લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/જગજીવનનું ધ્યેય

વિકિસ્રોતમાંથી
← બે ભાઈઓ દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
જગજીવનનું ધ્યેય
રામનારાયણ પાઠક
ઉત્તર માર્ગનો લોપ →





જગજીવનનું ધ્યેય

સ્ટેશને ગાડી ઝાઝી ઊભી રહેવાની નહોતી, તેથી ‘મહાત્મા ગાંધીજીકી જે’ બોલનારાં ટોળામાં વનરાવનદાસ બને તેટલા બળથી મારગ કરતા આવતા હતા. તેમને જોઈને મહાદેવભાઈએ ટોળાને જગા કરવા કહેતાં ટોળું જરા ઢીલું પડ્યું અને વનરાવનદાસ આગળ આવ્યા. તેમણે મહાત્માજીને ચરણસ્પર્શ કર્યો. મહાત્માજીએ માથે હાથ મૂકતાં પૂછ્યું : “તમારી સસ્તી કયાં છે ?” વનરાવનદાસ વિધુર થઈ, સંસારથી વિરક્ત થઈ, અઢી વરસની એકની એક દીકરી સરસ્વતીને લઈને મહાત્માજીના આશ્રમમાં જોડાયા ત્યારે સરસ્વતી પોતાનું નામ લગભગ ‘સસ્તી’ જેવું બોલતી. સસ્તી નામ સંભળાતાં તે ટોળામાંથી બોલી ઊઠી: “પણ મને આ બધા આવવા દે ત્યારે ને !” ટોળાએ જગા કરી અને સરસ્વતીએ આવી ડબામાં જઈ ‘બાપુજી’ કહેતાં ચરણસ્પર્શ કર્યો. “ઓહો, મોટી થઈ ગઈ ! કેમ આટલી બધી નબળી દેખાય છે? કે સસ્તી છો એટલે કોઈ ખાવા નથી આપતું ?” કહેતાં મહાત્માજીએ તેમના પ્રેમના ચિહ્નરૂપ મોટા અવાજવાળો ધબ્બો સરસ્વતીના બરડા પર માર્યો.

. “એને હમણાં જ એપેન્ડિસાઇટીસનું આપરેશન કરાવ્યું. ડૉક્ટર કહે છે કોઈ સારી જગાએ હવાફેર કરવા મોકલવાની જરૂર છે.”

“એમ ? ત્યારે મહાદેવ, બાલાસોર જગજીવન શાહને ત્યાં જાય તો કેમ?” વનરાવનદાસ સામે જોઈને : “સરસ જગા છે. જિન ગામથી દૂર છે, હવાપાણી સારાં છે.”

“જી હા બાપુ, ત્યાં મારા ગામના એક ઝવેરી પણ રહે છે. અનુકૂળ પડશે.” એટલામાં સરસ્વતી તદ્દન પાસે ઊભી હતી તેની સામે જોઈ કહ્યું: “મેાટી થઇ ગઇ ! કેમ હવે શું કરવું છે? કામ કરવું છે કે પરણવું છે? પરણવાનું મન થાય તો કહેવું હોં ! શરમાવું નહિ.”

“મારે તો કામ કરવું છે.”

“એમ ? તો બહુ સારું” કહેતાં મહાત્માજી રાજી થઈ ગયા ! થોડીવારે ટ્રેન ઊપડી ને મહાદેવભાઇએ ચાલતી ટ્રેને તે દિવસનો કોણ જાણે કેટલામોય કાગળ જગજીવન શાહને લખ્યો ને બીજે સ્ટેશને ગાડી ઊભી રહેતાં તરત કોઈ મળવા આવેલા માણસ મારફત એ જ ટ્રેનના પોસ્ટના ડાબામાં નંખાવ્યો. ત્રણેક દિવસે જગજીવને વનરાવનદાસને કાગળ લખી સરસ્વતીને માટે સગવડ થઈ શકશે એમ જણાવ્યું અને ત્રણેક દિવસે સરસ્વતી બાલાસોર જિનમાં જઈ પહોંચી.

અત્યારે જિન ચાલવાની ઋતુ નહોતી એટલે બધુ શાન્ત હતું. જગજીવનના ઘરમાં પણ માણસો ઘણાં એાછાં હતાં. જગજીવન, માજી, એક રસોયો, એક ઘરચાકર, અને એક પગી: એટલાં જ માણસો.

જગજીવનની ઉંમર નાની હતી પણ તેના પ્રમાણમાં તેણે સારી આબરૂ મેળવી હતી. તેઓ મૂળ કાઠિવાડનાં, તેના પિતા અહીં આટલે દૂર દક્ષિણમાં જિન કાઢી થોડે વરસે ગુજરી ગયા. માતાએ બે દીકરા મોટા કર્યાં અને જિન ચલાવ્યું. મોટા દીકરો બી. એ. થઈ ભણેલી બૈરી પરણ્યો. તેણે માજી સાથે કંકાસ કર્યો એટલે માજીએ તેને જુદો કાઢ્યો. ભાભીના કંકાસ, અન્યાય અને જુઠ્ઠાણાંથી જગજીવનને એટલું ખરાબ લાગેલું કે તેણે માજીની સેવા કરવા ન પરણવાનો નિશ્ચય કરી નાંખ્યો. તેને નાનપણથી જિનનું કામ હાથમાં લેવું પડ્યું તેથી તે અંગ્રેજી બહુ ભણી શક્યો નહોતો, પણ એટલે જ તેણે નિશ્ચયપૂર્વક અભ્યાસ વધાર્યો. એટલામાં અસહકારની શરૂઆત થઈ એટલે અંગ્રેજીની મદદ વિના પણ આગળ પડવાનો તેને સારો અવકાશ મળી ગયો. માજીને કાંતતાં આવડતું હતું એટલે જગજીવને માજીને તે કામે લગાડ્યાં. પેાતે નિયમિત ‘નવજીવન’ વાંચવાનું રાખ્યું. તેણે સિદ્ધાન્તપૂર્વક પોતાનું જીવન ઘડવા માંડ્યું. તેણે અનેક વસ્તુઓમાં રસ લેવા માંડ્યો. જિનનું કામ થોડા માસ જ ચાલે. બાકીના વખતમાં તેણે દેવકપાસ વાવવા માંડ્યો, અને અનેકવાર દેવકપાસ, કાંતણ, પીંજણ, બ્રહ્મચર્ય, સ્વદેશી વગેરે વિશે મહાત્માજી સાથે પત્રવ્યવહાર કર્યો, જેમાંથી કેટલાકના જવાબો મહાત્માજીએ ‘નવજીવન’માં આપ્યા. આ સર્વથી જગજીવન શાહની ખ્યાતિ એ ભાગમાં અને અમુક અમુક વર્ગમાં સારી બંધાઈ, અને એકવાર એ બાજુ મુસાફરી કરતાં મહાત્માજી તેને ત્યાં એક ટંક રહ્યા ત્યારે તો તેણે લગભગ બધી બાબતની કૃતાર્થતા અનુભવી.

સરસ્વતીને અહીં ગોઠી જતાં બહુ વાર લાગી નહિ. પહેલે જ દિવસે અહીંની વ્યવસ્થાની તેના મન પર ઘણી સારી છાપ પડી. તે સવારમાં આવી. દૂધ પી, નાહી કરી તૈયાર થઈ એટલામાં બરાબર ડૉક્ટર આવ્યો. તેણે તેને તપાસી લીધી, સાધારણ ખાવા કરવા વગેરેની સૂચના આપી. બરાબર ૧૦ વાગે માજી, જગજીવન અને સરસ્વતી જમવા બેઠાં, જમતાં જમતાં જ માજીએ તો તે આવી એનો હર્ષ બાતાવ્યો અને સાથે સાથે ‘ઘરમાં માણસ વગર મને ગમતું નથી.’ એવી સામાન્ય ફરિયાદ કરી. જગજીવને પણ સરસ્વતીના પિતા ક્યાં રહે છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, વગેરે અનેક વાતો કરી. અનેક વિષયો ઉપર ફરતાં ફરતાં ત્યાં કેવી રીતે પીંજાય છે એ વાત નીકળી. સરસ્વતીએ, તેના પિતાએ એક નવી પીંજણી શોધી કાઢી છે એમ જણાવ્યું. તે ઉપરથી વળી આગળ વાત ચાલતાં જગજીવને તેનાથી કામ કેવું થાય છે, મહેનત કેટલીક પડે છે, અને સરસ્વતી પોતે પીંજી શકે છે કે નહિ એમ પૂછ્યું. ત્યારે માજીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું : “એ બિચારી બે દિવસ આરામ કરવા આવી છે એને ય તારે પીંજવા બેસારી દેવી છે? બે દી તો થોભ્ય ! લે, જોઈ આની વાત !”

“પણ તમે કેમ જાણ્યું કે હું એમને પીંજવા બેસારી દઈશ. હું તો એમને પૂરો આરામ આપીશ, પણ એ આવ્યાં છે તો હું તેમની પાસેથી પીંજવાનું શીખી લઈશ. આપણો માણસ એ તરફથી આવે છે તે એક પીંજણ લેતો આવશે. કેમ, સરસ્વતી બહેન ?”

એમ અનેક વાતો ચાલતાં જમવાનું પૂરું થયું. બપોરે આરામ કરી રહ્યા પછી વળી માજીએ સરસ્વતી સાથે વાતો કરી અને ‘મારો જગુ પરણતો નથી’ એ ફરિયાદ ઝાઝીવાર એમના પેટમાં ટકી શકી નહિ. સરસ્વતીને આ બધાથી જગજીવન માટે માન થયું, અને માજીને માટે પ્રેમ થયો.

બીજે જ દિવસે શહેરમાં રહેતા ઝવેરી રતિલાલને ત્યાંથી ચિઠ્ઠી આવી કે વનરાવનદાસનો કાગળ છે અને અમે બપોર પછી મળવા આવશું. બપોરે રતિલાલ અને તેની પત્ની ઊજમ નાના હેમુને લઈને આવ્યાં. જોતાં વેંત જ આ જોડું સરસ્વતીને ઘણું સુંદર લાગ્યું. હજી તો બધાં બેઠાં એટલામાં જ માજીએ ઠપકો આપ્યો કે કેમ, આવતાં નથી ? ઊજમે કહ્યુ કે હું તો હમણાં બહુ બહાર નીકળતી નથી. જૂની ઢબનાં માજીએ એ મંડળીમાં જ પૂછ્યું, “કેટલામો મહિનો જાય છે!”

“પાંચમો.”

“કોઈને દેશમાંથી બોલાવશો કે ઇસ્પિતાલમાં જવાનાં છો? ”

“ જવાની તો છું ઇસ્પિતાલમાં, પણ આ હેમુને રાખવા મારી મોટી બહેનને લખ્યું છે તે આવશે, છોકરાં તો બાપહળ્યાં જ સારાં. આ તો મારા વગર રહેતો જ નથી.” માજીએ હવે રતિલાલને કહ્યું : “પણ અલ્યા, તું કેમ આવતો નથી? મારા જગુની પેઠે ઘર બહાર ન નીકળવાનો નિયમ લીધો છે?”

“મા, હું તો નિયમ જ કશાનો નથી લેતો ! ને કહું, શા માટે નથી આવતો. મને જગુભાઈના નિયમોની બહુ બીક લાગે છે, મારાથી નિયમોમાં રહી શકાતું નથી.”

“જા, જા, હવે; અમારે અહીં એવા શા નિયમો છે વળી ?”

“શા નિયમો છે? પ્રથમ પહેલાં તો આ જગુભાઈ પરણતા જ નથી, એ ઓછો નિયમ છે ? વળી ચા ન પીએ, બીડી ન પીએ, ક્યાંય રમવા ન જાય, ક્યાંય મળવા ન જાય. આટલા બધા નિયમો એમને કોણ જાણે જડે છે ય ક્યાંથી ને એ પાળે છે ય ક્યાંથી? જગુભાઈ, મને સમજાવો તો ખરા, તમે શી રીતે આટલા બધા નિયમો પાળો છો?”

“શી રીતે કેમ વળી ? તમે પણ સ્વદેશી નથી પહેરતા ?”

“એ નિયમ પણ હું નથી પાળતો. આ તમારા મહાત્માજીના માણસો આવીને ઊજમને સમજાવી ગયા અને તેણે સ્વદેશી લેવા માંડ્યું, એટલે હું પણ સ્વદેશી જ વાપરું ને, બીજું શું કરું? હું કયે દહાડે કશી વસ્તુ બજારમાં લેવા જાઉ છું ?”

“તમારે નિયમો પાળવા માટે બૈરીની જરૂર છે ને મારે નથી એટલે હું નથી પરણતો, બસ ! એમાં નવીન શું છે ?” બધાં એકદમ હસી પડ્યાં.

“ના, ના, ઊજમે જેમ મારા જેવાને નિયમિત કર્યો તમે હવે કોઈ બૈરીને પરણીને તેને નિયમિત બનાવો.” ફરી બધાં હસ્યાં.

ઊજમે કહ્યું : “એ તે અમથા એમ કહે છે. બાકી તમારા જેવું નિયમિત જગુભાઈ, કોઈથી ન રહેવાય એટલું તો ખરું. મને પણ નવાઈ લાગે છે કે તમે શી રીતે આટલા બધા નિયમો સતત પાળ્યા કરો છો? કોઈ દિવસ તમને અણગમો કે કંટાળો કે કંઈક નિયમ બહારની વસ્તુ કરવાનું મન પણ નથી થતું ?”

હવે જગુભાઈએ જરા ગંભીર થઈ પોતાની ફિલસૂફી સમજાવીઃ “એક સળગતો કાલસો મૂક્યો હાય તો એ પડ્યો પડ્યો ધીમે ધીમે કાજળી જાય. તેને ફૂંક મારીને જેમ તેની રાખ ઉડાડી મૂકીએ, તેમ ધ્યેય ઉપરની રાખે વારંવાર ઉડાડતા રહેવું જોઈએ, ને એ પ્રમાણે આચરણ કરતાં રહેવું જોઈએ.”

“પણ એકલા એક કોલસાને વારંવાર ફૂંક્યા કરીએ તો એ વહેલો બળી જાય. સાથે બીજા કોલસા હોય તો જ તે ઝગ્યા કરે.” સરસ્વતીએ પોતાના રસોડાના અનુભવથી કહી નાંખ્યું. એનો અર્થ અહીં કંઈ થાય કે નહિ, થાય તો શો થાય, તે અર્થ કેટલે સુધી લઈ જવો એ કશું જ વિચાર્યાં વિના તેણે કહી નાંખ્યું. ને બધાં ખૂબ હસી પડ્યાં. હેમુ દૂર ફરતો ફરતો રમતો હતો તે પણ નાચતો કૂદતો આવીને એકવાર ઊજમને બાઝી પડ્યો ને પછી સરસ્વતી પાસે આવીને કૂદવા લાગ્યો.

માજીએ એનો પોતાની મરજી પ્રમાણે અર્થ કરી કહ્યું : “જો સાંભળ્યું ? સાથે બીજો કોલસો જોઈએ. તે લઈ આવ.”

એમ ઘણો વખત વાતો ચાલી. ચાપાણી થયાં. જગુભાઈ અને સરસ્વતીએ ચા ન પીધો. માજી સાધારણ રીતે ન પીતાં પણ મહેમાનોની ખાતર તેમણે પીધો ને પીતાં પીતાં કહ્યું : “મારો કોલસો તો હવે કજળીને પૂરો થાય કે બળીને પૂરો થાય એ બધું જ એક છે.” હેમુ વળી કંઈ તરંગે ચડી ગયો. તે કહે, સરસ્વતી ચા પાય. સરસ્વતીએ તેને ચા પાયો, ને ઝવેરી કુટુંબ ઊઠતી વખતે હેમુએ ખાસ સરસ્વતી બહેનને “આવજો” કહ્યું. તે પછી સરસ્વતી ચારેક દિવસે એમને ત્યાં જઈ આવી. ત્યાં પણ હેમુએ તેની સાથે બહુ વહાલ કર્યું.

તે પછી આઠેક દિવસમાં નવી પીંજણ આવી. જમતાં જમતાં જગજીવને તે વાત કરીને સરસ્વતીને પૂછ્યું : “કેમ, આજે કેમ પીંજાય છે તે બતાવશો ?” સરસ્વતીએ હા કહી. જમી રહી આરામ કરી રહ્યા પછી જગજીવને માજીના એરડામાં આવી સરસ્વતીને કહ્યું : “કેમ, ચાલશું ?” સરસ્વતી હા કહી ચાલવા લાગી એટલે જગજીવને માજીને કહ્યું : “માજી, તમે પણ ચાલો”

“હું મારે કાંતું છું એટલું બસ છે. મારે પીંજવું નથી.”

“હું ક્યાં પીંજવાનું કહું છું?”

“ત્યારે શું કામ છે?”

“તમને લાગતું હતું ના, કે હું ક્યાંક એમની પાસે પીંજાવીશ. તે હું પીંજાવતો નથી તેનાં સાક્ષી થવા ચાલો.”

સરસ્વતીને આ આગ્રહ ન સમજાયો પણ માજી તરત ઊઠ્યાં અને સૌ પીંજવાના ઓરડામાં ગયાં. જગજીવને સરસ્વતીએ બતાવ્યા પ્રમાણે પીંજ્યું. તેને ઘડીમાં પીંજવાનું ફાવી ગયું. અને તેણે સરસ પૂણીઓ બનાવી કહ્યું: ‘લો, સરસ્વતી બહેન, જુઓ, તમારે ત્યાંના જેવી પૂણીઓ થઈ છે કે નહિ? લો, આપો માજીને; હવેથી માજી મારી જ પૂણીઓ કાંતશે.”

તે વખતે તરત સરસ્વતીને ન સમજાયું, પણુ થોડીવાર રહીને તેને સમજાયું કે જગજીવને સરસ્વતી સાથેના એકાન્તનો પ્રસંગ ટાળવા માજીને બોલાવેલાં, ધ્યેયને માટે પૂજ્યબુદ્ધિ રાખવી જોઈએ એમ તે માનતી હતી તેથી તેણે મનથી જગુભાઈ માટેને આદર વધાર્યો. એ આદરમાં જગુભાઈના અભ્યાસખંડને ઠીક ઠીક રાખવાનું કામ તેણે લઈ લીધું, અને વાંચનમાં પણ તેણે જગુભાઈને કંઈક ગુરુપદ આપ્યું. આ બધું કરવા જતાં, જગુભાઈના સિદ્ધાન્તોનો અમલ તેને કોઈ કોઈ વાર કફોડી સ્થિતિમાં નાંખી દેતો, એક બે વાર તો ત્રીજી વ્યક્તિ તરીકે માજી નહિ મળી શકવાથી ઘરના નોકરને જગુભાઈએ સરસ્વતી સાથે વાંચતાં, ખંડમાં કપાટો સાફ કરવા બોલાવ્યો.

સરસ્વતીને ઘણીવાર અજ્ઞાત રીતે આ વાતાવરણમાંથી છૂટવાની ઈચ્છા થતી, ત્યારે તે રતિભાઈને ઘેર જતી અને ત્યાં બે દિવસ રહી ફરી જગુભાઈ માટે આદર લઈ પાછી આવતી.

સરસ્વતીની તબિયત ધીમે ધીમે સુધરતી હતી. પણ એટલામાં ઓચિંતું તેના પર જરા જવાબદારીવાળું કામ આવી પડ્યું. તે એક દિવસ સાંઝના ચારેકને સુમારે રતિલાલ ઝવેરીને ત્યાં બેસવા ગઈ. પણ ત્યાં જઈને જુએ છે તો આખું ઘર આપત્તિમાં આવી પડેલું! એકાએક ઊજમની તબિયત બગડી ગઈ હતી, અને તેને ઇસ્પિતાલમાં મોકલવાની જરૂર પડી હતી. રતિલાલે માણસ મોકલી ઓળખીતાની મોટર મંગાવી હતી, તેને ધીમેથી દોરી કે લગભગ ઊંચકીને તે મોટરમાં બેસાડતો હતેતો અને આ બધી પરિસ્થિતિ સમજ્યા વિના પણ તેની ગંભીરતાની દહેશત ખાઈ હેમુ કલપાન્ત કરી રડતો હતો. રતિલાલે સરસ્વતીને જોઈ એકદમ કહ્યું : “હું ઊજમને ઇસ્પિતાલમાં મૂકી આવું છું. તમે હેમુને રાખો.” સરસ્વતી રોતા હેમુને લઈ ઘરમાં ચાલી ગઈ. રતિભાઈ હમણાં માને લઈને આવશે વગેરે સાન્ત્વન આપી, સાંઝે જમાડી, વાર્તા કહી, તે સુવરાવવા માંડી. રતિલાલને ઇસ્પિતાલમાં જરા રોકાણ થયું હતું. રાતના નવેક વાગે તે આવ્યો ત્યારે સરસ્વતીએ તેને માજીને ત્યાં પ્રથમ ખબર આપી આવવા કહેતાં તેણે જણાવ્યું કે માણસની જરૂર હતી એટલે તે પોતે માજી પાસે જઈ આવ્યો છે અને માજી આજની રાત ઇસ્પિતાલમાં રહેશે. ઘરમાં આવી જેવું તેવું જમી તે સૂવા સૂતો ત્યાં હેમુ ફરી રડવા લાગ્યો ને રતિલાલે અને સરસ્વતીએ બન્નેએ એને કેટલું ય સમજાવ્યો, ને સવારે બા આવશે એમ કહ્યું, ત્યારે માંડ તે સરસ્વતી સાથે સૂઈ ગયો, સવારે સરસ્વતીએ વહેલાં ઊઠી નાહી લઈ ચા પાણી તૈયાર કર્યા ત્યાં હેમુ ઊઠ્યો. પણ તેનું ધ્યાન બીજી બાજુ દોરવાયું. સરસ્વતીનાં પોતાનાં કપડાં નહોતાં એટલે તેને ઊજમનાં કપડાં પહેરવાં પડ્યાં હતાં. હેમુ એ જોઈ એ સંબધી વાતે ચડી ગયો. બાનાં કપડાં કેમ પહેર્યા, તમારાથી પહેરાય, તમને બાનાં કપડાં થાય, બાએ હા કહી છે, એમ એક પછી એક પ્રશ્નપરંપરામાં તે ચઢી ગયો. બાનાં કપડાં પહેરેલી સરસ્વતીથી અને બાની વાતથી તેને સંતોષ થઈ ગયો, પણ બપેારના વળી કંજિયો કર્યો. સૂતી વખતે તો ખરેખર આડો લીધો ને સરસ્વતીને અને રતિલાલને તેની પાસે ખડે પગે ઊભાં રહેવું પડ્યું.

ત્રીજે દિવસે તેને ઊજમ આગળ લઈ ગયા. તેને કસુવાવડ થઈ ગઈ હતી. તેને થાડા દિવસો દવાખાનામાં રહેવું પડ્યું એટલા દિવસ હેમુ હંમેશ મળવા જતો પણ રાતે કે દિવસે, વખતે કવખતે ઘણીવાર બન્નેને પજવતો. અગિયાર દિવસે ઊજમ પાછી આવી. સરસ્વતીએ જીનમાં પાછાં જવા કહ્યું, પણ ઊજમે એને બે દિવસ ખાસ રોકી. તેને સરસ્વતી થાકી ગયેલ દેખાઈ એટલે આરામ લઈ જવા કહ્યું. એ દિવસે તે જીનમાં ગઈ ત્યારે માજીને પણ તે થાકી ગયેલી દેખાઈ.

સરસ્વતી પાછી આવ્યા પછી બરાબર ખાતી નથી એમ માજીને લાગ્યું. તેણે કારણમાં જણાવ્યું કે પોતાને ખોટી ભૂખ લાગે છે અને તેથી માજી અને જગુભાઈ જમી રહ્યા પછી તેણે જમવાનું રાખ્યું. છતાં તેની તબિયત સુધરતી જણાઈ નહિ. જગુભાઈએ દાક્તર બોલાવવા કહ્યું, ત્યારે સરસ્વતીએ દસેક દિવસ રાહ જોઈ પછી બોલાવવા કહ્યું. દસેક દિવસ પછી દાક્તરને બોલાવવા માણસ મોકલ્યો તો દાકતર બહારગામ ગયેલો હતો, અને તેની જગાએ બીજા દાક્તરને બોલાવવાની સરસ્વતીએ ના પાડી. દરમિયાન જીનની મોસમ આવી લાગી. જગુ વગેરે પુષ્કળ કામમાં પડી ગયાં. સરસ્વતીએ દાક્તરનું સંભાર્યુ નહિ, અને તેની તબિયત બગડતી ચાલી, માજીએ ફરી દાક્તરનું યાદ કર્યું ત્યારે જગુએ બોલાવ્યો.

દાક્તર આવ્યા અને સાથે તેની બહેન તાજી નર્સ થઈ હતી તેને પણ લેતો આવ્યો. દાક્તરે તપાસીને જાણે ન સમજી શકતો હોય તેમ ભવાં ચડાવ્યાં. તેણે કહ્યું, “તમે બરાબર ખાઓ, તમને સારું થઈ જશે, ખાવાનું ન ભાવે તો પણ ખાઓ.” તેની બહેન બધું જોયા કરતી હતી. તેણે અંગ્રેજીમાં કહ્યું : “પણ બાઈ કદાચ બે જીવવાળી હોય !”

દાક્તરે અંગ્રેજીમાં જ જવાબ આપ્યો, “પણ બાઈ કુમારિકા છે. એના સંબંધી એવો અભિપ્રાય બાંધતાં વિચાર કરવા જોઈએ.”

વાતચીત અંગ્રેજીમાં જ થઈ હતી પણ અંગ્રેજી નહિ જાણનાર માજી અને સરસ્વતી બન્ને વાતનું રહસ્ય સમજી ગયાં. માજીએ જગુની સામે મૂંઝવણ અને રોષથી જોયું અને સરસ્વતી પોતાની આંગળીઓનો કંપ છુપાવી શકી નહિ. તેને શરીરે પરસેવો વળી ગયો.

હમણાં તો ખાવા પીવાની સંભાળ રાખો, પછી મને જરૂર પડે. તો ફરી બોલાવજો, કહી ડાક્ટર અને તેની બહેન બન્ને ઊઠી ચાલ્યાં. તેમના ગયા પછી થોડીવાર જગુ, માજી અને સરસ્વતી ત્રણેય જાણે ખુરશીમાં જડાઈ રહ્યાં. સૌથી પહેલા જગુ કામનું બહાનું કાઢી ઊઠ્યો. માજીએ સરસ્વતીને પૂછ્યું અને સરસ્વતીએ જણાવ્યું કે મને કોઈવાર એમ થાય છે.

કશું ગંભીર નથી એવી આશામાં બીજો એક માસ વીત્યો પણ કશો નિર્ણય કરવાની કોઈની હિંમત ચાલી નહિ, માજીની અનુભવી આંખ વધારે આપદા પારખતી હતી. પણ તેઓ પણ સરસ્વતીની સ્થિતિની કબૂલાત વગર આગળ કશું પૂછી શક્યાં નહિ.

આમે ય આ અનિશ્ચિત સ્થિતિ ઝાઝી વખત ચાલી તો ન જ શકત, પણ એવામાં એક ગંભીર બનાવ બન્યો. સ્થાનિક પેપર ‘સત્યશોધકે’ ‘મહાત્માજીના અનુયાયીઓનો સડો’ એ ઉપર અગ્રલેખ લખ્યો. મહાત્માએ બ્રહ્મચર્ય સંબંધી કોઈના કંઈ પ્રશ્નના જવાબમાં કંઈક લખ્યું હતું, તેના પર ટીકારૂપે ‘સત્યશોધકે’ લખ્યું હતું કે “મહાત્માજીના બધા અનુયાયીઓ લંપટ, વિષયી, અસંયમી, દંભી, તૃણોપુચ્છન્નકૂપ જેવા સ્ત્રીઓને ફસાવનારા હોય છે. મિત્રની દીકરીઓને હવાફેરને બહાને બોલાવીને તેની સાથે છૂપો વ્યભિચાર કરે છે.” વાત તો એટલી જ હતી કે તેના સંચાલકને આ જિનની જાહેરખબર જોઈતી હતી, તે માગવા આવતાં તેણે ‘દાક્તરે પુછાવ્યું છે કે બહેનની તબિયત કેમ છે’ એવો ધમકીનો ઇસારો કર્યો હતો, પણ જીનના કામમાં જગુ તે બરાબર સમજ્યો નહિ, ને તેણે જાહેરખબર આપી નહિ તેમાંથી આવો લેખ આવ્યો. આખા ગામમાં હોહા થઈ રહી ! માજીએ સરસ્વતોને પૂછ્યું, તે કાંઈ માની નહિ; જગુને ધમકાવીને પૂછ્યું તે પણ સામો ચિડાયો.

સ્થિત એથી પણ વધારે ગંભીર બની. લેખની નકલ લાલ પેનસીલની મોટી નિશાની કરી મહાત્માજી ઉપર પણ મોકલી હતી. મહાત્માજીએ તરત જગુને અને સરસ્વતીને પોતાની પાસે એકદમ આવવા કાગળ લખ્યો.

જગુએ પોતાના દીવાનખાનામાં સરસ્વતીને બોલાવી. મહાત્માજી બોલાવે છે તે સમાચાર આપી કહ્યું : “તમે જાણો છો કે હું તો મારા બ્રહ્મચર્યના ધ્યેય પ્રમાણે તમારી સાથે હમેશાં વર્ત્યો છું. તમારી સ્થિતિ માટે હું જવાબદાર નથી. તમને મહાત્માજી પૂછશે ત્યારે શું કહેશો ?”

“કહીશ કે તમે નિર્દોષ છો.”

“ત્યારે કયો પુરુષ જવાબદાર છે એમ પૂછશે ત્યારે શું કહેશો ?”

“સાચું નામ દઈશ.”

“કોનું ?”

સરસ્વતી જમીનમાં ઊતરી જતી હોય એમ કહ્યું, “રતિલાલનું.”

“ઠીક ત્યારે, ચાલો. આજે રાતે ઊપડીશું.”

સવારમાં બન્ને આશ્રમમાં પહોંચ્યાં. બન્ને આ પહેલાં ઘણીવાર આવેલાં પણ આ વખતે જાણે બન્ને તહોમતદાર તરીકે કાચી જેલમાં પડ્યાં હોય એમ અસ્વસ્થ હતાં. જગુએ તરત મહાત્માજી શું કરે છે તેની તપાસ કરી ચિઠ્ઠી લખી. તેમાં લખ્યું હતું કે ‘બહેન સરસ્વતીને બોલાવી પૂછશો તો બધી બાબતનો ખુલાસો થઈ જશે. અને હું આમાં જવાબદાર નથી એમ સાબીત થશે. આજ્ઞા હોય તો હું સાથે આવું.”

એક જ્વાળામુખીમાં એકદમ ભડકો થઈ અંદર જ શમી જાય તેમ મહાત્માજીને થયું. તેમણે કહેવરાવ્યું કે જગજીવન પોતે જ પહેલા આવે. અને ખંડમાંથી બીજાઓને વિદાય કર્યા. જગજીવન આવ્યો, તેને પોતાની સામે બેસવાની જગા આંખથી બતાવી, તે બેઠો એટલે કહ્યું :

“કેમ, તમારે શું કહેવું છે?”

“હું નિર્દોષ છું.”

“કેમ, તમે કોઈવાર સરસ્વતીને એકાન્તમાં ન મળતા?”

“મળતો. પણ—”

“ત્યારે તમને મનમાં વિકાર ન જ થતો એમ કહેવા તૈયાર છો? મનમાં થનગનાટી ન થતી ?”

“થતી, તેની ના હું કહી શકતો નથી. પણ...”

મનમાં એકલા બોલતા હોય તેમ મહાત્માજીએ કહ્યું : “મારી જ ભૂલ છે. મારા હાથ અનેકવાર દાઝ્યા છે છતાં હું જ ભૂલ કરું છું મારે જ આનું પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ.” સામે જોઈને : “ત્યારે તમે પરણી કેમ જતા નથી. તમારા જેવાએ—”

“પણ બાપુ, મને નિર્બળતા આવતી જણાતી કે તરત જ હું કોઈ ત્રીજી વ્યક્તિને પાસે બોલાવી લેતો. માજીને હું હંમેશાં સાથે રાખતો, માજી ન હોય ત્યારે મારા કોઈ નોકર ચાકરને પણ કંઈ ને કંઈ બહાને બોલાવી ઓરડામાં હાજર રાખતો. તે માટે હું પોતે જવાબદાર નથી જ. સરસ્વતી બહેનને પૂછો.”

“ત્યારે કોણ જવાબદાર છે ?”

“એક રતિભાઈ ઝવેરી બાલાસોરમાં જ રહે છે, તે. તેઓ વનરાવનભાઈના મિત્ર થાય છે”

“પરણ્યા નથી ? તમારે ત્યાં આવતા જતા ?”

“જી ના. સરસ્વતી ત્યાં રહેલી છે. અને એ જ તમને એ કહેશે.”

“તમે તેને ત્યાં જવા કેમ દીધી?”

“એમનાં પત્નીને કસુવાવડ થઈ ગઈ તેને લીધે રતિભાઈ ઘરમાં ઝાઝું રહી શકતા નહોતા. ઘરમાં નાના હેમુને રાખવા સરસ્વતી દસેક દિવસ ત્યાં રહી.”

“ત્યારે તમે નિર્દોષ છો, એમ જણાય છે. જો કે સરસ્વતીને પણુ હું પૂછીશ ખરો. હવે ખરું તો તમારે એ વિચારવાનું કે મારી શી ફરજ છે.”

“ત્યારે બાપુ, મારે વિશે આપ ‘નવજીવન’માં ન લખો કે હું નિર્દોષ છું ? આપના લખાણથી આપના અનુયાયી વર્ગમાં અને શિષ્ટ સમાજમાં હું પાછો મારી પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરી શકીશ.”

“હા. તમારો એવો જ આગ્રહ હોય તો હું ‘નવજીવન’માં પણ લખું, કારણકે ‘નવજીવન’ ઉપર પણ ઘણા કાગળો આ બાબતમાં આવેલા છે. પણ હવે સરસ્વતીનું શું કરવું? તમે કહેતા હતા કે તેને મળતાં તમને આકર્ષણ તો થાય છે. તો તમે તેને પરણી લઈ ન શકો?”

“પણ બાપુ, મારી પ્રતિજ્ઞા ?”

“પણ માજીની સેવા એ કરશે એવી તો તમે પણ નહિ કરી શકો.”

“પણ તો તો પછી બધા એમ જ માને કે હું જ આ કૃત્યને માટે જવાબદાર છું. હું તો આ પછી અન્ડરહિલ પદ્ધતિ પ્રમાણે ગમે તેટલે ખરચે પરીક્ષા કરાવીશ, અને એ ડૉક્ટર અને તેનાં ઝેરીલાં પેપરોનાં મોઢાં બંધ કરીશ. એ પદ્ધતિના શોધક ડોક્ટર પાસે જ પરીક્ષા કરાવીશ.

મહાત્માજીએ નિ:શ્વાસ નાંખ્યો. જગુભાઈને વિદાય આપી સરસ્વતીને બોલાવી, તે નજીક આવી પણ ન શકી, દૂર ફસડાઈ પડ્યાની પેઠે બેઠી અને ત્યાં રહીને જ તે પગે લાગી. મહાત્માજીએ પૂછ્યું તેના જવાબમાં તેણે સ્પષ્ટ કહ્યું કે જગુભાઈ નિર્દોષ છે, પોતાનો જ દોષ હતો અને રતિભાઈના સંસર્ગનું આ પરિણામ હતું. વિશેષ પૂછતાં તેણે માબાપને ત્યાં જવાની કે મહાત્માજી પાસે આશ્રમમાં રહેવાની ના પાડી, અને જગુભાઈની સલાહ પ્રમાણે એક નજીકના બીજા શહેરના એક પ્રસૂતિગૃહમાં રહેવા ઇચ્છા દર્શાવી. મહાત્માજીએ તેની સંભાળ માટે જગુભાઈને જ ભલામણ કરી બંનેને વિદાય કર્યા. વનરાવનદાસને કાગળ લખી આ આખી બાબત પોતાના હાથમાં છે, તેની પોતે યેાગ્ય વ્યવસ્થા કરશે, અને કશી પણ ચિંતા ન કરજો, એમ આશ્વાસન આપ્યું.

રતિલાલે સરસ્વતીને માલૂમ ન પડે એવી રીતે તેની પ્રસૂતિનો બધો ખર્ચ આપવા જગુભાઈને ખાનગીમાં કહ્યું, પણ તેણે તે સ્વીકાર્યું નહિ, અને સરસ્વતીને આંગળીચીંધામણ ન થાય માટે તેને વહેલી જ પાસેના શહેરમાં એક સારા ખાનગી પ્રસૂતિગૃહમાં મોકલી. તેણે પૂરે સમયે ત્યાં એક પુત્રને જન્મ આપ્યો.

પંદરમે દિવસે જગુભાઈ તે શહેર ગયા. સાથે એક દાક્તરને લઈ ગયા હતા. તેની પાસે પેલી અન્ડરહિલ રક્તપરીક્ષા માટે તેમણે પોતાનું લેાહી કઢાવ્યું અને પછી દાક્તરને લઈ તે પ્રસૂતિગૃહમાં ગયા અને સરસ્વતીને મળ્યા. તેની તબિયત પૂછી તેનો પ્રથમનો સંકોચ હરી લીધો. એમ છતાં પણ સરસ્વતી તેની સાથે સ્વસ્થ થઈ વાત કરી શકતી નહોતી. જગુભાઈએ છોકરો કેમ છે, કેવો છે, એમ પૂછ્યું ત્યારે સરસ્વતી જરા ઉત્સાહમાં આવી છોકરાનાં વખાણ કરવા લાગી. તેણે કહ્યું કે બધી નર્સો કહે છે કે તેના જેવું તંદુરસ્ત છોકરું તેમણે જોયું નથી. નિયમિત ઊંઘે છે અને બધી બાબતમાં નિયમિત છે. વિશેષ પૂછતાં તેણે કહ્યું કે અત્યારે ઊંઘે છે, થોડી વારમાં જાગશે. જગુભાઇએ જોવા ઇચ્છા દર્શાવી ત્યારે તો સરસ્વતી ઘણી જ ઉત્સાહમાં આવી તેને જોવા લઈ ગઈ. ત્યાં પહોંચતાં જ બાળકે ધીમે રહી નાની સુંદર સ્વચ્છ ડૉળ વિનાની આંખો ઉઘાડી, જગુભાઈએ કહ્યું, “સારું થયું જાગ્યો તે. ભૂખ્યો હશે નહિ ? અમે પાસેના ઓરડામાં છીએ ત્યાં તમે થોડી વાર રહીને તેને લઈ આવો.’

થોડીવારે સરસ્વતી છોકરાને હાથમાં લઈ બહુ જ હર્ષભેર આવી અને ખાટલા પર બેઠી, જગુભાઈએ બહુ જ ધીમે રહીને વાત શરૂ કરી: “મેં તમને નહિ કહેલું કે મારા પર વર્તમાન પત્રમાં જે જાહેર આરોપ આવ્યો હતો તેનો જવાબ હું વિજ્ઞાનની પરીક્ષા કરાવી આપવાનો છું. તેમાં એ લોકો લોહીની પરીક્ષા કરી અમુક પુરુષ અમુક બાળકનો બાપ છે કે નહિ તે સંબંધી અભિપ્રાય આપે છે અને હવે તો કોર્ટમાં પણ એ અભિપ્રાય નિર્ણયાત્મક ગણાય છે. જુઓ, મેં મારું લોહી કઢાવી તૈયાર રાખેલું છે. એ પરીક્ષા માટે બાળકનું લોહી પણ એજ દિવસે કાઢી મોકલવાનું હોય છે. તેને માટે આ દાક્તર...”

“વોય મા ! તે તમે આવડા નાનાનું લોહી કાઢશો ? હાય હાય ! એટલા સારુ અહીં આવ્યા છો ?” કહેતી તે તો બાળકને લઈ પોતાના ઓરડામાં ચાલી ગઈ.

“એમને જરા સમજાવવાં પડશે” એમ દાક્તરને કહી જગુભાઈ પાછળ ગયા. “ના, ના ! મારું લોહી લેવું હોય તેટલું લો, એનું નહિ. આવડા નાનાનું હોય નહિ” કહી તે બાળકને છાતી સરસું દબાવી પોતાના ખાટલામાં લપાઈ બેઠી.

જગજીવને તેને સમજાવવા માંડી. પોતે પવિત્ર જીવન ગાળવાનું જીવનધ્યેય રાખેલું છે, તેના પર કેટલો અન્યાયી આક્ષેપ થયો છે, તે સરસ્વતીને લીધે થયો છે, સરસ્વતીનો દોષ પોતે કાઢતો નથી, પણ તેને લીધે થયો છે એ તો એણે જાણવું જોઈએ, એણે પોતાને ન્યાય મેળવવામાં મદદ કરવી જોઈએ, એ નિર્દોષતા સાબીત ન કરી શકે તો મહાત્માજીના અનુયાયીની પ્રતિષ્ઠા પછી કેમ રહે, બાળકને જરા પણ ઇજા થતી નથી, વગેરે વાતો કરી કરીને, પજવી પજવીને, ધ્યેયની વાતથી ન છટકી શકાય એવી રીતે તેને ઘેરી લઈને તેણે તેને છેક લાચાર બનાવી દીધી. તેના પડખામાંથી તેણે ધીમે રહીને છોકરો લીધો, સરસ્વતી જરા પણ વિરોધ ન કરી શકી. માત્ર દબાઈ ગયેલા એક જીવડાની પેઠે કણકણતી પથારીમાં મોં દાબીને પડી રહી. થોડી વારે તેણે પોતાના છોકરાની ચીસ સાંભળી અને અસહ્ય વેદનાથી તેણે પણ એક ચીસ પાડી. તેને સ્પષ્ટ દેખાયું કે તે પોતે સહાય અનાથ હતી અને તેણે એક અનાથ બાળકને જન્મ આપ્યો હતો. આ અનાથતામાં તે ફરી પોતાની ચીસો દબાવી થોડી વાર પડી રહી. પણ છોકરાની વધારે ચીસો સાંભળતાં તે એકદમ બારણા તરફ દોડી. છોકરાની ચીસો ઓછી થઈ ગઈ હતી અને દાક્તર તેને હાથમાં લઈ તેના તરફ જ આવતો હતો. એકદમ છોકરાને પોતાના હાથમાં લઈ તે પથારી તરફ દોડી અને તેને ધવરાવવા લાગી, છોકરો તરત રોતો રહી ગયો. તેની જે આંગળીમાંથી લોહી કાઢ્યું હતું તે આંગળી તેણે જોઈ. પોતાના મોંમાં મૂકી, ચાટી, ફરી એ, તેના પર ક્ષતની જરા સરખી પણ નિશાની નહોતી. એટલી વારમાં એ ઘા રુઝાઈ ગયો હતો. પણ તેની માના મન પર પડેલો એ ઘા ક્યારે રુઝાશે તે કોણ કહી શકે? જગુભાઈ અને દાક્તર પાછા ગયા.

રાતે સરસ્વતીને સ્વપ્નું આવ્યું. જાણે જગજીવને પોતાના હાથમાં એક બળતો અંગારો લીધો છે. ગલોફાં ફાટી જાય એટલાં ફુલાવીને તે પેલા અંગારાને ફૂંક મારે છે. બળતા અંગારાનું લાલ અજવાળું તેના મોં પર પડે છે, અને તેની ઉપસેલી રગોવાળું મોં ભયંકર લાલ દેખાય છે ને આંખો ફાટી ગયેલી વિકરાળ દેખાય છે. એ અંગારાને ફૂંકતો ફૂંકતો પાસે આવે છે અને તેના છોકરાને ચાંપવા જાય છે, પોતે આડા હાથ દે છે અને જાણે અંગારો તેને હાથે ચંપાય છે. એ ચંપાતાં તે ચમકીને જાગી ગઈ. ભયમાં ને ભ્રમમાં તે બૂમ પણ પાડી શકી નહિ. સફાળી ઊઠી તેણે ઘોડિયામાંથી છોકરાને લીધો. છોકરો તદ્દન સ્વસ્થ ઊંઘતો હતો તેને અનેકવાર બચી કરી પડખામાં લઈ ધવરાવી તે કેટલીય વાર જાગતી જ પડી રહી. અને છેવટે થાકીને ઉંઘી ગઈ.

જગજીવન પ્રસૂતિગૃહમાંથી બન્નેની તંદુરસ્તીના સમાચાર મગાવતો રહેતો. છોકરાનું વજન વધ્યું તેની ખુશાલી તેણે સરસ્વતીના પત્રમાં જણાવી. પણ હવે સરસ્વતીને પોતાની સ્થિતિની ચિંતા થવા લાગી હતી. આવા બાળક સાથે ક્યાં રહેવું, કેવી રીતે જિંદગી કાઢવી, એ પ્રશ્ન તેને મૂંઝવવા લાગ્યો હતો. આશ્રમમાં રાખે પણ શું મોઢું લઈને રહેવું ? અનંત નિરાધારીવાળું ભવિષ્ય તેને ચારે બાજુ ઘેરીને ભીંસવા લાગ્યું. પણ એટલામાં સરસ્વતી અને છોકરો બન્ને માંદાં પડ્યાં. જગજીવન દોડી આવ્યો. તેણે દાક્તરોની દવા કરાવવામાં કશી કમીના રાખી નહિ, પણ છોકરો ગુજરી ગયો અને તે પોતે પણ ઘણી જ નંખાઈ ગઈ. જગજીવને તેને બાલાસોર લઈ જવાનું નક્કી કર્યું. જવા પહેલાં દાક્તર પાસે તપાસ કરાવી. દાક્તરે કહ્યું કે તેને દોઢ બે માસ તદ્દન આરામ આપવો જોઈએ.

જગજીવને સરસ્વતીને બાલાસોર આણી મહાત્માજીને બધી જ ખબર આપી. મહાત્માજીએ પણ તબિયત સુધરતાં સુધી ત્યાં રહેવાની હા પાડી.

સરસ્વતીની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. અત્યારે ફરી જિનની મોસમ બંધ થઈ હતી. સરસ્વતીનું શરીર સુધરતાં હવે જગજીવને તેને મોટરમાં ફરવા લઈ જવાનું રાખ્યું. સરસ્વતીનું મન પણ આ આખા પ્રકરણમાંથી ધીમે ધીમે મુક્ત થઈ સ્વાભાવિક ખુશાલીમાં આવતું હતું. અને હવે જગજીવનને સર્વ રીતે નૈતિક વિજય મળ્યો હતો એટલે તે ત્રાહિતની હાજરી વિના સરસ્વતી સાથે ફરતો.

એક વખત ફરતાં ફરતાં મહાત્માજી વિશે વાત નીકળી. સરસ્વતીએ કહ્યું કે મોટા મોટા પણ તેમની પાસે નમી પડે છે, મનની વાત તેમની પાસે ગુપ્ત રહી શકતી નથી. જગજીવને કહ્યું કે “આપણે મહાત્માને મળવા ગયાં’તાં ત્યારે મારે પણ એમ જ થયું હતું.”

“તમારે શી વાત થઈ હતી ? એ તો મેં તમને પૂછ્યું જ નથી.”

“એમને પહેલાં તો મારા પર જ શક હતો. એટલે મને તરત જ પૂછ્યું, ‘તમે એકાન્તમાં મળતા ?’ મેં કહ્યું, ‘હા.’ ‘ત્યારે તમને તેના તરફ આકર્ષણ ન થતું? મનમાં થનગનાટ ન થતો?’ હું ના ન પાડી શક્યો.”

“તે તમને એમ થતું, એમ ?”

“હા.”

“શું કહો છો ? મને તો એમ કે તમારા જેવા ધ્યેયના આગ્રહીને એમ કદી થતું જ નહિ હોય. સાધારણ માણસને એમ થતું હશે, અને સાધારણ માણસ તમારા તરફ પ્રેમ કરવા વિચાર કરે તો પણ પાપમાં પડે એમ હું માનતી ! અને તમે કોઈ ત્રાહિતને બોલાવતા તે મારી બુદ્ધિના રક્ષણને માટે એમ હું માનતી!”

“ત્રાહિતની તો મને જરૂર હતી.”

પછી વાતો અનેક પ્રકારની થઈ, પણ મનોવિકારની આ કબૂલાતથી બન્નેનું અંતર કંઈક ઓછું થતું ગયું. તે એટલે સુધી કે મહાત્માજી પાસે જવાનો દિવસ આવ્યો ત્યારે જગજીવન જરા પ્રગલ્ભ થઈ તેને વાત કરી શક્યો.

“તમારી એકંદર તબિયત તો અહીં સારી થઈ ગણાય, નહિ ?”

“હા.”

“આશ્રમ કરતાં અને તમારા પિતાના ગામ કરતાં પણ અહીંનાં હવાપાણી તમને વધારે સારાં નથી લાગતાં ?”

“અલબત, લાગે છે જ.”

“માજી સાથે પણ તમારે સારું ફાવતું હતું, નહિ ?”

“હાસ્તો, માજી તો મારા પર કેટલું વહાલ રાખે છે!”

“ત્યારે તમે અહીં જ રહી જાઓ તો શું ખોટું ?”

“પણ તે કેમ થાય? મહાત્માને લખેલું છે ને ?”

“તે રહેવાનું તો બીજી કઈ રીતે થાય? આપણે બન્ને અહીં જ કુટુંબ કરીએ ત્યારે જ તો ? મહાત્માજી તમારી પરણવાની બાબત શો વિચાર કરે ?”

“અરે, એમણે તો મને એક્વાર સ્પષ્ટ કહેલું કે પરણવાનું મન થાય તો મને કહેજે.”

“મને પણ આપણે બે ગયાં ત્યારે કહેલું કે તમે પરણો તો !”

“ખરેખર !”

“હા. હા. તો તો મહાત્માજીના આશ્રમમાં જ તેમના આશીર્વાદથી લગ્ન કરી શકાય, નહિ ?”

“હાસ્તો.”

“ત્યારે આપણે બન્ને જઈએ અને તમે તેમને વાત કરો.”

“મને શરમ લાગે.”

“તો હું વાત કરું ને તમે પછી તેમના આશીર્વાદ માગજો.”

“ભલે.” સરસ્વતીને પણ ભવિષ્યના જીવનની અનેક ચિંતા હતી, તેનો આ બહુ જ સરલ નિકાલ આવી ગયો તેથી તેના મનને ઘણો જ વિશ્રામ મળ્યો.

બન્ને મહાત્માજી પાસે ગયાં. મહાત્માજીએ બહુ ઉલ્લાસમાં તો નહિ પણ સાધારણ રીતે કહ્યું, “તબિયત તો સારી છે.” થોડી વારે જગજીવને એકાન્ત માગ્યું. મહાત્માજીએ બધાને બહાર જવા કહી પૂછ્યું, “કેમ, શું છે?”

“અમે બન્ને આપના આશીર્વાદ માગવા આવ્યાં છીએ ?”

મહાત્માજી તરત તો સમજ્યા નહિ, પણ જગજીવન સામે જોઈ એકદમ સમજી ગયા. તેમની આંખમાં તરત ચમકારો થયો, તરત જ સરસ્વતી સામે જોઈ તેમણે પૂછ્યું : “કેમ, આમને પરણવાની ઈચ્છા થઈ છે?”

“આપના આશીર્વાદ હોય તો !”

“પણ હું શી રીતે આશીર્વાદ આપું ? તમે બે આવ્યાં ત્યારે મેં તેમને સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે ધ્યેયની વાતો કહી, અને અત્યારે તું ચોખી થઈ ત્યારે મારા આશીર્વાદ લઈ પરણવાનો વિચાર કરે છે ! પ્રેમ હોય તો તે વખતે ન પરણે ? તારે પરણવું હોય તો પરણ, પણ બરાબર વિચાર કર.”

સરસ્વતી એકદમ ચમકી ગઈ. તેને પેલા અંગારાવાળું સ્વપ્ન યાદ આવ્યું. તે ભયવ્યાકુલ થઈ ગઈ.

“કેમ, શું કરવું છે ?”

“હમણાં તો તમારી પાસે રહીશ.”