દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/પરકાયા પ્રવેશ
← મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તા વિનોદમંડળ : સભા પાંચમી કમાલ જમાલની વારતા | દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તા વિનોદમંડળ : સભા પાંચમી કમાલ જમાલની વારતા રામનારાયણ પાઠક |
બુદ્ધિવિજય → |
બુદ્ધિવિજય
વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય તપોવિજયજી, વ્યાખ્યાનનું ચાલુ પાનું ધીરેથી ગ્રંથમાં ગોઠવી, પોથી બાંધી ઊભા થઈ, પોતાના ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા, માર્ગમાં ભાવથી સામું જોનારને અમૃતમય દૃષ્ટિથી વદાય-આશીર્વાદ આપતા, અને વંદના કરતા શ્રાવકોને વૈખરીથી ‘ધર્મ લાભ’ કહેતાં, નગરના ભાવિક શેઠ વિમલશીલ ઊભા હતા ત્યાં તે આવી પહોંચ્યા. વિમલશીલ હંમેશ મહારાજને અંદરના ખંડ સુધી મૂકવા જતા અને બેઘડી મહારાજનો વિશેષ સત્સંગ સાધી પછી જતા. તેમની સામે પણ આજે તેમણે વદાયની દૃષ્ટિ કરી ત્યારે તેમણે વિનયથી કહ્યું: “આવું છું ને ?”
“મેં જાણ્યું, આજે તમારે જવાની ઉતાવળ હશે.” વ્યાખ્યાન દરમ્યાન કશા પણ સંદેશા, કે વેપાર રોજગારની કે સંસારની કશી પણ વાતના ખબર કદી પણ ન આવે એવો શેઠનો નિયમ હતો, તેમાં આજે અપવાદ થયો હતો. શેઠનો મોટો ભાણેજ આવીને કાનમાં કંઈક કહી ગયો હતો, અને તેને તરત પાછાં જવાનું કહેતાં શેઠનું મોં જરા મરક્યું હતું, એ આ વિચક્ષણ આચાર્યની નજર બહાર રહ્યું નહોતું. પણ શેઠની ઇચ્છા હમેશ માક પાછળ આવવાની જોતાં આચાર્યે આગળ ચાલવા માંડ્યું. શેઠ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. અંદર પેસતાં આચાર્યે જ જરા સ્મિતથી કહ્યું, “પુત્ર આવ્યો?” “જી, હા મહારાજ ! મેં કોઈને આવવા કહ્યું નહોતું પણ એ આવ્યો, એટલી આશાતના[૧] થઈ ગઈ તે ક્ષમા કરશો.”
આચાર્યે પ્રસન્ન મુખે એ જ સ્મિતથી કહ્યું, “તો તેનું આલોયણ [૨] કરવું પડશે.”
“ફરમાવો, હું સાંભળવાને યોગ્ય છું.”
“એ છોકરો. અમને આપી દેજો, એ આલોયણ.” અને પછી એના પર ભાષ્ય કરતા હોય તેમ કહ્યું : “મેં ધારેલું લગ્ન ખરું હોય તો એને મહાન દીક્ષાયોગ છે, જો કે એક ગ્રહની વક્રદૃષ્ટિ છે તે જોવાનું રહે છે. મારું ગણિત ખરું હોય તો એનો વર્ણ તપાવેલા સોના જેવો હોય. त्पकांचनवर्णाभः मनस्वी प्रमदाप्रियः । તપ્તકાંચન જેવીરીતે તેની કાયા હોય, તે મનસ્વી હોય અને સ્ત્રીઓનો પ્રિય હોય. જ્યોતિષને ઘણા માને છે, મને પણ તેનો અભ્યાસ છે, પણ જિનાગમે તેને મિથ્યાશ્રુત કહેલ છે તે યથાર્થ છે એવો મારો અનુભવ છે. આપણી તો એટલી ફરજ કે આપણે એને અનુકૂળ સંસ્કાર આપવા. નિર્ણય તો જીવ પોતે પોતાને માટે કરે એ જ ખરો. આપણે ઉતાવળા થઈ નિર્ણય પણ ન કરાવવો. માત્ર દેહનું સૌંદર્ય કે માત્ર બુદ્ધિની પ્રતિભાનું અભિમાન પણ મહાન બંધન છે, તો આ તો બન્નેનો યોગ છે.”
“જી મહારાજ ! આપ કહેશો તેવા સંસ્કાર પાડીશ.”
“પ્રથમ તો હવે તમારે ચોથું વ્રત [૩] લઈ લેવું અને એને સારી રીતે વિદ્યા આપવી. એની મેળે વેપારમાં પડે તો ભલે, નહિતર એની શક્તિ પહોંચે ત્યાં સુધી એને વિદ્યા આપવી, અલબત, જિનાગમને અનુકૂળ રીતે.”
“જી મહારાજ !”
આચાર્ય શેઠના મુખ સામું જોઈ રહ્યા. હજી શેઠની ઉંમર કાંઈ મોટી નહોતી. ચોથું વ્રત લેવાની તેમની તત્પરતા કેટલી સાચી હતી તે જોવા તેમણે તેમની આંખ સામે દૃષ્ટિ કરી, અને તેમાં અક્ષોભ, દૃઢતા અને શ્રદ્ધા જોઈ બોલ્યાઃ “આજ સારો સંસાર તમને વધામણી આપશે ત્યારે અમે તમારો આખો સંસાર અને તેનું ફળ લઈ લીધું ! ગૃહી અગૃહી વચ્ચેનો એ ફરક!” આચાર્યે ગંભીર સ્મિત કર્યું.
“આપ કહો છો ત્યારે કહું છું. અંધારિયાં અમે વર્જેલાં જ હતાં, અને પુત્ર આવે તો જાવજીવ[૪] ચોથું વ્રત લેવા અમારો પહેલેથી જ સંકેત હતો. આપની એ જ આજ્ઞા થઈ એ તો હું સદ્ભાગ્ય સમજું છું. આપ દર વરસ પધારતા નથી પણ અનુકૂળતાએ પધારતા રહેશો અને આઠમે વરસે જરૂર પધારશો.”
“યથાવર્તમાન.”[૫]
વિમલશીલ વંદીને ચાલ્યો ગયો. નગરના વંશપરંપરાના નગરશેઠનું પદ નીકળી જઈ પોતાને ન મળે તે માટે તે કદી પણ કોટિપતિ થતો નહોતો, એ તો આચાર્યે માત્ર સાંભળેલું હતું. આજે, ગૃહસ્થ હોવા છતાં, મુનિઓને પણ દુષ્કર એવું બ્રહ્મચર્ય તેણે લીધું તે પ્રત્યક્ષ જોઈ તેમને આશ્ચર્ય થયું. શેઠના ગયા પછી ઘણા વખત સુધી જ્યોતિષ, વિમલશીલના પુત્રનું ભવિષ્ય, તેની જન્મકુંડલીના ગ્રહો, જિનશાસનનું ખરું હિત, મોક્ષ, પોતાનું કર્તવ્યાકર્તવ્ય વગેરે અનેક વિચારોનાં વમળોમાં ફરતા તે કેટલીય વાર આસન ઉપર સ્તબ્ધ બેસી રહ્યા.
વિમલશીલે પુત્રનું નામ જિનદાસ રાખ્યું. તેને નાનપણથી જિનશાસનના સંસ્કારો પાડવા અને જિનધર્મને અનુકૂળ શાસ્ત્રોનું અધ્યયન કરાવવું એ સહેલું હતું, પણ તેને માટે આવતાં કન્યાનાં માગાં પાછાં વાળવાં એ એટલું સહેલું નહોતું. તેણે વિનયથી બધાં માગાં પાછાં વાળ્યાં. તેની પત્નીએ આમાં તેને અદ્ભુત સાથ આપ્યો.
જિનદાસની ઉંમર આઠ વરસની થઈ ત્યારે તપોવિજયસૂરિ પાછા આવ્યા. તેમણે જિનદાસને જોયો, સંતોષ બતાવ્યો અને પાંચ વરસ પછી વિચાર કરીશું કહી તેઓ પાછા વિહારે ચાલ્યા ગયા. પાંચ વરસ પછી ફરી જિનદાસને જોયો, તેની સાથે વાતચીત કરી, પણ તેને મોટો થવા દેવો જોઈએ કહી ફરી વિહારે ગયા.
અત્યાર સુધી વિમલશીલ સાધારણ જવાબોથી માગાં કરનારાને પાછા વાળી શક્યો હતો, પણ નગરશેઠના ઘરનું માગું એટલી સહેલી રીતે પાછું વળાય એમ નહોતું. ગામ આખામાં વાત થતી હતી કે વિમલશીલ માગાં પાછાં વાળે છે તેનું કારણ એ હતું કે તેમને નગરશેઠનું કહેણ છે. અને તેમાં લોકોનો દોષ પણ નહોતો. નગરશેઠની એકની એક દીકરી, જિનદાસથી ચારેક વરસ નાની હતી. જિનદાસની જ નિશાળે જતી. કોઈની પણ યોજના વિના બન્નેની વચ્ચે સ્વાભાવિક બાલોચિત પ્રીતિ થઈ હતી, અને બન્નેને જોઈ હરકોઈ કહી શકે કે ભગવાને સુંદર જોડું નિર્મ્યું છે. જિનદાસની પણ એવડી ઉંમર થઈ હતી કે તે લોકોની વાયકાનો અર્થ મભમ પણ સમજી શકે અને તેનું કૌતુક અનુભવે. અને તેથી એ વાત ચોક્કસ ફરવાની જરૂર હતી.
નગરશેઠ પોતે વિમલશીલને ત્યાં આવ્યા. પોતે અત્યાર સુધી પોતાની પદવી માટે વિમલશીલના આભારી હતા. બન્ને બાળકો એક બીજાને લાયક હતાં, તો ના પાડવાનું કારણ જાણવા જેટલો પોતાને હક છે અને જાણ્યા વિના નહિ ખસું એવો મીઠો હઠ કરી બેઠા. વિમલશેઠે જીનદાસને બહાર જવા નિશાની કરી અને પછી તપોવિજયજીએ કહેલ બધી વાત કરી. જિનદાસનો વર્ણ તપ્તકાંચન જેવો હશે એ આચાર્યંજીએ જોયા વિના જ ભાખેલું હતું. જિનદાસના ગ્રહો એવા છે કે જો તે દીક્ષા ગ્રહણ કરે તો જિનશાસનના પ્રતાપી ધારક થાય, જો કે એક ગ્રહની વક્ર દૃષ્ટિ છે તેથી રાહ જોવાની જરૂર છે. નગરશેઠ સમજ્યા. તેમણે કહ્યું : “જો દીક્ષાની ના કરે તો મારો જ રૂપિયો સ્વીકારો.” અને વિમલશીલે કહ્યું : “એ કબૂલ. અને તેમ છતાં તે પહેલાં સારો મૂરતિયો મળે તો સંબંધ કરવાને તમે છૂટા. દીકરીનાં માવતરથી ક્યાં સુધી રાહ જોવાય?”
જિનદાસને વાતચીત માટે ઓરડા બહાર કાઢેલો પણ તેણે નજીકમાં સંતાઈ તે બધું સાંભળ્યું. તેને ખાત્રી હતી કે નગરશેઠની દીકરી સાથે પોતાના સગપણની વાત થવાની હતી. અને એ જ વાત નીકળતી ગઇ તેમ તેમ તે વધારે આતુરતાથી સાંભળવા માંડ્યો. ત્યાં તેણે તપોવિજયની વાત સાંભળી અને તેને ઘણું જ આશ્ચર્ય થયું. ત્યારથી તેનામાં બે પ્રબળ સંકલ્પો જાગ્યા. માણસનું મન એવું વિચિત્ર છે કે એ તદ્દન વિરોધી સંકલ્પો એક સાથે પોષાવા માંડે, પ્રબળ થવા માંડે ! એક બાજુથી તેનામાં સ્ત્રીઓને પણ આકર્ષી શકે એવા પોતાના તપ્તકાંચન વર્ણનું અભિમાન થયું, અને બીજી બાજુથી સંન્યાસ લેવાની અને જૈન શાસનના ધારક થવાની મહેચ્છા જાગી. અનેક વૃત્તિઓના વંટોળથી તેનું મન ખોટી ઊંચાઈ એ ચડ્યું, અને વધારે દુર્લભ અને વધારે દુષ્કર માટે જ, સંન્યાસજીવન લેવાનો તેણે નિર્ણય કર્યો. તેને સોળમું વરસ બેઠું ત્યારે તપોવિજયજી આવ્યા. તેમને હવે વાર્ધક્યનાં ચિહ્નો જરાજરા દેખાવા લાગ્યાં હતાં અને તેઓ પોતાની વિદ્યાનું કોઈ સત્પાત્ર શોધતા જ હતા. તેમણે ઘણી જ મમતાથી જિનદાસને બોલાવ્યો, અને દીક્ષા લેવાની તેની પોતાની ઇચ્છા છે કે નહિ તે પૂછ્યું. તેને સ્પષ્ટ સમજાવ્યું કે જો સંસારની જરા પણ ઈચ્છા હોય તો સંસારમાં જ જવું, અને સાચા સંસ્કાર હશે તો એની મેળે ભવિષ્યમાં દીક્ષા મળી રહેશે. જિનદાસે સામો પ્રશ્ન કર્યો : “આપે સસારમાં ગયા પછી દીક્ષા લીધેલી કે ગયા વિના જ ?”
સર્વ પ્રસન્ન થઇ ગયા. તપોવિજયજીએ કહ્યું : “સસારમાં ગયા વિના જ.”
“ત્યારે હમણાં દીક્ષા લેવાથી આપના જેવું જ્યોતિષજ્ઞાન મને મળશે ?”
જીવનમાં કદી નહિં લાગેલો એવો તપોવિજયજીને મહાન આઘાત લાગ્યો, પોતે જ વિમલશીલને જ્યોતિષ ઉપરથી વાત કરી તે ભૂલ જણાઈ, તેનો પશ્ચાત્તાપ તેમને થયો. બધા આઘાત અને બધું દુઃખ ગળી જઈને માત્ર એક નિઃશ્વાસ નાંખીને તેમણે ધીમેથી કહ્યું: “જિનદાસ, બે વરસ વધારે વિચાર કર. દીક્ષા તપને માટે લેવાની હોય છે. વિદ્યા તો આવવી હોય તો આવે, અને જ્યોતિષ તો મિથ્યાશ્રુત છે. એના લોભથી દીક્ષા લેવાય નહિ.”
બે એક દિવસ પછી વિમલશેઠે ફરી દીક્ષાનો પ્રશ્ન કાઢ્યો, ત્યારે ફરી નિ:શ્વાસ નાંખી એ એટલું જ બોલ્યા કે “હજી ઉંમર થવા દો.”
વિમલશીલે કહ્યું કે શાસ્ત્ર પ્રમાણે એ વ્યક્ત[૬] થયેલ છે. ત્યારે સૂરિએ કહ્યું : “ઉંમરે તો થયેલ છે, પણ અમે તો કાવ્યશાસ્ત્રકારોનો મત અહીં ઇષ્ટ ગણીએ છીએ. સંસારના ભાવોને વ્યક્તરૂપે સમજી શકે પછી દીક્ષા માગશે તો વિચારીશું.”
જિનદાસ ચતુર હતો તેને લાગ્યું કે બોલવામાં તેની કંઈક ભૂલ થઈ છે, તેણે નિયમિત વ્યાખ્યાનામાં જવા માંડ્યું. શાસ્ત્રાધ્યયન કરવા માંડ્યું. પ્તાની શી ભૂલ થઈ હતી તે તે સમજ્યો, અને એવી ઐહિક વાસના કાઢી નાંખવા તેણે તપઃપૂર્વક અથાગ પ્રયત્ન કર્યો. બે વરસ પછી તપોવિજયજી પાછા આવ્યા અને પૂછ્યું, “કેમ, દીક્ષા લેવી છે ?”
“જી હા.”
“શા માટે ?”
“કર્મ ખપાવવા માટે.”
“સંસારની વાસના નથી ?”
“બિલકુલ નથી એમ તો કેમ કહેવાય ? પણ તપ વડે અને ગુરુના પ્રતાપે તે ટાળી શકીશ.”
તપોવિજયજી અને આખો સંઘ રાજી થઈ ગયો. જિનદાસને દીક્ષા આપી બુદ્ધિવિજય કર્યો. જૈન સંઘે અને ખાસ કરીને નગરશેઠે મોટો ઉત્સવ કર્યો.
જૂના કુટુંબસંસ્કારોથી દૂર કરવા અને સંન્યાસના સંસ્કારો દૃઢ કરવા તપોવિજયજી તેને દૂરના રાજ્યમાં લઈ ગયા, જ્યાંનો રાજા જિનશાસનને માનનારો હતો અને તપોવિજયજીનો ભક્ત હતો.
તપોવિજયજી આ વખતે આવા તેજસ્વી સ્વરૂપવાન શિષ્યને લઈને આવ્યા તેથી લોકોમાં બન્નેનો મહિમા વધ્યો અને બુદ્ધિવિજય તરફ સૌને કૌતુક થયું. બુદ્ધિવિજયે અભ્યાસમાં સારી પ્રગતિ કરવા માંડી અને તેથી તેની કીર્તિ વધતી ગઈ. તે સાથે તે જુવાન થવા લાગ્યો તેમ તેની કાંતિ પણ વધતી ગઈ, અને અર્ધું સમજતી અર્ધું નહિ સમજતી લોકજનતાએ સહસ્ર જીભે અને સહસ્ર નયને તેને રૂંવેરૂંવે સભાન કરી નાંખ્યો. તેની એકએક ક્રિયામાં કોઈ અદ્ભુત છટા દેખાવા લાગી. જીવનની કોઈપણ રીતભાત એટલી સાદી નથી કે જેમાં માણસ છટા ન આણી શકે !
ગુરુ આ સર્વ માયા સમજતા હતા, અને શિષ્ય માટેની તેમની ચિંતા વધતી જતી હતી. વારંવાર સન્યાસધર્મ, વાસનાપ્રાબલ્ય, વાસનાની છેતરપીંડી ઉપર શિષ્યને કહેતા, શિષ્ય બુદ્ધિથી સમજતો જણાતો પણ તેના મનનાં ઊંડાણોમાં બુદ્ધિનું અભિમાન, શરીરની તેજસ્વિતાનું અભિમાન, સ્ત્રીઓને અને લોકોને ચકિત કરી આકર્ષવાની વાસના વધતી જતી જણાતી હતી. પણ એક દિવસ તો એવો બનાવ બન્યો કે ચિંતાને બદલે તેમનું આખું મન ઊકળી ઊઠ્યું. બુદ્ધિવિજય પોતાનાં સર્વ ઉપસ્કરણો અને શક્તિના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલો, અને ત્યાં નગરના કોટિપતિની દીકરી એના પર એટલી મોહિત થઈ ગઈ કે તેના હાથમાંથી વહોરાવવાનું વાસણ પડી ગયું ! તપોવિજયજીના દુઃખનો અને ઘૃણાનો પાર ન રહ્યો. “આટઆટલા દિવસથી તને કહું છું કે તારો મેલ સમજ, ને તેને ક્ષીણ કર. તેને બદલે, તું તારા સંયમજીવન ઉપર પણ પાણી ફેરવવા બેઠો છે એટલું જ નહિ પણ આખા શાસનની હીલના કરે છે તે સમજે છે ?”
બુદ્ધિવિજય ગુરુનો તાપ જીરવી શક્યો નહિ. તે ગભરાઈ ગયો તે બોલી ઊઠ્યો : “મહારાજ, ખૂબ સમજવા પ્રયત્ન કરું છું, કંઈક સમજું ય છું. પણ…”
“શું સમજે છે?”
“મહારાજ, મારો દોષ નથી. મારા જન્મસંસ્કારો ખરાબ છે. આપે તે દિવસે વ્યાખ્યાનમાં કહેલું તેમ, મારાં માબાપે જે સંયમ પાળેલો, તેની વકરેલી વાસનાના સંસ્કારો મારામાં ઊતર્યાં છે. પ્રયત્ન છતાં…” થોડા દિવસ પહેલાં તપોવિજયજીએ ગૃહસ્થજીવન અને સંન્યાસજીવનનો ભેદ સમજાવતાં કહેલું કે કેટલાકની વાસના માત્ર દમનથી અને ચિંતનથી શમી શકતી નથી, દમનથી ઊલટી વકરે છે. તેમને માટે ગૃહસ્થજીવન છે. એવાઓએ ગૃહસ્થજીવનના સંયમનિયમથી વાસનાને વશ કરવી જોઈએ — જેમ ભડકતા ઘોડાને ધણી પંપાળતો અને ઘાસ ચારો આપતો વશ કરે તેમ.
આ ખુલાસો સાંભળતાં તપોવિજયનો ક્રોધ હાથમાં ન રહ્યો. તેમનાથી બોલી જવાયું: “કેટલું પાપ ! મારા વ્યાખ્યાનનો કેટલો દુરુપયોગ ! પોતાના પાપને માટે બીજાને માથે દોષ ચડાવવાનું કેવું ચાપલ્ય ! અને તે પણ માબાપને માથે ! તારા પર મોટામાં મોટા ઉપકાર કરનારને તું આવો બદલો આપે છે, તો તું જેના પર ઉપકાર કરીશ તેનાથી જ તારો સર્વનાશ થશે એ નક્કી જાણજે—જો કે તું કોઈ ઉપર ઉપકાર જ કરવાનો નથી !”
તે દિવસે ગુરુએ ભોજન લીધું નહિ, બીજે દિવસે બુદ્ધિવિજયે ક્ષમાયાચના સાથે આલોયણ માગ્યું. ગુરુએ કહ્યું, “સૌએ પોતપોતાનું આલોયણ કરી લેવું જોઈએ. કોઈ કોઈને સલાહ આપી શકતું નથી.”
બુદ્ધિવિજયે આઠ દિવસના ઉપવાસ કર્યા. પોતાની મેળે તપ કરે છે એ વાતથી સહાધ્યાયીઓમાં અને રાજદરબારમાં પણ તેની કીર્તિ વધી. એક દિવસ રાજાએ પોતે આવી ગુરુને મોઢે શિષ્યનાં, તેની બુદ્ધિનાં, તેની તેજસ્વિતાનાં, તેના ત્યાગનાં, સંયમનાં વખાણ કર્યાં, ત્યારે તપોવિજયજીએ કહ્યું: “જે માણસને સામે ગામ જવું છે, તે તો ચાલવાનું કેટલું બાકી રહ્યું એ જ વિચારે. થાકે તે પાછો ફરીને કેટલું ચાલ્યો તે જોવા ઊભો રહે ! તેમ ત્યાગ કરનારે કેટલું છોડ્યું તે ન વિચારવું જોઈએ, ક્યાં જવું છે ને તે કેટલું દૂર છે તે વિચારવું જોઈએ. જે માણસને તરીને સામે કાંઠે જવું છે, તેની નીચે એક માથોડું પાણી હોય તેય સરખું અને પાંચ માથોડાં હોય તે પણ સરખું, તેને તો સામે કાંઠે જવું છે. જેને ડૂબકીનું કૌશલ દેખાડવું છે તેને માટે ફરક ખરો ! પણ જેને સામે કાંઠે પહોંચવાની તાલાવેલી છે તેને એ કૌશલ દેખાડવાની તથા નથી હોતી. અને ડૂબકી મારનાર કૌશલ દેખાડી શકે પણ તેને ડૂબવાનો ભો ખરો, સાચો સાધુ આવો વિચાર નથી કરતો. અને દેહની કાન્તિનું અભિમાન શું? દેહ તો ભૌતિક વસ્તુ છે. ભૌતિક ઉપાયોથી પણ દેહ એવો કરી શકાય !”
રાજાએ પૂછ્યું: “બાહ્યોપચારથી દેહનો વર્ણ બદલાવી શકાય ખરો?”
“હા, એવા ઉપચારો હોય. કેટલાક ગુરુઓ ધર્મમાં શ્રદ્ધા બેસાડવા એવાં કામમાં પડે છે, પણ એ સર્વ અવળા રસ્તા છે.”
બુદ્ધિવિજયે બહુ જ ધ્યાનથી આ બધું સાંભળ્યું. જ્યોતિષના ઘણાએ ગ્રંથો ભંડારમાં હતા, પણ ગુરુએ તે ભણવાની ના પાડી હતી. પણ આ બાહ્યોપચારનો એક જ નુસખો મળી જાય તો ઘણા ચમત્કાર કરી બતાવાય ! તેનો જિનશાસનનો પ્રચાર કરવામાં ઉપયોગ કરી શકાય ! અનેક રાજ્યો ઉપર સત્તા બેસાડી શકાય !
બુદ્ધિવિજયની બધી સ્વાર્થી મહેચ્છાઓએ જિનશાસનના પ્રચારનું રૂપ લીધું. ઉપવાસ દરમ્યાન પોતાના જીવનધ્યેયને અનુકૂળ જીવન ઘડવા તેણે મહાન નિશ્ચય કર્યો. ઉપવાસ પછી પંદરેક દિવસે ગુરુ, બુદ્ધિવિજય અને પોતા પાસે ભણતા બીજા કેટલાક સાધુઓ સાથે વિહાર કરી ગયા. કીર્તિના પ્રદેશથી દૂર લઈ જવાથી શિષ્યને ફાયદો થશે એમ તેમણે માન્યું. અને બુદ્ધિવિજયના વર્તનમાં તેમને ખરેખર ફેર દેખાયો. હવે તેણે ટાપટીપ છોડી દીધી હતી અને શાસ્ત્રાધ્યયન ઉપર તે વધારે ધ્યાન આપતો હતો. ગુરુની સેવા પણ તે વધારે નિષ્ઠાથી કરવા લાગ્યો હતો. એક દિવસ બુદ્ધિવિજય ગુરુની ઉપચર્યા કરતાં કંઈક વિચારમાં પડી ગયો ત્યારે ગુરુએ પૂછ્યું : “કેમ, શા વિચારમાં પડી ગયો છે ?”
“જી, આપનાં વચનોનું મનન કરું છું.”
“કયાં વચનો ?”
“નહિં, આપે તે દિવસે મહારાજાની સાથેની વાતચીતમાં કહેલાં ! આપે તો વાતચીતમાં કહેલાં પણ સંયમધર્મનો બધો ઉપદેશ એટલામાં આવી જાય છે. આપે ડૂબકી મારવાની અને તરવાની વાત કરી તે બરાબર છે ! કેવું સુંદર દૃષ્ટાંત !”
અહિત કરનાર તરફ ક્રોધ ન કરવો એ દુષ્કર છે, પણ ક્રોધ પણ જીતી શકાય છે. ખુશામત જીતી શકાતી નથી ! ગુરુ બુદ્ધિવિજય ઉપર પ્રસન્ન થઈ ગયા. ધીમે ધીમે તેના તરફ મમતા વધી. ધીમે ધીમે બુદ્ધિવિજયને તેમણે સર્વે છૂટ આપી. આખો પુસ્તકભંડાર હવે તેને માટે ખુલ્લો હતો. ગુરુએ પોતે વાંચેલી જ પોથીઓ વાંચવા તેણે લાડથી માગણી કરી અને ગુરુએ પોતે વાંચેલી પોથીઓ ભંડારમાં ક્યાં છે તે બતાવી. તે એક એક પોથી ખોલી જોઈ ગયો. તેમાંની એકમાંથી તેને સુવર્ણવર્ણપ્રયોગનાં ચાર પાનાં મળ્યાં. એ એ જ પ્રયોગ હતો. તે છાનોમાનો એ પ્રયોગ અનેક વાર વાંચી ગયો. અનેક ગ્રંથો અને કોષોના આધારે તે બધું સમજી ગયો, માત્ર એક શબ્દ તેને ન સમજાયો.. ‘આ आटविक એટલે શું?’ સાધારણ અર્થ તો ‘જંગલનો માણસ’ પણ એ અર્થ અહીં બેસતો નહોતો જ ! તેણે ગુરુ પાસે કોષગ્રંથનું અધ્યયન શરૂ કર્યું. થોડા જ દિવસમાં आटविक શબ્દ આવ્યો. ગુરુને પૂછ્યો. ગુરુએ કહ્યું, આટવિક એટલે જંગલમાં રહેનારા— જંગલના રાજા, ઠાકરડા એ અર્થ પણ થાય. પણ એ અર્થ પ્રસિદ્ધ હતો, અને એ પેલા નુસખામાં બેસતો નહોતો. તેણે પ્રશ્ન કર્યો : “કોઈ જગાએ એક રાજાના પ્રતાપના વર્ણનમાં વાંચ્યું છે કે તેણે આટાવિકોને આટાવિકોની પેઠે બાળ્યા ! ત્યાં બીજા આટવિકનો અર્થ શો ?”
“સાહિત્યમાં આવો શબ્દ પહેલી જ વાર હું સાંભળું છું. પણ અર્થ સ્પષ્ટ છે. બીજા આટાવિકનો અર્થ જેને અડાયું છાણું કહીએ છીએ તે. ત્યાં ગોમય શબ્દ ઉમેરી લેવાનો છે. રસના ગ્રંથોમાં ગોપન માટે આ પ્રમાણે નામ અનુક્ત રાખે છે.”
“રસ એટલે ?”
“રસાયન શાસ્ત્ર, વૈદકનો રસાયનવિભાગ.”
બુદ્ધિવિજયનો ચહેરો એકદમ પ્રફુલ્લિત થઈ ગયો. તપોવિજય તે જોઈ ગયા. તેમણે તરત પૂછ્યું : “કયા ગ્રંથમાં આટવિકનો આવો પ્રયોગ તમે જોયેલો ?”
“મહારાજ, યાદ નથી. કદાચ મહાભારતમાં વાંચ્યો હશે કે કોઈ બીજા પુરાણમાં.”
પુરાણોનું નામ દીધું એટલે હવે બતાવો જોઈએ. એમ કહેવાપણું રહ્યું નહિ.
ગુરુ તત્ક્ષણ દૃઢ પગલે ઊઠ્યા, બુદ્ધિવિજયને ત્યાં જ રાખી બીજા બે શિષ્યોને સાથે લઈ ગ્રંથભંડારમાં ગયા. જેટલાં જેટલાં જ્યોતિષનાં અને વૈદક ચમત્કારનાં પુસ્તકો હતાં તે બધાં જાતે કાઢી કાઢી તેનો એક ખડકલો કર્યો. પોતાના જ અંગ ઉપરનું વસ્ત્ર કાઢી તેમાં બધાં બાંધ્યાં ને શિષ્યો પાસે ઉપડાવી બહાર લઈ ગયા. વહોરાઈ ગયેલા અગ્રાહ્ય પદાર્થની પેઠે એ બધા ગ્રંથોને દૂર જમીનમાં ઊંડો ખાડો ખોદી ભંડારાવ્યા. બુદ્ધિવિજયે શોક અને પશ્ચાત્તાપની મુદ્રા ધારણ કરી છતાં તેની આંખમાં ગુરુ એક પ્રકારનો વિજય પારખી ગયા, — બુદ્ધિવિજયને આખો નુસખો મોઢે હતો ! — પણ કાંઈ બોલ્યા નહિ.
તે દિવસથી તપોવિજયજીની પ્રકૃતિ લથડવા માંડી. તેમને એકદમ વાર્ધક્ય આવ્યું. તેમને કશામાં રસ ન રહ્યો. જાણે, ન સુધરી શકે એવી કોઈ મહાન ભૂલ થઈ હોય, આખું જીવન હારી બેઠા હોય, તેવી નિરાશામાં તેઓ કળતા ગયા. બુદ્ધિવિજયે તેમની અદ્ભુત સેવા કરી. તેની સેવા શહેરમાં, રાજકુલમાં જ નહિ પણ આખા જૈન સંઘમાં વખણાવા માંડી. સૌને લાગ્યું કે તપોવિજયજી પોતાની પછી તેને જ આચાર્યં પદે સ્થાપશે. પણ એ આશા ફળીભૂત થવાનાં કાંઈ ચિહ્નો દેખાયાં નહિ. ધીમેધીમે લોકોએ તેનું કારણ તપોવિજયજીનું વાર્ધક્ય અને તજ્જન્ય બુદ્ધિમંદતા માની, અને બુદ્ધિવિજય તરફનો સર્વનો પક્ષપાત તેથી વધતો ગયો.
ગુરુનો અંત પાસે આવતો દેખાયો, તપોવિજયજી તદ્દન ક્ષીણ થઈ ગયા. તેમનું આખું શરીર તદ્દન નિસ્તેજ થઈ ગયું — માત્ર આંખોમાં જુનો ચમકારો અને તે સાથે અગાધ તિરસ્કાર, ઘૃણા અને નિરાશા દેખાતાં હતાં.
છેલ્લા દિવસોમાં તેઓ અવાચક થઈ ગયા. બુદ્ધિવિજયે આજ સુધી ગુરુની સેવા કરવામાં કશી કચાશ રાખી નહોતી. એ સેવાથી ગુરુ પ્રસન્ન થઈ કોઈ નુસખો કહેતા જશે, છેવટે પોતાની પછી આચાર્ય- પદવી માટે ભલામણ કરતા જશે એવી તો આશા હતી જ, પણ ગુરુ તો અવાચક થઈ ગયા ! જોકે શુદ્ધિમાં હતા. અનેક વાસનાઓની મભમ તૃપ્તિની આશાએ બુદ્ધિવિજયે રાજવૈદ્યની માત્રા આપી ગુરુને બોલતા કરવા પોતાના સહાધ્યાયીઓને કહ્યું, પણ બધાઓએ આવા નિઃસ્પૃહ અને વીતરાગ ગુરુને કંઈ કહેવાનું હોય જ નહિ એમ કહી નકામો ત્રાસ આપવા ના કહી. પણ બુદ્ધિવિજયે માન્યું નહિ. એણે બધાના દેખતાં છેવટે ગુરુને જગતના કલ્યાણ અર્થે અને શિષ્યોના આશીર્વાદ માટે કંઈક વચન કહી શકાય માટે માત્રા લેવા ગુરુને વીનવ્યા. બધાઓને નવાઈ લાગી કે ગુરુએ હા કહી. માત્રા મગાવી. આથી ઉત્સાહમાં આવી બુદ્ધિવિજયે ફરી પૂછ્યું કે બધાને કંઈ કહેવાનું છે કે માત્ર પોતાને જ; અને ગુરુએ નિશાની કરી કે માત્ર તેને જ કંઈ કહેવાનું છે. શિષ્યોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ, અને બુદ્ધિવિજય માટે તેમનો આદર ઘણો વધી ગયો. એકાન્તમાં બુદ્ધિવિજય માત્રા આપી, ગુરુનું વાક્ય સાંભળવા હાથ જોડી ઊભા રહ્યો. ગુરુએ માત્ર એક જ વાક્ય કહી પ્રાણ છોડ્યા. “પેલો આટવિકપ્રયોગ કદી ન કરતો.”
બુદ્ધિવિજય માથે વજ્ર પડ્યું હોય એવો સ્તબ્ધ થઈ ગયો. આટલી સેવા છતાં કેટલો દ્વેષ ! કેટલી ઈર્ષા ! સુવર્ણપ્રયોગને બદલે આટવિક કહી કેવું મહેણું માર્યું ! મરતાં મરતાં પણ કેવો ઘા કર્યો ! અને બુદ્ધિવિજયને એટલો કાળ ચઢ્યો કે એ મરણ પામેલા માણસનું પણ તેણે મનના અંધારા ખૂણામાં એક સાથે સોવાર ખૂન કર્યું. પણ તે ગમ ખાઈ ગયો. ગુરુ નીચે આટલાં વરસ રહી, તેણે બીજી નહિ તો સ્વસ્થ મુદ્રા ધારણ કરવાની સાધના કરી લીધી હતી, અને એવી સ્થિતિમાં પણ તેની બુદ્ધિએ એક મહેચ્છાના વિનાશમાંથી બીજીનું સાધન મેળવી લીધું. ગુરુ પાસેથી બહાર આવતાં સહાધ્યાયીઓએ ગુરુએ શું કહ્યું તે પૂછતાં, તેણે ઘણી આનાકાની કરી, છેવટે કહ્યું: “જો બધાઓ આચાર્યપદ આપવા ઇચ્છા બતાવે તો ના ન પાડતો.”
“તે તમે ના પાડેલી હતી ?”
“તેમણે અનેકવાર કહેલું અને મેં દર વખત ના કહેલી.”
બુદ્ધિવિજયને આચાર્યપદ મળતાં વાર ન લાગી, હવે તેણે બધા રાજાઓના દરબારમાં પોતાનું ગુરુપદ સ્થાપન કરવા અને જિનશાસન પ્રસારવા અનેક પ્રયત્નો કરવા માંડ્યા. જ્યોતિષના ગ્રંથો મંગાવી શાસ્ત્રીઓ રાખી તે શીખી ગયો અને ફલજ્યોતિષથી સર્વને ચકિત કરવા લાગ્યો. અનેક રાજ્યોમાં તેણે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. માત્ર છેવટનો પેલો નુસખો કોઈ જગાએ કરવાની તે રાહ જોતો હતો. તેની પણ તેને તક મળી ગઈ. દક્ષિણનું એક મહાન રાજ્ય ચુસ્ત શિવમાર્ગી હતું, અને જૈનોને ત્યાં સોસવું પડતું. તેનો એકનો એક કુંવર અતિશય કાળો હતો. તેણે ત્યાં ચાતુર્માસ નિવાસ કર્યો. તે દરમ્યાન, પોતાની ચમત્કારક શક્તિઓનો કુશળતાથી પ્રચાર કરાવ્યો, અને છેવટે રાજાને પોતાના ષડ્યંત્રમાં લીધો. પાટવી કુંવરનો વર્ણ તપ્તસુવર્ણ જેવો થાય તો રાજાએ જૈન ધર્મ સ્વીકારવો, એમ નક્કી થયું. આ વિજય કરીને બુદ્ધિવિજયની યોજના ઉજ્જયિનીમાં જિનશાસન સ્થાપવાની હતી. ચાતુર્માસ કરીને તે ઊપડે, ઉજ્જયિની પહાંચે, ત્યાંનું મહાજન સામૈયું કરી તેને લઈ જાય, ત્યાં એક બે દિવસમાં દક્ષિણના મહારાજ્યના દીવાન અને અન્ય દરબારીઓ, ઉજ્જયિનીના રાજાના મહેમાન થઈ પોતાને ખબર કરવા આવે, એ પ્રમાણે તેણે પ્રયોગનો દિવસ જ્યોતિષ જોઈને ગોઠવ્યો. પ્રયોગ તેને મોઢે હતો જ. એકેએક હકીકત તેણે રાજાને બરાબર લખાવી, દીવાનને સમજાવી, કુંવરને હિંમત આપી કહે તે પ્રમાણે કરવા સમજાવ્યું, અને નિયત દિવસે પ્રયાગ શરૂ કરવાનું, અને પછી તેના ખબર ઉજ્જયિની મોકલવાનું ફરી કહી ચાતુર્માસ પૂરા થયે તેણે ઉજ્જયિની તરફ પ્રસ્થાન કર્યું.
નિયત કરેલે દિવસે રાજા અને દીવાને મહેલમાં કુંવરના પ્રયોગ માટે સ્થાન નક્કી કર્યું. નાહવાનું પાણી તૈયાર કરવાની એક જગા નક્કી કરી, પાણી ગરમ થાય એટલે તેમાં નાખવાની પડીકી કુંવરને સોંપી. એ પાણીથી કુંવરે નવસ્ત્રાં થઇ નાહવાનું હતું. નાહતાં જરા પણ જગા કોરી ન રહી જાય. પડીકી નાંખવાનું અને નાહવાનું કુંવરે જાતે જ કરવાનું કારણકે નાહતાં અને નાહ્યા પછી બે પ્રહર સુધી એ નાહવાની જગાથી હજાર વામ સુધી કોઈ માણસે ત્યાં રહેવાનું નહોતું. પ્રયોગની વિચિત્રતા એ હતી કે નાહવાની જગાની પાસે જ એક પુરુષપુર લાંબો અડાયાં છાણાંનો આટ કરી, સળગાવી, તેની રાખ માંડમાંડ સહન કરી શકાય એટલી ગરમગરમ હોય કે તરત નાહવાનું શરૂ કરવાનું હતું. કુંવરે પોતે જ એ આટમાં ત્રણ જગાએ આંગળી ખોસી પછી નાહવા બેસવાનું હતું.
ફરતી હજાર વામ દૂર સિપાઈ એની ચેાકી ગોઠવાઈ ગઈ. એટલા ભાગમાં કોઈએ હાજર રહેવાનું નહોહેાતું. મહારાજાએ પણ હાજર રહેવાનું નહોતું, પણ એકનો એક દીકરો, બાપનો જીવ કેમ રહે ? બુદ્ધિવિજય ત્યાં હોત તો તેના પ્રભાવથી કદાચ રાજા દૂર રહેત, પણ અત્યારે તો એ એક વાત તે માની શક્યો નહિ. કુંવરથી પણ છાનો તે કુંવરને દેખી શકે તેમ નજીકમાં સંતાઈ રહ્યો, અને પ્રયોગ જોવા લાગ્યો.
કુંવરે કહ્યા પ્રમાણે વસ્ત્રો ઉતાર્યા, પેલા અડાયાં છાણાંના આટમાં ત્રણ જગાએ આંગળી ખોસી જોઈ, પાણીમાં પડીકી નાંખી, પાણી હલાવી અંદર મેળવી દીધી. બધું પાણી ઘડીકમાં લીલું બની ગયું. કુંવર જરા ડર્યો પણ પછી નાહવા લાગ્યો. ક્યાંઈ કોરો ન રહી જાય એવી સૂચના મહારાજાને બોલવાનું મન થઇ ગયું. પણ કુંવર બરાબર આખે શરીરે નાહતો હતો. બધે પાણીએ નાહી રહ્યા પછી ખુલ્લાં બેસી રહી કોરા થવાનું હતું. ધીમે ધીમે બધેથી જરાજરા પાણી સુકાયું અને કુંવરે કાળી ચીસ નાંખી ! એકદમ શરીર ખંજોળવા લાગ્યો, અને ચેળ સહન ન થતાં, તેણે પેલી ગરમગરમ અડાયાંની રાખમાં પડી આળોટવા માંડ્યું. ઘડીમાં તે બેભાન થઈ ગયો.
રાજા એકદમ દોડતો આવ્યો. તેણે કુંવરને બૂમ ઉપર બૂમ પાડી બોલાવવા માંડ્યો, પણ કુંવર મરેલા જેવો પડ્યો હતો. તેણે કુંવરના શરીરને હાથ અડાડી જોયો તો તેનો હાથ ખૂબ ચચરવા લાગ્યો. ભયમાં ને ભયમાં તેણે ચોકીદારોને બૂમ પાડી, પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યા નહિ. ચોકીદારો તરફ દોડી જઈ તેણે રાજ વૈદ્યને બોલાવવા કહ્યું. તે ફરી કુંવર પાસે દોડી ગયો. ફરી તેણે અડી જોયું તો કુંવરનું શરીર તેને ટાઢૂં પડતું લાગ્યું. તે ફરી ચોકિયાતો તરફ દોડ્યો. રાજવૈદ્ય માટે પૂછ્યું તો જવાબ મળ્યો કે તે બહારગામ ગયેલ છે. તેણે ત્યાંને ત્યાં ત્રણ સૌથી સારા ઘોડાવાળા સવારોને બોલાવવા કહ્યું. ચોકિયાતોમાંથી કોઈ બોલાવવા ગયા અને બાકીનાનું ટોળું કુંવરની આસપાસ જમા થયું.
રાજા ભયથી ગાંડા થઈ બૂમો મારતા હતા, અને પેલા ત્રણ ઘોડેસવારો આવ્યા તેમને દડમજલ દોડતાં જઈ, બુદ્ધિવિજયનું માથું કાપી લઈ આવવા હુકમ કર્યો. રાજવૈદ્યને આવતાં એકાદ પ્રહર થઈ ગયો. તેણે આવીને આશ્વાસન આપ્યું. બધી હકીકત જાણી લીધી. વૈદ્યે કુંવરને શરીરે હાય ફેરવ્યો. કુંવરને પસીનો વળતો હતો તેને લીધે શરીર ઠંડું લાગતું હતું. તેની નાડ બરાબર ચાલતી હતી. તેને અડતાં હવે હાથ પણ ચચરતો નહોતો. થોડીવારે કુંવર શુદ્ધિમાં આવતો હોય એમ લાગ્યું. તેને ધીમે રહીને મહેલમાં સુવાર્યો. બે પ્રહરે તે શુદ્ધિમાં આવ્યો અને તેણે ઊંધી જવા કહ્યું. રાજવૈદ્યે હેમક્ષેમનો અભિપ્રાય આપ્યો અને સૌ વીખરાવા લાગ્યું. ત્યારે રાજાને પેલા ત્રણ સવારો મોકલ્યાનું યાદ આવ્યું. તેણે દીવાનને વાત કરી. પણ હવે રાત પડવા આવી હતી. બીજા કોઈ સવારો પહેલાને પકડી પાડી શકે એમ હતું નહિ. માત્ર રાજસાંઢણી જ હવે તેને પહોંચી શકે, પણ તેના પર રાજા સિવાય કોઈથી બેસાય નહિ! રાજાએ તરત જાતે નીકળી ઘોડેસવારોને પહોંચી જવા ઇચ્છા દર્શાવી, પણ બધા દરબારીઓએ રાત પડી હતી માટે સવારે જવા, સવાર સુધીમાં કેમ રહે છે તે જોવા સલાહ આપી, અને ગુરુના આયુષ્યની ચિંતાનું, સાંઢણીનાં વખાણ કરી, પહોંચી જવાની ખાત્રી આપી, નિવારણ કર્યું.
રાત્રે બધા જોઈ શક્યા કે કુંવર તદ્દન હોશમાં હતો, અને ધીમે ધીમે તેની ઉપરની ચામડી ઊતરતી જતી હતી અને નીચેથી નવી સારી ચામડી આવતી જતી હતી. સવારે રાજા પોતાની સાંઢણી ઉપર એક હોશિયાર સવાર લઈ એકલો નીકળી પડ્યો.
બુદ્ધિવિજયને ઉજ્જયિની એકાદ મજલ દૂર હતી, ત્યાં તેણે દક્ષિણના રાજ્યના ત્રણ સવારોને મારતે ઘોડે આવતા જોયા. હજી સવારો એક બે દિવસ વહેલા કેમ આવ્યા, એમ વિચાર કરે છે ત્યાં તો તેને સવારોએ પડકારી ઊભા રાખ્યો. ઘોડા ઉપરથી ઊતરી બધા તલવાર તાણી ઊભા રહ્યા. બિદ્ધિવિજય હામ હાર્યો નહિ. તેણે કુંવરના, રાજ્યના ખબર પૂછવા માંડ્યા, અને મહારાજાએ શા માટે દેહાન્તની શિક્ષા કરી તેનું કારણ એટલી કુનેહ અને નમ્રતાથી પૂછ્યું કે સવારો પોતે એને શા માટે મારવો તેના વિચારમાં પડી ગયા. આ રીતે એક બે પ્રહરો તે વાત લંબાવી શક્યો, પોતે નાસવાનો નથી, મરવાથી ડરતો નથી એમ બતાવી, રાહ જોવા સવારોને લલચાવી શક્યો. પણ ત્રીજા જ પહોરે સવારોએ દૂરથી સાંઢણી જોઈ. સાંઢણી અને રાજાને એાળખ્યા. રાજા પાતે હુકમના અમલની ખાત્રી કરવા આવે છે એ વિચારથી બહેબાકળા થઈ, તેઓએ એક સાથે અનેક ઘા મારી બુદ્ધિવિજયને પૂરો કર્યો.
અનેક મહત્ત્વાકાંક્ષાઓ, વિજયની યોજનાઓ, તર્કો, લોહી સાથે તેના દેહમાંથી નીકળી, ધૂળમાં ભળી ગયાં અને તેનું કશું ચિહ્ન રહ્યું નહિ !