દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/ઉત્તર માર્ગનો લોપ

વિકિસ્રોતમાંથી
← જગજીવનનું ધ્યેય દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
ઉત્તર માર્ગનો લોપ
રામનારાયણ પાઠક
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તા વિનોદમંડળ : સભા પાંચમી કમાલ જમાલની વારતા →





ઉત્તર માર્ગનો લોપ

જે સિન્ધુ દેશમાં આવેલું દેવીગ્રામ સવારથી કોઈ અપૂર્વ ઉત્સાહમાં આવી ગયું છે. તેના વિધિઓ અને કાર્યક્રમ હમેશના જ છે, તેમાં છેલ્લાં સાત વર્ષથી તો કશો ફેર થયો નથી, થઈ શકે જ નહિ, પણ આજે એ હમેશના કાર્યક્રમના વિધિઓ, પાઠ, પૂજા, પ્રદક્ષિણા, દર્શન, જાપ, સર્વ કરવામાં વાણી હાથ પગ નવી જ છટા અને નવો જ રણકાર બતાવે છે. આજે ગ્રામમાં સાત વર્ષનું મહાન પર્વ આવેલું છે. આજે એ ગ્રામનાં મુખ્ય સાધકસાધિકા પોતાની સાત વરસની સાધના પૂરી કરશે અને કાલે જ્વાલામુખીદેવીની મહાયાત્રાએ જશે, અને ત્યાંથી પાછાં ફરશે એટલે તેમની સાધિકા ચન્દ્રલેખા એ જ્વાલામુખી દેવીનું સ્વરૂપ બનશે અને સાધક એ ગ્રામનો નવમો સિદ્ધ પુરુષ થશે.

આ સાત વરસની સાધના, જેટલી વિલક્ષણ તેટલી જ દુષ્કર હતી. સાધના માટે દેવીના ઉપાસકોના પુત્રપુત્રીમાંથી જન્મકુંડલી તપાસાવીને અને અમુક સામુદ્રિક લક્ષણો જોઈને એક વીસ વરસના પુરુષને અને સોળ વરસની યુવતીને પસંદ કરવામાં આવતાં. તેમણે એક વંડીવાળા દેવીના ચાચરમાં જુદી જુદી ઓરડીમાં રહેવાનું હતું. આ ઓરડીઓને કમાડ નહોતાં. એ ઓરડીઓ સિવાય ત્યાં એક માતાજીની ઓરડી હતી. તેને પણ કમાડ નહોતાં ને ઓરડીમાં માત્ર એક દેવીનો દીવો નાના ધાતુના કોડિયામાં રહેતો. આ દીવો આ સાધક સાધિકાએ વારાફરતી ઘી પૂરીને રાત દિવસ અખંડ બળતો રાખવાનો હતો. આ દીવાની ઓરડીને કમાડ નહોતાં પણ તે ઊંડી હતી અને ત્યાં જવાનો માર્ગ એવો અટપટો હતો કે ગમે તેવા તોફાનમાં પણ પવન ત્યાં સુધી જઈ દીવો હોલવી ન શકે. એ દીવો હોલાતો નથી એ એક દેવીનો પરચો ગણાતો. આ ચાચરમાં બન્નેએ એકાન્તમાં અખંડ બ્રહ્મચર્યથી સાત વરસ સાથે રહેવાનું હતું. બ્રહ્મચર્યમાં ભંગ થાય તો દેવીના ચમત્કારથી તેની ખબર પડ્યા વિના રહેતી નહિ. આવાં સ્ખલનો પૂર્વકાળમાં કેવાં જણાઈ ગયાં હતાં તે ઉપર ઉત્તરમાર્ગનાં પુરાણોમાં કેટલીય કથાઓ હતી. આ કથાઓ હમેશ અક્કેકી આ સાધક સાધિકાને ત્રીજે પહોરે સાંભળવાની દિનચર્યા હતી. ખરી રીતે ચોવીસે કલાકની દિનચર્યા બહુ વિગતથી ઝીણવટથી અને ચોકસાઈથી નક્કી થયેલી હતો. સવારમાં બ્રાહ્મમુહૂર્તે ઊઠીને સ્નાન કરી આવીને સાધકે સાધિકાના પિંડમાં હજી અપ્રગટ રહેલ દેવીની પૂજા કરવાની હતી. એકવસ્ત્રવેષ્ઠિતા સાધિકા,—દરેકે સીવ્યા વિનાના એક જ લાંબા વસ્ત્રનું પરિધાન કરવાનું હતું—ઉત્તર તરફ માથું રાખી સીધી આકાશ તરફ મુખ રાખી સૂઈ જતી, સાધક તેને ઓશીકે બેસી તેના કપાળે કંકુનું તિલક કરી, પોતાનું કપાળ તેને અડાડી પોતાને ચાંલ્લો કરતો; પછી તેની કેડ પાસે બેસી સાધિકાની નાભિ ઉપર સ્પર્શ કર્યા વિના તેણે લાલ કરેણુનું ફૂલ ચડાવવાનું હતું. અને પછી પગ આગળ બેસી સાધિકાને પગને અંગૂઠે, બન્ને આંખો અડાડવાની હતી. આ વિધિ થતી વખતે દેવીગ્રામનો વૈદ્ય હાજર રહેતો અને વિધિ પછી તરત બન્નેની નાડી તપાસતો. બન્નેની નાડીનો વેગ જરા પણ વધવો ન જોઈએ. દિવસમાં સવાર બપોર સાંઝ ત્રણ વાર નાડી તપાસાતી. બપોરે તેમને માટે એકવાર ભોજન આવતું. તેમને પોતાનું કશું પણ કામ હાથે કરવાનું નહોતું. માત્ર દીવો અખંડ રાખવો એ એક જ કામ હતું. દીવાનું કોડિયું એટલું નાનું હતું કે રાત દિવસ વારંવાર જઈ ઘી પૂરવું જ પડે. તેમની આસપાસ અગ્નિનું કશું સાધન રખાતું નહિ, એટલે જો કોઈપણ કારણથી દીવો હોલવાય તો એ વાત બહાર પડ્યા વિના રહે જ નહિ. એમ થાય તો વિધિ પ્રમાણે મોટી ક્રિયા કરી એ દીવો ફરી પ્રગટાવાતો અને સાધક સાધિકાને ફરી સાત વરસ તપશ્ચર્યા આદરવી પડતી. રાતના બન્નેએ વારાફરતી ઉજાગરો કરવાનો અને ઘી પૂરું થતાં બીજાને ઘી પૂરવા જગાડી ઊંઘી જવાનું હતું, જગાડવાની પદ્ધતિ પણ ચોક્કસ હતી, રાતા કરેણનું ફૂલ કપાલે અથવા પગને અંગુઠે અડાડીને જ જગાડી શકાતું.

તપશ્ચર્યા આટલી દુષ્કર હતી માટે જ, તેમના પુરાણ પ્રમાણે, કલિયુગમાં અત્યાર સુધી માત્ર આઠ સાધકસાધિકા પાર ઉતાર્યા હતાં. આ યુગલ નવમું હતું, અને આજે તેમની તપશ્ચર્યાનો છેલ્લો દિવસ હતો. તેથી જ આજે સવારથી આરતી વખતે ભક્તોનો ઝાલરનો રણકાર જુદી જાતનો હતો. આજે દેવી એટલે સાધિકાની પૂજા વખતે વચમાં આવવાની જગા રાખીને બન્ને છેડે પાતળું અને વચમાં જાડું, ઊભેલું ટોળું હમેશ કરતાં ઘણું મોટું હતું. એ ટોળામાં ધીમે રહીને પોતાનો સુંદર ગૌર દેહ ચારે બાજુથી સફેદ વસ્ત્રથી વીંટાળી ચન્દ્રલેખા આવી ત્યારે ટોળું એક આંખો સિવાય આખે શરીરે નિશ્ચેષ્ટ થઈ ગયું. ધીમેથી આવી ચન્દ્રલેખા સ્થંડિલ પર સૂતી. પછી સામેથી ધીમે પગલે ધોતિયું પહેરેલો અને ધોતિયાના એક છેડાનું જ ઉત્તરીય કરેલો હરકાન્ત આવ્યો. તેણે ઓશીકે બેસી સિંદુરનું તિલક કરી પોતાનું કપાળ ત્યાં અડાડ્યું. ત્યાંથી ઊઠી તે ચન્દ્રલેખાના શરીરના મધ્યભાગ આગળ બેસવા જતાં તેણે તેના મોં સામે જોયું. સાત સાત વરસ સુધી અનેક સવારે તેણે આ ક્રિયા કરેલી તે બધી જાણે એક કતાર થઈ તેની સામે ઊભી રહેલી દેખાઈ. એક અજ્ઞાત ભવિષ્ય તેની આંખ સામે ખડું થયું. આજે છેલ્લી જ વાર ચન્દ્રલેખાનો સુંદર દેહ તેનું સુંદર મુખ, તેની સુંદર દેહરેખા તે જુએ છે તે વાત તેના મનમાં એકદમ પાણીનો નાનો પરપોટો ઉપર આવે તેમ આવી. બેસીને નાભિ ઉપર ફૂલ મૂકતાં કંઈક તેનો હાથ ધ્રૂજ્યો. તેણે દીર્ધ શ્વાસ લઈ મન ઉપર ફરી કાબૂ મેળવ્યો. ઊઠીને તેણે પગને અંગૂઠે પોતાનાં નેત્રો અડાડ્યાં. હંમેશના જેવા સ્વસ્થ મનથી અને ઊઠ્યાના શ્રમથી જરા લાલ થતા મુખ સાથે તે ઊભી થઈ, તે બન્નેની નાડ વૈદ્યે જોઈ ત્યારે તે હંમેશ જેવી શાન્ત નિયમિત અને સ્વસ્થ હતી. તેઓની આકરી કસોટી આજ પૂરી થઈ. આજે છેલ્લી વાર પાતે તેમની નાડ જોતો હતો એ વિચારથી એકમંદ સ્મિત કરી વૈદ્ય ચાલ્યો ગયો. ટોળું પણ નિઃશબ્દ વીખરાઈ ગયું. હરકાન્ત અને ચન્દ્રલેખા બંને પોતપોતાની ઓરડીમાં ચાલ્યાં ગયાં.

ત્રીજે પહોરે હંમેશની માફક થતા કથાવાચનમાં પણ આજે મોટું ટોળું આવેલું હતું. એક ભક્ત પાસે પાટલા પર એક પોથીનો લગભગ ગાંસડો ઉપડાવીને પૌરાણિક દાખલ થયો અને પોતાને સ્થાને બેઠો. સાત વરસમાં કશું જ ફરી ન વાંચવું પડે, હમેશ અક્કેક અધ્યાય વાંચતાં સાતે વરસે બરાબર પૂરું થઈ રહે એવડું એ પુરાણ હતું. આજે પુરાણ ઉઘાડીને તેણે પાનાં હાથમાં લીધાં ત્યારે શ્રોતાઓ તરત શાંત થઈ શક્યા નહિ. આવતી કાલ શી ક્રિયાઓ કરવાની હશે, આ સાધકસાધિકા કેવાં સદ્‌ભાગી, તે આવ્યાં ત્યારે કેવાં અને કેવડાં હતાં, આજે તે તે કરતાં કેવાં સુંદર અને ભવ્ય થયાં છે; ગ્રામનાં સ્ત્રી–પુરુષો સાથે તેમને કેટલો બધો પ્રેમ છે, બંનેથી બહાર નીકળાતું નથી, પણ બંને બાળકો તરફ પણ કેવી મમતા રાખે છે, તેમને શોધી લાવનાર આ પૌરાણિક જ હતા, કાલ હવે નવી વિધિઓ શી થવાની અને સાક્ષાત્ જ્વાલામુખી પ્રગટ થશે, ત્યારે શા શા ફેરફારો થશે એની વાતો કરવામાંથી આજ શ્રોતાઓ પરવારતા જ નહોતા. પણ પુરાણકર્તા જાણે આ બધું માનસ પહેલેથી સમજતા હોય તેમ આજનો છેલ્લો અધ્યાય તેણે ટૂંકો જ લખેલો હતો. આજે પ્રવચન કરતાં પૌરાણિકે કહ્યું કે આજનું કથાનક ઘણું જ ટૂંકું છે, અને તેણે શ્રોતા તરફ કોરી બાજુ દેખાતી થોકડી હાથમાં લીધી. તે ઘણી જ પાતળી, ભાગ્યે ચારેક પાનાની હશે. તે જોઈ લોકો શાંત થઈ ગયા. પૌરાણિકે પોતાની કથા શરૂ કરી.

“એક વાર ભગવતી કામાખ્યાદેવીને પોતાની જયા અને વિજયા સખીઓ જોડે હાસ્યવિનોદ ચાલતો હતો. ત્યાં ઓચિંતાં દેવીએ હાથ ઊંચો કરી, સ્તંભનમુદ્રાથી વાતચીત બંધ કરી અને ભગવતી ભ્રમરીદેવીનું સ્મરણુ કર્યું. ભગવતી ભ્રમરીએ અશરીર હુંકારથી પોતાનું આગમન જણાવ્યું એટલે દેવી બોલ્યાં : “વિન્ધ્યાવટીમાં રહેતો મારો સાધક કાલે સવારે વિન્ધ્યવાસિની દેવીનાં દર્શન કરવા જાય ત્યારે નર્મદાની ભેખડમાંથી ઊડતી ભમરીઓના દંશથી તેના પ્રાણ લેજો.” ભગવતી ભ્રમરી ફરી તેવો જ હુંકાર કરી ત્યાંથી ચાલ્યાં ગયાં, ત્યારે જયા અને વિજયાએ પૂછ્યું: “દેવી, વાંધો ન હોય તો સાધકનો દોષ અમને કહો.” ત્યારે દેવીએ કહ્યું: “આજે સાધકે વાતચીતને પ્રસંગે સાધિકાને કહ્યું કે આજની પુરાણકથામાં કહ્યા પ્રમાણે મને ડાબે બાહુએ તલ છે. સાધિકાએ કહ્યું કે મને પણ આજના વ્યાખ્યાન પ્રમાણે નાભિની વામ બાજુ રાતો તલ છે. સાધકે કહ્યું, બતાવો જોઈએ. સાધિકાએ બતાવ્યો ત્યારે સાધકે ત્યાં અંગુલી વડે સકામ સ્પર્શ કર્યો.” જયાએ ફરી પૂછ્યું: “ભગવતી, આપે પહેલાં કહ્યું હતું તે જો આ જ સાધક વિશે હોય તો આજે તેની તપશ્ચર્યાની છેલ્લી રાત હોવી જોઈએ. સાત વરસ શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યા પછી આજે છેલ્લી રાતે તેનું સ્ખલન કેમ થયું?”

પૌરાણિકના આ શબ્દો સાંભળતાં આખો શ્રોતાવર્ગ સ્તબ્ધ થઈ ગયો. હરકાન્ત અને ચન્દ્રલેખાએ એક બીજા તરફ સાવધાનતાની ગંભીર દષ્ટિ કરી. પૌરાણિકે કથા આગળ ચલાવી.

“આવો જ બનાવ ત્રેતાયુગમાં એક વાર બન્યો ત્યારે કાત્યાયની દેવીએ એક દૃષ્ટાંતથી આ વાત સમજાવી હતી. શંખપુરના રાજરાજેશ્વર ઇંદ્રસેને શક્તિનું એક શિખરબંધ મંદિર કરાવ્યું હતું. તેના ઉપર તેને સુવર્ણનો કલશ અને આમલક મૂકવું હતું. તેની રાજધાનીથી સાતેક ગાઉ પર એક વિશ્વકર્મા જેવો શિલ્પી બ્રાહ્મણ રહેતો હતો. તેની પાસેથી નમૂના માટે માટીનો કલશ અને આમલક લઈ આવવા તેણે એક વિદ્યાહીન બ્રાહ્મણને સુવર્ણ આપવા! કરી લેવા મોકલ્યો. એ શિલ્પી, બ્રાહ્મણ સિવાય કોઈને સ્પર્શ કરતો નહિ એટલે કોઈ શૂદ્રને નહિ મોકલતાં બ્રાહ્મણને મોકલ્યો. શિલ્પીએ એક મોટા પાટલા પર કચરાનો કલશ અને આમલક કરી પાટલો તેના માથા પર ચડાવ્યો અને ખાસ કહ્યું કે ભાર તો છે પણ ધીમે ચાલજે અને ઉતારતી વખતે પાટલો વાંકો ન થઈ જાય એ રીતે ધીમે રહીને ઉતારજે. બ્રાહ્મણે ધીરજ રાખીને આખો લાંબો પંથ ભારને સાચવીને કાપ્યો, પણ મંદિર પાસે આવતાં ઉતારવાની જગા હવે પાસે આવી જોઈને, અને સુવર્ણ મળશે એ વિચારથી, તે અધીરો થઈ ગયો, ને હાશ કરીને તેણે પાટલો પછડાતો મૂક્યો. ઉપરની માટીની આકૃતિ ભાંગી ગઈ, મુહૂર્ત ચાલ્યું ગયું, અને રાજાએ બ્રાહ્મણને આપવા ઠરાવેલ સુવર્ણદ્રવ્ય આપ્યું નહિ. એ પ્રમાણે જે સાધક પોતાના વ્રતને ભારરૂપ ગણે છે અને તેની અવધિની અધીરો થઈ રાહ જુએ છે, અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા વિહ્‌વલ બને છે, તે અવધિ નજીક દેખતાં ધૈર્ય ખોઈ બેસે છે અને પતિત થાય છે. આ સાધકનું પણ એમ થયેલ છે.”

પૌરાણિકે અહીં કથા પૂરી કરી પાનાં સંકેલી પોથીમાં મૂક્યાં આખો શ્રોતાવર્ગ અને સાધકસાધિકા બન્ને અત્યંત ગંભીર ચહેરે ઊભાં થયાં. ધીમે ધીમે ટોળું વીખરાયું. પૌરાણિક પોતાની પોથી બાંધી લઈ છેવટની માર્દવભરી નજર સાધકસાધિકા તરફ નાંખી ચાલતો થયો. અને ફરી ચાચરમાં એકાંત થયું.

હરકાન્ત ચાચરને ઓટલે પગ લટકાવી બેથો અને ચન્દ્રલેખા એક આસન પર પલાંઠી વાળી તેની બાજુએ તેનાથી દૂર તેના તરફ મુખ રાખી બેઠી. થોડીવારે હરકાન્તે કહ્યું, “આ પુરાણકાર પણ બહુ વિચક્ષણ જણાય છે. આજે આપણી છેલ્લી રાત્રિ છે, તો તેણે કથા પણ છેલ્લી રાત્રિની જ કહી!”

ચન્દ્રલેખા : “અલબત્ત, વિચક્ષણ તો ખરા ! પણ હરકાન્ત, મને તો અધીરાઈથી મન ચલિત થાય એ સાચું નથી લાગતું. મને એવી કશી જ અધીરાઈનો અનુભવ થતો નથી. તમને થાય છે ?”

“મને પણ થતો નથી. મને જો કંઇ થાય છે તો તે ભવિષ્યના વિચારો થાય છે.”

“મને પણ. અને મને તો કંઈક જાણે ભય લાગે છે, હવે શું થશે ? અત્યાર સુધી તો જાણીતા વિધિ પ્રમાણે ચાલવાનું હતું. પણ હવે શું આવશે ?”

હરકાન્તે કહ્યું: “તમારે તો તેમાં ભય રાખવાનો છે જ નહિ. સાક્ષાત્ માતાજી જ તમારામાં પ્રગટ થશે. તમારે કશું જ કરવાનું નથી.”

“પણ એ પ્રગટ કેવી રીતે થતાં હશે ? પ્રગટ થવાનાં, તેનું એક પણ ચિહ્ન હજી સુધી હું મારામાં અનુભવી શકી નથી. મારામાં પ્રગટ થશે એટલે શું ? એ પ્રગટ થશે ત્યારે મારું શું થયું હશે, હું હુંરૂપે મટી ગઈ હઈશ ? કે હું આ ખોળિયામાં જા–આવ કરતી રહીશ ?”

હરકાન્તે કહ્યું : “મારી કલ્પના એવી છે કે તમે તમારે રૂપેજ રહ્યા છતાં, માતાજી સાથે એક પ્રકારનું તાદાત્મ્ય અનુભવો, તેમની સાથે અનુસંધાન મેળવો.”

“પણ હજી સુધી એ અનુસંધાન કેમ મેળવવું તેનું ઝાંખું સ્વરૂપ પણ મારા અનુભવમાં આવ્યું નથી.”

“એ અનુસંધાનનો પ્રયત્ન તમારે કરવાનો નહિ એ માતાજી પોતેજ મેળવશે, એવો અર્થ.”

“તો માતાજીએ અત્યાર સુધી કેમ કોઈમાં મેળવ્યો નહિ ? એ પોતે સર્વશક્તિમાન છે. ગમે તેનામાં મેળવી શકે છે.”

“ના, તેને માટે તેમને પવિત્ર ભૂમિ જોઈએ.”

“મારું એ જ કહેવું છે. મને કહેતાં શરમ આવે છે,—સંકોચ થાય છે, ભય લાગે છે કે કોઈ મને અશ્રદ્ધાળુ ગણે; પણ આટલાં વરસે પણ મને નથી લાગતું કે હું પહેલાં કરતાં વધારે પવિત્ર છું.”

“એમ ન બને કે તમે પોતે એનાં અજ્ઞાત હો ?”

“એનો વિચાર જ ન કર્યો હોય તો એમ બને. પણ અનેક આખ્યાનોમાં આ વાતો આવી છે. તપશ્ચર્યાથી, આપણા વિધિથી પવિત્ર થવાય છે, બ્રહ્મચર્યથી દિવ્ય બલ આવે છે, અને એવી એવી વાતો સાંભળી મને વારંવાર મારે વિશે વિચાર આવ્યો છે. અને કદી મને મારે વિશે સતોષ થયો નથી. પણ તમારો શો અનુભવ છે આ બાબતમાં ?”

“મને તો છેવટ પણ માત્ર ભક્તને અધિકાર મળવાનો છે. મને બહુ બહુ તો નવી વિધિઓનો વિચાર આવે છે. કહે છે કે, ઉત્તરમાં જ્વાલામુખી માતાનું સ્થાનક છે. આપણી સાધના પૂરી થયા પછી ત્યાંથી એક ગુપ્ત ગ્રંથ લઇ આવવાનો અને એ ગુપ્ત ગ્રંથની વિધિ પ્રમાણે ક્રિયા કરવાની આવશે. આપણો માર્ગ ઉત્તરમાર્ગ ગણાય છે. તે બે કારણોને લઇને. એક કારણ તો આપણો માર્ગ દક્ષિણ અને વામ બંનેથી અનોખો, અને ઉચ્ચતર છે. અને બીજું એ કે એની વિધિઓ એની ઇષ્ટદેવતા ઉત્તરમાં રહેલી છે.”

એટલામાં એક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ ચન્દ્રલેખા ચમકીને બોલી, “અરે, પણ દીવામાં ઘી પૂરવાનો વખત ક્યારનો થઈ ગયો ને !” બંને મંદિર તરફ દોડ્યા સદ્‌ભાગ્યે દીવો ચાલુ હતો. ચન્દ્રલેખાનો વારો હતો એટલે એણે જઈ ઘી પૂર્યું. પાછાં આવતાં એણે કહ્યું, “મને તો ભય લાગ્યો છે કંઈ ! હજી મારી છાતી ધબક્યા કરે છે.”

હરકાન્તે કહ્યું: “પુરાણકારની વાત એક નહિ તો બીજી રીતે પણ સાચી તો ખરી જ. છેલ્લો દિવસ વધારે સાચવવા જેવો છે !”

અને એ છેલ્લો દિવસ, છેલ્લી રાત, પૂરેપૂરી સચવાઈ ગઈ. બીજે દિવસે હવે છેલ્લી વિધિ કરવાની હતી.

આ પ્રસંગને માટેના ખાસ મોટા કોડિયામાં દીવો કરી દેવીગ્રામનાં બાળકોને અને તેમને સાચવવા જરૂરનાં હોય તેટલાંને ગ્રામમાં રાખી બધાં દેવીભક્તોને, સ્ત્રી-પુરુષો બધાંને, વહાણમાં બેસી દરિયામાં જ્લામુખીના ખડકનાં દર્શન કરી, ખડકની પ્રદક્ષિણા કરી પાછાં આવવાનું હતું. જ્લામુખીના ખડક ઉપર ત્રિશૂલનું નિશાન છે એટલું જ સામાન્ય રીતે બધાની જાણમાં હતું, પણ તે સિવાય, આવી પ્રદક્ષિણા કરવાનો પ્રસંગ એટલે લાંબે અંતરે આવતો કે ત્યાં કેમ જવું, વહાણ ક્યાંથી ક્યાં લઈ જવું તેની માહિતી હોય એવો દેવીભક્ત કે ખારવો પણ જવલ્લે જ મળતો. આ પ્રસંગે માત્ર એક જ ખારવો પરંપરાથી કંઈક જાણતો હતો, અને તે પણ ઘડપણથી આંધળો થઈ ગયો હતો. તેને પૂછીને ખારવાઓએ વહાણ હંકારવાનું નક્કી કર્યું.

આજે શ્રાવણ માસની સુદ નોમ હતી. તે જ દિવસે સવારથી ગ્રામમાંથી નીકળે તો ખડકે પહોંચે ત્યારે જ્વાલામુખીનું ત્રિશૂલ દેખી શકાય એમ મનાતું. નહિતર તો દરિયાના પાણીમાં ઢંકાઈ ગયું હોય. વહાણ સિન્ધુનદીના પૂરમાં સડસડાટ ચાલવા માંડ્યું. વહાણ આખું દેવીભક્તોથી ચિકાર ભરાયેલું હતું. બધાં માણસો વહાણના ગર્ભભાગમાંજ ભંડકિયામાં જ હતાં. ચન્દ્રલેખા અને હરકાન્તને માટે બધાથી ઉપર ખાસ બે જુદાં પાટિયાં નાંખી આપેલ હતાં, તેમાં કૂવાથંભને અડોઅડ હરકાન્ત બેઠેલો હતા. સિન્ધુમાં વહાણની ગતિ જોઈ સર્વ ભક્તો હર્ષમાં આવી ગયાં હતાં. દૂરનાં તટો ઇન્દ્રજાલનાં દૃશ્યોની પેઠે વેગબંધ પસાર થતાં હતાં. સ્થલ પશુ સમયની પેઠે જરા પણ ઘર્ષણ કે અવાજ વિના પસાર થતું હતું. પ્રસંગના, અને વેગના માદક હર્ષથી સર્વ ભક્તો હર્ષમાં આવી ગાતાં હતાં, વાતો કરતાં હતાં, કોઈ સ્તબ્ધ બેઠાં હતાં. સુકાન પાસે બેઠેલો પૌરાણિક આજે અનન્ય ઉત્સાહમાં હતો. જીવનભર સેવેલી ઇચ્છા પૂર્ણ થવાની ખુશાલીમાં તેનો હર્ષ માતો ન હતો.

એટલામાં સિન્ધુનું મુખ આવ્યું. સામે દરિયો મોટાં મોજાંથી ઊછળી રહ્યો હતો, તેના ધુઘવાટથી જ જાણે ભક્તોનાં ભજનો બંધ થઈ ગયાં ! નદી અને સાગર, બન્ને સિન્ધુઓનો સંગમ, જાણે આખા વિશ્વને ચલાયમાન કરતો હતો. દૂરની ભૂમિ, નીચેનું પાણી કે ઉપરનું આકાશ કશું જ સ્થિર દેખાતું નહોતું. એટલામાં ઓચિંતુ વરસાદ સાથે તોફાન શરૂ થયું. ખારવા પણ માંડ દેખી શકે એવો ઘટ્ટ વરસાદ વરસવા માંડ્યો. ભક્તો તો ઘણાંખરાં અર્ધાં બેભાન પડ્યાં હતાં. તે વખતે પણ ચંદ્રલેખા પોતાના પાટિયા પર સ્થિર બેઠી હતી. હરકાન્ત તોફાન જોવાના કુતૂહલે કૂવાથંભને ઝાલીને ઊભો થયો. એટલામાં ખારવાઓ એકદમ બૂમો પાડવા માંડ્યા, અને સઢ સંકેલવાની દોડાદોડ થઈ રહી. સમુદ્રના મોટા લોઢને લીધે વહાણ ડામાડોળ થવા માંડ્યું. ત્યાં મુખ્ય ટંડેલે દૂર સમુદ્રની ઘૂમરી જોઇ. એ ઘૂમરી ડાબી રહેવી જોઈએ તેને બદલે જમણી દેખાઈ, અને તેનાથી દૂર રહી જવા જેટલી જગા રહી નહોતી એમ તેણે જોયું. ને બધાંને તેણે બૂમ પાડી કહ્યું કે વહાણ નહિ બચે. આ સાંભળતાં હરકાન્તે એકદમ ચન્દ્રલેખાને પાસે આવવા કહ્યું. ચન્દ્રલેખા લથડતી ઊભી થઈ હરકાન્તના પાટિયા પાસે આવી, તેને હરકાન્તે પકડી ઊભી કરી અને ડોલતા વહાણમાં એકદમ બાથમાં લઈ તેના નજીક આવેલા મુખ પર બહારના તોફાન કરતાં પણ વધારે તોફાની ચુંબનોની ઝડી વરસાવી—જાણે કે કેટલાય ભવનાં દંપતી ન હોય !

આ કોઈએ જોયું નહિ. વહાણનાં ઘણાંખરાં તો આ વખતે ગાંસડીઓની માફક ભંડકિયામાં ધેાળાતાં હતાં, અને જે થોડાં શુદ્ધિમાં હતાં તે વહાણ નહિ બચવાની બૂમ સાંભળી પોતે બચવા અને પેાતાનાંને બચાવવા બેબાકળા થઈ ગયાં હતાં. બધે અવ્યવસ્થા પથરાઈ ગઈ હતી. માત્ર પૌરાણિક અનેક વરસોની સેવેલી આશાની આતુરતાથી સાધકસાધિકા તરફ જોઈ રહ્યો હતો. તેણે આ જોઈ એકદમ વહાણ પાછું લેવાને સુકાનીને કહ્યું. એકદમ પાછાં ફરવાના હુકમો અપાયા. ખારવાઓએ નવી આશાથી ફરી દોડાદોડ કરી અને ઘૂમરીથી વહાણ બચી પાછું ફર્યુ. ફરી નદીના મુખ ઉપર આવતાં તોફાન પણ બંધ થયું અને પૌરાણિકે નજીક જ કિનારે જ સૌને ઊતરવાના હુકમ આપ્યો. કોઈ કશું સમજ્યું નહિ. કોઈ ને અપશુકનને લીધે પાછા ફર્યા એમ લાગ્યું, કોઈને જ્વાળામુખીનો કોપ થયો લાગ્યું, કોઈએ તો એમ જ માન્યું કે પ્રદક્ષિણા કરીને પાછાં ફર્યાં છીએ.

પૌરાણિકે સર્વને દેવીગ્રામ જવા ફરમાવ્યું, અને સર્વે જમી પરવાર્યાં એટલે તેણે શાસ્ત્રીઓની અને ભક્તોની સભા ભરી, સાધકોને સર્વની સમક્ષ ઊભાં રાખ્યાં. સર્વને સંબોધીને તેણે કહ્યું; “સાધકોની તપશ્ચર્યાનો ભંગ થયો છે. આપણી પ્રણાલિકા પ્રમાણે તેની વિધિપુરઃ- સર તપાસ હવે કાલે થશે. આજે હવે સાધકસાધિકાથી ચાચરમાં રહી શકાશે નહિ. તેમણે ચાચર બહાર ધર્મશાળામાં રહેવું. અને બન્નેનો કે સાધક કે સાધિકાનો દોષ સાબિત થાય તો શાં શાં પરિણામ આવે, ન સાબીત થાય તો શું પરિણામ આવે તેનાં શાસનો, નિયમ પ્રમાણે બન્નેને વાકેફ કરવા હું આ તેમને આપું છું. કાલે શ્રવણને સમયે આ સભા અહીં જ ભરાશે.” આખી સભાએ એક લાંબો નિશ્વાસ નાંખ્યો. સર્વેએ બહુ જ આર્દ્રતાથી સાધક-સાધિકા તરફ જોયું પણ દેવીના શાસન આગળ સર્વ લાચાર હતાં.

સાધકસાધિકા ધર્મશાળામાં ગયાં. જાણે વહાણ ભાંગીને નિર્જન બેટ પર બન્ને આવી ચઢ્યાં હોય એવું તેમને લાગ્યું. અને થોડીવાર નિઃશબ્દ બેસી રહ્યાં. થોડીવારે ચન્દ્રલેખાએ, ઊભી થઈ, પાણીનો લોટો ભરી આવી હરકાન્તને પાઈ પોતે પી હરકાન્તને પેલાં શાસનો વાંચવા કહ્યું. એટલામાં આખા દેવીગ્રામની સ્ત્રીઓ ઝૂમખાં વળી વળીને એક પછી એક મળવા આવી અને સર્વેએ કહ્યું કે ‘અમે કશું જોયું નથી. અમારા ઘરના પુરુષો પણ કહે છે કે અમે કશું જોયું નથી, તમારા વિરુદ્ધ એ પૌરાણિક સિવાય કશો પુરાવો નથી. તમે તમારે કહેજો કે તમે બંને નિર્દોષ છો’. નવાઈની વાત તો એ છે કે એટલી સ્ત્રીઓમાંથી કોઈએ સાચું શું બન્યું હતું તે વિષે કશું જ ચંદ્રલેખાને પૂછ્યું નહિ! સર્વને ભય હતો કે એમ પૂછવા જતાં ચંદ્રલેખા વ્રતભંગની વાત કરે, તો પછી તેમના વિરુદ્ધ પુરાવો આપ્યા વિના છૂટકો ન થાય ! માતા કોપે !

રાત પડી એટલે બધાં ગયાં. બધે અંધારું હતું. ધર્મશાળાના ખુલ્લા ઓટલા પર હરકાન્ત બેઠો હતો. ત્યાં ચંદ્રલેખા આવી અને સૌથી પહેલાં તેણે ધર્મશાળામાં કે આસપાસ કોઈ નથી તેની ખાત્રી કરી આવવા હરકાંતને કહ્યું. હરકાન્ત જોઈ આવીને બેઠો એટલે ચંદ્રલેખા, જીવનમાં સૌથી પહેલાં તેને ખભો અડાડીને બેઠી. સૌથી પહેલાં એ જ બોલી.

“તમે બધું વાંચી લીધું ? શા નિશ્ચય ઉપર આવ્યા ?”

“હું એ નિશ્ચય ઉપર આવ્યો છું કે દોષનો સ્વીકાર કરી હું તમારા જીવનમાંથી ખસી જાઉં !”

“તમારે એ જ કહેવાનું છે? ”

“અત્યારે મારે એ જ કહેવાનું છે કે તમારા જીવનમાં આવી વિક્ષેપ કરવા માટે મને ક્ષમા આપો.”

“હરકાન્ત ! આ શું બોલો છો ? આવી રીતે મારો હવે ત્યાગ કરવો છે ? કાલે મૃત્યુના દ્વારમાં મેં તમારો શબ્દ સ્વીકાર્યો. અને અત્યારે પણ મૃત્યુ સુધી હું તમારી સાથે રહેવા માગુ છું. નિર્દોષ કહેવાથી એમ થતું હોય તો નિર્દોષ કહો, દોષિત કહેવાથી એમ થતું હોય તો એમ કહો. માતાજી ક્ષમા કરશે.”

“લેખા, માતાજીનો પ્રશ્ન નથી. આ શાસનો એ જ બધી બાબતમાં નિર્ણાયક છે. આપણે એ ઉપરથી નિર્ણય કરવાનો છે.”

અંધારામાં હરકાન્તના મુખના ભાવ સમજવાનો પ્રયત્ન કરતાં ચંદ્રલેખાએ કહ્યું: “મને સમજાવો તમે શાસનો વાંચ્યાં. તેમાં શું છે ? આપણે કહીએ કે આપણે સદોષ છીએ તો પછી આપણને રાખીને શું કરે?”

“એમ કરવામાં તો કશો જ ફાયદો નથી. જો બંને સદોષ હોય તો બંનેએ દેવીગ્રામમાં ગામને જુદે જુદે છેડે જીવનભર રહેવું, કદી મળવું નહિ, મળે તો દેહાંત ! દેવીગ્રામ બહાર પતિત સાધક જઈ સકે છે પણ સાધિકા તો કદી નહિ. અને સાધક બહાર જાય ત્યારે તેના કપાળમાં ત્રિશૂળનું ચિહ્ન કરીને જ માકલે !”

“હાય હાય કાન્ત !” કહેતાં અજાણતાં જ ચંદ્રલેખાએ હરકાન્તને કપાળે ચુંબન કર્યું, “ત્યારે કહો કે બંને નિર્દોષ છીએ. પુરાવો તો કશો છે જ નહિ. અને પછી કયાંક ચાલ્યાં જઈએ.”

“મને પણ એ જ માર્ગનો પહેલાં વિચાર આવ્યો હતો, પણ એ શક્ય નથી. આપણે નિર્દોષ હોઈએ, તો આપણે દેવીની પૂજા જ કરવી જોઈએ. અત્યારે દીવા હોલાઈ ગયો છે એટલે આપણે નિર્દોષ ઠરીએ કે તરત દીવો પ્રગટાવવાની વિધિ કરીને આપણે ફરી સાત વરસ તપશ્ચર્યાં કરવી જોઈએ !”

“સાતવરસ !” જાણે ભવિષ્યનાં એ સાતે વરસના ઠંડા ઉચ્છ્વાસથી ચંદ્રલેખા થથરી ગઈ, ઠરી ગઈ ! તે અવાક્ થઈ કેટલીયે વાર બેસી રહી ! હરકાન્તે કહ્યું: “આપણે બંનેએ જીવતાં રહેવાનો એ એક જ માર્ગ ! એ જ દીવો, એ જ પૂજા, એ જ વ્યાખ્યાનો !”

“એ અર્થ વિનાનું જીવન હવે ન જીવી શકાય. ગયાં સાત વરસના જીવન કરતાં તારી સાથેની વહાણની એક ઘડી મારે મન વધારે સાર્થક હતી, આ અત્યારનું નહિ જીવન નહિ મરણ જેવું જીવન પણ વધારે સાર્થક છે. હવે તો એમ નહિ જ રહી શકાય, હરકાન્ત.”

“માટે કહેતો હતો કે મને ખસી જવા દે. દોષ પણ મારો જ” લેખાએ વાક્ય પૂરું ન કરવા દેતાં હરકાન્તને ચુંબન કર્યું, ને કહ્યું: “પાછી એ જ વાત કરી !”

હરકાન્તે કહ્યું : “ના, આ તારા અધરાંકિત કપાલ પર બીજું ચિહ્ન હું નથી જ લેવાનો. સાધકને દેહાન્તનો વિકલ્પ માગવાનો હક છે. દેહાન્ત કેમ કરવો વગેરે બધું હું મારી મેળે સમજી શક્યો છું.”

ચન્દ્રલેખાએ હરકાન્તને ગાઢ આલિંગન કર્યું. કપાલ પર, મુખ ઉપર ચુંબને કર્યાં—જાણે પોતાને સર્વાત્મ અર્પતી હાય ! થોડીવાર રહીને તેણે હરકાન્તને પૂછ્યું: “હરકાન્ત ! સાચું કહો ! મારા સમ ! મને પણ મૃત્યુના વિકલ્પનો હક છે કે નહિ ? મારા સમ ન કહો તો!”

હરકાન્ત ચૂપ રહ્યો. જાણે તેના મનમાં છુપાયેલા અનુકૂળ જવાબને બહાર કઢાવતી હોય તેમ તેને ચન્દ્રલેખાએ બાથમાં લઈ ભીંસ્યો. “મને નહિ કહો તો હવે, કહું છું, પાપ વહોરશો હોં. તમારા વિના તમારી પાસે પણ સાત વરસ જીવવા નથી ઈચ્છતી, તે તમો નહિ હો ત્યારે જીવવાની હતી એમ માનો છો? તમે મને તમારી સહભાગી બનવા માર્ગ નહિ બતાવો તો હું બલાત્કારથી તમને વળગીશ. તમે ઝેર લેતા હશો તો ઝૂંટવીને પી જઈશ. સિન્ધુમાં પડતા હશો તો વળગીને સાથે આવીશ. અને તેમ છતાં કોઈ યુક્તિથી મને દૂર કરશો તો નક્કી સમજજો, વધારે ભયંકર મૃત્યુ તમે મારે માટે મૂકી જવાના છો ! હરકાન્ત, આમ જુઓ, મને વધારે હેરાન ન કરો.”

“લેખા ?......” તેણે લેખાને બાથમાં લઈ બરડે પંપાળી.

“ત્યારે છે ના?! બસ મારા કાન્ત, આપણે સાથે મરીશું ! કહો, અને દેહાન્ત વિશે તમે શું નક્કી કર્યું હતું ?”

“વિધિમાં લખેલ છેઃ ચાચરની બહાર અગ્નિ ખૂણા પર વર્તુલાકાર પાંદડાંવાળું તૃણ છે તે ચવડાવીને સાધક કે સાધિકાનો દેહાન્ત કરાવવો. ધર્મશાળામાં તેં જોવા મોકલ્યો ત્યારે હું એ તૃણ જોઈને પણ આવ્યો.”

“બસ, એટલું વિધાન મારે માટે પણ પૂરતું છે.” તેણે હરકાન્ત ઉપર નરમાશથી કેટલીએ વાર હાથ ફેરવ્યા કર્યો !

થોડી વારે ચન્દ્રલેખાએ કહ્યું : “આપણે આપણા માર્ગનાં સાધન પણ તૈયાર છે, તો શા માટે એમની વિધિ અને સભાની રાહ જોવી ? રાતના છેલ્લા પહોરે આપણી મેળે જ તે પાંદડાં ચાવીને જીવન પૂરું કરવું. આપણી જીભે સદોષ કે નિર્દોષ કશું કહેવું નહિ ! ભલે એ લોકો એમને પછી જે કરવું હોય તે કરે. જાઓ, પાંદડાં લઈ આવો! ના હમણાં નહિ. આ દશમીનો ચંન્દ્ર આથમશે ત્યારે છેલ્લો પ્રહર જ રહેશે. પહેલેથી લાવી રાખીએ તો કદાચ તેનો ગુણ ઓછો થઈ જાય.”

થોડીવાર શાન્ત રહી વળી તેણે કહ્યું: “કાન્ત ! કેટલું સુખ ! જીવનની સૌથી મહત્ત્વની ઘડીએ બન્ને સાથે ! કેટલું વિચિત્ર ! બધાને મૃત્યુનો એક જ પ્રસંગ આવે. આપણને બે આવ્યા. બન્નેમાં સાથે !”

ફરી થોડી વાર શાન્તિ પ્રસરી રહી. લેખાએ કહ્યું : “હરકાન્ત ! કેમ બોલતા નથી ?" હરકાન્તે લેખાને માથે, બરડે, પંપાળી. ઝાઝી વાર રહીને હરકાન્તે પૂછ્યું; “લેખા ! વહાણમાં જેમ મને ઊર્મિ ઊછળી આવી, તેમ તને પણ થયેલું કે માત્ર...” લેખાએ વાક્ય પૂરું કરવા ન દેતાં હરકાન્તના મોંએ ચુંબન કર્યું. હરકાન્તે ફરી કહ્યું: “પણ કહે તો....” ફરી લેખાએ ચુંબન કર્યું.

“આ તે કાંઈ રીત છે ?”

“તમે વહાણમાં ખૂબ વારો વદાડી લીધો છે. હવે મારો વારો. હજી તો હિસાબે ઘણાં માગું ! પણ હવે થોડાં આવતા ભવ માટે રાખીશ.”

એ મૃત્યુના મુખ જેવા અંધકારમાં પણ આ દંપતીના સ્મિતથી ઘડીભર અજવાળું થઈ રહ્યું !

સવારે પૌરાણિક અને ભક્તોએ બંનેનાં પાસે પાસે, સ્વસ્થ સૂતેલાં, શાન્ત, ઊંઘતાં હોય તેવાં મુડદાં જોયાં.

તે પછી કદી પૌરાણિકને ભક્તો પાસેથી સાધકસાધિકા મળ્યાં જ નહિ. ધીમે ધીમે દેવીગ્રામ વીખરાઈ ગયું, પૌરાણિક એકલો જ ત્યાં રહ્યો. તેણે ઉત્તરમાર્ગના લોપનું એક પ્રકરણ પૌરાણિક ઢબે તેમાં ઉમેર્યું !