નળાખ્યાન/કડવું ૫૧

વિકિસ્રોતમાંથી
← કડવું ૫૦ નળાખ્યાન
કડવું ૫૧
પ્રેમાનંદ
કડવું ૫૨ →
રાગ આશાવરી.


કડવું ૫૧ – રાગ આશાવરી.

વૈશંપાયન વાણી વદે, સુણ જનમેજય ભૂપાળરે;
બૃહદશ્વ કહે યુધિષ્ઠિરને, મળ્યાં બન્યો બાળરે.
સાથ ભ્રાત ને ભોજાઈ મળ્યાં, માતાને વળી તાતરે;
દમયંતીને નાથ વિયોગે, અંતર માંહે આશાતરે,
કુટુંબ સર્વે પૂછે પ્રેમે, શી શી વાર્તા વીતિરે;
ઘટે તેવો સમાચાર સતીએ, કહ્યો અથ ઇતિરે.
ફરી શોધ નળની મંડાવી, ભીમકે મોકલ્યા દાસરે;
પ્રભુ પાખે દમયંતી, પાળવા લાગી સંન્યાસરે.
અલવણ અંન અશન કરવું, અવનીપર શયનરે.
આભૂષણ રહિત અંગ અબળાનું, કાજળ વિના નયનરે.
નિયમ રાખ્યો નાનાવિધનો, ઉગ્ર આખડી પાળેરે;
પતિવતા તો પિયુને ભજે ને, અન્ય પુરુષ નવ ભાળેરે.
નામ નળનું, ધ્યાન નળનું, સખીસું નળની વાતરે;
દુઃખે જાયે દિવસ ને રયણી, નયણે વરસે વરસાદરે.

પરદેશી પંચ વિપ્રને, નિત્ય આપે આમાનરે;
વૈદરભી જાણે વાડવ વેષે, આવી મળે રાજનરે.
એવે આવી ઋતુ વર્ષાની, વૈદરભી વિરહ વધારણરે;
ગાજે મેહ ઉધડકે દેહ, સખી આપે હૈયાધારણ્રે.
વિનતા હીંડે વાડી માંહે, દ્રુમ લતાને તળેરે;
સગંધ સંઘાતે બિન્દુ શીતળ, ગોરી ઉપર ગળેરે.
કોકિલા બપૈયા બોલે, તે શબ્દ ભેદે હૃદયા અંગરે.;
વિરહિણી તે વીજળી જાણે, ભેદે હૃદયા સંગરે.
વર્ષાકાળે વિજોગ પીડે, માનિનીને મન ભાલોરે;
વૈદરભીને વર્ષા કાળ વીત્યો, આવ્યો શત્રુ શિયાળોરે.
આકાશ અંગિયા અંબુજ ઉઘડ્યાં, નિર્મળ ઈંદુ શરદરે;
પતિવિજોગ પીડે છે પાપી, સતિ રહેછે સત્ય બરદરે.
દુઃખે દિવસ નાંખે દમયંતી, એક વરસ ગયું વહીરે;
ત્રણ સંવત્સરની અવધ વીતી, નાથ આવ્યો નહીરે.
સુદેવને તેડી સ્તુતિ કીધી, આંસુ નયણે ઢાળીરે;
નૈષધનાથને કોણ મેળવે, હો ગુરુજી તમ ટાળીરે.
જ્ન્મના તમો છો હેતસ્વી, કારજ મનથી કરવુંરે;
ન ઘટે કહ્યાની વાટ જોવી, શોધવા નિસરવુંરે.
ધીરજ આપી નૈષધનારને, વેશ નાનાવિધ ધરતોરે;
દમયંતીએ શીખવ્યો હીંડે, ટેહેલ સઘળે કરતોરે.
રથે બેઠો ફરે મુનિવર, સેવક સેવા કરેરે;
જ્યાં ગામ આવે ત્યાં કળા પાડી, વેશ ટેહેલીઆનો ધરેરે.
ડોઢ માસ ગયો અટણ કરતાં, આવ્યો અયોધ્યા માંયરે;
 સભા માંહે ટેહેલ નાખી, જ્યાં બેઠો ઋતુપર્ણ રાયરે.
અલ્ભ્ય વસ્તુની પ્રાપ્તિ થઇ, પરિત્યાજ તેનો કીધોરે;
ધર્મધોરિંધર ધિક્ક તુજને, ફરી તપાસ ન લીધોરે.
રંકે રત્નનું જત્ન ન થાયે, જાત નીવડી નેટરે;
વિલપે છે વસ્તુ વોહોરતીઆવિના, કાં ભરે પરઘેર પેટરે.
કુળ લજાવ્યું કરમી માણસે, કીર્તિ કીધી ઝાંખીરે;
જ્ઞાની પુરુષ વિચારી જોજો, ટેહેલ સુદેવે નાખીરે.

સભા સહુ વિસ્મય થઈ કાંઈ, ટેહેલ છે મરમાળીરે;
ગેહેલીયો ટેહેલીયો કરીને કહાડ્યો, કોઇ ઉત્તર નાપે વાળીરે.
સુદેવ ગયો હયશાળા મધ્યે, ટેહેલ નાખી તેણે ઠારરે;
મહીલાનાં કહાવ્યાં વચન સુણીને, બાહુક નીસર્યો બહારરે.
કદ્રુપ કાયા કામળ ઓઢી, કરમાંહે ખરેરોરે;
પ્રગટ ખારે ખંખારીને બોલ્યો, તીખોને તરેરોરે.
કારમો સરખો સપોળ ચડાવે, ટુંકડા કર નચાવેરે;
નાસિકાએ સડકા તાણે ને, નયણાં મચમચાવેરે.
ભારે વચન કહ્યાં તે બ્રાહ્મણ, નિસર્યો મેહેણાં દેવારે.
વસ્તુને વ્પત તો વોહોરતીઓ, કરતો હશે પરઘેરે સેવારે.
વોહોર્‍યું તે કાંઈ રત્ન જાણીને, કાચ થઈ નીવડ્યુંરે;
તત્ત્વ રહિત માટે તજ્યું છે, નથી છૂટી પડીયુંરે.
તેહ મિત્રને તજીએ જેનું, મળવું મન વિના ઠાલુંરે;
તે સ્ત્રીને પરહરિએ જેનું, પિયુ કરતાં પેટ વહાલુંરે.
વાંક નહીં હોયે વોહોરતીઆનો, રહ્યો હોશે નિજધર્મેરે;
વસ્તુ વિપત પામતી હશે તે, પોતે પોતાને કર્મેરે.
ગૂઢ વચન કહી ઘોડારમાં, બાહુક જઇને બેઠોરે;
સુદેવ તો સાંસાંમાં પડ્યો, પ્રાણ વિચારમાં પેઠોરે.
એ બોલી તો નૈષધનાથની, હારદ અનાહૂતરે;
નળ ભૂપ એને કેમ કરી માનું, રૂપે બીજો ભૂતરે.
જઠરભરણ કો રીષનું જાળૂં, ફરી ન જાય બોલાવ્યોરે;
પડોશીને પૂછી કહાડ્યું, ત્રણ વરસ થયાં આવ્યોરે.
રાજાએ પ્રીત કરીને રાખ્યો, અશ્વવિદ્યા કોઇ જાણેરે;
પવિત્ર નૈવેદ્યને પાળે, વિજોગનું દુઃખ આણેરે.
એવું સાંભળી સુદેવ ચાલ્યો, આવ્યો વિદર્ભ દેશરે;
વૈદર્ભી તવ આનંદ પામી, વિપ્ર પૂજ્યો વિશેષરે.
શ્યામાએ સમાચાર પૂછ્યો, કહીં સ્વામીની ભાળરે;
સુદેવ કહે નિસાસો મૂકી, જડ્યો નહીં ભૂપાળરે.
દેશ વેદેશ ગામ ઉપગામ, અવની ખોળી બાધીરે;
અટણ કરતાં અયોધ્યામાં, શોધ કાંઇએક લાધીરે.

સભા નવ સમજી ઋતુપર્ણની, રહ્યાં મસ્તક ડોલીરે;
બાળબીહામણો ઘોડારમાંહેથી, બાહુક ઉઠ્યો બોલીરે.
સ્વરુપ જોઇ હું છળ્યો છઉં, સ્વપ્નામાં બીહાવેરે;
નાઠો આવ્યો છઉં ફરી ફરી જોતો, રખે પૂંઠેથી આવેરે.
ભૂત પિશાચ કે જમકિંકર, પ્રેત અથવા રાહુરે;
અયોધ્યામાં રોતાં રાખવા, બાળકને તે હાઉરે.
તેણે ટહેલનો ઉત્તર આપ્યો, કાંઇ સ્વાદ ઇન્દ્રિનો વાંકરે;
કહે વસ્ત ખોટી થઇ નિવડી, શું કરે વોહોરતીઓ રાંકરે.
પિયુજનથી પેટ જ વહાલું, તેનો સંગ તે માઠોરે;
બેહુને દુઃખ સરખાં હોશે, કહી ઘોડારમાં નાઠોરે.
એ બોલી તો બાહુકીઆની. જુઓ વિચારી બાઇરે;
મર્મવચન સુણી મહિલાનું, હૃદે આવ્યું ભરાઇરે.

વલણ.

ભરાયું હૃદે રાણીતણું, ને આંસુ મૂક્યાં રેડીરે;
બાહુક નોહે એ નૈષધપતી, સુદેવ લાવો તેડીરે.