નિરંજન/માસ્તરસાહેબ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નવીનતાની ઝલક નિરંજન
માસ્તરસાહેબ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
એને કોણ પરણે? →


22
માસ્તરસાહેબ

દીવાનસાહેબની મોટરનું ભૂંગળું વાગ્યું. શ્રીપતરામ માસ્તર ઘરની બહાર નીકળ્યા.

દીવાન શાળાનું મકાન તપાસતા તપાસતા ફરતા હતા.

“કાં, ક્યાં છે નિરંજન ?” સાહેબે પૂછ્યું.

“જી, આ રહ્યો ઘરમાં.” “ઘરમાં કેમ ભરાઈ બેસે છે?”

"બોલાવું?”

"હા, થોડું કામ પડ્યું છે.”

ડોસા ઉતાવળેઉતાવળે પુત્રને તેડવા ગયા. નિરંજન આવ્યો, પણ એની ગતિમાં જરાય ત્વરા નહોતી.

"કેટલા, બે'ક મહિના તો આંહીં જ છો ને?” દીવાને પૂછ્યું.

"હા જી.”

“એક કામ સોંપું ?”

“એમાં પૂછો છો શું, સાહેબ ?” શ્રીપતરામ ડોસા વચ્ચે જ બોલી ઊઠ્યા, “નિરંજન તો આપનો જ પુત્ર છે.”

“નહીં, નિરંજને હસીને કહ્યું, “હું એવું નથી માનતો.”

“મારું પણ એમ કહેવું નથી;” દીવાને કહ્યું, હું તમને 'જોબ' (ધંધા) તરીકે જ કામ સોંપવા માગું છું. મારા પુત્ર ગજાનનનું અભ્યાસમાં બખડજંતર થઈ ગયું છે. તમે એને શીખવશો?"

"બંગલે આવીને ?"

“તમે કહો તેમ.”

"અહીં આવે તો ઠીક છે. પણ મારે બંગલા પર આવવાનું હોય તો વાહનની સગવડ થવી જોઈએ.”

“પણ... પણ ભાઈ,” શ્રીપતરામ ડોસા પુત્રની આ ધૃષ્ટતા દેખી અકળાતા હતા.

“નહીં, નહીં, તમે શીદ ગભરાઓ છો, માસ્તર?” દીવાન આ પિતા-પુત્રની રસાકસીથી રમૂજ પામ્યા, “કહો નિરંજન, ઘોડાગાડી આવશે તો ચાલશે કે મોટર જ મોકલું ?”

“આપની સગવડ હોય તો મોટર વધુ સારી;” નિરંજનનું મોં સહેજ મલક્યું.

“તમારી શરતો મારે કબૂલ છે. હવે મારી શરત તમારે પણ પાળવી પડશે.” "કહો.”

“ગજાનન જોડે બીજું કોઈ બાળક જરી બેસે તો બેસવા દેવાનું.”

“એની કંઈ શરત હોય? એ તો મારી ફરજ છે.”

આ જુવાનને ઓચિંતાનું ફરજનું ભાન શી રીતે થઈ ગયું તેની દિવાને કલ્પના કરી જોઈ. ઊંડે ઊંડે એણે પ્રસન્નતા અનુભવી.

દીવાનપુત્ર ગજાનનને ઘડવામાં બ્રહ્માની કંઈ ભૂલ થઈ જણાતી હતી. મોંમાં આંગળાં નાખીને ચૂસ્યા કરવાની નાનપણની ટેવ એને હજુ છૂટી નહોતી. નિરંજનને માટે આ પણ એક નવી કસોટી જ હતી.

કશુંક ન આવડતું ત્યારે ગજાનન ચોપડીના ખૂણા ચાવતો; પાને પાને બિલાડી જેવાં ચિત્રો દોરીને ઉપર જુદાંજુદાં નામ લખતો.

એક વાર નિરંજને ચોપડી જોવા લીધી. પ્રાણીઓનાં ચિત્રો ઉપર લખેલાં નામો વાંચ્યાં. એકની ઉપર હતું 'સરયુબેન’. ચિત્ર એક કૂકડીનું હતું.

“તમે પણ ચિત્રકામમાં હોશિયાર છો, હો ગજાનન!” નિરંજન શિષ્યનું દિલ જીતવા યત્ન કર્યો.

પોતાની પહેલવહેલી કદર થઈ નિહાળી ગજાનનને ઉમંગ આવ્યો. બીજે દિવસે નિરંજન આવ્યો ત્યારે ગજાનને એક ચિત્ર તૈયાર રાખ્યું હતું તે માસ્તરને બતાવ્યું.

એ ચિત્રમાં ઊંટ હતું. ઉપર લખેલું: 'માસ્તરસાહેબ'.

નિરંજન જોતો હતો તે ક્ષણે જ બાજુના ઓરડાના કમાડની ઓથેથી કોઈનું ખડખડ હસવું સંભળાયું. એ હાસ્યમાં કોઈ તરુણીના કંઠ-ઝંકાર હતા.

“સરસ ચીતર્યું છે, ગજાનન. જુઓ, હવે હું એ અધૂરા ચિત્રને પૂરું કરી આપું.”

ઊંટ ઉપર વાંદરું બેસાડી, ચોપડીઓનો એક જથ્થો લાદી, વાંદરાના ચિત્રમાં લખ્યું: 'ગજાનન'.

"બહેનને બતાવી લાવું.” કહેતો ગજાનન ચિત્ર સાથે અંદર દોડ્યો ને નિરંજન એને ઝાલે તે અગાઉ એ છટકી ગયો.

થોડા દિવસ પછી ભણાવવાને વખતે દીવાનસાહેબ આવ્યા. જોડે સરયુ હતી, સરયુના હાથમાં બે ચોપડીઓ હતી. દીવાનસાહેબ એને લગભગ ઘસડતા લઈ આવતા હતા. એમણે નિરંજનને કહ્યું: “આમને પણ બેસારો, ને તપાસો કે અંગ્રેજી-ગુજરાતી કેવુંક કાચું-પાકું છે.”

સરયુની આંખો લાલ લાલ હતી. ગાલ પર તાજાં લૂછેલ આંસુની ભીનાશ હતી. એ દૂરની ખુરસી પર બેઠી.

પિતાના ગયા પછી ગજાનને નિરંજનને કહ્યું: “હું માસ્તરસાહેબ, હવે ઊંટિયા ઉપર વાંદરાની જોડે બીજું શું બેસારશો?"

નિરંજને નીચું જોયું, સરયુથી હસી પડાયું.