નાનું સરખું ગોકુળિયું
નાનું સરખું ગોકુળિયું નરસિંહ મહેતા |
અવતારલીલા
3
રાગ બિહાગરા - તાલ તિતાલા
નાનું સરખું ગોકુળિયું, મારે વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે,
બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે, આહીરને દર્શન દીધું રે. નાનું૦
ખટદર્શને ખોળ્યો ન લાધે, વેદ પુરાણ એમ ગાયે રે;
અવનવી લીલા વૃન્દાવનમાં, વન વન ધેન ચરાવે રે. નાનું૦
પુરુષોત્તમ લીલા અવતારી, દેહ ધર્યા અવિનાશી રે;
કર જોડીને કહે નરસૈંયો, ગોવાળિયા વૈકુંઠવાસી રે. નાનું૦
અન્ય સંસ્કરણ
[ફેરફાર કરો]નાનું સરખું ગોકુળિયું, મારે વ્હાલે વૈકુંઠ કીધું રે,
ભક્તજનોને લાડ લડાવી, ગોપીઓને સુખ દીધું રે. - નાનું. ૧
ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના'વે રે
છાશ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે રે.- નાનું. ૨
વણકીધે વહાલો વાતાં કરે,પૂરણ બ્રહ્મ અવિનાશી રે,
માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકારી રે. - નાનું. ૩
બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,
નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે. - નાનું. ૪