લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો – ભાગ બીજો/વાર્તા ઉર્ફે ચબરખી વાણી

વિકિસ્રોતમાંથી
← મેહિફિલે ફેસાનેગુયાન : સભા બીજી દ્વિરેફની વાતો – ભાગ બીજો
વાર્તા ઉર્ફે ચબરખી વાણી
રામનારાયણ પાઠક
કુલાંગાર →


વાર્તા ઉર્ફે ચબરખી વાણી

કેટલાંક મનુષ્યોને ગણગણ્યા વિના ચાલતું નથી; ખાસ કરીને કામ કરતાં હોય ત્યારે.

તે પણ ગાતી: ગાયાં કરે, ગાયાં જ કરે, બસ ગાયાં જ કરે. તે હતી તો એક સાધારણ કામ કરવાવાળી બાઈ, પણ વાર્તાની નાયિકા હતી એટલે રૂપાળી હતી, વળી જુવાન હતી એટલે પણ રૂપાળી.

એક શેઠને ત્યાં તે કામ કરતી. કોઈ નોકરજાત કામ કરવા સરજાઈ નથી છતાં પણ આ બાઈ તો કામ કર્યા જ કરતી. કાં તો તે કામ કરવા માટે ગાતી અથવા ગાવા માટે કામ કરતી. તેને એક દીકરો હતો. તે પણ ગાવાનું એક કારણ તો ખરું જ.

માણસજાત નોકરને ગુલામ સમજે છે તેથી તે ઇચ્છે કે નોકરોએ કામમાંથી રસ ખેંચવાની ટેવ પાડવી જોઈએ. આ નોકરડીને ‘જી’ કહેવાનું કે ‘મરી ગયેલી ઊંદરડી ફેંકી દેવાનું’ કે ‘કામમાંથી રસ ખેંચવાની ટેવ’ પાડવાનું કહેવું પડતું નહિ.

[ પ્રમીલા: રહો રહો, આ તો ક્યાંક વાંચી હોય એમ લાગે છે.

મેં કહ્યું : મને પણ શબ્દો અને વાક્યો ક્યાંક વાંચેલાં લાગે છે.

ઘનુભાઈ : આ ઉંદરડી ફેંકવાનું અને ગાવાનું તો તો હમણાં હમણાં જ થોડા માસ પર વાંચેલું લાગે છે.

ધમલો : ધીરુબહેન, તમે નહિ તે દી મને વાંચી સંભળાવતાં હતાં— કેવું !—પેલા કૌમુદીમાંથી !

પ્રમીલા : હા. હા. રહો લઈ આવું,

ઊઠીને શોધી લાવી પાનાં ફેરવતાં વાંચતી વાંચતી આવે છે.

પ્રમીલા: લ્યો આ તમારી ઉંદરડી રહી અંદર.

મેં કહ્યું : હા બસ. આમાં પણ ઉંદરડીવાળું વાક્ય અવતરણ ચિહ્નોમાં મૂક્યું છે.

પ્રમીલાઃ બસ, ચોરી પકડાઈ.

ધનુભાઈ : બસ પ્રમીલાને તો સાહિત્યમાં ચોરી પકડવા સિવાય બીજો ધંધો નથી.

ધીરુબહેન : જુઓ વચમાં વાત કર્યાનો ફાયદો છે કે નથી ? ત્યારે આ કૌમુદીવાળી વાર્તા પહેલી વાંચી જાઓ.

કૌમુદીની વાર્તા *[] પહેલી વંચાઈ. પછી આ વાર્તા આગળ ચાલી, વાર્તા વંચાતાં સભ્યો વચ્ચે વચ્ચે ખડખડાટ હસતાં હતાં તે સિવાય હવે બીજો વિક્ષેપ થયો નહિ ]

ખેમા શેઠ પોતાની સાથે પ્રેમમાં પડ્યા છે એટલું સમજતાં નોકરડીને બહુ વાર લાગી નહિ. કામી શેઠ અને ભલી દાસીનો સંબંધ લાંબો સમય નિભાવી રાખવો હોય તો શેઠાણીઓએ એક પછી એક મરવાનું રહ્યું. ઘણા શેઠની ઘણી શેઠાણીઓ આવી રીતે મર્યા કરે છે એ સમાજનો જૂનો ઇતિહાસ છે.

શેઠ નોકરડીની “મીઠી મશ્કરી” કરતા પણ આ નોકરડી તો રાંડી ત્યારે “પણ એની એ રહી શકી હતી.” જો કે શેઠ પણ રાંડ્યા હતા અને પોતે પણ રાંડી હતી એટલે શેઠની “મીઠી મશ્કરી” આ બાઈ એ “હસતે હસતે ઝીલી” હતી. આ મશ્કરી કોને મીઠી લાગતી હતી તે કહેવું અઘરું છે. અમારી પોતાની, પરપુરુષ પરસ્ત્રી સામે કુદૃષ્ટિ કરે, એમાં સંમતિ નથી.

કેટલાંક સત્યો “ઘણી વખત” “હમેશને માટે” લખી નાંખવાં અઘરાં લાગે છે. એટલે શેઠ અને નોકરડી વચ્ચે “ક્યારેક અજાણતાં” આમ તેમ થયું “હશે” તોપણ બન્નેને બચાવી લેવાની બારી રાખવાનું અમે ઉચિત ધાર્યું છે. બન્ને રાંડ્યાં હતાં એટલે નીતિ-નિયમ તોડવાની ભૂલ થવા દીધી નથી. અહીં અપવાદ રૂપે ઉદારતા નોકરડીની રહેવાની છે અને વાણિયાવેડા શેઠના રહેવાના છે. જોકે અમને તો પુરુષ અને સ્ત્રી બન્ને સ્વાર્થી જીવડાં માલૂમ પડ્યાં છે. બેમાંથી એકને જ્યારે જેને ખપ પડે ત્યારે તે પોતાનું કામ કઢાવી લેવાની ચાલાકી “કરી શકે છે.”

એક પછી એક શેઠાણી તો મર્યે જ જતી હતી અને શેઠ કામી થયા કરતા હતા. ગમે તેમ પણ એને આ નોકરડી ઉપરનો મોહ વધતો જ ચાલ્યો.

એક વાર શેઠે નોકરડી પાસે “માગણી” કરી, “લે આ તારા છોકરા માટે લેતી જા.” પાછળથી શેઠને સૂઝ્યું “આ તો હું આપી રહ્યો છું; માગણી તો મેં કરી જ નહિ!”

નોકરડીને હવે મૂંઝાવાની જરૂર પડી. શેઠના વિકારની ગંધ નોકરડીને આવવા લાગી ત્યારથી એણે ત્યાં ને ત્યાં રહેવાનું નક્કી કરી લીધું અને બીજે નોકરી શોધવાની પંચાતમાં ન પડી. ઘેર ઘેર માટીના ચૂલા. બીજે પણ બીજો શેઠ એની ઉપર કુદૃષ્ટિ કરવાનો જ છે તો પછી બીજે શા માટે જવું ? અને બીજે નોકરી કરવા મોકલવાથી અમારી વાર્તા લંબાઈ જાય અને શેઠાણીઓનું મરણપ્રમાણ વધી જાય એ અમારું કારણ પણ લૂલું નથી.

નોકરડી-પક્ષે, ત્યાં ને ત્યાં રહેવાનાં નીચેનાં સાત કારણો આ રહ્યાં:

૧ “સ્થાનાંતર કરવું નકામું હતું.”
૨ “બીજી જગ્યાએ બીજો શેઠ મળે.”
૩ “વળી છોકરાંનો આશ્રય જાય.”
૪ “શેઠના છોકરા સાથે પોતાનો છોકરો રમે જમે એ કારણ પણ ખરું.”
૫ “પોતાને શેઠના છોકરા સાથે કાંઈક પ્રીતિ પણ ખરી.”
૬ “અહીંનું જૂનું થાનક છોડતાં એનો જીવ કપાતો હતો.”
૭ “એણે એના અંતરમાં શું કરવું એનો નિશ્ચય કરી લીધો હતો.”

નોકરડીનો વર જ્યારે જીવતો હતો ત્યારે અભણ હતો છતાં જ્યારે એને પ્રેમનો વેગ આવતો ત્યારે એક સાથે પાંચ લાંબાં વાક્યોની સંકલના રચતાં એને આવડતી અને બધું એક શ્વાસે એ બોલી શકતો. માત્ર એની ભાષા અસલ ગામડિયા રહેતી. હવે વારતા પ્રમાણે અમારે એમ કહેવાનું આવે છે કે એક રાતે કોઈ નાતીલાએ આગળના વેરઝેરથી પ્રેરાઈને આ બાઈનું નાક કાપી નાંખ્યું. પણ વાર્તાને રસમય બનાવવાના હેતુથી ઘડીભર અસત્યકથનનો આશ્રય લેવા માટે વાચકવર્ગ અમને ક્ષમા આપે. લ્યો તો, અમે પોતે સત્ય હકીકત રજૂ કરીએ.

એ તો કુરૂપ બનવા માટે આ નોકરડીએ પોતાને હાથે પોતાનું નાક કાપ્યું હતું અને પછી શેઠને હસાવવા માટે એ બોલી હતી: “ મારે પીટ્યે, મોંએ ડૂચો મારી, ચીભડું વાઢે એમ નાક વાઢી લીધું.

એ કલંકિત થઈ ન હતી. કોઈ કદી એને કલંકિત કહેતું નહિ. છતાં આ “મીઠી આફત એને આશીર્વાદ સમાન નીવડી.” દીકરાની એટલું પૂછવાની હિંમત ન ચાલી કે, મા, તારું આ નાક કાણે વાઢ્યું ? અને શેઠ તો ઊલટા ખુશી થયા કે, “ હાશ, મારે આ સ્ત્રી ઉપર મોહ કરવા મટ્યો.”

નોકરડીએ પોતાના છોકરાને પરણાવ્યો. ઘરમાં વહુ આવી. વહુનાં મહેણાં સાસુને વસમાં લાગે જ. વહુ સાસુને ગમેતેમ રાખતી તો પણ તે “ખરાબ ન હતી.” સાસુએ બધું મૂંગે મોંએ દીકરાની ખાતર સહન કર્યું. પણ વહુએ જ્યારે, “તમારી જેમ નાક કપાવ્યું નથી” એમ કહ્યું ત્યારે સાસુએ આપઘાત કર્યો. આપઘાત કરતાં પહેલાં એ બાઈએ લખતાં વાંચતાં શીખી લીધું હતું કે જેથી એક “ચબરખી” ઉપર લખીને તે પોતાની સત્ય હકીકત જાહેર કરી શકે. વાર્તામાં ચબરખી મૂકી જવાની પ્રથા જાણીતી છે એ ભૂલવાનું નથી. દીકરો તો ભણ્યો ન હતો કેમકે તે એક નોકરડીનો દીકરો હતો. તેથી જ્યારે ઘરમાં ચબરખી પડેલી જોઈ ત્યારે તે એકદમ પોતાના શેઠ પાસે દોડી ગયો અને તેમના હાથમાં “પેલી ચબરખી” મૂકી.

શેઠને ચબરખી વાંચીને બહુ જ આઘાત લાગ્યો. “હેં” એવો ઉદ્‌ગાર તેમના મુખમાંથી નીકળી ગયો. “ચીઠ્ઠી નીચે જઈ પડી.” “થોડીવાર કાંઈ બોલી શક્યા નહિ” અને “ટગર ટગર જોઈ રહ્યા.” લાગણીનો આ ઉભરો ગમે તેવા સ્વાર્થી અને કામી પુરુષને છાજે એવો હતો. શેઠ બોલી ઊઠ્યા નહિ પણ મનમાં ને મનમાં સમજ્યા કે, “સતી જેવી આ નોકરડી જો જીવતી થાય તો મારું સર્વસ્વ એને આપી દઉં. ભલે એનું નાક કપાઈ ગયેલું હોય.”

છોકરો રડતાં રડતાં પેલી ચબરખી સામે જોઈને વિચાર કરવા લાગ્યો કે, “મા, મા, ક્યારે તે આવા કાગળો લખવા જેટલું ભણી લીધું ! મને તો કેવું’તું ?”

મ’મ
 

વાર્તા વંચાઈ રહી. છેવટનું વિચિત્ર તખલ્લુસ મ’મ પણ મેં બરાબર વાંચ્યું. પછી ધીરુબહેને કહ્યું: હવે ચર્ચા કરો.

ધનુભાઈ : પ્રમીલા ચર્ચા કરે. તેને ચોરી પકડવાનો શોખ હતો તે ચોરી પકડાઈ.

મેં કહ્યું : હાસ્યરસના કોઈપણ લેખની સીધી રીતે ટીકા કરવી લગભગ અશક્ય છે. તમે કહો કે આમાં તો માત્ર ચોરી કરી છે. તો વાર્તાલેખક એમ જ કહે કે હા તેની ક્યાં ના છે મારે ? ખરી રીતે આમાં ચોરી નથી. વગડામાં વટેમાર્ગુને લૂંટે તે લૂંટ કે ચોરી કહેવાય, પણ આ તો એક રાજા બીજા ઉપર ચડી તેનું કેટલુંક હરી જાય અને પોતાના રાજ્યમાં તેને ફરી ગોઠવી એ ચીજનું પ્રદર્શન કરે તેવું છે. તમે એમ કહો કે મૂળ વાતને મચડીને હાસ્ય ઉપાજાવો તેમાં શી નવાઈ? તો એ કહે કે હા, દરેક મૂળ વસ્તુને મચડવી તો પડે જ—હાસ્ય ઉત્પન્ન કરવાને. પણ એને હું મચડી શક્યો તો ખરો ને ! એને અમુક રીતે મચડી તેમાં જ હાસ્ય છે !

પ્રમીલા : તમે બધાએ આજે વાર્તા શરૂ કરતાં પહેલાં એટલો બધો વખત લીધો છે કે હવે ચર્ચા કરવાનો વખત જ રહ્યો નથી.

ધનુભાઈ : આ વાર્તાની ચર્ચા કરવા આપણે બંધાયેલા નથી. પ્રશ્ન તો એ છે કે, આ વાર્તાથી આપણે આખા મંડળને સભ્ય કરી શકીએ ?

મેં કહ્યું : કાયદામાં મંડળ એ એક વ્યક્તિ છે, પણ આપણે એક જ વાર્તાથી આખા મંડળને સભ્ય કરી શકીએ નહિ. એ ભાઈને જણાવો કે જે વ્યક્તિ વાર્તા લખશે તે જ સભ્ય થઈ શકશે.

પ્રમીલા : અને એ પણ પ્રશ્ન નથી કે કોઈની વાર્તાના આ પ્રમાણે મશ્કરી કરવા દઈએ. તો પછી સાહિત્યના ઝઘડા જ આપણા મંડળમાં બધા આવે. વાર્તાવિનોદ મંડળ આપણે એ માટે કર્યું નથી.

ધનુભાઈ : પણ કાવ્યમાં જેમ પ્રતિકાવ્યને સ્થાન છે તેમ આવી ‘પ્રતિવાર્તા’ ને પણ આપણા મડળમાં સ્થાન હોવું જોઈએ. આ પ્રતિવાર્તા એક પ્રકારની ટીકા જ છે.

પ્રમીલા : પણ આપણા મંડળમાં ટીકા તો એકવાર સભ્ય થાય પછી જ કરી શકાય ને. સભ્ય થવા માટે તો વાર્તા જ જોઈએ. લેખક પોતે પણ આને માત્ર ટોળ જ કહે છે. માટે એ કાયદાના કારણસર અસ્વીકાર કરો—

ધનુભાઈ : આ ટીકા છે પણ ટીકા વાર્તાના સ્વરૂપે હોઈ શકે. તે વાર્તા નથી એ સંબંધી મંડળમાં એક જ મત થાય એમ હું માનતો નથી.

ધીરુબહેન : સાંભળો, હું તોડ કાઢું. ધમલાને પૂછવા દો. કેમ ધમલા આ વાર્તા છે?

ધમલો : ના બહેન, આમાં શી વાર્તા આવી? પેલી વાર્તામાં તો નાક વાઢવાની વાતેય આવતી’તી, આમાં તો કશું સમજાતું નથી.

ધીરુબહેન : ત્યારે આ ભાઈ ને એટલું જ લખો, કે અમારા મંડળના એક સભ્યે આ વાર્તા છે એનો અસ્વીકાર કર્યો છે. આવી બાબતમાં આખા મંડળના સ્વીકારથી સભ્ય થવું એ વધારે ઇષ્ટ છે. ફરીવાર તમો વાર્તા મોકલો એવો અમારો આગ્રહ છે. અને તમારા સરવાળા બાદબાકીની રમત અમે જોઈ છે એટલે હવેની વાર્તા એવી ન મોકલતાં મૌલિક જ મોકલશો, અને એ પણ લખી જણાવો કે વાર્તા લખનાર એક જ વ્યક્તિ મંડળની સભ્ય બની શકશે. અમે તમને સભ્ય થયેલા જોઈ ઘણાં રાજી થઈશું.

મેં કહ્યું : હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે બૈરાં સ્વભાવથી જ જૂઠાબોલાં હોય છે. તેમનામાં જૂઠું બોલવાની કળા હોય છે. તો હવે પીણું પીરસો.

પીણું પીરસાયું. પીણું પીધા પછી ધનુભાઈ એ અભિપ્રાય માગ્યો.

મેં કહ્યું : આ પીણું પણ મૌલિક નથી. બીજાં પીણાના દ્રવ્યોના સરવાળા બાદબાકીથી આ પીણું બનાવેલું છે.

ધનુભાઈ : રસના ગ્રંથોમાં આ પીણાનો જ દાખલો અપાય છે અને ત્યાં પીણાંનાં દ્રવ્યોના સરવાળા બાદબાકીથી પણ નવો જ રસ નિષ્પન્ન થઈ શકે એમ ગણ્યું છે. જેમ આ વાર્તામાં મૂળવાર્તાના રસથી ભિન્ન જ બીજો રસ છે, તેમ મારા પીણામાં પણ નવો જ સ્વાદ છે.

ધીરુબહેન : અસ્તુ. આજના કામમાં માત્ર તમે જીત્યા છો. પણ તમે બચી ગયા છો એમ ન માનશો. તમારી પાસે બે મિત્રોની ગયે વખતે કબૂલેલી વાર્તા લેણી પડે છે. અને બીજું : વસંતભાઈ જ્યારે આવે ત્યારે વખતસર થઈ શકે એટલા માટે મેહફિલનો સમય તેઓ આવે અને આપણને ઘરમાં નવરાશ હોય ત્યારે એમ ગણી લેવાનું. થયું વસતભાઈ !

મેં કહ્યું : જાઓ મારા આશીર્વાદ છે કે આખા હિંદમાં દર વખત વખતસર ભરાઈ હોય એવી માત્ર આ આપણી મેહફિલ જ ગણાશે. અને તેનું જાહેર માન જોકે મંત્રી તરીકે મને મળશે પણ ખાનગી રીતે એ બધું માન ધીરુબહેનને છે.

ધીરુબહેન : અને સ્ત્રીઓ હમેશાં જૂઠાબોલી છે એવું માન તમે મને આપતા રહેજો ! આજનું કામ હવે પૂરું થયું છે.


  1. ‘મૂકવાણી,’ આ વાર્તા હાલ તણખા મંડળ ત્રીજામાં પૃ. ૯૦ મે ફરી પ્રસિદ્ધ થઈ છે.