દ્વિરેફની વાતો – ભાગ બીજો/મેહિફિલે ફેસાનેગુયાન : સભા બીજી
← બે મિત્રોની વાર્તા | દ્વિરેફની વાતો – ભાગ બીજો મેહિફિલે ફેસાનેગુયાન : સભા બીજી રામનારાયણ પાઠક |
વાર્તા ઉર્ફે ચબરખી વાણી → |
“વખતસર આવ્યા.” હું ઘરમાં પેઠો અને તરત જ પ્રમીલાબહેને કહ્યું. મેં કહ્યું: અશક્ય છે.
ધીરુબહેન : અરે આજે આટલી સહેલાઈથી અનિયમિતતાની ટેવ કબૂલ કરી લ્યો છો તેથી તમારી સત્યપ્રિયતાને માટે ઘણું માન થાય છે.
મેં કહ્યું : નહિ રે ! હું અનિયમિતતાનો આરોપ કબૂલ કરતો જ નથી. પછી સત્યપ્રિયતાનું ગમે તે થાય. મારું તો એમ કહેવું, કે તમારા પ્રમુખપણામાં મેહફિલનો વખત જ ક્યાં નક્કી થયો છે કે હું વખતસર આવી શકું.
ધીરુબહેન : બે પ્રકારનાં વખતસરપણાં હોય છે. નાટકમાં કોઈ હરામખોર, સ્ત્રી ઉપર હલ્લો કરવા જતો હોય ત્યાં જ તેને કોઈ બચાવવા આવી ચડે તેને આપણે વખતસર આવી પહોંચ્યો કહીએ; અને બીજું વખતસરપણું તે પહેલેથી નક્કી કરેલા સમયનું. આપણે પહેલેથી સમય નક્કી કર્યો નહોતો પણ અમે મેહફિલની વાતો કરતાં હતાં ત્યાં જ તમે આવી પહોંચ્યા. એટલે વખતસર.
મેં કહ્યું : ધનુભાઈ, હવે આ બન્ને વખતસરપણાં માટે જુદા જુદા શબ્દો યોજો.
ધીરુબહેન : હમણાં જ વસંતભાઈએ દોષ કાઢ્યો છે તે એક વાર મેહફિલનું સ્થાન નક્કી કરો.
ધનુભાઈ : મારા અભ્યાસખંડમાં.
પ્રમીલા : નહિ, અમારા ખંડમાં.
મેં કહ્યું : હું બીજાથી સ્વતંત્ર મત બાંધી શકું છું એમ બતાવવા કહું છું કે ચીનુની રમકડાંની ઓરડીમાં.
ધીરુબહેન : નહિ. તમે બધાંએ કેવળ વ્યક્તિદૃષ્ટિથી અને જરા પણ કારણ બતાવ્યા વિના મત આપેલ છે. હું કારણ સાથે અને મારા નિર્ણય તરીકે કહું છું કે મેહફિલ રસોડામાં ભરાવી જોઈએ. પ્રમુખનું અને પીણાં બનાવવાનું બન્ને કામો મારે કરવાનાં છે. વાતો કરતાં પણ કામ ન પડ્યું રહેવું જોઈએ એ સિદ્ધાંત પુરુષોએ અમારી પાસેથી શીખવો જોઈએ. સ્ત્રીઓ એકબીજીને મળવા જાય ત્યારે ત્યાં જે કામ ચાલતું હોય—ઘઉં વીણવાનું સીવવાનું રાંધવાનું—તેમાં મળવા આવનાર હાથ દેવા લાગે છે. તમે પુરુષો એકબીજાને મળવા જાઓ ત્યારે ચાલુ કામ બંધ કરો છો. માટે હંમેશાં ગૃહિણી પણ ભાગ લઈ શકે તેવી દરેક મિજલસ તે જ્યાં બેસતી હોય ત્યાં ભરવી જોઈએ. આ મારો નિર્ણય. માટે એકવાર તો રસોડામાં ચાલો. ચાલ ધમલા, આપણે પાટલા માંડીએ.
મેં કહ્યું : આ પ્રમુખસાહેબ સારાં. જાતે જ પોતાનું અને મેફહિલનું પણ બધું કામ કરી લે.
અમે બધાં રસોડામાં ગોઠવાયાં. બીજી બાજુ ધીરુ બહેન અને ધમલો પાણીની તૈયારીઓ કરવા લાગ્યાં અને આ સર્વ તૈયારીઓની સાથે સાથે અમારો વાર્તાલાપ આગળ ચાલ્યો.
ધનુભાઈ : લ્યો હવે ત્યારે પેલાં બે વખતસરપણાં માટે નામો પાડો.
મેં કહ્યું : એક નાટકી અને બીજું કૃત્રિમ.
ધીરુબહેન : કોઈ માનસપૃથક્કરણશાસ્ત્રી હોય તો તમારાં નામો ઉપરથી જ કહે કે તમે અનિયમિતતાની ટેવવાળા છો. તમે બન્ને નામો ખરાબ પાડ્યાં ! નાટકનો તો મેં દાખલો આપ્યો હતો; પણ એવા સાચા પ્રસંગો પણ હોઈ શકે.
ધનુભાઈ : એક પ્રાસંગિક અને બીજું ઘડિયાળી.
ધીરુબહેન: ઘડિયાળી તે ઘડિયાળ સમારનારને કહે છે, એ ન ચાલે.
ધનુભાઈ : ત્યારે તમે વધારે સારાં નામો કહો.
પ્રમીલા : જોજો ભાભી ભોળવાતાં. ધનુભાઈએ વાર્તા તૈયાર નહિ કરી હોય એટલે આડી અવળી વાત કરીને તેમને વખત કાઢી નાંખવો છે.
ધીરુબહેન : હાલ તુરત આવાં નામો પાડવાની જરૂર નથી. મંડળને એવાં નામો આવશ્યક જણાશે ત્યારે ચર્ચા કરશે. પ્રથમ તો કહો કે તમે બે મિત્રોની વાર્તા લખી લાવ્યા છો?
ધનુભાઈએ હસતાં હસતાં મારા સામું જોયું.
મે કહ્યું : પણ આજે મેહફિલનું કામ કરવા પહેલાં એક પત્ર આવ્યો છે તે રજુ કરવાનો છે.
ધીરુબહેન : કોના ઉપર આવ્યો છે?
મેં કહ્યું : મારા પર મંત્રી તરીકે આવેલો છે.
ધીરુબહેન : કોણે લખેલો છે ?
મેં કહ્યું : મ’મ નામના તખલ્લુસથી આવેલો છે.
ધનુભાઈ : હું વાંધો લઉં છું કે તખલ્લુસવાળો પત્ર ન ચાલે. આપણે તો સાચું નામ જોઈએ. તે વિના કોઇને સભ્ય શી રીતે કરી શકીએ ?
પ્રમીલા : હં. હં. તમે તમારે એમ કરીને વાત લંબાવો ને ! ભાભી ! આ વાંધો ખોટો છે. આપણું મંડલ વાર્તાવિનોદમંડળ છે અને વાર્તાસાહિત્ય નવ્વાણું ટકા તખલ્લુસવાળું હોય છે. કેટલાક લેખકોને તખલ્લુસ કાઢી નાંખવાનું કહો તો વાર્તા જ ન લખે. મારે મન ધૂમકેતુ અને તણખા એ અવિશ્લેષ્ય વસ્તુઓ છે.
ધીરુબહેન : હવે કોઈ ને કાંઈ કહેવું છે?......તો ત્યારે મારો નિર્ણય કે માત્ર તખલ્લુસવાળી વાર્તા મંડળમાં વાંચી શકાય, પણ સભ્ય થતી વખતે તો ખરું નામ આપવું જ પડે.
મેં કહ્યું : લ્યો થયું ?! ત્યારે જુઓ, આ વાર્તા તો મારે વાંચવી પડશે ખરું ને?
ધીરુબહેન : વાંચો.
મેં વાંચવું શરૂ કર્યું.
૧[૧]શ્રી મંત્રીજી,
વાર્તાવિનોદમંડલ. મુ. પ્રસ્થાન.
[ ધીરુભાઈ : મુકામ પ્રસ્થાન એ વદતોવ્યાઘાત છે. મુકામનો અર્થ સ્થાયી રહેવાનું ઠામ થાય છે, અને પ્રસ્થાનનો અર્થ ચાલવા માંડવું એવો થાય છે. એટલે મુકામ પ્રસ્થાન કહી જ ન શકાય.
મેં કહ્યું : આ ચર્ચા શરૂ થાય તે પહેલાં મારે એક નિર્ણય કરાવવાનો છે. કોઈ સભ્ય કે અ–સભ્ય વાર્તા વાંચે ત્યારે વચાતાં દરમિયાન સવાલ પૂછી શકાય કે ટીકા કરી શકાય ? એમ થવાથી વાર્તારસને ક્ષતિ આવે અને તે વાર્તાલેખકને એટલી હાની થાય. આ પ્રશ્ન હજી સુધી મેહફિલ સમક્ષ આવ્યો નથી. ગયે વખતે ધમલાએ કરેલી વાર્તામાં વાર્તા દરમિયાન કોઈ કશું બોલ્યું નહોતું તે દાખલો ધ્યાનમાં લેવા યોગ્ય છે. આ જગાએ વાર્તાલેખક હાજર નથી એટલે તેનું હિત મારે સંભાળવાનું હોવાથી આ પ્રશ્ન મારે ઉઠાવવો પડ્યો છે.
પ્રમીલા : અને એમ કરીએ તો આપણી મેહફિલના નિવેદનમાં આપણે ક્યાંક વાર્તાનાં જ પાત્રો ગણાઈ જઈએ !
ધીરુભાઈ : આપણે વાર્તાનાં પાત્રો ગણાઈ જઇએ તેમાં તો મને કશું ખોટું લાગતું નથી. ગુજરાતમાં ઘણાએ સાક્ષરો બોલે છે ત્યારે જાણે તેમનો શબ્દે શબ્દ કોઈના કાનમાં ગુંજી રહેવાનો છે એવા ભાનથી દરેક શબ્દને ચીપીને બોલે છે—અલબત, બહાર બોલે છે ત્યારે. ઘરમાં એ ભાઈ બૈરીછોકરાં સાથે કેમ બોલતા હશે તે હું જાણતો નથી. ગુજરાતના કેટલાક લેખકો, જાણે પોતાનો દરેક કાગળ સંઘરાવાનો છે એમ ધારીને લખતો હોય છે. ગુજરાતમાં ઘણાંએ માણસો જાણે જાહેરમાં તેમની દરેક સ્થિતિનો કોઈ ફોટો પાડી લેવાનું હોય તે રીતે દરેક હિલચાલ કરે છે, અને એવી રીતે બેઠક લે છે. શાસ્ત્રોએ કહ્યું છે કે દરેક ક્ષણે મરવાના છીએ એમ ધારી ધર્મ કરવો. મહાત્માજી કહે છે દરેક ક્ષણનો હિસાબ આપી શકીએ તેમ રહેવું. ત્યારે ઉપર કહી ગયો તેવાં માણસો દરેક ક્ષણે પોતાના કલાત્મક અમરત્વનો વિચાર કરતાં હોય છે. તેમ આપણે પણ વાર્તાનાં પાત્રો બનવાની ધાસ્તી દરેક ક્ષણે રાખીશું તો તેમાં કાંઈ બગડી જવાનું નથી. વધારે ખરાબ તો એ છે કે ઘણી વાર્તાઓમાં વાર્તાનાં પાત્રો જાણતાં હોય છે કે અમે વાર્તાનાં પાત્રો છીએ, અને અમારે અમુક કામ કરવાનું છે, અને અમુક અંત લાવવાનો છે. તેના જેટલું આ ખરાબ નથી.
ધીરુબહેન : વાર્તામંડળમાં જો તમને બોલવા દીધા હોય તો એક પણ સભ્ય ટકી શકે નહિ એમ માનું છું.
ધનુભાઈ : એટલા માટે તો કોઈ નાસી ન શકે એવાં માણસોનું મંડળ કર્યું છે.
પ્રમીલા: ધમલા, તું કેમ કાંઈ બોલતો નથી? ધનુભાઈ આવી લાંબી લાંબી વાતો કરે તે સામે વાંધો કેમ ઉઠાવતો નથી ?
ધમલો: બહેન ! તેમાં મારે શું? હું મારું કામ કરું છું. અને તમે વારતા માંડશો એટલે ધ્યાન આપીશ. ત્યાંસુધી ગમે તે વાતચીત કરો તેમાં મારે શું ?
ધીરુબહેન : ત્યારે હું ચુકાદો આપું છું. આવડી મોટી હું, ચોપડીમાં સમાઈ જઈશ એવી મને બીક જ નથી. અને વાર્તા વંચાતાં દરમિયાન ટીકા કરવાની, પ્રશ્ન કરવાની સૌને છૂટ છે. એમ ન કરીએ તો પછી આ મેહફિલ કેમ ગણાય ? એમ ને એમ તો વારતા ક્યાં કોઈ પોતાની મેળે સળંગ નથી વાંચી શકતું ? એમ સામસામા ઘા ઝીલતાં ઝીલતાં વાર્તા વાંચવી કે કહેવી એમાં જ વાર્તાની વધારે લિજ્જત છે, છતાં કોઈને ખાસ કારણસર વચમાં બોલવાની બંધી કરાવવી હોય તો તેવી દરખાસ્ત લાવી શકે છે.
ધનુભાઈ : ત્યારે મુકામ પ્રસ્થાનનો મારો વાંધો નોંધો.
ધીરુબહેન : ગતિ અને સ્થિતિ, તમે જ કહેતા હતા કે હાલના નવા શોધો પ્રમાણે અર્થહીન છે. રાજકોટ પૃથ્વી પર છે અને એ પૃથ્વી ફર્યા જ કરે છે, છતાં મુકામ રાજકોટ કહીએ છીએ, તેમ પ્રસ્થાન ભલે ફરતું રહે, અને તેમાં વાર્તા મુકામ કરી શકશે.
મેં કહ્યું : ત્યારે આગળ વાંચું છું.]
અમે પણ અહીં એક મંડળ, તમારું મંડળ નીકળ્યું તે પહેલાં, કે’ દિવસનું, કાઢ્યું છે.
[ પ્રમીલા : કૌમુદી સેવક સંઘની માફક પહેલા બીજાનો પ્રશ્ન નીકળ્યો કે શું?
ધનુભાઈ : જો એવો પ્રશ્ન નીકળે તો એકદમ જ કબુલ કરી દો, કે ભાઈ, તું જ પહેલો. આપણામાં કોઈ હાથમાં દેવતા લે તેમ નથી.
ધીરુબહેન : અરે ધમલો હંમેશ ચલમ સળગાવતાં હાથમાં દેવતા લે છે.
મેં કહ્યું : જુઓ, આ વચમાં બોલવા દેવાનો ગેરફાયદો. આમાં કંઈક જુદી જ વાત છે.
ધીરુબહેન : ત્યારે સાંભળો સાંભળો.]
અમારું મંડળ નર્યું વાર્તાવિનોદ મંડળ નથી. અમારું તો વાર્તા-મંડળ છે. એટલે એમાં વિનોદ કરવો હોય તો વિનોદ કરીએ; વિરોધ કરવો હોય તો વિરોધ કરીએ. મર્યાદા કશી નહિ. વાર્તા નવી હોય, જુની હોય, મૌલિક હોય, મોટા લેખકની હોય કે નાના લેખકની હોય, વાર્તાનું અમે ગમે તેમ કરીએ.
કેટલાક વિદ્વાન સાક્ષરોનો મત અમારા જાણવામાં આવ્યો છે કે એક જ જાતનાં માસિકો ભેગાં કરી દેવાં જોઈએ, જેથી દેશની શક્તિનો દુર્વ્યય ન થાય. તે ઉપરથી આ એક જ જાતનાં મંડળો ભેગાં કરવાને આ ઉપરથી સૂચના કરીએ છીએ. અમારા મંડળમાં વાર્તા કહેનાર માત્ર હું છું. બીજાઓ તેમાં હા એ હા ભેળવે છે એટલે મારી વાર્તા સારી ચાલે છે. વળી એક ‘વિદ્વાન’ માસિકના તંત્રીએ સાંભળ્યું છે કે તમારી મેહફિલમાં વાર્તા નહિ પણ ટોળ થાય છે; તેટલા માટે વાર્તા પણ અમે ટોળ જેવી લખી મોકલી છે. આ વાર્તા મોકલવામાં અમારો બીજો પણ ઉદ્દેશ રહેલો છે તે એ કે હું ગણિતની રીતે વાર્તાઓમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી એકમાંથી અનેક વાર્તાઓ મૂળ વાર્તા કરતાં જુદા જ રસની ઉપજાવી શકું છું તેનો પ્રયોગ મારે તમારા મંડળ આગળ કરી બતાવવો છે. એટલે સાથેની વાર્તાને સ્વીકારીને અમારા આખા મંડળને તમારા મંડળ સાથે જોડી દેશો એ જ વિનંતી. ત્યારે હવે તે વાર્તા નીચે રજૂ કરું છું:
- ↑ ૧ અહીંથી શરૂ થતું બધું લખાણ વાર્તા પૂરી થાય ત્યાં સુધીનું મ’મ તખલ્લુસધારીનું છે. વચમાં વચમાં વાર્તા–વિનેાદ મંડલનાં સભ્યોએ કરેલ વાતચીત [ ] આવા કૌંસમાં છે તે મેં મૂકી છે,-તેને માટે સંમતિ હોવાથી.દ્વિરેફ