નિરંજન/પ્રત્યેક મહિને

વિકિસ્રોતમાંથી
← ભૂલો પડેલો! નિરંજન
પ્રત્યેક મહિને
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
દાદર પર →


4
પ્રત્યેક મહિને

પ્રત્યેક મહિનાનો પહેલો દિવસ નિરંજનને માટે ત્રીસ રૂપિયાનું રજિસ્ટર લાવતો ને સાથે ઊંડી મર્મવેદનાના આંચકા આણતો. એ રજિસ્ટર પિતાજી મોકલતા. પંતૂજીના ધંધામાં પિતાજીને ચાકની કટકીથી માંડીને હોલ્ડરની ટાંક સુધીની સ્ટેશનરી વિશે બહુ ચોક્કસ રહેવાની ટેવ પડી ગયેલી. (રાજકચેરી વધુમાં વધુ કડપ શિક્ષણખાતાની સ્ટેશ્નરીના વપરાશ પર જ રાખતી. શ્રીપતરામભાઈની એક વાર થોડી ભૂલ થવાથી વિરુદ્ધ શેરો પણ થયો હતો.) એટલે પાકી ચોકસીની આદતમાં પલોટાયેલા પિતાજી નિરંજનને પણ માસિક ખરચી મુકરર વખતે જ રવાના કરતા. મહિનો ત્રીસનો છે કે એકત્રીસનો એની પણ માસ્તરસાહેબ અચૂક સરત રાખતા. રજિસ્ટરને જોતાંની વાર નિરંજનના કાન પર પિતાજીના વિદાયશબ્દોના ભણકારા ઊઠતા: ‘મારી જાત વેચીને પણ હું તને ખરચી મોકલ્યે રહીશ.'

'જાત વેચીને એટલે? ડોસા શું કરતા હશે? માગતા-ભીખતા હશે?'

રજાના દિવસોમાં પોતે ઘેર જતો ત્યારે ભાળ મળતીઃ પિતાજીએ બે મહિના સુધી ઠાકોરસાહેબનાં મામીસાહેબનું કામદારું કર્યું હતું; શ્રાવણ માસમાં માસાહેબના પુણ્યાર્થે વીસ હજાર ગાયત્રીજપ કર્યા હતા; એક પારાયણ વાંચી હતી; ને જમવાની લોલુપતા તો નહોતી પણ એક એક રૂપિયાની દક્ષિણાની લાલચે પાંચ-દશ ઠેકાણે શ્રાદ્ધ જમવા પણ ગયા હતા.

“પણ તમારી આંખે મોતિયો છે ને પારાયણ શી રીતે વાંચી શક્યા?” નિરંજન પૂછતો.

“ના, ના, મોતિયો હજી પાક્યો નથી કંઈ;” ડોસા હસતા હસતા ખુલાસો કરતા, “ને તારી બાનાં ચશ્માં મને બહુ બંધબેસતાં થઈ પડે છે. એક વહોરો વેચવા નીકળેલો તેની કનેથી ઠીક ચશ્માં મળી ગયાં. ફિકર નથી, ભાઈ !”

“પણ તમે શ્રાદ્ધનું જમવા જાઓ છો ત્યારે અજીરણના ઝાડા થઈ જાય છે એમ મારી બા કહે છે, તેનું શું?”

“તારી બા તો રાજામાણસ છે ! એમાં અજીરણ મોટું શું થઈ જવાનું હતું? સહેજ થાય તો હિંગાષ્ટકની ફાકડી ભરી જઈએ, પણ કાંઈ સારાં માણસોનાં મન-મોં મુકાય છે, બેટા?”

આમ પ્રત્યેક મહિનાનું રજિસ્ટર પિતામાતાની કેટલી કેટલી સ્મૃતિઓને સજીવન કરતું ! આંખો ભીની થતી ને એક નવા ભયનો પડછાયો ઊતરતો:

નિરંજનને એક નાની બહેન હતી. એનું નામ રેવા હતું. રેવા હજુ તો હમણાં સુધી સાવ નાની હતી, પણ છેલ્લી દિવાળીની રજામાં રેવા મને લેવા સ્ટેશને કેમ નહોતી આવી? હું ઘેર ગયો ત્યારે ‘ભાઈ આવ્યા! ભાઈ આવ્યા !' કરતી સામી કેમ નહોતી દોડી? કેમ મારે એને 'રેવા! ઓ રેવા!' એવા સાદ પાડી ઘરમાં શોધવી પડેલી? ખંડેખંડમાં ઘૂમીને આખરે રેવાની ભાળ મને એક કોઠીની ઓથે મળી હતી. એ ત્યાં કેમ લપાઈ ગઈ હતી? ને રેવા આવડી મોટી ક્યાંથી થઈ ગઈ? એનાં અંગોમાં આ નવો ભરાવ શાનો? મોં ઉપર લજ્જાની ચૂમકીઓ આ ગલ શાના પાડી ઊઠી? છૂટી ઓઢણી ઓઢનારી રેવાનો દેહપુંજ કેમ ચોમેરથી બાની જૂની સાડીમાં લપેટાઈ ગયો? રેવાનો ઝાલરઝૂલતો ચણિયો એ સાડીમાં શા માટે ઢંકાયો? રેવાના માથા ઉપર તરેહતરેહવાર ગૂંથાતા હતા તે વાળ સેંથા વગરના, તેલ વગરના, ત્યજાયેલા કોઈ ખેતરની અંદર ઊગેલી બોરડીઓનાં જાળાં જેવા કેમ?

“અરે રેવા ! રેવલી ! તું સંતાઈને કાં ઊભી હતી? મને લેવા કેમ ન આવી? તું મારાથી – ભાઈથી શરમિંદી બની કાં ઊભી છે?”

રેવાએ જવાબ ન આપ્યો; પણ બા બોલ્યાં: "ભાઈ, રેવા હવે કાંઈ નાની છે? એ પણ વિચારપડતી વાતું છેને, બેટા !”

આ શબ્દોએ જ નિરંજનને ભાન કરાવ્યું કે રેવાના દેહપ્રાણમાં જોબનની પો ફાટતી હતી.

નવરાત્રીના ઉત્સવો હતા, શેરીઓ ગરબે ગાજતી હતી, સૌ રમવા નીકળ્યાં; ન નીકળી એક રેવા.

રેવાએ જાણે કોઈ દુષ્કૃત્ય કર્યું હતું. મારી બહેન, ગઈ કાલ સુધીની નિર્ભય, નિર્દોષ, નાચતી, કલ્લોલતી બહેન, કોઠીની આડશે મોં છુપાવીને ભાઈથીયે લજવાતી કાં ઊભી?

પિતાજી પાસે બેસીને એણે વાતના તાંતણા હાથ કીધા: રેવાને પરણાવવાની વેળા થઈ છે. આપણી જાતનું કૂંડાળું સાવ નાનું છે. સામા રૂપિયા માગે છે. ફક્ત એક દીવાનસાહેબ આપણી ન્યાતના છે. એમની વહુનો એક ભાઈ બીજવર છે. પણ એમની પોતાની કન્યા ઉંમરલાયક થઈ છે ખરીને, એટલે સામસામાં જ દેશેને? આપણે તો ઘણોય જોગ છે, પણ હેં હેં-હેં તું ભાઈ, પ્રતિજ્ઞા લઈને બેઠો છે એટલે શું થાય? ખેર ! કાંઈ નહીં. ૐ શાંતિ શાંતિ શાંતિ ! તે દિવસે પિતાની વાત સાંભળીને નિરંજન રોષે ભરાયો હતો. બીજા જુવાનો રોષિત બને ત્યારે ત્રાડો પાડે તેથી ઊલટી રીતે નિરંજનના રોષે એનો અવાજ ધીમો પાડેલો ને એના શબ્દો પર ભારણ મૂકેલું. એણે કહેલું તે યાદ આવ્યું: “પણ રેવાને પરણાવવાની જ શી જરૂર છે? એને ભણાવીગણાવી સ્વાવલંવી બનાવવાને બદલે..” પછી એ બોલી શક્યો નહોતો.

જવાબમાં પિતાએ, ભણેલા પુત્રની સમીપ એક ઓછા ભણેલા અને જુનવાણી વિચારના આદમી તરીકે, શરમિંદા બનતાં કહેલું: “હું ને તારી બા એ તારા વિચારો પર ઘણી વાર વાતો કરીએ છીએ; એ વિચારો અમારે ગળે પણ ઊતરે છે, ભાઈ; પણ-પણ-પણ છાતી ચાલતી નથી, ભાઈ ! જૂના સંસ્કાર, કુટુંબીજનોનો જ સહવાસ, આર્થિક આધાર પણ આપણા બ્રાહ્મણ તરીકેના કામ ઉપર, એટલે નવું સમજવા છતાં જિગર ન ચાલે, ભાઈ ! ખેર.”

નિરંજન તે દિવસે પરાસ્ત બનેલો. આ કરતાં પિતા એની સાથે કજિયો કરી, એને એના દોઢડહાપણ માટે ધમકાવી કાઢત તો એનું યુવાન હૃદય બંડ જગાવી શકત. પણ પિતાએ તો જુદું જ વર્તન કરીને પુત્રનાં હથિયારો જ જાણે કે આંચકી લીધાં હતાં.

એમ અસહાય રેવાનું ને પિતાનું ચિત્ર યાદ આવ્યું. પિતાનો 'ખેર' શબ્દ સાંભર્યો. યંત્ર જેવો નિરંજન દીવાનસાહેબને મળવા જવા તૈયાર થયો.