લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડીને અન્યાય ?

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડ શું કરે ? દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડીને અન્યાય ?
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય →








કાઠિયાવાડીને અન્યાય?

એક મિત્રે મને મીઠો ઠપકો આપી કહ્યું કે આજકાલ હું કાઠિયાવાડીઓને અન્યાય કરી રહ્યો છું; તેઓને ‘બહુબોલા’ તરીકે જ ઓળખાવી રહ્યો છું. કામ કરનારા તો કોઈ જ નથી એવો ધ્વનિ મારા લખાણમાંથી નીકળે છે એમ એ મિત્ર માને છે. વળી એ મિત્ર કહે છે કે, મારું અનુકરણ કરી બીજા પણ કાઠિયાવાડીઓને વિષે એવો જ અભિપ્રાય બાંધે છે ને એવાં જ વિશેષણો વાપરી વગોવે છે. ‘છેવટે,’ એ ભાઈ કહે છે, ‘પરિણામ એ આવશે કે અમે કાઠિયાવાડી પોતે જ માનતા થઈ જઈશું કે અમે એવા જ હોઈશું, અને પછી જે થોડા કામ કરનારા છીએ તે પણ કામ કરતા અટકી જઈશું.’

મેં ટીકા બધા કાઠીયાવાડીઓને વિષે નથી કરી. મેં તો માત્ર મુત્સદ્દીવર્ગને સંબોધીને ટીકા કરી છે. અને મુત્સદ્દીવર્ગમાં પણ કંઈ બધા વાચાળ જ છે એમ કહેવાનો મારો આશય નથી.

હું પોતે પણ મુત્સદ્દીવર્ગમાં પેદા થયો છું, પણ મને પોતાને હું વાચાળ માનતો જ નથી. એટલે મારી ટીકામાંથી પ્રથમ તો હું જ બાદ છું. વળી મારા સાથીઓમાં કેટલાક કાઠિયાવાડી પડ્યા છે જે મૂંગે મોઢે કામ, કામ ને કામ જ કર્યાં કરે છે. તેઓ પણ મારા વિશેષણની બહાર છે. એટલે મારું વિશેષણ તો જેને લાગુ પડી શકે તેને જ ઉદ્દેશીને છે.

એટલું ખરું કે, જો બોલનારા અપવાદ જેટલા જ હોત તો મારી ટીકા અન્યાયી ગણાત. મારી ફરિયાદ એવી છે ખરી કે મુત્સદ્દીવર્ગ મુખ્યત્વે વાચાળ ને ખટપટી છે. મૂંગે માઢે કામ કરનારા અપવાદરૂપે છે. હું મુત્સદ્દી કુટુંબના વચ્ચે ઊછરેલો છું. મુત્સદ્દીવર્ગનો મને બહુ અનુભવ છે. મારા પિતાશ્રીને તો હું પૂજતો. માતપિતાને વિષે મારી ભક્તિ શ્રવણના જેવી હતી. આમાં જો અતિશયોક્તિ હોય તો શ્રવણ મારો આદર્શ હતો એમાં તે મને શક નથી જ. પણ મારી વિવેકદૃષ્ટિનો કદી લોપ થયો જ નથી. તેથી હું ત્યારે જાણતો, ને અત્યારે વધારે જાણું છું, કે મારા પિતાનો ઘણો કાળ તો કેવળ ખટપટમાં જ જતો. સવારના પહોરથી વાત શરૂ થાય તે કચેરીએ જતા સુધી ચાલ્યા જ કરે. સૌ કાનમાં વાત કરનારા. વાતનો સાર માત્ર એટલો જ હોય કે નાના કારભારમાંથી મોટો કેમ મેળવવો; નાગર, બ્રાહ્મણ ને વાણિયાપક્ષમાં વાણિયાપક્ષ કેમ વધારવો, વાણિયામાં પણ અમારે કઈ રીતે વધારે આગળ આવવું, એ મારા પિતાશ્રીનો ઉદ્દેશ હતો. આ એક પક્ષ રજૂ કર્યો. પરમાર્થ ક્યાંયે ન જ હતો એમ કહેવાનો હેતુ નથી; પણ પરમાર્થ ગૌણ હતો. સ્વાર્થ સાધતાં થઈ શકે તે પરમાર્થ કરવો. મારા પિતાશ્રી મુત્સદ્દીવર્ગમાં નીચમાં નીચ ન હતા, પણ તે ઉત્તમોત્તમમાં ગણાતા. તેમનું પ્રમાણિકપણું પંકાતું. લાંચ એ વેળા પણ ખવાતી; તેમાંથી તે મુક્ત હતા. તેમનું હૃદય વિશાળ હતું. ઉદારતાનો પાર ન હતો. આવા સારા માણસ પણ ઝેરી મુત્સદ્દી વાતાવરણમાંથી બચી નહોતા શક્યા.

આ મારું જ્ઞાન મારી પાસે ઘણી વેળા બોલાવે છે કે, હું નાગરો ઇત્યાદિ સાથે શુદ્ધમાં શુદ્ધ મિત્રભાવ રાખી મારા કુટુંબના પક્ષપાતનું પ્રાયશ્ચિત્ત કરું છું, અને તે વર્ગમાં ઊછરેલો હું વાચાળવાદમાંથી નીકળી, કર્મવાદમાં પ્રવેશ કરી, મુત્સદ્દીવર્ગના વાચાળપણાના પાપનું પ્રાયશ્ચિત્ત કરું છું.

જે વાત મુત્સદ્દીવર્ગને વિષે ચાળીસ પચાસ વર્ષ પૂર્વે સાચી હતી તે આજ પણ સાચી છે. મુત્સદ્દીવર્ગનો ધંધો જ ખટપટ. તેનો કંટાળો મારા દેશવટાનું એક કારણ હતું. મુત્સદ્દીવર્ગના વાતાવરણમાં રહેવું ને મૌન રાખવું તથા કામ જ કર્યાં કરવું, એટલે કારકુનની પંક્તિથી આગળ ન જ વધવું. પણ કારકુનમાત્રનું ધ્યેય કારભારું રહ્યું; ને કારભારું કામનું કુળ નથી હોતું પણ ખટપટનું. તેથી રજવાડાની નોકરીમાં દાખલ થયા કે તુરત ખટપટની તાલીમ શરૂ થાય.

હવે આપણામાં નવું વાતાવરણ ઘડાઈ રહ્યું છે. આપણે વાચાળવાદ ને ખટપટ છોડવા ઇચ્છીએ છીએ. તેથી કેટલાક કામ કરનારા કાઠિયાવાડીનો ફાલ પ્રતિકૂળ વાતાવરણમાં પણ ઊતરવા માંડ્યો છે. પણ સામાન્ય મુત્સદ્દીવર્ગ હજુ પોતાના વાતાવરણને જ વશ પડ્યો છે.

આ સ્થિતિને ઓળખી કાઠિયાવાડી મુત્સદ્દીવર્ગ તેને તુરત સુધારે એ મારા લખવાનો હેતુ હતો ને આજ છે.

કાઠિયાવાડીની (એટલે મુત્સદ્દીવર્ગના જે ભાગને લાગુ પડે તેની) આવી ટીકા એ સત્યાગ્રહી ગાળનો એક ભાગ છે. એટલે તેવી ટીકા તો મારા જેવાથી જ થઈ શકે. જેને કાઠિયાવાડીનો દ્વેષ હોય તેનાથી થાય જ નહિ. પણ કોઈ કાઠિયાવાડદ્વેષી મારું અનુકરણ કરીને એવી ટીકા કરે તો તેથી શું થયું ? તેથી જે ખટપટી નથી તે તે શાંત રહેશે ને હસશે. જે ખટપટી છે, વાચાળ છે, તેને સાચું સાંભળતાં ક્રોધ શાને આવે ? દુશ્મન આપણા દોષ જુએ તેટલા મિત્ર નહિ જુએ. મિત્રના પણ દોષ જેવા ને તેમ છતાં તેની ઉપર પૂર્ણ પ્રેમ રાખવો એ તો સત્યાગ્રહનો ખાસ વિષય છે, ને તે મહામુશ્કેલીથી જ કેળવી શકાય છે. એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે, જેટલા પોતીકા દોષ આપણે દુશ્મન પાસેથી જાણી શકીએ તેટલા મિત્ર પાસેથી નહિ જાણી શકીએ. તેથી કાઠિયાવાડીઓને મારી ભલામણ છે કે તેમણે દુશ્મનની ટીકા વિનયપૂર્વક ને આદરપૂર્વક સાંભળવી, વિચારવી, ને તેમાં જેટલું સત્ય હોય તેનું ગ્રહણ કરવું.

મારી ટીકાનું અનુકરણ બીજા કરે તેથી હું ટીકા કરતો બંધ થાઉં, એવું તો કોઈ ન જ ઇચ્છે. વળી કાઠિયાવાડીની ટીકા કરી હું તો ગુજરાતીમાત્રને વાચાળપણું ટાળી કામ કરતા થઈ જવા કહી દઉં છું. કાઠિયાવાડીઓ મને ખાસ પોતીકો ગણે ! મારી ટીકા તે સાંભળે, તેનો સાર ખેંચે. બીજાનું ન સાંભળે પણ મારું તો સાંભળે, એવું મારા મનમાં કાઠિયાવાડીઓને વિષે કંઈક અભિમાન પણ ખરું. પણ હું કાઠિયાવાડ અને ગુજરાત વચ્ચે ભેદ ગણતો નથી. બન્ને ગુજરાતી જ છે. કાઠિયાવાડ નાનું ગુજરાત છે. ગુજરાતમાં કાઠિયાવાડ, કચ્છ વગેરે મેળવો એટલે મહાગુજરાત થયું. મહાગુજરાત એ હિંદુસ્તાનનું એક નાનું અંગ છે; તે અંગની ભાષા હું વધારે જાણું છું; તે અંગ મને વધારે ઓળખે; તેથી તેને કડવું પડવાનો મને વધારે અધિકાર છે. અને મહાગુજરાત તે કડવું નહિં પીએ તો હું કોને પાઈશ ? પછી મારી દવાની પિછાણ હું કોની પાસે કરાવીશ ?

છેવટમાં, કાઠિયાવાડી મુત્સદ્દીવર્ગ વાચાળપણાનો પૂર્ણ સંયમ પાળી, ખટપટનો ત્યાગ કરી, મૂંગે મોઢે કામ કરતો થઈ મારી ટીકાને ખોટી પાડે એમ હું ઇચ્છું છું. ટીકા કરવામાં મને રસ નથી આવતો. તે કરીને કાઠિયાવાડ પાસેથી પૂરું કામ લેવાની ઉમેદ રાખું છું.

નવજીવન, ૧–૬–૧૯૨૪