દીવાળીની બોણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મેઘાણીની નવલિકાઓ
ઝવેરચંદ મેઘાણી


જેમ જેમ સાંજ પડતી જતી હતી, તેમતેમ બન્ને છોકરાંની અકળામણ વધતી જતી હતી. બપોરના બાર વાગ્યાથી બન્ને બચ્ચાંને નવરાવી, ધોવરાવી, આંખો આંજી, ચાંદલા કરી, ટાફેટાનાં નવાં ખમીસ પહેરાવી એની બાએ પન્નાલાલની સાથે પેઢી ઉપર મોકલ્યાં હતાં. મુંબઈમાં આ વર્ષે દિવાળીનું ચોપડા-પૂજન રાતના બાર વાગ્યે નક્ક્કી થયું હતું; એટલે સાંજરે બન્ને છોકરાંને તથા છોકરાંની બાને પન્નાલાલે દીવાની રોશની જોવા માટે એક વિક્ટોરીઆમાં લઈ જવાં, અને વળતાં દિવસે બેસતા વર્ષનું બહુ વખણાયેલું 'છેલ-છેલૈયા'નું નાટક બતાવવું એવો ઠરાવ ઘરમાં થયા પછી જ છોકરાંની બાએ રડવું બંધ કરેલું.

પન્નાલાલ છોકરાંને પેઢી ઉપર લઈ આવ્યો તો ખરો, પણ એને આજે દોડાદોડ હતી. સહુ મહેતાજુઓમાં તે નાનો હતો. તરવરિયો થોડો હતો. હસમુખો હતો અને દાદર ઉપર એકસામટાં બબે પગથિયાં ઠેકીને ચડવાની ટેવવાળો હતો; એટલે બાકી રહેલી ઉઘરાણીઓ પતાવવા સહુ એને જ ધકેલતા. ચોપડાપૂજન માટે ગોર, ગોળ-ધાણા, કેળા, નાગરવેલનાં પાન, અબીલ-ગુલાલ, ફૂલનો પડો ને ગુલાબદાનીમાં ભરવાનું સસ્તું ગુલાબ-જળ, વગેરે સામગ્રી પણ એણે જ આણવાની હતી. બાકી રહેલી ખાતાવહીને ખતવવાનું કામ પણ આજે ચોપડા-પૂજન પહેલાં તો તૈયાર થઈ જ જવું જોઈએ એવી શેઠની સૂચના હતી. તમામ મહેતા-મુનીમો અધૂરાં કામ પૂરાં કરવા માટે એકતાર થઈ ગયેલા. પંદરેક લેખણો, કોઈ મોટા ઢોરના મુર્દાને ઢોળતી સમળીઓ જેવી ચોપડાઓ ઉપર ચીંકાર કરી રહેલી હતી.

"પન્નાલાલ!" ઉપલે જ દાદરે શેઠ રહેતા, ત્યાંથી વારંવાર સાદ પડતો; ને "જી, આવ્યો" કહી પન્નાલાલ ચોપડો ખતવતો ખતવતો હોલ્ડર કાને ચડાવતો, ધોતિયું આજે કોરું પહેરેલું તે વારંવાર તંગ કરતો કરતો દોડી જતો. "ભાઈ, હું આવું?..." "ભાઈ, તમે ક્યાં જાવ છો?" કહેતાં બન્ને છોકરાં એની પાછળ દોડતાં, અને એણે પહેરેલા ગુલાબી ફેંટાનું છોગું તથા કાછડીનો પાછલો છેડો ખેંચતાં. "હું હમણાં આવું છું, બેટા! ત્યાં શેઠને ઘેર ન અવાય તમારે..." એમ કહી, છોકરાંને રડતાં મૂકી પન્નાલાલ ઉપલે માળે દોડતો, 'આટલી મીઠાઈ ઘર માટે લાવો!' એવાં એવાં ઘર-કામ માટે શેઠ પન્નાલાલને મોકલતા. 'અને ખતવણી બધી કરી નાખી કે?' એ સવાલ દર વખતે યાદ કરાવતા. 'જી, કરું છું...' એટલો જવાબ માતો. 'સાંજ પહેલાં થઈ જવી જોઈએ, હો!' એ ટકોર વારંવાર થતી.

"પન્નાલાલ! આપણી 'કાર' નીચે ઊભી છે તે લઈ જજો, હો કે!" એમ શેઠાણીએ કહ્યું કે તુરત જ શેઠ બોલી ઊઠ્યા: "ના હો! મારે હમણાં જ બહાર જવું છે."

શેઠાણીનું મોં ઝંખવાણું પડ્યું. પન્નાલાલ તો, "ના રે ના! હું હમણાં ટ્રામમાં જઈ આવીશ..." એમ બોલી નીચે દોડ્યો.

શેઠાણી છેલ્લા ચાર દિવસથી પન્નલાલને કહેતાં કે, "આટલી દોડધામ રહે છે, તો અહીં જ જમી લેતા જાઓ ને, પન્નાલાલ! ઘેર ધક્કા શીદ ખાઓ છો?" પણ તુરત જ શેઠે કહેલું કે, "આવા સપરમા દિવસોમાં કોઈને પોતાના ઘરની થાળી ન ત્યજાવવી જોઈએ."

પન્નલાલ ગયા પછી શેઠાણી પડી ગયેલે ચહેરે ઊભાં થઈ રહ્યાં. "મને જરા મોજાં પહેરાવજો તો!" અને "મારો ટસરનો સૂટ કાઢજો તો!" એવી પતિ-આજ્ઞાઓ સાંભળીને શેઠાણી ધીરે પગલે બીજા ખંડમાં ચાલ્યાં ગયાં. ત્યાંથી એનો અસ્પષ્ટ ઉદ્‌ગાર સંભળાયો કે, "હે પ્રભુ! વાતવાતમાં હું કાં પાછી પડું?"

વીસ વર્ષની પોતાની પત્ની વાતવાતમાં ત્રીસ વર્ષના જુવાન પન્નાલાલની આટાલી બધી કાળજી બતાવે છે, તે પચાસ વર્ષના પતિને નહોતું ગમતું.

પન્નાલાલ બજારમાંથી પાછો આવ્યો ત્યારે બન્ને બાળકો એકબીજા ઉપર બિલાડીનાં બચોળિયાંની માફક ખદકાઈને સૂઈ ગયાં હતાં. બન્નેની આંખોનું આંજણ મુંબઈની ગરમીને લીધે રેળાઈને લપેડા-લપેડા થઈ ગયેલા. રડતાં રડતાં ઊંઘી જવાથી આંખોનાં આંસુ, નાકના શેડા, મોંની લાળો અને બાએ આંજેલું કાજળ એ ચારેય ચીજમાંથી નીપજેલા ખટમીઠા, ચીકણા રસાયન પર માખીઓ દિવાળી માણતી હતી. ઊંઘમાં ને ઊંઘમાં બાળકો વારંવાર થોડુંક રડીને લવતાં હતાં કે, "હાલો ને, ભાઈ, દીવા જોવા! હાલો ને, બા હેઠે ઊભી છે." બીજો છોકરો જાણે વિક્ટોરીઆમાં બેઠો હોય તેમ બોલતો કે, "ભાઈ, મારે ગાડીવાળાની બાજુમાં બેસવું છે: ઘોડો હાંકવો છે... નાPઇયેરનું પાણી પીવરાવોને, ભાઈ!"

પેડ્ઃઈ પરના બીજા મુનીમો અને મહેતાજીઓ પન્નાલાલની આ વેજાને જોઈ ખિખિયાટા કરતા હતા. વાતો ચાલતી કે -

"દિવાળી ટાણે તે આંહીં મુંબઈમાં કચ્ચાંબચ્ચાં પોસાય? એ બારકસોને તો દેશમાં જ રવાના કરી દેવાં જોઈએ!"

"શેઠ દેખશે તો નાહકના ચિડાશે."

"-ને અત્યારે વિડાય એટલે આખા વરસની મજૂરી ધૂળધાણી. કાલે સવારે બોણી બોનસ આપવાના હોય, તેના આંકડા ઉપર અસર થાય જ તો."

"એ ભાઈ...! પન્નાલાલને કશો વાંધો નથી. એના ઉપર તો શેઠાણીની અમીની આંખ છે..." એમ બોલીને એક આધેડ ઉમ્મરના નામું લખનારે આંખોનો મિચકારો માર્યો.

"પન્નાલાલ! બાઈ બોલાવે છે." ઉપરથી અવાજ પડ્યો. અવાજનો જાણે જીવતજાગત પડઘો હોય તેવો પન્નાલાલ વેગથી ઉપર ગયો. પેઢીના મહેતા-મુનીમોએ એકબીજાની સામે મર્માળી નજરો માંડીને નિ:શ્વાસ સાથે ઉદ્‌ગાર કાઢ્યો: "તકદીર! બાપા, તકદીર!"

સંધ્યા થઈ ગઈ હતી. છોકરાં સળવળીને ફટાકડાના અવાજ સાંભળતાં ઊઠ્યાં. રોતાં સૂતેલાં એટલે રોતાં જ જાગ્યાં. ટીખળી મહેતાઓએ બન્નેને ઉપરને દાદરે ચડાવ્યાં. "ભાઈ! દીવા જોવા જવું છે!" એવા રડતા અવાજ સાંભળતાં જ પન્નાલાલ શેઠાણીની સાથે વાતો કરતો કરતો ઝડપથી બહાર નીકળ્યો. ઉપર ચડી ચૂકેલાં છોકરાંને એણે હાથ ઝાલીને હડબડાવ્યાં કે "પાછળ શીદ દોડ્યાં આવો છો?"

શેઠની પત્ની દાદર પર આવ્યાં: "શું છે, પન્નાલાલ?"

"ના... કંઈ નથી."

"આ કોણ છે?"

પન્નાલાલ કશું ન બોલ્યો. "ભાઈ, પેશાબ કરવો છે... ભાઈ, ઝાડે જવું છે..." એવા રુદન-સ્વરોના જવાબમાં, "કજિયા કરાય નહિ!" એમ ડારતો પન્નાલાલ બન્ને બાળકોને નીચે ઘસડી જતો હતો. શેઠાણી સમજી ગયાં કે, તાબૂત ટાણે વાઘ-દીપડાના વેશ કાઢેલ જેવાં બન્ને ભૂલકાં પન્નાલાલનાં જ લાગે છે. "તે ઝાડે બેસવા આંહી આપણા સંડાસમાં જ ભલે ને જાય!" એમ કહી એણે બન્ને બાળાકોને હાથ ઝાલી, ઘાટણને કહી સંડાસમાં મોકલ્યાં. અગાઉ કદી ન જોયેલાં આરસનાં સાફ અને દુર્ગંધ વગરનાં સંડાસો દેખી પ્રથમ તો આ 'ચાલી'નાં બાળકો મૂંઝાયા; પછી હરખાયાં. બેઠાં બેઠાં રમ્યાં. ફરસબંધી ઉપર હાથ ફેરવવા લાગ્યાં.

પન્નાલાલ ઘણું શરમાયો. શેઠાણીએ પૂછ્યું: "તમારાં વહુને આંહી કેમ કોઈ વાર લાવતા નથી? એ કયા ગામનાં છે?"

"માધવપુર -" 'ના' કે 'ની' પ્રત્યયમાંથી કયો લગાડવો એની મૂંઝવણ થવાથી પન્નાલાલની જીભ ફક્ત 'માધવપુર' કહીને થોથરાઈ ગઈ. શેઠાણી હસ્યાં.

"હું પણા માધવપુરની છું."

"હું જાણું છું."

"શી રીતે?"

"મને મારી વહુએ કહ્યું હતું."

"એમને કેમ કોઈ દિવસ આંહી લાવતા નથી? મને એકલવાયુ લાગ્યા કરે છે. એટલે એવો સમાગમ હોય તો ઠીક."

"એ બીચારીને નવરાશ ક્યાંથી મળે?"

દરમિયાન છોકરાં પાછાં આવ્યાં. શેઠાણિએ બન્નેનાં પાટલૂનોના પટા સરખા કરી આપ્યા; હાથ-પગ, મોં ધોઈને નવા ટુવાલ વતી લૂછી દીધાં. "બન્ને ભૂખ્યાં થયાં હશે. ત્યારનાં અહીં છે. તો અહીં નાસ્તો કરવા ન લવાય?" એમ કહીને બન્નેને હીંડોળે બેસાડી મીઠાઈ દીધી.

એ જ વખતે બહારથી શેઠ પેઢી પર આવ્યા; પૂછ્યું: "પન્નાલાલ ક્યાં છે? નીચે કોઈ બાઈ એને મળવા ઊભેલ છે. મને શી ખબર કે કોણ હશે? મેં તો કોઈ મદદ લેવા આવેલી ભિક્ષુક બાઈ સમજીને વગર પૂછ્યે જ કહ્યું કે, 'બાઈ, હું ભીખને ઉત્તેજન નથી આપતો. છતાં રાતે પૂજન ટાણે આવજો. અત્યારે નહિ'. ત્યાં તો એણે મારી સામે ઘૂમટો ખેંચી રાખીને શોફરને કહ્યું, તે 'આંહી શેઠની પેઢીમાં 'પ' ઉપર નામ છે.. તેનું મારે કામ છે'."

આટલું કહી શેઠ હસી પડ્યા. બીજા સહુ હસ્યા; બોલ્યા: "વહુથી વરનું નામ એવાય નહિ ને, સાહેબ! આપણા શાસ્તરના એ કાયદે છે ના!"

શેઠ ફરીવાર હસ્યા; પૂછ્યું: "કેમ, બધી તૈયારી છે ના? બધા ચોપડા 'કમ્પલીટ' છે ના? વરસ બાકીનું તલ જેટલું પણ કામ રહી ન જવું જોઈએ."

"અમે બધા તો રાત સુધીમાં પતાવી લેશું; પણ... એક પન્નાલાલની ખતવણી બાકી રહેશે."

"હજુ બાકી? બોલાવો પન્નાઅલાલને: ક્યાં છે?"

"એના છોકરાંને ઝાડો-પેશાબ કરાવવા ઉપર લઈ ગયેલ છે."

"છોકરાંને આજે આંહીં? કામને વખતે? કાંઈ નહિ - હું જ ઉપર જાઉં છું."

આ દરમિયાન પન્નાલાલ પોતાની નીચે ઊભેલી પત્નીને શેઠાણી પાસે લાવ્યો હતો. લાજ કાઢીને ફૂલકોર બેઠી હતી. છોકરાંઓએ "હાલો દીવા જોવા! ભાઈ, હાલોને!" એવી જીદ કરતાં કરતાં એક ફ્લાવર-પોટ તોડ્યું હતું; ને શેઠ ઉપર આવે છે તે જ ક્ષણે કબાટના મોટા કાચ ઉપર ચીરો પડ્યો. શેઠાણીએ એ કાચની અંદર પોતાના બહારથી ચાલ્યા આવતા પતિના પ્રતિબિંબને ચીરાતું દીઠું.

"પન્નાલાલ!" શેઠે બાજુના ખંડમાં જઈને કહ્યું: "કાં કુટુંબ, ને કાં કામકાજ! બન્ને ન પોસાય. તમારી ખાતાવહી રઝળે છે - જાણો છો?"

છેલ્લો એક મહિનો થયાં બબે વાગતાં સુધીનો ઉજાગરો ખેંચી રહેલી પન્નાલાલની લાલઘૂમ આંખો ફાટી રહી.

"ને કાલ સવારે બોણી લેવા તો સહુ દોડ્યા આવવાના!" શેઠે મોજાં કાઢતાં કાઢતાં દુભાઈને ઉમેર્યું.

ગયા એક વર્ષની તનતોડ મજૂરીએ આ એક જ પળમાં જાણે કે પન્નાલાલના શરીરનો મકોડેમકોડો તોડી નાખ્યો.

"કોઈ પણ હિસાબે ખાતાવહી સવાર સુધીમાં પૂરી થવી જોઈએ." શેઠે પન્નાલાલના પ્તેતવત્ બનેલા દેહ ઉપર જીભનો કોરડો લગાવ્યો.

ત્રીજા માળની એ મેડી ઉપરથી નીચે ઊતરવા દાદર છે કે પરબારો રસ્તા ઉપર ભુસ્કો મારવાનો છે, એ વાત ઘડીભર તો પન્નાલાલ ભૂલી ગયો. કબાટના ઉઘાડા બારણાને એણે ઘડીભર દાદરનું દ્વાર સમજી લીધું. શેઠના ઓરડામાંથી એ પગે ચાલીને બહાર નીકળ્યો કે ગલોટિયાં ખાઈને? કશી ખબર પડી નહિ. પોતાની પછવાડે સ્પ્રિંગવાળું અરધિયું બાર ચીસ પાડીને જ્યારે બિડાયું, ત્યારે જાણે કોઈએ એના બરડામાં એક ઘુસ્તો લગાવ્યો હોય તેવો શોઠનો દુભાયેલો ઉદ્‌ગાર સંભળાયો કે, "સહુને દિવાળીની બોણી જોઈએ છે: કામ નથી જોઈતું."

દાદર પાસે શેઠાણી ઊભાં હતાં, એની આંખો પન્નાલાલને પેઢીમાં જતો જોઈ રહી. શેઠે એને એનાં સ્ત્રી-બાળકોનાં દેખતાં - અરે, મારા સાંભળતાં ઠપકો આપીને એ જુવાનનું અભિમાન શા માટે હણ્યું? પાંચેય દાદરની સળંગ ગૂંચળાકાર નિસરણી જાણે જોઈ અજગર એને ગળી જવા ચડતો હોય એવી દેખાઈ. પન્નાલાલની પત્ની અને બન્ને બાળકો ચાલ્યાં, તેને એ 'આવજો!' પણ ન કહી શકી. છોકરાં માની સાથે કજિયો કરીને પાછાં પોઢી ગયાં. "ભાઈ! દીવા જોવા જવું છે. હાલો, બા નીચે ઊભી છે" એવી જિકર કરવા લાગ્યાં. પન્નાલાલ ચોપડો લખવા બેસી ગયો હતો. એણે છોકરાંને ફોસલાવ્યાં: "હેઈ! જુઓ આ દીવા! કેવા સરસ!" એમ કહી એણે પેઢીમાં લટકતાં ઝુમ્મર, હાંડી અને જાપાની કાગળનાં ફાનસો સામે આંગળી ચીંધી. તોયે છોકરાંએ ન માન્યું. "હેઈ! જુઓ! આ કેવા લીલા-પીળા રંગ!" એમ કહી એણે પેઢીની દીવાલ પર ઝુલાવેલી જરિયાની એટાની કમાનો બતાવી. તોપણ છોકરાંની અવળચંડાઈ ન શમી. "હેઈ! જુઓ 'ખાઉ-ખાઉ'!" એમ કહી એણે બારીમાંથી સામે દેખાતી મીઠાઈની શણગારેલી દુકાન દેખાડી.

"ભાઈ, 'ખાઉ-ખાઉ' લઈ આપો!" એમ કહેતી છોકરાંની રસવૃત્તિ આંખોની રસભોમ ઉપરથી જીભના સ્વાદ ઉપર પટકાઈ ગઈ.

" 'ખાઉ-ખાઉ' લેવાય નહિ; અહિં બેઠાં બેઠાં જોઈને 'ખાઉ-ખાઉ' રમાય." એ રીતે બાપે બાળકોની અભિરુચિને ઉન્નત બનાવવા યત્ન કર્યો.

પણ બચાં ન માન્યાં: બાપના ચોપડામાં ડાઘા પાડવા લાગ્યા. એણે છોકરાંને વળ દઈને છૂપી Cઊંટીઓ ખણી. રડતાં છોકરાં ફરીવાર સૂઈ ગયાં.

સવારના પોણાચાર વાગ્યે પન્નાલાલ ખતવણી પૂરી કરીને બેસતા વર્ષની શરૂ થતી ટ્રામગાડીમાં બન્ને છોકરાંને ખડકી પોતાની 'ચાલી' ભેગો થયો.

સવારે સહુ મુનીમો-મહેતાઓ સાકરના પડા અને શ્રીફળા શેઠને પગે મૂકીને 'સાલ મુબારક' કરતા ઓશિયાળે મુખે ઊભા રહ્યા. શેઠે સહુને 'સાલ મુબારક' કહ્યું. નાનકડો સુંદર દરબાર ભરાઈ ગયો. મોટા મુનીમ ટીપમાંથી 'નાનાલાલ', 'દલસુખ', 'ઓતો...' વગેરે નામ બોલતા ગયા તે પ્રમાણે નાનાલાલ, દલસુખ, ઓતો આવી-આવી તકદીર મુજબ પાંચ, સાત કે અગિયાર રૂપિયાની 'બોણી'ની અક્કેક ઢગલી શેઠના હાથમાંથી વળી-વળીને લેતા. થોડુંક પાછે પગલે ચાલ્યા પછી જ પીઠ ફેરવીને પતપોતાની જગ્યાએ બેસતા ગયા. દસ મિનિટમાં તો, 'તને શું મળ્યું?' "ઓધાને શું મળ્યું?" એવા પ્રશ્નો ગુંજી રહ્યા. દૂર-દૂરથી આંગળાંની ઈશારતો વડે ઉત્તરો અપાયા. શેઠે પૂર્ણાહુતિ કરીને કહ્યું: " આ વર્ષે આપણી પેઢીને આટલા મોટા સ્ટાફની જરૂર તો નથી."

સહુના સ્વાસ અધ્ધર ચડી ગયા.

"કોઈ ડરશો નહિ: કોઈને કમી કરવાના નથી. પન્નાલાલનું એદીપણું મને નથી ગમ્યું. પન્નાલાલ ક્યાં છે?"

"આવેલ નથી"

"શું આવે! ખતવણી બાકી રહી હશે. મુનીમજી, એને બોણી પહોંચાડજો, હો કે!"

એ પછી શેઠને ઘેર જ ચહા-નાસ્તો લેવાનો ને સહુએ સાથે ફોટોગ્રાફ પડાવવાનો કાર્યક્રમ હતો.

દલસુખે ને ઓતાએ પોતાની દીકરીઓ સારુ દસ-દસ રૂપિયાનાં 'ઉમીટેશન' હીરાનાં એરિંગ લીધાં ને દેશમાં રવાના કર્યા. સાંજે સહુએ 'છેલછેલૈયા'નું નાટક જોયું. બાર બજ્યા સુધી ગ્રામોફોન બજાવ્યાં. પન્નાલાલને ઘેર મોકલવામાં આવેલા રૂ. ૧૧ પાછા આવ્યા હતા ને તે સાથે જ પન્નાલાલનું રાજીનામું આવ્યું હતું.

તે પહેલાં બપોરે શેઠને ઘેર એક નાની વાત બની ગઈ હતી. શેઠે શેઠાણી સારુ પાંચ હજારનાં હીરા-મોતી આણ્યાં. "વિમળા! આજે તો આ પહેરીને જ નાટકમાં જવું છે. આપણી 'બૉક્સ' ગ્વાલીઅરના મહારાજાની 'બૉક્સ'ની બાજુમાં બુક કરાવી છે."

પોતાના કંઠમાં હીરાનો હાર રોપવા સારુ લંબાયેલા શેઠના હાથને વિમળાએ ધીરે પણ મક્કમ હાથે પાછા વાળ્યા; એક કરડું હાસ્ય કર્યું.

"કેમ?"

"મને એ હારમાં પન્નાલાલની આંખો પરોવેલી દેખાય છે." એટલું કહીને એ બીજા ઓરડામાં ચાલી ગઈ.

રોજ પ્રભાતે ઊઠીને વિમળા પોતાના ચાર માસના ગર્ભાધાનનું ધ્યાન ધરીને બોલતી કે, 'મારા બાળ! તારી આંખોમાં થોડીક પણ એ ગરીબની આંખોની અણસાર લેતું આવજે!"