગી લે એવી હોય છે, એ શું હું નથી જાણતો? યૌવન ખંડિત થાય ત્યારે તે સ્વાભાવિક રીતે જ અર્ધાંગ માગી લે છે; અને એ અર્ધાંગ મેળવી લેનાર વ્યક્તિ મહા પાપ કરે છે એમ માનવું કે કહેવું એ મોટામાં મોટી ભૂલ છે. અર્ધાંગ મેળવી લેવું એ કુદરતનો ક્રમ છે. વળી યૌવન અડધા-પોણા વાર્ધક્ય સુધી પહોંચે છે એ કોઈ ન ભૂલે. અને યૌવન તૃપ્ત કરનાર સ્ત્રી કે પુરુષ પરણીને–ફરી પરણીને પાપ કરે છે એમ માનવા કરતાં સમાજે કુદરતનું સત્ય સ્વીકારી લઈ પાપની સંખ્યા ઓછી કરવી એ જ વધારે સારો માર્ગ છે. ફરી પરણનાર સ્ત્રી કે પુરુષની હું કદી નિંદા ન કરું.

તો પછી હું ફરી કેમ ન પરણ્યો ? પુનર્લગ્નની સ્ત્રી-પુરુષને હું છૂટ આપું છું એનો અર્થ એવો નથી કે સહુને દ્વિતીય લગ્નની ફરજ પાડવી. મોટે ભાગે તો ફરજ પાડવાની જરૂર રહેતી જ નથી. મને પ્રશ્ન કરનાર મારાં વખાણ કરનારને ક્યાંથી ખબર હોય કે હું પોતે ફરી લગ્ન કરવાની તૈયારીમાં જ હતો ! એક નાનો સરખો અકસ્માત બની ગયો ન હોત તો આજે હું ફરી લગ્ન કરી ચૂક્યો હોત અને આ પ્રસંગની નોંધ કરવા હું પ્રેરાયો પણ ન હોત ! હું સાધુ નથી, યોગી નથી અને સંયમી–જિતેન્દ્રિય પુરુષ પણ નથી. સંભવ ઘટી ગયો છે, છતાં ભવિષ્યમાં હું ફરી પરણી બેસું તો કોઈએ આશ્ચર્ય પામવાની જરૂર નથી. હું એક સામાન્ય માનવી છું–સામાન્ય માનવજાતની નિર્બળતાઓથી ભરેલો !

ત્યારે હું ફરી કેમ ન પરણ્યો ? એ પ્રશ્ન હજી ઊભો જ છે. એ પ્રશ્રનો એકસામટો ઉત્તર આપી દઉં કે ફરીથી કોઈ મને મારી અંગત બાબત ન પૂછે. કોઈની અંગત બાબતમાં રસ લેવો એ સજજનતાથી વિરુદ્ધ છે એમ વારંવાર કહેનાર સજજનો પણ એ પછી મારામાં રસ લેતા ઓછી થશે એવી હું આશા રાખું છું.

હું પરણ્યો હતો. મારી પત્નીનું નામ કુસુમ. અમે બંને લગ્નજીવનમાં બહુ સુખી હતાં. કુસુમનું સુખ એ મારું સુખ અને મારું સુખ એ કુસુમનું સુખ. લગ્ન પછીની ચારપાંચ રાત સતત ઉજાગરા કરનાર પતિ-પત્ની ઘણાં હશે; પરંતુ દિવસ, મહિના અને વર્ષો પણ વીતી જાય છતાં પ્રેમ અને ઉજાગરા જેના ખૂટે જ નહિ એવાં અમારા સરખાં પતિ-પતિની કેટલાં હશે એની મને ખબર નથી. અમે બંને એવાં પતિ-પત્ની હતાં. પરસ્પર મુખ જોવામાં, પરસપર કંઠ સાંભળવામાં, પરસ્પર વાતચીત કરવામાં, પરસ્પર સ્પર્શમાં અમારું જીવન વ્યતીત થતું હતું, અને એકબીજાંનો સહેજ પણ વિયોગ અસહ્ય બની જતો હતો. અમે કામી હતાં? વિષયી હતાં? જેને જે કહેવું હોય તે કહી શકે છે ! એટલું ચોક્કસ કે હું તો કુસુમ વગર રહી શકતો ન હતો. એ ઘરમાં ફરતી હોય એટલું પણ મારે માટે બસ હતું, પરંતુ એ કાંઈ ક્લબમાં જાય, સભામાં જાય, કોઈ મિત્રને ત્યાં જાય, ત્યારે હું અધીર બની જતો; એનામાં શંકા ઉપજાવીને નહિ જ, પરંતુ એ મારાથી સહેજ પણ અળગી રહે એ વિચાર જ મને વ્યગ્ર બનાવી દેતો. એ એક જાતની ઘેલછા કહેવાય. હું ઈચ્છું છું કે સર્વ પરણીત સ્ત્રી-પુરુષમાં એ ઘેલછા જાગૃત થાય. કુસુમ મારી આ ઘેલછા ઉપર હસતી પણ ખરી, મારી મશ્કરી પણ કરતી ખરી; પરંતુ એ જે કાંઈ કરે એ મને ગમતું. કલાપીની માફક હું પણ કુસુમને કહી શકું કે :

કર તું કંઈએ, કર તું કંઈએ !
વધુ તેથી બને મધુ શું કંઈએ !

આમ કુસુમનો સાથ મને — મારા જીવનને — મારા આનંદને ઉચ્ચ કક્ષાએ લઈ જતો હતો. આ સ્થિતિ કરતાં વધારે આનંદમય સૃષ્ટિ સ્વર્ગ ભાગ્યે જ રચી શકે.

કુસુમને એક મારો શોખ, અને બીજો પશુપક્ષીનો શોખ. મને તે જેમ સંભળાતી અને શણગારતી તેમ તે કોઈ માંદી ચકલી, તડકે તરફડતી ખિસકોલી, બાજથી ગભરાયેલું કબૂતર કે બિલાડીની તરાપમાંથી બચેલા પોપટને સંભાળતી અને શણગારતી. પોપટ તો અમારા ઘરનું એક કાયમી અંગ બની ગયો. બિલાડીની તરાપથી થરથરી ઊઠેલો સંકોચાઈ શુન્ય બની ગયેલો પોપટ કુસુમે પકડી લીધો. તેને માટે પાંજરું મંગાવ્યું અને તેને મીજ તથા મરચાંનો ખોરાક પણ આપ્યો. અમારા પ્રિય સૂવાના ખંડમાં એ પાંજરું લટકાવવામાં આવ્યું, અને કુસુમે પક્ષીસૃષ્ટિમાં માનવવાણીનો પ્રવેશ કરાવવા પોપટને બોલતાં શીખવવા માંડ્યું. પોપટની મગજશક્તિ ઊંચા પ્રકારની હોય એમ લાગ્યું નહિં. સહેલા સહેલા શબ્દ શીખવવાને કુસુમનો પ્રયોગ સફળ થયો લાગ્યો નહિ એટલે મેં કુસુમને કહ્યું :

'આ તારો શિષ્ય તને કાંઈ યશ અપાવે એમ લાગતું નથી.'

'એ જ સારું છે. એક પાસ તું બોલ બોલ કર્યા કરે અને બીજી પાસ આ પક્ષી. તો પછી મારી સ્થિતિ શી થાય ?' કુસુમે મને જવાબ આપ્યો.

'તું કાંઈ બોલતી જ નહિ હોય જાણે !' મેં કહ્યું. કુસુમ જરા ય ઓછું બોલતી નહિ, અને એ ઓછું બોલે તો મને ગમતું પણ નહિ. એનો શબ્દટહુકો મારી ભણકારમૂર્તિ બની ગયો હતો – જેમ એનો દેહ મારી સ્મરણમૂર્તિ બની ગયો હતો તેમ. ઘણી વાર મને વિચાર આવતો કે હું જીવું છું જ કુસુમમાં ! એ મારી પાસે ન હોય ત્યારે આખું વિશ્વ મને ખાલી ખાલી લાગતું. એ હોય ત્યારે મારા વિશ્વમાં મારે બીજું કશું મેળવવાનું જાણે કાંઈ રહેતું જ નહિ. મારી ઘેલછા પણ દિવસે દિવસે વધતી જતી હતી. કદી રાત્રે વાતોએ ચડ્યાં હોઈએ અને પ્રભાત વીતી ગયા છતાં કુસુમ જાગૃત થઈ ન હોય તો પણ મને ફાવે નહિ. એના વગર હું ચા પણ કેમ પી શકું ? મન પાછું પડે છતાં હું સૂતેલી કુસુમ પાસે જઈને તેને જગાડતો. સૌન્દર્ય સૂતું હોય એને કર્કશતાથી કેમ જગાડાય ? સાક્ષાત કોમળતા પોઢી હોય તેને કઠિન સ્પર્શથી કેમ જગાડી શકાય? મૃદુમાં મૃદુ સ્પર્શ કરી, મૃદુમાં મૃદુ વાણીઉચ્ચાર શોધી કાઢી હું તેને કહેતો :

'કુસુમ ! સવાર થયું. જાગવું નથી?'

તેના રેશમી વાળને, કુસુમિત લલાટને નહિ જેવો સ્પર્શ કરતો, જગાડતાં બીતો અને છતાં એ જાગી જય એમ ઈચ્છતો હું જ્યારે તેની હીરા સરખી આંખ ખૂલતી ત્યારે મારે રિદ્ધિસિદ્ધિનો ભંડાર ખૂલી ગયો હોય એમ રાજી થતો ! એની આંખ ખૂલતી, મારું મુખ સ્મિત કરતું અને કુસુમ પણ હસીને બોલતી :

'કોઈક દિવસ તો જંપીને સૂવા દે !'

'તો પછી હું ચા ક્યારે પીઉં ? '

'પી લેવી હતી.'

'તને મૂકીને? એ કેમ બને ?'

કોઈ વાર પ્રભાતની ઠંડીમાં હું પણ સૂર્યોદયને ન ગણકારતાં સૂઈ રહેતો. કુસુમ વહેલી ઊઠતી ત્યારે એ પણ મને આમ જ જાગૃત કરતી. એનો સ્પર્શ તો કુમળો હોય જ. કુમળાશમાં વિદ્યુત હોય એ હું કુસુમના કુમળા સ્પર્શથી જ સમજી શક્યો હતો. એ પણ મને જગાડતાં કહેતી :

'અરુણ ! સવાર થયું. જાગવું નથી ?'

હું તેની સાથે જરા ય દલીલ કર્યા વગર જાગી જતો.

એક પ્રભાતે કુસુમ જાગી નહિ, અને હું તેને જગાડવા માટે ગયો. ખડમાં હું પગ મૂકુ છું અને વગરબોલ્યે મારા જ સરખો ઉદ્દગાર થતો મેં સાંભળ્યો :

'કુસુમ ! કુસુમ !'

મેં ચમકીને જોયું તો પીંજરામાં રહ્યો રહ્યો પોપટ મારા ઉચ્ચારણના ચાળા પાડી રહ્યો હતો :

'કુસુમ ! કુસુમ ! સવાર થયું...' હું પોપટની સામે જોઈ રહ્યો. મને આ બુદ્ધિહીન પક્ષીની અનુકરણશક્તિ માટે માન ઉત્પન્ન થયું. આવાં પક્ષીઓ પાસે પ્રેમની વાત કરવામાં જોખમ રહેલું મને દેખાયું; એની હાજરીમાં પ્રેમબોલ બોલવા એ આપણી મશ્કરી કરવા સરખું લાગ્યું.

'કુસુમ ! સવાર થયું, જાગવું નથી ? ' પોપટ બોલ્યો.

' હું કેમ જાગું ? તું મને અડકીને તો જગાડતો નથી...' કુસુમે મીંચેલી આંખ અર્ધ ખુલી કરી કહ્યું.

'પણ હું તને જગાડતો જ નથી. તારો પોપટ ક્યારનો તને જગાડી રહ્યો છે. ' મેં સહજ હસતાં કહ્યું.

હસતાં હસતાં કુસુમ પણ બેઠી થઈ, અને તેણે કહ્યું :

'જો, આ મારો શિષ્ય કેટલું બધું ભણ્યો ?...તને ખબર નથી. પણ કેટલા યે દિવસથી એ તારું નામ ઉચ્ચારે છે...બોલો શુકદેવ ! ...અરુણ? સવાર થયું. જાગવું નથી ?'

'અરુણ ! અરુણ !..સવાર થયું. જાગવું નથી ?' પોપટ બોલી ઊઠ્યો અને મને ખૂબ હસવું આવ્યું.

કેટલાંક વર્ષો વીત્યાં. દુઃખનું મને જરા ય ભાન થતું નહિ. દુઃખ માનવીને જ હોય એમ તો બને નહિ, પરંતુ જે નાનાંમોટાં દુ:ખ આર્થિક–અનાર્થિક માથે પડ્યા એ સઘળાં કુસુમના મુખ સામે નિહાળતાં અલોપ થઈ જતાં અને હું સુખી જીવન અનુભવી રહ્યો. મને જીવવું બહુ ગમતું. આ રીતે જીવન વહ્યું જતું હોય તો જીવનને દુઃખમય ગણતી–ગણાવતી ફિલસૂફી અધૂરી જ ગણાય.

પરંતુ અધૂરા માનવીનું જીવન, એની ફિલસૂફી અને એનું સુખ અધૂરાં જ છે એમાં સંશય પણ ન ઉપજે એવું વજ્રપાત સરખું દુ:ખ મારે માથે આવી પડ્યું. વિધાતા કોઈ પણ માનવીના લલાટે પૂર્ણ સુખ ક્યારે લખે છે? માનવદુઃખમાં આનંદતા અગમ્યે કુસુમને મારી પાસેથી છીનવી લીધી અને તે સાથે મારું સુખ સમેટાઈ ગયું. કુસુમનો કદી સ્વર્ગવાસ થાય એવી કલ્પના પણ મેં કરેલી નહિ; પરંતુ મને એકલો છોડી એ સ્વર્ગે ગઈ – સ્વર્ગ કરતાં પણ વધારે મીઠા, વધારે કુમળા વધારે સૌંદર્યભર્યા જગતમાં એ જવી જોઈએ ! જ્યાં ગઈ હોય ત્યાં, મારી પાસેથી તો એ ગઈ જ ! મેં માથું ફૂટ્યું કે હૈયું કૂટ્યું એની વિગતમાં હું આજ નહિ ઊતરું. એ પાછી આ જગતમાં આવે તો સામે પલ્લે હું મારો પ્રાણ પણ મૂકવા તત્પર હતો, પરંતુ આત્મઘાત કરવાથી કુસુમ પાછી મળે એ સંભવ હતો નહિ એમ મારું ગણતરીબાજ હૃદય કહી રહ્યું અને કુસુમને જતી કરી હું જીવતો રહ્યો. ધીમે ધીમે મારાં આંસુ - અને રુદન પણ ઘટી ગયાં. દિવસો વીતે છે તેમ દુઃખના ઘાવ પણ જડ અને સહ્ય બનતા જાય છે. નહિ તો કુસુમ વગર હું જીવતો પણ કેમ રહું?

મિત્રો, સગાંસંબંધીઓ, શુભેચ્છકો સહુએ મારું દુઃખ હળવું કરવા બનતા પ્રયાસો કર્યા અને એક મિત્રે તો ઉષા નામની એક સૌંદર્યભરી યુવતી સાથે મારો પરિચય પણ કરાવ્યો. એ પરિચય વધારવાના પ્રસંગો પણ ઊભા કર્યા. ઉષા મને ગમે એવી યુવતી હતી. પરંતુ એના પરિચયમાં મિત્રો એને કુસુમને સ્થાને લાવવા પ્રયત્ન કરતા હશે એવી કલ્પના પણ મને આવી ન હતી. કુસુમ હતી ત્યારે પણ સુંદર સ્ત્રીઓ મને ગમતી; એ ન હતી ત્યારે પણ સુંદર સ્ત્રીઓ પ્રત્યે મને અણગમો લાવવાનું કારણ ન હતું.

એક દિવસ પ્રભાતમાં હું ઊઠ્યો. કુસુમ વગરનું જીવન ખાલી તો હતું જ; પરંતુ કુસુમના સ્વર્ગવાસ પછી કુસુમના જ શબ્દોમાં રોજ મને જાગૃત કરતો પોપટ પણ આજ બોલતો સંભળાયો નહિ. પોપટ રોજ સવારમાં બોલતો : 'કુસુમ....કુસુમ...બોલો શુકદેવ !...અરુણ !..સવાર થયું. જાગવું નથી ?' કુસુમનું નામ સાંભળી અને એના જ સંબોધન ઉદ્ગાર સાંભળી હું નિત્ય જાગતો. આખી દુનિયા હવે પ્રયત્ન કરી રહી હતી કે હું કુસુમને - કુસુમના નામને વીસરી જાઉં. કુસુમની વાત પણ હવે કઈ ભાગ્યે જ કરતું. એમાં મારું દુઃખ હળવું કરવાની સહુની પરોપકારી ભાવના હું ન સમજું એમ તો કેમ કહેવાય? પરંતુ કુસુમને ભૂલવી એ મારાથી કેમ બને ? જેના સહવાસમાં મેં પૂર્ણ સુખનો અનુભવ લીધો એની ગેરહાજરીમાં એને મારે યાદ પણ ન કરવી એ કેટલી ક્રૂરતા કહેવાય ? અને પોપટ તો રોજ મને કુસુમની યાદ પ્રભાતમાં જ આપે જતો હતો. એની યાદમાં જાગૃત થવું એ પણ મને હવે ગમતું. મને એ સાંભળી ઊઠવાની ટેવ જ પડી ગઈ.

પરંતુ એ પ્રભાતે પોપટે મને ઉઠાડ્યો નહિ અને હું એમ ને એમ જાગી ગયો. બિચારો પોપટ માંદો તો નહિ પડ્યો હોય? મેં ઊઠી પાંજરા તરફ નજર કરી. પાંજરાનું બારણું ઊઘડી ગયું હતું અને પાંજરામાં પોપટ પણ હતો નહિ.

મેં આખા ઘરમાં તપાસ કરી; માણસોને ધમકાવ્યા; પણ કોઈએ કહ્યું નહિ કે પાંજરાનું બારણું ઊઘડી કેમ ગયું, અને પોપટ ઊડી શી રીતે ગયો. પાસેના ઘરમાં ઊડીને એ ભરાઈ ગયો હોય કે કોઈ ઝાડની ડાળ ઉપર તે હજી બેઠા હોય તો તેને પાછા બોલાવવાનો પ્રયત્ન કરવા હું ઘરની અગાશીએ ચડ્યો. અગાશીમાં પોપટનાં બેત્રણ પીછાં પડેલાં મેં જોયાં અને મારા હૃદયે ધબકારા સાથે મને કહ્યું કે જે બિલાડીથી કુસુમે તેને બચાવ્યો હતો તે જ બિલાડી કુસુમ જતાં પોપટને ઉપાડી ગઈ ! કુસુમ સાથે મને જોડી રાખતો એ તાર હવે તૂટી ગયો. મારા કરતાં એ પોપટ કુસુમને વધારે ચાહતો હશે ! મારા કરતાં કુસુમ પાસે એ વધારે વહેલો પહોંચી ગયો ! માનવીની માફક પશુપક્ષીને પણ આત્મા હોય તો...આ અમારો શુકદેવ કુસુમના આત્માને આજ નીરખી રહ્યો હોય ! અને હું તો હવે માત્ર કુસુમની છબી જોતો બની ગયો...અને છબી ન જોતો હોઉં ત્યારે કુસુમની યાદ કુસુમને ઝાંખી અને ઝાંખી બનાવતી ચાલી. માનવહૃદય સરખું ક્રૂર યંત્ર બીજું એકે નથી; માનવદેહ સરખો કૃતઘ્ની બીજો દેહ નથી. હું નિત્ય વ્યવહારમાં પડતો, મારું કામકાજ કરતો, વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચતો, મિત્રોને મળતો, હસતો, આનંદ કરતો અને ઉષાનો પરિચય મેળવતો પણ ખરો. હું કુસુમને ભૂલી ગયો હતો એમ તો હું ન જ કહું. એ મને યાદ આવ્યા જ કરતી હતી. પરંતુ એ યાદ કેમ ઝાંખી અને ઝાંખી બનતી જતી હતી ? અને ઉષાને મળવામાં મારો ઉત્સાહ કેમ વધારે અને વધારે તેજ બન્ચે જતો હતો? ઘણી વાર તો કુસુમ યાદ આવતી ત્યારે હું ઉષાને ખોળી મારા મનના જખમને મલમ ચોપડતો હોઉં એમ મને લાગતું. સ્મશાન સરખું ખાવા ધાતું મારું ઘર મને એકલાંને કોઈ અગમ્ય ભારથી કચરી નાખવા મથતું હોય એમ મને લાગતું. હું મિત્રોને બોલાવતો ત્યારે ઘરનો ભાર ઓછો થઈ જતો; તેમાં પણ જ્યારે ઉષા આવતી ત્યારે ઘર ફૂલ સરખું હળવું અને મઘમઘતું બની જતું. હું બહુ કંટાળતો ત્યારે સિનેમાચિત્રો જોવા જતો અને બને ત્યાં સુધી ચિત્રો જોવા ઉષાને હું ખેંચી જતો.

કદી કદી ઉષા એકલી આવીને મારા ખબર પૂછી જતી. મારા ઘરની અવ્યવસ્થા નિહાળી તે કદી હસતી, કદી નિ:શ્વાસ નાખતી અને અવ્યવસ્થાને પલટી નાખી પ્રમાણભરી સુંદર રચના કરતી. કુસુમની છબી ઘણું ખરું મારી સામે જ પડી હોય; પરંતુ ઉષા મારા હૃદયનું દુઃખ વિચારી કુસુમની આછી સરખી પણ વાત ઉચ્ચારતી નહિ. ઉષામાં ડહાપણ હતું, વિવેક હતો, સહાનુભૂતિ હતી અને મને સુખી કરવાની તમન્ના પણ હતી. એનામાં ભણતર હતું, ચબરાકી હતી, સ્ફૂર્તિ હતી અને......અને... રૂપ પણ હતું એની મને ક્યાંથી સમજણ પડી ? કુસુમ જેવું રૂપ તેનું નહિ હોય...પણ બધાં રૂપ કાંઈ એકસરખાં બીબાં તો ન જ હોય ને ઉષાના વાળ તો કુસુમ સરખા જ વાંકડિયા હતા, અને કદી કદી એના કંઠમાં કુસુમનો કંઠ જીવતો જાણે ન થતો હોય એમ મને ભણકાર વાગતો. મહિને એક વાર ઉષાને મળી શરૂઆતમાં હું મારું મન હળવું કરતો. એમાંથી અમારાં મિલન પખવાડિક, અઠવાડિક અને અંતે રોજિંદાં બની ગયાં. પછી તો કદી કદી એ મારી છબી પાડતી, હું ઉષાની છબી પાડતો, અને એકબે વાર તો અમે હસતાં, શરમાતા સાથે સાથે જ નકામી છબી પડાવી ! ફસુમ યાદ આવ્યા કરતી હતી; પરંતુ ઉષામાં એ જ કુસુમ આવીને ઊડતી ન હોય એમ વારંવાર મને ભાસ થતો. ઘણી વાર ઉષાનું સંબોધન જાણે કુસુમના સંબોધનનો પડઘો જ બની જતું, અને મારા મને તો માનવા જ માંડ્યું કે કુસુમ ઉષાનું અંગ ધારણ કરી સ્વર્ગમાંથી મારું દુઃખ હળવું કરવા ફરી પૃથ્વી ઉપર આવી હતી ! સૃષ્ટિની આખી રચના જ મન ઉપર થાય છે ને ? મન કહેતું હોય કે ઉષા એ કુસુમનું જ સ્વરૂપ છે તો પછી એમાં વાંધો ક્યાં આવે ?

ઉષાના પરિચયમાં મને મૂકનાર મારા મિત્રે એક દિવસ મને કહ્યું :

'હવે ક્યાં સુધી આ વેષ ભજવવો છે ! સીધેસીધો પરણી જા ને !'

'મને કહે છે તું ? હું પરણી જાઉં ? કોની સાથે ?' મેં જરા ચમકવાનો દેખાવ કરી સામો પ્રશ્ન કર્યો.

'રહેવા દે તારી કાલાશ ! લોકોએ માની જ લીધું છે કે તમે બંને પરણી ચૂક્યાં છો. હવે જાહેર કરવામાં અડચણ શી છે ?'

'પણ તું કોની વાત કરે છે ? મારે કોની સાથે પરણવું ? શા માટે ?' મેં જરા ઉગ્રતાથી કહ્યું. ફરી પરણનાર પરણવાની નિર્બળતાથી પર રહેવાનો સ્વાંગ લાંબા સમય સુધી ભજવે છે, અને પોતાને પુનર્લગ્નમાં બીજાઓના આગ્રહ અને અન્ય ઉપરના પરોપકારની ભાવનાને જ જવાબદાર ગણાવવામાં મથે છે.

'હું તારી વાત કરું છું. તારે ઉષા સાથે પરણવું...અને કુદરતે દુઃખ તારા ઉપર નાખ્યું એ હું સમજી શકું છું. પરંતુ એ દુ:ખને પંપાળવાને બદલે હળવું બનાવી શકાતું હોય તો પરણવામાં હરકત શી છે? તારી તે ઉંમર કેટલી?'

લગ્ન માટે કોઈ પણ વય મોટું ગણાવું ન જોઈએ – ખાસ કરીને પુરુષનું વય ! ઉષાનું મને આકર્ષણ હતું એ હું કબૂલ કરું છું; પરંતુ આમ લગ્નનો મને કદી સ્પષ્ટ વિચાર આવેલો નહિ. પરોપકારી મિત્રો અને શુભેચ્છક સ્વજનો વગર અસ્પષ્ટ રહેતાં માનસસંચલનોને બીજું કોણ વધારે સ્પષ્ટ કરી આપે ?

'તું મારો અને કુસુમનો પ્રેમ...’ હું મારા પ્રામાણિક પ્રેમની છાપ મિત્રના હૃદય ઉપર પાડવા ગયો પરંતુ એણે તો મને વચમાંથી જ અટકાવીને કહ્યું :

‘તારો અને કુસુમનો પરસ્પર પ્રેમ હું નહિ સમજી શકું તો બીજું કોણ સમજી શકશે? પણ યાદ રાખ, કુસુમ પોતે જ આ સંજોગોમાં અકસ્માત હાજર થાય તો તને ઉષા સાથે પરણાવ્યા વગર ન જ રહે.'

મને શું એની વાત ગમતી હતી માટે હું એ લંબાવતો હતો ? અંતે મેં કહ્યું :

'હું વિચાર કરી જોઈશ.'

લગ્ન માટે હું હજી નિર્લેપ છું એમ ઠસાવવા હું મથતો હતો. મારા કરતાં મારો મિત્ર વધારે મજબૂત મનનો લાગ્યો. એણે તો કહ્યું જ :

‘હવે વિચાર કરવા રહીશ નહિ. કાલે જ ઉષાને લઈ ફરવા જા..અને ચોખ્ખી વાત કરી લે. ઉષા તારી સાથે લગ્ન કરવાની કદી ના ન પાડે એની હું ખાતરી આપું છું.'

‘એ જ રાત્રે મને આહૂલાદક સ્વપ્ન આવ્યું; આમ તો કુસુમ વારંવાર મારા સ્વપ્નમાં આવ્યા કરતી હતી. જોકે હમણાં હમણાં એણે મારી સ્વપ્નસૃષ્ટિમાં આવવું ઓછું કરી નાખ્યું હતું. પરંતુ આજની રાત્રે તો મેં સ્પષ્ટ રીતે એ જ કુસુમને મારી પાસે બેઠેલી નિહાળી. મેં સ્વપ્નમાં તેને પૂછયું :

'આજ બહુ દિવસે તું મારી પાસે આવી.

'જાણી જોઈને હું નહોતી આવતી. પરંતુ તારા જેવી પ્રેમહઠ બીજા કોની હોય ? તારા જેવો પ્રેમી ભાગ્યે જ બીજો હશે.' કુસુમે કહ્યું. મને સાચા પ્રેમી તરીકેનું આવું ભારે પ્રમાણપત્ર મળવાથી હું બહુ રાજી થયો.

'તો બોલ ! હવે તું રોજ રાત્રે મારા સ્વપ્નમાં આવીશ ને?' મેં પૂછ્યું.

'ના, સ્વપ્નમાં નહિ. જાગૃતમાં હું સતત તારી પાસે રહીશ...'

'એમ? તું ફરી સ્વદેહે...'

'સ્વદેહે નહિ, ઉષાદેહે ! કેવો મૂર્ખ છે તું? હજી એવો ને એવો જ...બાળક જેવો જ રહ્યો ! જોતો નથી હું ક્યારની ઉષાના દેહમાં તને મળ્યા કરું છું તે? સમજતો કેમ નથી?' કુસુમે મને ધમકાવીને કહ્યું,

'ત્યારે.મારી ધારણા ખરી પડી, એમ? તું જ મને ઉષામાં દેખાયા કરે છે એ સાચું, નહિ?' મેં આનંદપૂર્વક પ્રશ્ન કર્યો.

'એ જ સાચું. પકડી લે ઉષાનો હાથ...રખે વાર કરતો...'

કહી કુસુમ ઊડી ગઈ અને મારું સ્વપ્ન પણ ઊડી ગયું. હું જાગી ઊઠ્યો. કુસુમને નિહાળવા મેં મારી આંખને ખેંચી; પણ એ સ્વપ્નસુંદરી જાગ્રતમાં ક્યાંથી આવે ?

એ શું કહી ગઈ મને? સ્વપ્નમાં ઘણાં સત્યો પ્રગટ થાય છે ! સ્વપ્ન એ સાચા જીવનનો પડછાયો અને પડઘો બની રહે છે ! મૃત આત્માઓ ઘણી વાર સ્વપ્નમાં જ સાચા સંદેશ આપી જાય છે ! આત્મા હશે ખરો? ન હોય તો સ્વપ્નમાં પણ મૃતદેહ જીવંત સરખો કેમ દેખાય ? કુસુમ સરખી પરમ પ્રેમાળ પત્નીનું કથન સ્વીકારવામાં આનાકાની કરનાર હું કોણ?

એકાએક પલંગ ઉપરથી ઊઠી મેં ફોન હાથમાં લીધો અને એક ગમતા અંક સાથે જોડ્યો. થોડી વાર ઘંટડી વાગ્યા કરી. અંતે સામેથી અણદીઠ છેડેથી ટહુકો આવ્યો :

‘હલો !'

'હલો ! હલો ! ઉષા છે ને? એ તો હું અરુણ !' મેં કહ્યું.

‘અરુણ? અત્યારે ? આ પાછલી રાતે ફોન શો? તબિયત તો સારી છે ને?'

'હા, ઉષા ! મારાથી રહેવાયું નહિ; કાંઈક કહેવું છે.'

'કાલે ન કહેવાત?'

'કહીશ તો કાલે જ; પણ જો...સવારમાં મારી સાથે ચા લેજે, પછી આપણે બન્ને બગીચામાં જઈશું...'

'જ્યાં તું મને તારે કહેવાનું જે છે તે કાંઈ કહીશ ! ખરું ?'

'હા.'

' બગીચા વગર કહેવાય એમ નથી ? ' ઉષા બોલી.

'ના. બગીચો પણ જોઈએ..અને બગીચામાં એકાંત પણ જોઈએ.'

'સમજી ગઈ તારે શું કહેવાનું છે તે ! હવે શાંતિથી જરા સૂઈ જા.' કહી સહજ છણકાતું હસી ઉષાએ ફોન બંધ કર્યો. મારે વધારે લાંબી વાત કરવી હતી, પરંતુ તે મેં મુલતવી રાખી.

સવારમાં વખતસર ઉષા આવી પહોંચી. એના અને મારા બન્નેનાં હૃદયમાં ત્યારે ઉત્સાહ ભર્યો હતો એમ અમને પરસ્પર લાગ્યું પણ ખરું. ચા પીતાં પીતાં અમે ખૂબ વાત કરી. બાગમાં જતી વખતે ચૂપકીથી એક સુંદર વીંટી મેં મારા ખિસ્સામાં નાખી લીધી. બાગમાં પહોંચી અમે એક શીતળ, શાંત, એકાંત સ્થળ શોધી કાઢ્યું, અને અમે બન્ને બહુ જ પાસે...લગભગ એકબીજાને અડીને બેઠાં. થોડી વાર સુધી અમારામાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ. કેટલીક ક્ષણો એવી હોય છે જે વાણીથી કલુષિત ન કરવી જોઈએ.

'હવે કેમ બોલતો નથી, અરુણ ? મને રાત્રે ભરઊંઘમાંથી જગાડવા જેવું શું તારે મને કહેવાનું છે?' કેટલાક વારે ઉષાએ બોલવાની પહેલ કરી.

મારું હૃદય પણ ગંભીર બની ગયું હતું. ભારે નિશ્ચયો સુખદ હોય તો ય તે માનવીને ગંભીર બનાવી દે છે.

'તું વગરબોલ્યે ઘણું ઘણું સમજી શકે એમ છે...' મેં કહ્યું.

'હું તો ઘણું યે સમજું છું પણ તને ક્યાં સમજાવતાં આવડે છે ! આવડતું હોત તો આજ સુધી આમ...' વાક્ય અધૂરું રાખી જરા શરમાઈ ઉષાએ ઉઘડી ગયેલા મસ્તક ઉપર સાડીનો છેડો ઢાંક્યો.

'વગરબોલ્યે સમજી જવાય એવી વાતને બોલવામાં સમજાવવી પડશે ?' મેં વાતાવરણને પ્રિય બનાવતા શબ્દો ઉચ્ચાર્યા.

'બોલ્યા વગર સમજાવવાની ઘણી ચે તક હતી...ફોન ઉપર ....રૂબરૂ નહિ તો...' ઉષા બોલી.

'ફોન ઉપર ચુંબન થઈ શકે એ હું જાણતો હતો. છતાં મેં એ તક જતી કરી હતી એ વાત પણ સાચી.' મેં કહ્યું :

'બોલ્યા વગર સમજાવવાની એક સર્જનજૂની રીત છે, ઉષા !'

—કહી મેં વીંટી કાઢવા ખિસ્સામાં મારો હાથ નાખ્યો અને મારો હાથ, મારો દેહ અને મારું હૃદય એકાએક જડ–જુઠ્ઠાં પડી ગયાં ! જાણે પક્ષઘાતનો વજ્રપાત મારા દેહને ચીરી રહ્યો ન હોય !

મારા મુખ ઉપર તેમ જ મારી આંખમાં પણ કશી ઓળખાઈ આવે એવી જડતા ઉષાને દેખાઈ હશે એટલે એણે જરા મારી સામે જોઈ મને ખભેથી સહેજ હલાવી પૂછ્યું :

'અરુણ ! શું થયું તને એકાએક ? કેમ આમ શૂન્ય સરખો બની રહ્યો છે ?'

'બોલ્યા વગર મારું હૃદય તને સમજાવવા મથું છું...'

'મથીશ નહિ. સમજી ગઈ.' કહી તેણે મારે ખભે હાથ મૂક્યો.

'ઉષા ! તું નથી સમજી હજી...તું જે કાંઈ સમજે છે એના કરતાં મારે તને જુદું જ સમજાવવાનું છે.'

'તો સમજાવ; વાર કેમ કરે છે ?'

'મારું હૃદય ચાલતું ન હતું. મારી વાણી બંધ થઈ જતી હતી. મારું જીવન સુખી કરવા તું મથી રહી છે છતાં હું સુખી થવા સર્જાયલો પુરુષ નથી.’

'એટલે ?'

'હું અને તું પરણી નહિ શકીએ.'

'કારણ ! એટલે પહોંચ્યા પછી ? '

'કારણ જોટલું જ કે...કુસુમનો આત્મા હજી મારી આસપાસ ...નહિ, મારા હૃદયમાં જીવંત રહ્યો છે. હું તને જીવંત સપત્નીની સ્થિતિએ ન જ મૂકું.'

'કુસુમ પ્રત્યેનો તારો ભાવ શું હું પરખી શકી નહિ હોઉં?'

'ના. મારે મન હજી કુસુમ જીવંત છે.’

'શા ઉપરથી એમ લાગે છે ?'

જો સાંભળ. તને તો એ પરિચય ન હોય... છતાં ધ્યાન દે ...આપણને છાયો આપતા વૃક્ષ ઉપર એક પક્ષી શું બોલી રહ્યું છે?' મેં ઉષાને કહ્યું. ઉષાને માટે હું વીંટી કાઢવા જતો હતો તે જ ક્ષણે મેં મારા ઊડી ગયેલા પોપટના શબ્દો સાંભળ્યા :

'કુસુમ !..કુસુમ...બોલો શુકદેવ !...અરુણ ! જાગવું નથી ? ..સવાર થયુ...' એ શબ્દોએ જ મને ચમકાવ્યો હતો અને જડ બનાવ્યો હતો.

ફરી એના એ જ શબ્દ મેં સાંભળ્યા...અને વધારામાં હવે ઉષાએ પણ એ શબ્દો સાંભળ્યા...અને એ શબ્દો સમજી પણ ખરી ! જરા ક્રુદ્ધ થઈ તેણે મને કહ્યું :

‘કુસુમના ભૂતને હજી વળગવું હોય તો ભલે ! તારી મરજી ! તું જાણે !'

'પણ એ કુસુમનું ભૂત કદાચ તને જ વળગે તો?...જૂના યુગમાં ઘણી દ્વિતીય પત્નીઓને પ્રથમ પત્નીનાં ભૂત વળગતાં હતાં... તને આવા જોખમમાં ન ઉતારાય !' મેં કહ્યું અને વૃક્ષ ઉપરથી એ પક્ષી ઊડી અદૃશ્ય થઈ ગયું.

ઉષા ક્યારની મારી પાસેથી ખસી ગઈ હતી. એ સમજણી યુવતી મારાથી છૂટી પડી અને પછી તે બહુ સારા યુવકની સાથે પરણી પણ ગઈ. કદી કદી એકલી મળે છે ત્યારે પોપટના શબ્દો યાદ કરી એ હસે છે.

'પછી એ પોપટ ફરી કાંઈ બોલ્યો કે નહિ ?'

'ના. તે દિવસે બાગમાં સાંભળ્યા પછી એ દેખાયો જ નથી !' હું કહેતો.

'નાહક જીવનને ખંડેર બનાવી દીધું!' જરા દયા ખાઈને ઉષા બોલતી.

જીવન હજી ખંડેર જ રહ્યું છે. એ ખંડેરમાં કુસુમનો દેહ અને કુસુમનો કંઠ કદી કદી ફરકી જાય છે.

હું ફરી પરણ્યો નહિ...પછી મને ફરી પરણવાનો કોઈએ આગ્રહ પણ કર્યો નહિ... અને હવે કોઈનો કે મારો આગ્રહ હોય તો ય ફરી પરણવા જેવી મારી ઉંમર રહી નથી...એમ યુવતીઓને તો લાગે જ ને?


• •