લખાણ પર જાઓ

નિરંજન/પામરતાની મીઠાશ

વિકિસ્રોતમાંથી
← દયાપાત્ર નિરંજન
પામરતાની મીઠાશ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
વિજયની ગ્લાનિ →


32
પામરતાની મીઠાશ

નિરંજન તરંગસાગરનાં મોજાંમાં અટવાતો-અથડાતો મુંબઈ પહોંચ્યો. જે સ્ત્રી ફરી ચાર આંખો પણ ભેળી ન થવા દેવાનો નિર્ણય બાંધીને ચાલી ગઈ હતી, તેને વળી આ શો આવેશ ઊઠ્યો? નિરંજનનું હૃદય થડક થડક થતું હતું. આજસુધી એ ડરતો નહોતો તે હવે ડરવા લાગ્યો. એની બાજુમાં હવે સરયુનું દયામણું જીવન ચાલ્યું આવતું હતું. સરયુ એની ગોદમાં સમાવા આવતી હતી. હવે જો સુનીલાનો મોહ જીવતો થશે, તો સરયુનો કોમલ દેહ પણ ગોદમાં ખૂંચશે. ડર કંઈ જેવો તેવો નહોતો. કેમ કે સરયુને સંભારતાંની વાર જ હૃદયમાં દયાની લહર વાઈ રહેતી, ઊર્મિના ઓઘ નહોતા ઊછળતા.

નથી ચાહવું, નથી લોભાવું, નથી ભૂરકીમાં અંજાવું, એવો નિશ્ચય છતાં નિરંજન સુનીલાની પાસે ફક્કડ હજામત કર્યા વગર ન જ જઈ શક્યો. આવા સુંદર બની, નાહીધોઈ, સ્વચ્છ કપડે જવાનું કશું જ પ્રયોજન નહોતું. ટ્રેનમાંથી ઊતરીને તે સીધેસીધો પણ જઈ શકત – તારની તાકીદ તો ખરી રીતે એમ જ માગતી હતી – છતાં સ્ત્રી-પુરુષની પ્રકૃતિનું એ રહસ્ય સમજવું જટિલ નથી.

એ ગયો ત્યારે સુનીલાએ એને આખી વાત કરી. વાત દરમ્યાન એની આંખોના પ્રદીપો તદન સ્થિર હતા: ઊર્મિનો કોઈ વાયુ વાતો નહોતો.

“મારે કશી જ હોહા નહોતી કરવી, નથી કરવી.” નિરંજને જવાબ આપ્યો.

"કેમ?” સુનીલાને નવાઈ લાગી, “વિદ્યાપીઠમાં વિપ્લવ જગાવવાનો તો આ મોકો છે.”

એ શબ્દોમાં કટાક્ષ હતો કે કેમ, તેની વ્યર્થ શોધ નિરંજન સુનીલાની મુખરેખાઓમાં કરી. પછી એણે કહ્યું: “મારે તમારું જીવન-સંભારણું જોઈએ છે.”

"એટલે?”

“એટલે કે સર્વ પારિતોષિકો અને પહેલા નંબરની પદવી તમારા તરફની ભેટરૂપે જ મારા જીવનમાં ભલે રહે.”

“પણ તમારા પુરુષાર્થની સિદ્ધિ છે છતાં –"

“કેટલીક વાર જીવનની મીઠાશ પુરુષાર્થની સિદ્ધિઓમાંથી નથી જડતી, પણ –"

“પણ – કહો કહો, કહી નાખો.”

“પણ પૌરુષની પામરતામાંથી, નિષ્ફળતામાંથી જડે છે.”

“વળી આપણે કવિતા કરવા ક્યાં બેસીએ છીએ હવે ?”

“કવિતાને તમે ધિક્કારો છો એ હું જાણું છું. હુંય એ ધિક્કારનો પાઠ તમારી પાસેથી શીખી રહ્યો છું. છતાં નબળાઈની એકાદ પળ તો જીવનમાં માફીને લાયક સમજો.”

"ત્યારે તો મેં તમને ન ગમે તેવું કર્યું.”

"કોને ખબર છે, એ તમે કર્યું તેથી જ કદાચ હું તમારી મહાનુભાવતા પ્રત્યે લળી રહ્યો હોઈશ.”

"ઠીક છે એ તો, પણ હવે શું કરીએ ?”

“હવે તો બીજું કશું જ નહીં. તમે આપેલું સંભારણું મારા જીવનમાં અનામત રહેશે.”

“એટલે?“

"હું પણ મારા હકની કમાઈને તિલાંજલિ દઈશ !”

“તમારું કહેવું હું સમજી નથી શકતી,” સુનીલાને થયેલો આભાસ અસ્પષ્ટ હતો, “શી રીતે તિલાંજલિ દેવી છે ?”

“મારે યુનિવર્સિટીનાં ગૌરવ-દાન નથી જોઈતાં.”

“સ્કોલરશિપને છોડી દેશો ?”

“ગૌરવ છોડું છું તો સ્કોલરશિપો વળગશે શું ?”

“તમારી સાંસારિક સ્થિતિ કેમ ભૂલી જાઓ છો ?” નિરંજનને આ સાંસારિક સ્થિતિની યાદ દેવરાવનારું વાક્ય નથી ગમ્યું, એ સુનીલાએ એના મોં પરથી વાંચી લીધું. વધુમાં વધુ ચીડ નિરંજનને આ વાતની જ હતી કે સામું માણસ એને એની ગરીબાઈનો ખ્યાલ કરાવી એનો તેજોવધ કરે છે. કૉલેજજીવનમાં ફંડફાળા, ઉઘરાણાં, ઉજાણી, પ્રવાસો ઈત્યાદિના અવસરો આવતા ત્યારે ત્યારે એની પાસે રકમ ભરાવવા આવનાર હરકોઈને એ સીધીદોર ના કહી દેતો. ગરીબી ગાવાની અથવા એ સમયે શરમથી હા પાડી પછવાડેથી 'અશક્ત છું' એવી ચિઠ્ઠી મોકલવાની પ્રકૃતિને એ ધિક્કારતો. એ માનતો હતો કે ગરીબાઈ અને અમીરાઈ બેઉ ચોક્કસ નક્કર સ્થિતિઓ છે. બેમાંથી એક લાચારીનો વિષય નથી, ને બીજી કંઈ પતરાજીની વસ્તુ નથી. હકીકત એ હકીકત જ છે. અને લજ્જા, લાચારી, ગુનેગારી, ક્ષમાયાચના વગેરેનો ઉપયોગ કરનાર ગરીબ પણ પેલા વાતવાતમાં પોતાની સાધનસંપત્તિના ઉદાર દેખાવો કરનાર ધનિકના જેટલા જ અપરાધી, મિથ્યાભિમાની છે. આ બધા કરડા ભાવો નિરંજનની મુખરેખાઓ ઉપર ચોખ્ખા અક્ષરે માંડેલા હતા. સુનીલાએ સિફતથી વાત ફેરવી બાંધી: “તમારે જે યુદ્ધ કરવાનું છે તે કરીને પછી જ બધું છોડી દો તો કેમ ?”

“મારે યુદ્ધ જ નથી કરવું.”

"વિષાદ વ્યાપ્યો ?”

“ના, ના, એવું હોત તો મારે માટે સારથિ કૃષ્ણ ક્યાં વેગળા છે ?”

એટલી ટકોર કરીને નિરંજન હસ્યો. એ હાસ્યની અંદર નવજાગ્રત પુષ્પની પાંદડીઓના મહેક મહેક સોહાગ હતા. ઘણા લાંબા સમયની નિદ્રા લીધા પછી જાણે કે એ ચિરપરિચિત સ્મિત નેત્રો ખોલતું હતું.

"ત્યારે તો તમારા મનોરથોને હું જુદી રીતે સમજતી હતી.”

“મારો મનોરથ એક જ છે.” એટલું કહેતાંની વાર જ નિરંજનની નજર નાની-શી બેઠક પર ગોઠવેલી એક તસવીર પર ઠરી. એ છબી સુનીલાના સદ્દગત પિતા પ્રો. શ્યામસુંદરની હતી. “મારે એક અધ્યાપકના આદર્શને સાધવા માટે મથવું છે. એ તો હું એમ. એ. થઈને પણ કરી શકીશ.”

“હા, એ પણ ઠીક છે. બાર મહિનામાં પાંચેક મહિનાની રજા માણી શકાય, માથેરાન-મહાબળેશ્વરના મીઠા ઉનાળા પણ ગાળી શકાય, નિરાંતે લખી-વાંચી શકાય, અને માસિકો-ત્રૈમાસિકોના ખાસ અંકોને માટે મગાતી કવિતાઓ પણ રચી નાખી શકાય. એ જ ઠીક છે. યુનિવર્સિટીની સુધારણા કરતાં આત્મસુધાર અને આરામ શું ખોટાં છે ?”

સુનીલા પોતાની આદતથી વિરુદ્ધ જઈને આટલું વાક્ય બોલી ગઈ - ચીપી ચીપીને ભાર દઈને બોલી. પેટાવાક્યોને એણે સરખી ગતિએ તોડ્યાં, ને છેવટે એક ઊંડો શ્વાસ હેઠો મેલ્યો. માથા પરથી સરેલી સાડીને એણે અરધે મસ્તકે આગળ ખેંચી.

નિરંજનને ભાસ્યું કે આ સ્ત્રીએ એક યુવાનના અપુરુષાતની આદર્શની સન્મુખ શરમ પામીને શિર ઢાંક્યું. મલાજો બે વાતોનો કરાય છે: એક મર્દાનગીનો અને બીજો નિર્વીર્યતાનો.

"જેનું જીવનતત્ત્વ લડાયક નથી, તેને મહેણાંટોણાં મારી પાનો ચડાવવામાં શો સાર ?” નિરંજને ઠંડે કલેજે કહ્યું.

"તો પછી લાયક તત્ત્વ વગરનાને પ્રોફેસર બનાવવામાંય શો લાભ ?” સુનીલાએ નિરંજનને ગૂંચવવા માંડ્યો.

“સંસારમાં બેઉ જુદી પ્રકૃતિઓ છેઃ એક લડાયક, એક શાંતિની ઉપાસક.”

“ભૂલ્યા તમે. એક લડાયક, ને બીજી કાયર હિચકારી. આમ જુઓ,” કહીને સુનીલાએ ભીંત પર ચાલ્યા જતા એક મકોડાની આડે પેનસિલ મૂકી. “જુઓ, આ રોજ ચગદાઈ મરતું જંતુ પણ પોતાની શાંત ગતિને નડતર કરનારને બટકું ભરે છે. જુઓ, કેવું એ માથું ઊંચકીને લડાઈનું આહ્વાન આપે છે ! એનું મરવું ધન્ય બનશે. અને પેનસિલ તો પરજીવી, અચેતન, મૂએલી જ છે. મૂએલી જ રહેવાની – છોને એ સો પુસ્તકો લખતી ! પારકાનાં આંગળાં વચ્ચે પકડાઈને ને ?” નિરંજન ન બોલ્યો. નવયુગની સ્ત્રીનું એક ધૃષ્ટ સ્વરૂપ એ નીરખી રહ્યો. સુનીલાએ એને યાદ આપ્યું: “વિદ્યાલય પર વાવટો ચડાવવાનો દિવસ ભૂલી ગયા કે ?”

“તમારો સદ્દબોધ મને નહીં સ્પર્શે તે દિવસ મને સાથ દેનાર પણ પડખામાં હતું ને !"

“તે તો આજેય છે.”

“નથી – જેના મસ્તક પર મારી વિજયકલગીઓ રોપું તે નથી એ.”

“વિજયકલગીઓને લટકાવવાની ખીંટી જોઈએ છે ? તેટલો જ આશય છે તમારા વિજયોનો અને યુદ્ધનો ? કલગીઓ એકઠી કરવાનો જ ? ને તે પણ કોઈ બીજા જણને માટે ? શોભાની એવી કલગીઓ પર મુગ્ધ બનીને હું તમને નથી ઉત્તેજતી.”

"ત્યારે ? એવી કલગીઓને પહેરનાર એક અંબોડા વિના પુરુષનું પૌરુષ શી રીતે તમતમી ઊઠે ?”

“પુરુષના પુરુષાતન વિશે મારા ખ્યાલો એટલા સાંકડા નથી. પુરુષાતનની કલગીઓ અને લોહીધારો આજસુધી એકાદ કોઈ સ્ત્રીના પ્રેમ ઉપર જ ચડતી રહી છે. હવે તો કૃપા કરીને પુરુષાતનનો માર્ગ બદલો !”

કેટલી શુષ્ક ! કેટલી પ્રાણહીન ! માથામાં નરી પંડિતાઈ જ ભરી છે. કલેજું એના રૂધિર-માંસના કોઈ નીચલા બેવડમાં જ ખોવાઈ ગયું છે. એનાં ચરણોમાં ઝૂકવા જતું પૌરુષ એના પગની લાતો ખાય છે. મુસીબત તો એ છે કે આ લાતો મર્દની નથી, નારીગર્વની નથી. સ્ત્રી સન્માનની ખંડણીઓ ભરાવનાર, નૈવેદ્યના થાળો સ્વીકારનાર, મરદાનગીના મુકુટોને પોતાની મોજડીઓ પાસે લોટાવનાર અને ડાબા હાથની આંગળી ઉપર અકેક તોછડું ચુંબન લેવા માટે પુરુષને લટ્ટુ બનાવવાની હીન વાંછના સેવનાર આ મનોદશા નથી.

યુગયુગો આવી ગયા. પુરુષને બીજી આવડત નથી. એની વીરશ્રી પોતાની વિજયપ્રાપ્તિ થઈ ચૂક્યા પછી પણ સ્ત્રીના કદમોને શોધે છે. એકાદ કોઈ કંકુવરણી અથવા મેંદીરંગી પાનીના સ્પર્શ વગર રહી જતું વિજયી નર-લલાટ નિષ્ફળતાના ચસકા અનુભવે છે. નારીના સૌંદર્યવિધાન અને શોભાશણગાર ઉપર જેમ નરને રંજન કરવાની એકમાત્ર પુરાતન વૃત્તિની છાપ છે, પુરુષના દાસીપદનો સિક્કો છે, તેમ સામી બાજુ નરની ઘણીખરી પુરુષાર્થ-સિદ્ધિઓ ઉપર પણ નારીના રાતા કદમની છાપ છે.

એ યુગયુગોની પરંપરા સામે અવાજ ઉઠાવનારી આ છોકરી ! કોણ છે આ ? શાની ઘડી છે એને કુદરતે ? આમ છતાં આટલી ઠંડીગાર !

પ્રથમ જેને પ્રણયિની સ્વરૂપે નિહાળી હતી, પછી ધર્મભગિની લેખે, તે પછી બંધુરૂપે, મિત્રરૂપે, કર્તવ્યસાથીરૂપે, યુદ્ધભાગિનીરૂપે, ને છેવટે દુર્દામ, ન પહોંચી શકાય તેટલી વેગળી, સળગતી સૌંદર્યજ્વાલારૂપે, તેનું નવીન સ્વરૂપ અત્યારે નિરંજનના હૃદયમાં સર્જાયું. એનામાંથી સ્ત્રીત્વ ક્યાંક ઓસરી ગયું. નારી તરીકે વિવશ કરતી, આકર્ષતી, તલસાવતી એ બંધ પડી. એનો સહચાર સુંવાળા સ્નેહ-વશીકરણની મોહિની વગરનો બન્યો. એ તો બની ગઈ જાણે કે પ્રકૃતિ: કુદરતની લઘુ તેજ-મૂર્તિ: પ્રાણીમાત્રને વિકાસક્રમના પંથ પર ચાબુકો મારી મારી ચલાવતી; જલજીવને પટાવી, સતાવી, પ્રહારો લગાવી જોરાવરીથી કાદવ-જીવમાં પ્રવેશ કરાવનારી; કાદવના જાનવરને પૃથ્વીનું પ્રાણી કરતી. પૃથ્વીના પ્રાણીને માનવ-યોનિનો અવતારી બનાવતી... એમ આગળ ને આગળ ધકેલતી પ્રકૃતિ પેઠે સુનીલા જાણે કે નિરંજનના ભીરુ આત્માને ગરદન ઝાલી બળજબરાઈએ એક પછી એક પૌરુષ-ભૂમિકા પર ચડાવતી હતી. નાના શિશુને ભાંખોડિયાંભર, ઘૂંટણભર, પા પા પગલી, ટટાર દેહ અને દોટમદોટ ગતિ પર મૂકનારી જાલિમ જનેતા એવી જ મમતાભરી હોય છે.

નિરંજને નિહાળ્યું સુનીલાનું પ્રકૃતિ-સ્વરૂપ. જાતીય આકર્ષણ ઊડી ગયું. સુનીલાની દેહલક્ષ્મી નિસર્ગની નવનવરૂપિણી સૌંદર્યલક્ષ્મી બની ગઈ. ઘડી ઉગ્ર, ઘડી પછી પ્રશાન્ત, ઘડીક સળગતી, ઘડી પછી અમીવર્ષિણી; ઘડી અગાધ, ઘડી પછી ઝરણ જેવી રૂમઝૂમતી: પણ નારી નહીં, નિસર્ગ.