નિરંજન/દયાપાત્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← છોકરીઓ પર દયા નિરંજન
દયાપાત્ર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
પામરતાની મીઠાશ →


31
દયાપાત્ર

"મારે સરયુની સાથે કેટલીક વાતો કરવી પડશે.” નિરંજને ભાવિ સસરા પાસે માગણી મૂકી.

"ખુશીથી."

થોડી વારે દીવાન-પત્ની સરયુને લઈ નિરંજન બેઠો હતો તે ઓરડામાં આવ્યાં. પોતે ખુરસી પર બેઠાં. સરયુની બેઠક નીચે સાદડી પર હતી.

બધાં ચૂપ બેઠાં. ઝાઝી વાર થઈ. નિરંજન રાહ જોતો રહ્યો કે દીવાન-પત્ની જશે. સરયુને દરેક ક્ષણ અકેક તમાચા જેવી થઈ પડી. દીવાન-પત્ની પોતાના ઓળેલા વાળની સેંથીને વગર જરૂરે પણ આંગળીઓ વડે ઓળ્યા જ કરતાં બેઠાં. પાંત્રીસેક વર્ષની ઉંમર હશે. વીશ વર્ષની, અને ઈતર માતાની પુત્રીનાં બનાવટી બા બનવામાં જે કઢંગાપણું અને કૃત્રિમતા રહેલાં છે તે દીવાન-પત્નીના હાવભાવ તેમ જ દેખાવમાં સ્પષ્ટ તરી નીકળતાં હતાં. પોતે જ હજુ તો સ્નેહપાત્ર બનવા જેવડાં હતાં ત્યાં તો એને શાસન કરવાની ફરજ પડી હતી. અને ઈર્ષ્યા શાસનવૃત્તિની સગી બહેન છે.

ચૂપ બેઠાં છતાં એ આંખોના ડોળાની મદદ લઈને તેમ જ હાથની ચેષ્ટાઓ કરી ધરતી પર બેઠેલી સરયુને સાવધ કરી રહ્યાં હતાં કે, ઓઢણીનો છેડો છાતી પર સરખો કર! માથાની એક લટ છૂટી પડી છે તે બરાબર ગોઠવ! તારો પગ દેખાઈ જાય છે! વગેરે વગેરે. એ મૂંગી સંજ્ઞાઓના પાલનમાં સરયુને જે ગૂંચવાડો પડી રહ્યો હતો તેને નિરંજન તીરછી નજરે સ્પષ્ટ જોઈ શકતો હતો.

“જે પૂછવું હોય તે પૂછોને ! કંઈ હરકત નથી.” નવી બાએ નિરંજનને કહ્યું.

"મારે એમને એકલાને જ પૂછવું હતું !” નિરંજન નછૂટકે નફટ બન્યો.

“એમ તે કંઈ બને?” દીવાન-પત્નીને નિરંજનની માગણી કુદરતી રીતે જ અનુચિત લાગી.

સરયુની પાસે બેઠો બેઠો ગજાનન પણ કંઈ કંઈ નખરાં કરતો હતો. સહુ સાંભળી શકે તેવા સિસકારમાં તે સરયુની કને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરતો હતોઃ “હું જાણું છું. હં...અં ! તારું સગપણ થવાનું છે, હં...! માસ્તર જોડે, હં..! અહીંથી ચાલ્યા જવું છે, ખરું કે? અહીં નથી ગમતું તને, હં....”

“ગજુ !” એની બાએ કહ્યું, “જા, તારા બાપુજીને બોલાવી લાવ તો !”

ગજુ ગયો. બે-પાંચ મળવા આવેલા માણસોની વચ્ચે જ ગજુએ પિતાને બૂમો પાડી કહી દીધું કે, “બેનનું સગપણ થાય છે ને ત્યાં તમને બા બોલાવે છે. ત્યાં કોઈ બોલતું-ચાલતુંય નથી; લડતાં હોય તેવું લાગે છે.”

ગજુના કાનને વળ ચડાવતા ચડાવતા દીવાન શરમાઈને અંદર આવ્યા. ગજુના કાનની છીંદરી વળી ગઈ. એણે ચીસો પાડી મૂકી. ગજુની બા રાતાંપીળાં બન્યાં. દીવાનને એણે બીજા ઓરડામાં લઈ જઈ નિરંજનની માગણીની વાત કરતાં કરતાં ગજુના કાન બાબત ધમકાવી કાઢ્યા. નિરંજને સ્પષ્ટ શબ્દો સાંભળ્યા:

“તમારી છોકરી ઠેકાણે નથી પડતી તેમાં મારા છોકરા ઉપર શીદને ખારે બળો છો?”

"તો નાખી દેને છોકરીને કૂવામાં? આપી દેને અરધો તોલો અફીણ!” દીવાનના ધીરા બોલ પણ કાને પડ્યા.

"ના રે, મને જ ઘોળીને પાઈ દોને ! એટલે તમારે સહુને નિકાલ થાય.”

– એમ કહેતાં દીવાન-પત્ની બીજા ઓરડામાં ગયાં ને દીવાન એની પછવાડે મનાવવા ગયા. ગજુએ દોડતા આવીને સરયુને કહી દીધું કે, “બેન, બાપુજીને બાએ લ-પાટ લગાવી દીધી...ઈ...ઈ!”

એટલું કહીને પાછો ગજુ, છાપાની ઑફિસના યુદ્ધ-ખબરપત્રીની અદાથી માતાપિતાની પછવાડે દોડી ગયો.

સરયુની સજલ મૂગી આંખો એક જ વાર નિરંજન તરફ ઊંચી થઈ. તરત જ પાછી પાંપણો ઢળી ગઈ. પાંપણોના પંખાએ બે ટીપા આંસુનાં ખંખેરી દીધાં. ગોરા ગાલ પર જરી વાર અટકી જઈને એ ટોપ જાણે કે પોતાની જન્મદાત્રી આંખોનાં ઊંડા ઊંડા જળાશયમાં પાછા ચડ જવા માગતાં હતાં.

એ ટીપાંએ નિરંજનની કરુણાનો કટોરો છલોછલ ભરી દીધો.

"મારે હવે કશું જ નથી પૂછવું.” કહીને એ ઊઠ્યો.

ડરથી સરયુએ એની સામે મીટ માંડી.

“તમે તૈયાર છો?” નિરંજને ધીરે સાદે પૂછ્યું.

સરયુએ ફક્ત શરણાગતના ભાવે ભરેલું ડોકું જ હલાવ્યું.

દીવાન ત્યાં આવ્યા એટલે નિરંજને કહી નાખ્યું: “મારે કશું જ પૂછવું નથી. હું સંતુષ્ટ છું. વહેલામાં વહેલું ઉકેલી નાખીએ.”

"જેઠ વદમાં જ.”

“તો હું એક આંટો મુંબઈ જઈ આવું.”

"કેમ?"

"ફેલોશિપ, સ્કોલરશિપ વગેરેની ભાંજગડ કરી આવું.”