લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/બે ભાઈઓ

વિકિસ્રોતમાંથી
← સૌભાગ્યવતી !! દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
બે ભાઈઓ
રામનારાયણ પાઠક
જગજીવનનું ધ્યેય →

બે ભાઈઓ

જીવરામ અને રાજારામ બન્નેનો સ્વભાવ જાણનાર કોઈ ન માને કે બન્ને એક જ માના પેટમાં આળોટ્યા હશે. જીવરામ ટૂંકા મનનો, સ્વાર્થી, ઊંડો, ઈર્ષ્યાળુ અને કપટી હતો. રાજારામ ખુલ્લા દિલનો, હસમુખો, સાહસિક, મળતાવડો અને નિખાલસ હતો.

તેમની મા વહેલી મરી ગઈ હતી. બાપ ગુજરી ગયો ત્યારે જીવરામ વીસ વરસનો અને રાજારામ ચૌદ વરસનો હતો. ઘરનો નભાવ થોડા ગરાસથી અને યજમાનવૃત્તિથી થતો. બાપ મરી જતાં જીવરામે ગરાસ અને યજમાનો સંભાળી લીધાં. જીવરામની દાનત રાજારામ ભણતો હતો તે ભણાવી, કોઈ થોડે દૂર નિશાળમાં માસ્તરગીરી કરવા મોકલી ગરાસ અને યજમાનની ઘરાકી પચાવી પાડવાની હતી. રાજારામ જ્યારે જ્યારે દૂર સંસ્કૃત ભણવા જવાનું કહે, ત્યારે જીવરામ ભાઈ ઉપર ખૂબ વહાલ દેખાડી, બાપે સોંપ્યો છે તે નજરથી દૂર જાય એ ખમાતું નથી, કહી તેને જવા ન દે. તેણે તેને પોતાના ગામ અદાવડમાં જ ગુજરાતી ભણાવ્યા કર્યું.

રાજારામ ગામમાં ગુજરાતી સાતે ધોરણ ભણી રહ્યો ને બધામાં પહેલો નંબર હોવાથી તેને બે રૂપિયાની માસ્તરગીરી મળી. આનો બધો જશ, અલબત, જીવરામ લઈ જતો. નાતમાં બધા માણસો ગોઠણે ફાળિયાં બાંધી બેઠા હોય, ને રાજારામ તો અજવાળિયામાં ગેડીદડા રમવા ગયો હોય, ત્યારે જીવરામ વાતવાતમાં સૌને કહેતો કે જુઓને કશાયની ફિકર છે? આ રમતો ફરે છે ! નથી વહુની ફિકર, નથી ગરાસની ચિંતા । નથી યજમાનની સમજણ ! મેં તો કેટલી સિફારસ કરીને માસ્તરની નોકરી અપાવી છે, પણ તેનું ય અને કાંઈ નથી.

બેત્રણ વરસ પછી રાજારામનો પગાર વધીને ત્રણ રૂપિયા થયો !

અદાવડની આસપાસ પુષ્કળ કળણો હતાં, તેનાથી થોડે દૂર દરિયાની ખાડી હતી, અને અદાવડની સીમમાં જો પૂલ કરી રેલવે લાઈનને શહેર સુધી લઈ જવાય તો ત્યાં બંદર ખોલી શકાય એમ હતું. ત્યાં પૂલ થઈ શકે કે નહિ, ને થાય તો કેટલો ખરચ થાય તેની તપાસ કરવા એક ગોરા સાહેબ ને તેનો કારકૂન ત્યાં આવેલા. ફરતાં ફરતાં ગોરા સાહેબને ઇચ્છા થઈ ને તે એ ગામની નિશાળ જોવા આવ્યો. ગોરાએ કેટલાક દાખલા પૂછ્યા તે રાજારામે એટલી ઝડપથી તેના જવાબો આપ્યા કે ગોરો સાહેબ ખુશ ખુશ થઈ ગયો, ને રાજારામને પોતાની ઑફિસમાં પચીસ રૂપિયાની જગા આપવાની ઇચ્છા દર્શાવી. રાજારામે તરત હા પાડી. ગામ આખામાં ઘડીમાં વાત ફેલાઈ ગઈ! ગોરો સાહેબ પોતે રાખવાનું કહે એ તો શા સરખી વાત ! અને પચ્ચીસ રૂપિયા ! આખા ગામમાં વાહવાહ કહેવાઈ ગઈ ! પણ રાજારામને એકદમ પચીસ રૂપિયાની નોકરી થાય તે જીવરામથી ખમાયું નહિ. તેણે નોકરી લેવામાં અનેક મુશ્કેલી દેખાડી. “શહેરમાં ક્યાં રહેશે ! આપણે ત્યાંથી ગામ છોડીને જે શહેરમાં રહેવા ગયા છે તે કોઈ સુખી થયા નથી. બધાનો નિર્વંશ જાય છે. નાના છોકરાને શી રીતે મોટો કરશે ? આ યજમાનવૃત્તિનો બધો ભાર હું તે ક્યાં સુધી માથે વેંઢારુ? નાતજાતમાં સરે–અવસરે ઊભા રહેવું એ બધું કોણ કરશે ? હું એકલો ક્યાં સુધી પહોંચીશ ગોરાની ઑફિસમાં રહેવું, બધો અનાચાર ને ભ્રષ્ટવાડ છે.” એમ એની બુદ્ધિએ અનેક કારણો શેાધી કાઢ્યાં, પણ રાજારામ ઝાલ્યો રહ્યો નહિ. ગોરાની ઑફિસમાં તે પચીસ રૂપિયાના પગારથી રહી ગયો ને શહેરમાં એક નાનું ઘર લઈ કુટુંબ સાથે રહેવા લાગ્યો. વરસમાં એકાદ વાર નાતજાતમાં તે સૌને મળવા આવતો. મોટા ભાઈને ગરાસ યજમાનના ભાગ વિશે કદી કશું પૂછતો નહિ, એટલે જો કે જીવરામને ફાયદો હતો, પણ આ લોકો શહેરમાં સ્વતંત્ર રહી સુખી થતાં હતાં તે તેનાથી ખમાતું નહોતું. વરસ દહાડે એકાદ માસ રાજારામ રહેવા આવે ત્યારે પણ “તૈયાર માલ ઉપર આવીને બેઠો, કશી ચિન્તા છે ?” વગેરે ઝીણી ઝીણી વાતો તે આખા વાતાવરણમાં ભરી દેતો.

આમ ને આમ થોડાં વરસ ચાલ્યું. જીવરામની ઈર્ષ્યા વધતી જતી હતી, તે સિવાય કશો બહારનો બનાવ બન્યો નહિં પણ રાજારામની દીકરી સાતેક વરસની થઈ ત્યારે જીવરામને એક બુટ્ટો સૂઝ્યો. તેના પોતાના છોકરા જયંતીની સગાઈ થઈ ગઈ હતી. તે પછી રાજારામના મોહનની સગાઈ કરવામાં કશી મુશ્કેલી નહોતી, કારણકે નાતજાતમાં તે પૈસાદાર ગણાય એટલો તેનો પગાર થયો હતો. જો પોતે હવે મોહનની સગાઈ કરી નાખે, તો નાતજાતમાં ભાઈના છોકરાને પણ ઠેકાણે પાડ્યાનો તેને જશ મળે ને તેને લીધે તે એકાદ બે વરસમાં રાજારામની છોડી વસંતનું પણ ક્યાંક ચોકઠું બેસાડી તેના બદલામાં પોતાના દૂરના સાળાને પરણાવી શકે, તેણે બાજીનો પહેલો દાવ નાખ્યો. મોહનની સગાઈ કરી રાજારામને સગાઈ વજવવા આવવા કાગળ લખ્યો. પણ ત્યાં તો રાજારામે ચેાખ્ખી ના પાડી “મારે મોહનને હમણાં નથી પરણાવવો.” તે આવ્યો પણ નહિ.

જીવરામની વધતી જતી ઈર્ષ્યામાં નિરાશા અને પરાજયનો દ્વેષ વધ્યો. પણ તે કશું કરી શક્યો નહિ. ઊલટું પોતાના પરાજયનો ખુલાસો કરી, પેાતાની પ્રતિષ્ઠાનો બચાવ કરવો પડે એવી તેની સ્થિતિ થઈ ગઈ! પણ તે તેણે બહુ કુનેહથી કર્યું. શાસ્ત્રનું રહસ્ય સમજાવતો હોય એવી ઝીણવટથી, જગતનું કલ્યાણ ઇચ્છતો હોય એવા સદ્‌ભાવથી અને પાપીને રૌરવમાં પડતો જોતો હોય એવી કરુણાથી, આર્યોના નૈમિષારણ્યરૂપ બ્રાહ્મણવાડાની પેડલી ચોવાડ કે આંગણામાં ઘરડા અને જુવાન બ્રાહ્મણો આગળ એણે વારંવાર કહ્યું “આપણી નાત જેવી રીત બીજે થવી નથી. ઘરડાં કરી ગયાં છે તે બહુ ડહાપણથી કરી ગયાં છે. પહેલાંના વખતમાં ઘરડાંની આમન્યા કેવી પળાતી ? આ બેઠા ગોપાળજી કાકા! માથે ધોળાં થવા આવ્યાં ત્યાં સુધી બાપના દેખતાં એમણે છોકરાંને કોઈ દી તેડ્યાં નથી કે રમાડ્યાં યે નથી ? મોટાં હોય ત્યાં સુધી નાનાં તો વહેવારમાં જાણે શું? મોટાં કરે એ જ થાય. ને આ તો વહેવારમાં સમજવું નહિ; ને મોટાંનું કર્યું થવા ન દેવું ! ભીમજી ભટની કન્યા શી ખોટી હતી? એટલો બધો શો કરમીવટો ફાટ્યો જતો’તો તે એ કન્યાની ના પાડી ? એની ના પાડીને એ બીજા કોની લઈ આવવાનો છે ? જુઓને હું તો કહું છું, આવતી લક્ષ્મીની ના પાડી છે તે સારું થવાનું નથી. હવે કન્યા મળવી ન મળવી તો પ્રારબ્ધ ઉપર છે, પણ ભગવાનની આગળ દાંતે તરણાં લઈ ને કહું છું : મહારાજ, એમને સાજાં નરવાં રાખજો. બધી ખોટ ખમાશે પણ માણસની ખોટ ખમાશે નહિ ! દેશકાળ બહુ બદલાઈ ગયો ! હજી નસીબમાં શું જોવાનું હશે તે કોણ જાણે ?” આની આ વાત તેણે અનેક દિવસ ફેરવી ફેરવીને કહી અને સાંભળનારા આમાંનું શું માનતા, કેટલું માનતા એ તો કોણ કહી શકે ?— પણ બધા સાંભળતા હતા ખરા ? કશું જ સાંભળવાનું ન હોય એના કરતાં જે કાંઈ હોય તે સાંભળી લેવું શું ખોટું ? અને સાંભળવામાં તેમને ક્યાં કશું નુકસાન જતું’તું ?

એક વરસ રાજારામે, જીવરામના અનેક ઠપકાને માન આપીને, છોકરાને નાતમાં મોકલવો જોઈએ તેવા આગ્રહને વશ થઈને, પણ તે સાથે છોકરાને નાનપણથી એકલા મુસાફરી કરતાં આવડવું જોઈએ એવા પોતાના વિચારથી, મોહનને સરાદિયાં ઉપર એકલો અદાવડ મોકલ્યો. મોહન જે દિવસ અદાવડ આવવાનો હતો તે દિવસ જીવરામને યજમાનમાં જવાનું હતું એટલે તેણે પોતાના દીકરા જયંતીને ટ્રેન ઉપર મોકલ્યો.

અદાવડથી ચારેક ગાઉ સ્ટેશન હતું. સ્ટેશન માત્ર ફ્લૅંગ સ્ટેશન હતું. સાંઝે દિવસ આથમ્યા પછી ગાડી આવી. જયંતી જરા મોડો પડ્યો હતો એટલે ટ્રેન દેખી તે દોડતો આવતો હતો. તેને દોડતો આવતો જોઈ, મોહન બારીમાંથી નાની ટ્રંક નીચે ફેંકી અને બારીમાંથી ઠેકડો મારી, નીચે ઊતર્યો. એ, સ્ટેશને ઊતરવાની બાજુ નહોતી, એટલે હવે બીજી બાજુ જવાને બદલે, ઝટ ઘેર જઈને મળવાના ઉત્સાહમાં અને કાંઈક ટિકિટ ન આપવાની બહાદુરીમાં, ટિકિટ આપવા ન જતાં બન્ને જણા ઉતાવળા ઉતાળવા ગામ ભણી જવા લાગ્યા.

અંધારું થવા માંડ્યું હતું. ચારે બાજુ નજર પહોંચે ત્યાં સુધી એક સરખો સપાટ પ્રદેશ હતો. ક્ષિતિજ એક સરખી ગેાળ દેખાતી હતી. માત્ર બાવળ, ખીજડા, કેરડા, કઢંગા થડવાળી પીલુડીઓ, પૃથ્વીની રુંવાટી જેવી ક્યાંક દેખાતી હતી. રાતના અંધારાથી પૃથ્વીનો રંગ વિચિત્ર અને છેતરામણો દેખાતો હતો.

જયંતીએ મોહનને મદદ કરવા તેના હાથમાંથી ટ્રંક લીધી, અને “અલ્યા, આટલી નાનીમાં આટલો બધો ભાર શો ?” પૂછ્યું, મોહન વાંચવાની શક્યતા વિચાર્યાં વિના બને તેટલી ચોપડીઓ સાથે લાવ્યો હતો. તેણે કહ્યું: “ભાઈ, તમનેય મજા પડશે એવી ચોપડીઓ છે. સરસ વાર્તાની છે.” જયંતીએ ઉપાડવા કહ્યું, પણ રાજારામે મોહનને બને તેટલું કામ હાથે કરવા શિખામણ આપેલી તેથી, અને શહેરી હોવા છતાં પોતે નબળો નથી એમ બતાવવા, તેણે ટ્રંક પોતે જ રાખી; કચ્છો વાળી, ટોપી ખીસામાં મૂકી, હાથ બદલાવતો, કોઇ વાર ખભે ચઢાવતો તે ચાલ્યો.

વરસાદ ઘણા દિવસથી રહી ગયો હતો, પણ હજી લોકોનો અવરજવર શરૂ થયો નહોતો અને રસ્તા કે કેડી પડી નહોતી, જયંતી માર્ગનો ભોમિયો હતો. તે અટકળે અટકળે રસ્તો જોતો સાવચેતીથી ચાલતો હતો. બન્ને જણા વાતા કરતા કરતા રસ્તે જતા હતા. રસ્તે જતાં જયંતીએ મોહનને કહ્યું કે તું જરા થોડે સુધી જઈ ઊભા રહેજે, હું થોડીવારે તને ભેગો થાઉં છું. મોહન ચાલવા માંડ્યો અને રોકાવાને બદલે તેણે વધારે ધીમી ગતિથી ચાલવા માંડ્યું. થોડીવાર જયંતી તેની પછવાડે ચાલવા માંડ્યો ત્યાં તેણે ઓચિંતી મોહનની ચીસ સાંભળી અને એક ક્ષણમાં મોહનને કળણની અંદર ખૂંચી જતો જોયો. તે દોડીને પહોંચ્યો પણ ત્યાં જઈને જોયું તો મોહનનું એક પણ ચિહ્ન રહ્યું નહોતું, ઉપર કચરો પૂરેપૂરો ફરી વળ્યો હતો. એક અનંત ઊર્મિ, અનંત આશા, અનંત શક્યતાવાળા, અનેકની સાથે અનેક રીતે સંકળાયેલા માનવીને ધરતી ગળી ગઈ. પણ જાણે કશું જ બન્યું ન હોય એવું દેખાતું હતું ! જયંતીએ ચારે બાજુ જોયું. એનું એ અર્થહીન જડ આકાશ, એની એ પૃથ્વી, એનાં એ ઝાડ ! ક્યાંઈ કશો જ ફેરફાર નહોતો !

પણ માણસ પૃથ્વી જેવું ઉદાસીન કે તટસ્થ થઈ કે રહી શકતું નથી. એ બનાવને માટે જયંતી જરા પણ જવાબદાર નહોતો. પણ આ ભયંકર બનાવનું માત્ર સાક્ષીપણું પણ તે પેલી ધરતીની પેઠે ઠંડે પેટે ગળી જઈ શક્યો નહિ, તેનું હૃદય કે જીવન એટલી વાતને અંદર સમાવી શક્યું નહિ. તે એકદમ ગભરાઈ ગયો. એ ઠંડી સ્થિર પૃથ્વી તેને ઘડીભર ડોલતી દેખાઈ ! એટલી વિશાલ પૃથ્વી અને એટલું વિશાલ આકાશ પણ તેના અંતરને ચારે બાજુથી ભીંસ દેતું તેને લાગ્યું. તેને કશું સૂઝ્યું નહિ. તે રડી પણ ન શક્યો. તેણે ચારે બાજુ જોયું પણ કોઈ માણસ તો શું પણ પશુ કે પક્ષી પણ તેને ધીરજ આપવા ત્યાં હાજર નહોતું. હિમ પડે ને ઊભી પાંગરેલી વનસ્પતિ જેમ મરી જાય તેમ તે ઘડીભર સ્તબ્ધ થઈ રહ્યો ! પછી એ સ્તબ્ધતાથી જ થોડી વારે થાકીને ઢોરની પેઠે કેવળ ઘરના આકર્ષણથી ચાલવા લાગ્યો !

ઘેર ગયો ત્યાં જીવરામ આંગણામાં ઊભો હતા. તેણે જયંતીને આવતો જોઈ કહ્યું: “કોણ જયંતી ? કેમ આટલું મોડું થયું ?” જયંતી એકદમ રડી પાડ્યો અને રડતા રડતા જીવરામને વળગી પડ્યો.

જયંતીના રડવાના ચિત્કારથી જીવરામ સમજી ગયો કે આમાં કાંઈક ભેદ છે. તે ભેદની વસ્તુ જાણ્યા વિના તે એનું સ્વરૂપ કળી ગયો કે એમાં એક બાજુ મોહન અને રાજારામનું કઈ અનિષ્ટ છે અને એમાં બીજી બાજુ જયંતીનો બચાવ કરવાની જરૂર છે. એક બાજુ તેની ઈર્ષ્યાવૃત્તિ સંતોષાઈ અને બીજી બાજુ તેની જયંતીનો બચાવ કરવાની સ્વાર્થ વૃત્તિ ઉત્તેજાઈ. પાણી સ્વાભાવિક રીતે પોતાનો રસ્તો શોધી કાઢે છે, એટલી જ સહેલાઈથી, જરા પણ ભાનપૂર્વક વિચાર કર્યાં વિના, તેના માનસે કાર્યદિશા નક્કી કરી નાખી, ધ્રૂશકે ધૂશકે રડતા જયંતીને છાતીમાં દબાવી તેણે તત્કાળ કહ્યું: “તેમાં રડે છે શું? મોહન ન ઊતર્યો? તે આજે નહિ નીકળ્યો હોય તો કાલે આવશે. તેમાં શું થઈ ગયું?” એટલામાં જીવરામની વહુ દયા ઘરમાંથી બહાર આવી ને તે પણ કહેવા લાગી: “જયંતીનું મન બહુ પોચું. માણસોનાં છોકરાં તો કેવાં કઠણ કાળજાનાં હોય છે ! અને આ તો એક આજે ભાઈ ન ઊતર્યો એટલામાં કેવો થઈ ગયો ?” ફળીનાં માણસો ભેગાં થઈ ગયાં હતાં તેની પાસે ફરી પ્રચાર કરવાનો જીવરામને લાગ મળ્યો “મારા જયંતીનું હૃદય બહુ કૂણું ! મોહન ગાડીએથી ઊતર્યો નહિ એટલામાં કેટલો ગભરાઈ ગયો? એને મન મોહન સગા ભાઈ જેવો છે. એના મનમાં જરા ય કળજગ પેઠો નથી !” જયંતીએ આટલી વારે ડૂસકું થોભાવી કહ્યું: “ત્યારે એ કેમ નહિ ઊતર્યો હોય ! એને કાંઈ થયું હશે તો ?” મનની અસહ્ય અસહાયતામાં તેણે માબાપનો માર્ગ પકડી લીધો હતો. ઘડીને જૂઠું બોલવા જેટલી એનામાં શક્તિ નહોતી. જીવરામે પોતાનું પ્રચારકામ આગળ ચલાવ્યું: “એ તો કાંઈ કારણ હશે ને નહિ માકલ્યો હોય, તે કાલે મોકલશે. આજ સામો કાળ છે ને ન મોકલ્યો હોય તો ઊલટું સારું. મને તો આવવાનો કાગળ આવ્યો ત્યારે જ થયું’તું કે આજ ન મોકલે તો સારું, પણ એ તો સાહેબલોક ! શી ખબર કાળબાળે ય જોવરાવતાં હશે કે કેમ? ને એ તો મોકલવાનું કહીને ફરી જાય એવાં છે. એમને નાતજાતની શી પડી છે? અમને એના છોકરાનું આટલું લાગે છે પણ એનું એને કાંઈ નથી ! સગાઈની ન પાડીને ઊભો રહ્યો! તો ય તને બહુ ચિંતા થતી હોય તો કાલે કાગળ લખીને પુછાવશું. ટ્રેન ઊપડી ગયા સુધી રોકાણો’તો ને?” જયંતીએ હા પાડી એટલે તેણે ફરી ચલાગ્યું: “એ તો તારે આવવાનું મોડું થયું એટલે હું સમજી જ ગયો’તો, કે રોકાવાને લીધે જ વાર લાગી હશે. નહિતર દીવાટાણાથી બહુ મોડું થતું નથી. લે ચાલ, છાનો રહી જા, કાલ કાગળ લખશું.”

રાત આખી જયંતીને દુઃસ્વપ્નો આવ્યા કર્યા. કોઈવાર તે મોહનને કળણમાં કળી જતો તરફડિયાં મારતો જોતો, તો કોઇવાર તે જાણે કળણમાંથી બહાર નીકળી, મને કેમ ન કાઢ્યો, એમ ડોળા કાઢી ડરાવતો દેખાતો, ને કોઇવાર જાણે તેને પોતાને મોહન કળણમાં ઊંડે ઊંડે ખેંચી જતો હોય એવો આભાસ થતો હતો. રાતે બે ત્રણ વાર તો ગભરામણમાં રડતો રડતો જાગી ગયો, અને ત્યારે જીવરામે તેને વધારે સાન્ત્વન આપવા પોતાની વધારે ઊંડી ફિલસૂફીનું રહસ્ય રાતના એકાંતમાં સમજાવ્યું: “એમ પારકાંની ચિંતામાં રોઈએ નહિ ! દુનિયાં છે, કંઈ કંઈ બને, ને એમ બીજાંને દુ:ખે દુ:ખી થઈએ તો આરો ન આવે. આપણે આપણી મેળે આપણું સંભાળીને બેસીએ.” આ બધું તેણે સત્યના અને સ્વાર્થના એટલા આવેશથી કહ્યું કે જયંતીને ખાનગી વાત કરવાનો વિચાર આવ્યા પહેલાં જ અટકી જાય.

બીજે દિવસે જીવરામ નિશાળના માસ્તરને ત્યાં પોસ્ટકાર્ડ લેવા નીકળ્યો ને જતાં રસ્તામાં જેટલા મળ્યા તેમને, અને નિશાળે જઈ માસ્તરને પણ, મોહન ન આવ્યાની, જયંતીના પોચા મનની ને રાજારામની અણસમજ, અવળાઈ, અશ્રદ્ધા વગેરેની વાતો કરી પોસ્ટકાર્ડ લીધું, પોસ્ટકાર્ડમાં લખ્યું કે ‘મોહન ઊતર્યો નથી, તે તમે નહિ મોકલ્યો હોય, તે હવે ક્યારે મોકલશો ને મોકલવાનો વિચાર ફેરવ્યો હોય તો તેમ લખશો; આજ હું પોતે સ્ટેશને જઈશ, ને ઊતરશે તો લેતો આવીશ, તેની ચિંતા કરશો નહિ, પણ જયંતીને બહુ ચિંતા થાય છે માટે કાગળ લખ્યો છે,’

તે દિવસે સ્ટેશન તરફના ગામમાં યજમાનવૃત્તિને અંગે જવાનું હતું એટલે પાછાં ફરતાં તે ટ્રેન ઉપર થતો આવ્યો. આગલે દી ભાઈનો મોહન ઊતર્યો નહોતો એમ સ્ટેશન ઉપરના સાંધાવાળાને પૂછી ખાતરી કરતો આવ્યો. ને ઘેર આવી ફરી જયંતીને ખભે હાથ દઈ સાન્ત્વન આપ્યું કે મોહન નહિ જ આવ્યો હોય. ત્રીજે દિવસે કાગળ કે તારથી પુછાવવાની રાહ જોયા વિના રાતના રાજારામ અને તેની પત્ની સંતોક, નાની સાત વરસની વસંતને લઈને આવ્યાં. તેઓ પણ સ્ટેશને સાંધાવાળાને પૂછતાં આવ્યાં હતાં. તેમને ઘરમાં પેસતાં જોઈ જીવરામ જરા આભો બની ગયો. સંતોક “હાય હાય ભાભીજી, મોહનનું શું થયું હશે ?” કહી દયાની છાતી ઉપર માથું નાખી મોટેથી રડી પડી. જયંતી પણ રડવા માંડ્યો. વસંતે કશું સમજ્યા વિના સાથે સાથે ભેંકડા તાણી રડવા માંડ્યું. જાણે હમણાં જ કોઈ મરી ગયું હોય તેવી રડારોળ સાંભળી ફળીનાં માણસો ઘરમાં ને બહાર એકઠાં થયાં, પણ એવું કશું બન્યું નથી, તેમ જ મોહનના પણ કશા નવા સમાચાર નથી જાણી ધીમે ધીમે વિખરાઈ ગયાં.

રાતે જમ્યા પછી એ ભાઈઓ ભેગા બેઠા. રાજારામે ખાતરીથી કહ્યું કે મોહનને પોતે જાતેજ સ્ટેશને બેસાડી આવ્યો હતો, અને બેસાર્યો ત્યારે તદ્દન સાજોસારો હતો. જીવરામે કહ્યું : “પણ સાંધાવાળાને પૂછ્યું તે પણ ઊતર્યાની ના કહે છે!” અને રાજારામે પણ એ વાતની હા કહી. છતાં રાજારામે કહ્યું: “પણ આપણે જયંતીને તો પૂછીએ ! અલ્યા જયંતી ! કહે જોઈએ, તેં મોહનને ઊતરતો નહિ જોયેલો ?” પણ જયંતી રડવા જ માંડ્યો. જીવરામે અત્યાર સુધી જે વાત કરી હતી, જે યોજના અને સૃષ્ટિ રચી હતી, તેમાં તેને બીજું કશું કહેવાનો અવકાશ જ રહ્યો નહોતો.

બીજે દિવસે રાજારામ અને જીવરામે રીતસર તપાસ શરૂ કરી. જયંતીને સાથે લીધેા. ‘તું કયે રસ્તે ગયો ને આવ્યો’ તે પૂછ્યું, પણ રસ્તા જ પડ્યા નહોતા ત્યાં જયંતી શું બતાવે, ને ત્રણ દિવસનાં જૂનાં પગલાં હોય તે પણ શી રીતે વરતાય ? અટકળે અટકળે બધે ફર્યા પણ કશો પત્તો લાગ્યો નહિ અને ધરતી તે કાંઈ ઓછી જ બોલવાની હતી ? ધરતી બોલતી હોત તો માણસજાત માટે તેને શું શું કહેવાનું હોત !

ત્યાંથી જયંતીને ઘેર મોકલી બંને ભાઈ નજીકને મોટે સ્ટેશને ગયા. બધે તાર કર્યાં, વર્તમાનપત્રોમાં, લાગતાંવળગતાંમાં લખ્યું, વગેરે ઘણું કર્યું. સાંજે વળી ભેગાં થયાં ત્યારે સંતોકે લાજમાંથી કહ્યું: “માનો ન માનો જયંતીભાઈ કંઈક જાણે છે ને કહેતા નથી.” જયંતીની માએ તરત જવાબ આપ્યો: “વળી જાણવાનું શું હતું. જે છોકરો ઊતર્યો નથી, પછી એ શું જાણે? બિચારા મોહનની ચિંતામાં અરધો તો થઈ ગયો છે ? એને પાછો તમે વધારે સતાવશો માં!”

રાતે સંતોક કે રાજારામ કોઈને ઊંધ આવી નહિ. કશા પણ પુરાવા વિના બંનેને, ‘જયંતી જાણે છે, પણ કહેતો નથી.’ એ જ વહેમ ફરી ફરીને આવ્યો તે એની જ તેમણે વાત કરી.

બીજી બાજુ જયંતીનાં ફફડાટ, દુઃસ્વપ્ન હજી ચાલુ જ હતાં.

આમ ને આમ બે ત્રણ દિવસો ગયા. સંતોકે તો લગભગ ખાવા પીવાનું છોડી દીધું હતું. ગામ આખું આ જ વાત કરતું હતું. કોઈ કહે બાવા જમાતમાં લઈ ગયા. કોઈ કહે માબાપને ખોટું ભરમાવી ભાગી ગયો. કોઈ કહે પૈસા ચોરી નાસી ગયો. કોઈ કહે કાબુલી પકડી ગયા. કોઈ કહે અઘોરી બાવા ભેગા ધરાવવા લઈ ગયા.

એક દિવસ બૈરાં સાથે વાતો કરતાં સંતોકથી બોલાઈ જવાયું કે ભલે ને ગમે તેમ કહો પણ જયંતી જાણે છે ને કહેતો નથી. ને કોઈએ એમાં ટાપશી પૂરી. વાત ચણપણ ચણપણ થવા લાગી ને જીવરામના જાણવામાં આવ્યું એટલે તેની ઈર્ષ્યા અને સ્વાર્થ ફરી

સળવળ્યાં. એટલામાં બોલવાનો લાગ મળ્યો. એક વાર રાજારામે ફળીમાં કહ્યું કે મારી ઑફિસમાં એક જગા ખાલી છે. કોઈને આવવું હોય તો આવો, ને રાજારામ જેટલું જ ભણેલો એક ગોવિંદ હતો તે તૈયાર થયો. ત્યારે પાછું જીવરામે પેાતાનું સર્વ ડહાપણ, ધાર્મિકપણું, પરોપકાર, સદ્‌વૃત્તિ એકઠાં કરી કહ્યું: “અલ્યા, મારું માને તો જવાની વાત ન કરીશ. આપણું ગામ છોડીને જાય છે તે કોઈ સુખી થતું નથી. આ અમારો દાખલો જોતો નથી ? જુવાનજોધ છોકરો જડતો નથી. એક આ પેટ પાપી છે તે ભરવું પડે છે, નહિતર મનમાં તો દુઃખનો કે પાર નથી. હું તો તારા ભલા સારુ ને નાતના ભલા સારું કહું છું. ઘેર અર્ધો રોટલો મળે તે વહેંચી ખાઈએ પણ માણુસની ખોટને પહોંચાતું નથી.” બીજું પણ બહું કહેવાનું તેને મન તો થઈ ગયું, પણ પ્રસંગના ઔચિત્યની તેનામાં કલાત્મક બુદ્ધિ હતી ! તેણે સંયમ રાખ્યો.

એક વાર જીવરામને અને દયાને બન્નેને યજમાનને ત્યાં જવાનું આવ્યું. રાજારામ માત્ર સંતોકના સાંત્વન ખાતર દૂરને સ્ટેશને ખબર કાઢવા જવાનો હતો અને સંતોકને સખત તાવ આવ્યો હતો એટલે કાકીની સંભાળ લેવા જયંતીને મૂકી સર્વ ગયાં. સંતોક મેડી ઉપર તેની હંમેશની જગાએ સૂતી હતી. જયંતી નીચે સૂતો હતો. સંતોકને તલ ફાટે એવો તાવ ધીક્યો જતો હતો અને ઊંધ નહોતી આવતી. રાત આખી મોહનના વિચાર કરી તે અરધી ગાંડી થઈ ગઈ હતી. છેવટે તેનાથી રહેવાયું નહિ ને રાતના અંધારામાં તે નીચે જયંતી સૂતો હતો ત્યાં ગઈ ને તેના હાથને બાઝી પડી. જયંતી તેના ધીકતા હાથના સ્પર્શથી બેબાકળો બની ગયો. બીકમાં તે બીકમાં તે ચીસ પણ પાડી શક્યો નહિ. તેના શરીરે શેદ વળવા લાગ્યા. ને સંતોક તો તેને વધારે વધારે વળગતી બોલવા જ લાગીઃ “મારા બેટા, તું સાચું કહે, મારા સમ, તું જાણછ ને કહેતો નથી. તારામાં ઇર્ષ્યા નથી, તારું મન ભોળું છે, જેવું હોય તેવું કહી દે. એ મરી ગયો હોય તો ય હું તને નહિ વઢું. એ ખબરથી મને નિરાંત વળશે; પણ આ તો નથી ખમાતું. એક વાર મને કહે. ઘરમાં કોઈ નથી. હું કોઈને નહિ કહું. મને જેવું હોય એવું કહે. એ જીવતો છે કે મૂવો છે એટલું કહે. ભગવાન તારું ભલું કરશે......”

તાવમાં, તે કેટલું બોલી, એણે શા સારુ જયંતીને પકડી રાખ્યો, જયંતી બીકમાં ધ્રૂજતો હતો, તેને પરસેવો વળી જતો હતો, તે કશું જ તેણે જાણ્યું નહિ. ને છેવટે જયંતી માંડ માંડ તેનો હાથ વછોડી એકદમ નાઠો ત્યારે સંતોક ત્યાં જ ઢળી પડી. જયંતી બારણું ઉઘાડી ઘરની બહાર સવારમાં ઠૂંઠવાતો એમ ને એમ બેસી રહ્યો.

પરોડમાં જીવરામ અને દયા બન્ને આવીને જુએ છે તો જયંતી ટાઢે ઠૂંઠવાતો બહાર બેઠો છે. દયાએ એકદમ મોટે સાદે કહ્યું : “કેમ અલ્યા, ટાઢમાં અહીં બેઠો છે?” જયંતી ફાટતે સાદે રોઈ પડ્યો ને કાકીએ રાતે બિવરાવ્યો વગેરે વાત કહેવાય તેમ કહી. ફળીનાં માણસો ભેગાં થઈ ગયાં. જીવરામ ને દયા બન્ને ઘરમાં ગયાં ને સંતોકને ઢંઢોળીને ઉઠાડી — તેનો તાવ હવે ઊતર્યો હતો — ને પછી તેના ઉપર પસ્તાળ પાડી: “મોહન, મોહન કરતી મારા જયંતીને શા સારુ વળગે છે? પૂછ તારા ધણીને! એ મૂકવા ગયો’તો. અમે તો કોઈએ એને જોયો નથી ! કોણ જાણે તમે શહેરમાં રહો છો, ને શું ય હશે ને શા સારુયે નાસી ગયો હશે ! એમણે ભોળે ભાવે તમારા સારા સારુ થઈને ભીમજી ભટની દાઢીમાં હાથ ઘાલીને દીકરી માગી, ને આવતી લક્ષ્મી પાછી વાળી છે, તે સારું તો નથી થવાનું, તેમાં હું શું કહેવાની હતી ને જયંતી યે શું કહેવાનો હતો ? ખબરદાર મારા છોકરાને કાંઇ કહ્યું છે તો !” જીવરામે પણ સંભળાવ્યું કે “સામા કાળે છોકરો મોકલતાં વિચાર ન કર્યો. ને હવે બીચારા જયંતીને શીદ સતાવો છે ?” સંતોક બધું રોતી રોતી બેસીને સાંભળી રહી. જેઠ જેઠાણી એમની મેળે બોલતાં બંધ રહ્યાં એટલે એ બહાર ઓટલે જઈને બેઠી, જેઠાણીએ કહ્યું : “વહુ, તાવ આવે છે ને ભાદરવાને તડકે બેઠાં છો તે વધારે તાવ આવશે, આમ અમને શા સારુ વિતાડો છો?” સંતોકે એક જ જવાબ આપ્યો : “હવે આ ઘરમાં મારે જીવતાં પગ નથી મૂકવો. હવે કાગળે ચડીને આવીશ.” પેલો ગોવિંદ જે રાજારામની ઑફિસમાં રહેવા તૈયાર થયો’તો તેને બોલાવી તેણે ગાડું કરાવ્યું. જીવરામે આ જાણ્યું એટલે કોઈ યજમાનને ત્યાં જવું છે કહી ઘરની કૂંચી સંતોકને આપી ત્રણેય જણાં બહાર ચાલ્યાં ગયાં. રાજારામ ઘેર આવ્યો ત્યારે તેને, વહુ ને દીકરીને ગાડામાં બેસાડી ફ્લૅંગ સ્ટેશને ચાલ્યાં જવાનું કરવા સિવાય કાંઈ બાકી રહ્યું નહોતું. ઘર વાસી પાડોશીને કૂંચી આપી તે ચાલી નીકળ્યાં. ઘર વાસતાં સંતોકે કહ્યું : “આ ઘરને આ છેલ્લો હાથ અડાડું છું.” પોતાના સામાન લેવા પણ તે ઘરની અંદર ગઈ નહોતી. ખરે બપોરે ખાધા વિના એ ચાલી નીકળ્યાં. ફળીનાં માણસો એક સ્તબ્ધ હાહાકારથી આ જોઈ રહ્યાં!

જીવરામ ને દયા ઘર છોડી ચાલ્યાં ત્યારે દાઝમાં ને દાઝમાં કોઈને જયંતી સામું જોવાનું સૂઝ્યું નહોતું. ને જયંતી તો આ બનાવોના ભારથી એટલો દબાઈ ગયો હતો કે તેને શું કહેવું સૂઝે નહિ. એક યજમાનને ત્યાં જઈ રસોઈ કરી જયંતીને જમવા ઊઠવાનું કહ્યું, અને જમવાની ના પાડી ત્યારે જ દયાને તેની સામું જોવાનું અને તેને હાથ અડકાડવાનું સૂઝ્યું. “વોય, મા, તાવ તો ધોક્યો જાય છે. નખ્ખોદણીએ પોતાનું નખ્ખોદ કાઢ્યું ને હવે મારું કાઢવા ઊભી થઈ છે ! ચાલ, બેટા, જે ભાવે તે બે કોળિયા ખાઈ લે.” કહી કામ આટોપી બન્ને પાછાં ઘેર આવ્યાં. તેઓ જાણતાં જ હતાં કે રાજારામ ગયો હશે. પાડોશીને ઘેરથી કૂંચી લઈ ઘર ઉઘાડી ખાટલો ઢાળી જયંતીને સુવાડ્યો.

એ ખાટલો ઢળાયો એ ઢળાયો, પછી એક મહિના સુધી એ ફરી ઊપડ્યો નહિ. જયંતીને ત્રિદોષ થયો, સન્નિપાત થયો. સન્નિપાતમાં તેને સંતોકને જોયાનાં અને મોહનને જોયાનાં બાલાં થતાં ને વારંવાર તે બીકથી ફફડી ઊઠતો અને લવરી કરતો. લવરીમાં પણ એની એ વાતો લવતો : “મોહન આવે છે, મોહન નથી ઊતર્યો, મોહન ક્યાં ગયો એની મને ખબર નથી. મોહન, મેં તને કંઈ કર્યું છે? પૂછી જુઓ મોહનને, એ આવ્યો! કાકી, મોહનને ના કહો.” વગેરે તે બોલતો.

રાજારામનું કુટુંબ હતું ત્યાં સુધી તેમની સામેના વિરોધના જોરે જીવરામના મનમાં એક પ્રકારનું બળ હતું. તેમના જતાં તે બળ બંધ પડ્યું. એમ થતાં તેને પોતાનું મન અત્યંત ભાર નીચે દબાયેલું લાગ્યું. મોહનનું શું થયું હતું તે તે જાણતો નહોતો, તેનું ગમે તેવું અનિષ્ટ થયું હોય પણ તેમાં તેનો કશો જ ભાગ નહોતો, પણ અત્યાર સુધી રાજારામની ઈર્ષ્યા કરેલી, તેનું બૂરું ચાહેલું, તે વૃત્તિએ છાનાંમાનાં મોહનના અનિષ્ટનું પૂરું કર્તૃત્વ ઓઢી લીધું હતું અને એ સઘળા બનાવના ભારથી જીવરામનું મન અસહ્ય મૂંઝવણ ભોગવતું હતું. તેમાંથી બચવા એ જ વૃત્તિઓને ઉશ્કેરવા સિવાય કોઈ બીજો ઉપાય રહ્યો નહોતો અને એ ઉપાય એના મને ડૂબતો દોરડું પકડે તેમ પકડી લીધો. એટલી ચિંતામાં પણ, જયંતીની તબિયત જોવાને આવતા, તેમની આગળ તે બધા અનિષ્ટનું કારણ રાજારામને જ જણાવતો. તે કહેતો : “મને તો નક્કી લાગે છે, કે જયંતીને મોહન નડે છે. ગમે તે કહો, પણ તે જીવતો હોય તો આમ થાય જ નહિ. ઘર પૂછીને આવતી લક્ષ્મી પાછી વાળી ત્યારથી મને તો થતું હતું કે અમારું ભૂંડું થવા બેઠું છે. કોણ જાણે અમારા કુળમાં ક્યાંથી આવો પાક્યો ! જરૂર એ છોકરાનું મન પરણવામાં રહી ગયું છે ને ભૂત થયો છે. શરમાય છે એટલે બોલાતું નથી, પણ વાસના છે ને ! જુવાનજોધને કાંઈ મરવું ગમ્યું હશે ?” આમ તેણે અનેક સૂચનો કર્યા અને જયંતી ભાનમાં આવ્યો ત્યારે “કોઈને દેખછ ? કોને દેખછ?” પૂછી પૂછીને તેણે નક્કી કર્યું કે મોહન મરી ગયો છે ને તેને વાસના રહી ગઈ છે. નાતના લોકો સમક્ષ તેણે દેશમાં આવી છોકરા પછવાડે નીલ પરણાવી જવા, રાજારામને કાગળ લખ્યો.

આ કાગળ પહેલો સંતોકના હાથમાં આવ્યો. તેણે તે વસંત પાસે વંચાવ્યો. તેને પણ મોહન મરી ગયો એવો વહેમ તો હતો જ, પણ આ વાસનાની વાતથી તેને કાળ ચડ્યો ને તે સતત એટલી ઉશ્કેરાયેલી રહેતી કે ગમે તેની સાથે લડી લડીને ખપી જવા તે ગમે ત્યારે તૈયાર હતી. તેણે વસંત પાસે જવાબ લખાવ્યો : “મારા દીકરાને કોઈ કશું કહેશો નહિ. કોણ કહે છે એ મરી ગયો છે? ને નહિતર તો જયંતી જાણે છે તે એ કહે કે એણે એને માર્યો કે મરતો ભાળ્યો તો હું માનું. ને ભૂત થયો હોય તો અમારી પાસે આવે. અમે એની પ્રતિપાળ્ય કરશું. એમાં બીજાને શું?” જીવરામ કાગળ વાંચી ધુંઆંફુઆં થઈ ગયો. અનેક આક્ષેપોમાં અને અનિષ્ટોમાં તેણે છોકરીઓને ભણાવવાનો ઉમેરો કર્યો. તેણે ફરી સર્વજ્ઞની રીતે “ભૂત તો જે માને તેની પાસે જાય. નાસ્તિક પાસે જઈને શું કરે?” વગેરે કહી, એક કાગળ રાજારામની ઑફિસને સરનામે નાખ્યો. રાજારામે ઘેર આવી કાગળ વાંચી દેખાડ્યો ને સંતોકે પહેલા કાગળની બધી વાત સાચેસાચી કહી, પણ ગાંડા આવેશથી નીલ પરણાવવાનો વિરોધ કર્યો. રાજારામે શાંત રહી મોટાભાઈને શાંત રહેવા તે બે દિવસ રાહ જોવા લખ્યું, મંદવાડમાંથી ઊઠ્યા પછી જયંતીનું શરીર હજી વળ્યું નહોતું. હવે અત્યાર સુધીનાં રાજારામ વિરુદ્ધનાં સર્વ ધાર્મિક સત્યો સાબીત કરવા પોતાને ખરચે નીલ પરણાવવી એ એક જ ઉપાય રહ્યો. દયાએ નાતમાં બૈરાને કહ્યું : “ત્યાં જઈને બેઠો છે. અમે અહીં એનો વહેવાર સંભાળીએ છીએ તેનું કાંઈ નથી. એ તો બળ્યું પણ નીલ પરણાવવાની વાતે માનતો નથી. એને એટલુંય થાય છે કે આ જયંતી બેઠો હશે ને અવળે હાથે પાણી રેડશે તો ય છાંટો એને પહોંચશે ! બધાનું નિર્વંશ કાઢવા ઊભો થયો છે, મારા કોઈ પરભવનો દુશ્મન ! એમના જેવાં આપણાથી ઓછાં થવાય છે ! તે અમે તો ગમે તેટલું ખરચ કરીને પણ તેની પછવાડે નીલ પરણાવશું. બીજું શું કરીએ ? આટલા ભેગું એટલું !”

જીવરામે નીલ પરણાવી, ને નાત કરી, ઑફિસને સરનામે રાજારામને કાગળ લખ્યો કે તેમાં બૈરીને વશ થઈ ગયાનું એક વધારાનું મહેણું માર્યું. રાજારામે, ભાઇની કેવળ દયા ખાઈને, સંતોકથી છાના, બસેં રૂપિયા કકડે કકડે જીવરામને મેાકલી આપ્યા.

છતાં જયંતીને સારું થયું નહિ, પણ તેથી જીવરામનું શાસ્ત્ર ખોટું પડ્યું નહિ. “એનો બાપ કરે ને એને જેવું પહોંચે તેવું કાંઈ અમે કરીએ તે પહોંચે?” થોડા સમયમાં, જયંતીનું સગપણ કર્યું હતું તે કન્યા પરણાવવા જેવડી થઈ. જયંતીને પારકો કરીએ તો બીજાને નસીબે જીવે એમ કહી તેમણે તેને પરણાવ્યો, પણ પરણ્યા પછો વરસમાં તો એ શરીરે ખવાતો ખવાતો છેવટે મરી ગયો. એક ભયંકર આપત્તિની ગુપ્ત વાતના વધતા જતા બોજાએ, એ પણ જાણે અનેક વિપત્તિઓ અને માનસિક યાતનાઓમાં ધીમે ધીમે કળતો કળતો તરફડિયાં મારતો મરી ગયો. તેની પાછળ તેનાં માબાપ પણ બે ત્રણ વરસમાં વાંસામોર મરી ગયાં. પણ મરી જતાં સુધી તેમણે નાતનું, ધર્મનું, શાસ્ત્રનું, અને રાજારામની અશ્રદ્ધાનું રહસ્ય સમજાવ્યા કર્યું અને ઠેઠ સુધી તેમને સાંભળનારા મળી રહ્યા ! ! એમના જીવનની એ સફળતાની કોઈથી ના પડાય એમ નથી !

આજ સુધી સંતોક, લીધેલા પણ પ્રમાણે કદી અદાવડ ગઈ નથી અને તેથી રાજારામ પણ ગયો નથી. યજમાનો ધીમે ધીમે બીજે વળી ગયાં છે, અને રાજારામની સિફારસથી ઑફિસમાં રહેતા ગામના માણસો ગરાસની વ્યવસ્થા કરી આપે છે, તથા રાજારામ તરફથી જોઈતું કરતું પૂરું પાડે છે; અને તેથી જયંતીની વિધવાનો નિર્વાહ ચાલે છે.