નિરંજન/સ્નેહની સાંકળી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નવો વિજય નિરંજન
સ્નેહની સાંકળી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
ભાઈની બહેન →


13
સ્નેહની સાંકળી

"શું બન્યું હતું?” એવા સવાલો કરતાકરતા કેટલાક જુવાનો નિરંજનને વાતોએ ચડાવવા છાત્રાલય તરફ લઈ ગયા. ત્યાં પેસતાં પેસતાં કેટલાક વિદ્યાર્થીઓની અરસપરસ પૂછપરછ એને કાને પડી.

એક જણ મોટા અવાજે બીજાને પૂછતો હતોઃ “કાં, જાની, ડોસાનું રજિસ્ટર-બજિસ્ટર આવ્યું કે નહીં?”

“ના ભાઈ, આ વખતે તો ડોસા ઝોલું ખાઈ ગયા છે.”

“હાં, તે તો મેં તારી ખાલી પડેલી સિગારેટની પેટી પરથી જ જાણી લીધું.”

“અરે યાર, સિગારેટના તો શું, ઝેર ખાવાના પૈસા નથી.”

“ઝેરમાં નાણાં શા માટે ખરચવાં?”

"ત્યારે ?”

“આ ઈલેક્ટ્રિક ટ્રેનો દોડી જાય છેને ! પાટા પર સૂઈ જાને, બચ્ચા ! પાઈનો ખર્ચ નહીં ને ડોસાને તારા ખાંપણનીય ચિંતા નહીં.”

“ત્યારે કોણ, તારો ડોસો ખરીદી મોકલશે?”

“નહીં રે, આપણા સહુનો ડોસો, કોરોનર.”

‘ડોસો' શબ્દ કૉલેજના જુવાનો પોતાના પિતાને માટે યોજતા હતા. નિરંજનને લાગ્યું કે પ્રત્યેક જુવાનને મન 'ડોસો' જાણે કે માસિક રૂ. ૩૦નું રજિસ્ટર મોકલનાર કોઈ દેણદાર છે ને પોતે બધા પૂર્વજન્મનાં લેણાં વસૂલ કરવા આવેલા લેણિયાતો છે.

નિરંજનને શ્રીપતરામ ડોસા સાંભર્યા. આ વખતે પિતા ખરચી મોકલવાનું કેમ ચૂક્યા હશે ?

એ વાતનો ખ્યાલ વહી જતી નૌકાના લિસોટાની જેમ એના મનની સપાટી પરથી પાછો ઊઠી ગયો ને જુવાનોની જોડે નિરંજન વાર્તાલાપમાં ઊતર્યો. સ્વાભાવિક રીતે જ કૉલેજના જાહેર જીવનનો મુદ્દો મોખરે આવ્યો. કોઈકે કહ્યું: “રાષ્ટ્રભાવ ખીલવવાની જરૂર છે.”

નિરંજને મોટાઈનો ડોળ કર્યા વિના કહ્યું: “મને તો આ બધી ભાવનાઓ કેવળ આપણી વાદાવાદીની અને આપણા કસરત માગતાં ભેજાંઓની માનસિક લેજીમ લાગે છે.”

"ત્યારે તમે શું કહેવા માગો છો ?" “રાષ્ટ્રજીવન તો બધા જીવનનું ઝરણ છે.”

ત્રણેક જુવાનો આટલું કહી રહ્યા એટલે નિરંજને કડી સાંધી: “હાં, માટે જ મને લાગે છે કે એ ઝરણનાં જળ ઝીલવાને આપણે આપણા નાનકડા જીવનનું જળાશય સાફ કરવું જોઈએ. એથી વધુ કશાની જરૂર નથી.”

"એટલે શું?” ન સમજનારાઓમાંથી એકે પૂછ્યું.

"એટલે આપણે વિદ્યાલય-જીવનનું જ સ્વાભિમાનઃ કૉલેજ પેટ્રિયોટિઝમ: એ આપણી સમસ્ત અસ્મિતાનું મૂળ છે. આપણે એ સંસ્થા પ્રત્યેનો સમૂહપ્રેમ ચેતાવવો પડશે.”

એક જણે કંટાળાની સાથે તોછડાઈનું, આછકલાઈનું હાસ્ય ઉમેરીને લાંબે સાદે ટકોર કરીઃ “હવે ભાઈ, આ કૉલેજ તો આપણી ચાર વર્ષ પૂરતી ધર્મશાળા છે.”

“વર્ષોની માપણીથી જો જીવનનાં ક્ષેત્રોને માપવા બેસશું." નિરંજનને તરત વિચાર સ્ફૂર્યો , “તો તો કોલેજ, કુટુંબ, દેશ કે બાયડી-છોકરાં, તમામ આપણી થોડાં કે વધુ વર્ષોની ધર્મશાળાઓ જ બની રહેશે. ને 'આપણે શું?’ એમ વિચારીને રાતવાસો પૂરો કરી ચાલ્યા જનારા મુસાફરો એ ધર્મશાળાના ઓરડાને ઉકરડો જ કરી મૂકશે.”

“એટલે શું અભ્યાસને ભોગે કૉલેજનું સ્વાભિમાન રમવા બેસવું?”

“સ્વાભિમાનની કંઈ રમત નથી રમવાની. સંસ્થાપ્રેમ જાગ્રત થશે એટલે અભ્યાસમાં નવીન જ ઉમળકો સિંચાશે. એ પ્રેમ અને અભિમાનની લાગણી ભણતરની અંદર એક એવી સંજીવની છાંટશે કે રાત બધી ઊંઘના ભારે ઢળી પડતાં પોપચાં પર પાણીની ઝાલકો છાંટવાની અને ચાના ઊના ઊના ઉકાળા ચૂસવાની જરૂર નહીં રહે.”

એક પારસી વિદ્યાર્થી ત્યાંથી બહાર નીકળી ગયો. પરસાળમાં જઈને એણે કોઈને કહ્યું: “સાલો ગાંધીઆઇટ ખરો કે ની ! એટલે ચાની વિરૂઢ ભાસન ઠોકેચ."

લગભગ મૂંડાવેલ હોય તેવા લાગતા માથા પર ખાદીની ટોપી પહેરીને બેઠેલ એક જુવાન પોતાની નિરાળી ઢબના જ લહેકા કરતો બોલ્યો: “જુવાન ભાઈઓ, મને તો કંઈક એમ સૂઝી રહ્યું છે, કે આ બધી સરકારની શાળાઓ તો ગુલામો પેદા કરવાનાં કારખાનાં છે.”

"એ તો,” નિરંજને પેલો ન દુભાય તેવી રીતે કહ્યું, “જૂની થઈ ગયેલી દલીલ છે. ને એ દલીલની સામે જવાબ દેતું, ચરખા કાંતનારાઓ પેદા કરનારી ગૂજરાત વિદ્યાપીઠનું સૂનું મકાન સાબરમતીને તીરે ઊભું છે. માત્ર પથ્થરો બદલવાથી કંઈ ગુલામોની ઉત્પત્તિ નહીં અટકે. 'सा विद्या या विमुक्तये'નું સૂત્ર માત્ર રાજકારણી અર્થમાં જ ઘટાવી દેવાયું. મુક્તિનો જીવનવ્યાપી અને વિશાળ અર્થધ્વનિ તકલીના ગુંજારવમાં રૂંધાઈ ગયો. સરકારી વિદ્યાપીઠોમાંથી પેદા થતી ચાબાઈને પણ વટાવી જાય તેવી નવી ચાબાઈ, ‘સ્નૉબરી' નવાં વિદ્યાપીઠોએ પણ નિપજાવી છે; સાદાઈનો પણ આડંબર થયો છે. ફલાહારનો વૈભવ અન્નાહારના વૈભવથી જરીકે ઊતરતો નથી.”

બધાની આંખો પેલા મગફળી, ખજૂર અને બદામનાં બીજ પર રહેવાના પ્રયોગો કરતા જુવાન તરફ ગઈ. સહુને નિરંજનની આ વાર્તાસરણીમાં રસ પડતો ગયો. નિરંજને વાતને સમેટવા માટે એક છેલ્લું વાક્ય ગોઠવ્યું: “ફેડ, સ્નોબરી, સ્લેવરી, ફલીપન્સી (ધૂન, ચાબાઈ, ગુલામી, આછલકાઈ) વગેરે જે જે વાતો અહીં પડી છે તે બધી જ વાતો ત્યાં પણ પેસેલી છે. ફેર ફક્ત પોશાકમાં જ છે.”

"ને તમને અહીં જે અનુભવ ગુજરાતીના પ્રોફેસરનો થયો એનું શું?” કોઈકે હિંમત કરી.

“તેનું કશું નહીં. અહીંનો પ્રોફેસર ડરકુ અને ખુશામદિયો બને છે, તો ત્યાંનો અધ્યાપક પણ નવી રીતે એની એ જ મનોદશાનો જંતુ બન્યો હતો. ચાલતી પરીક્ષાએ વિદ્યાર્થીને ખાદીનું કપડું પહેરવાની ફરજ પાડનારાઓ હતા. એ બે કલાકના પોશાકમાં અકસ્માત રહી ગયેલું મિલનું ધોતિયું જે ફફડાટનું કારણ બનતું, તે ફફડાટ મારી વાર્તાથી ડરેલા પ્રોફેસરના ફફડાટથી જરીકે જુદો મને નથી લાગતો.” “પરંતુ,” ખાદીધારી વિદ્યાર્થીએ નીચે જોઈ રાખી ચોક્કસ છટાના હાવભાવ કરતે કરતે, ચીપી ચીપી લહેકાદાર શબ્દો કહ્યા: “પૂજ્ય બાપુજી તો એમ કહી રહ્યા છેને, કે –”

"હાં કે!” નિરંજન સહેજ હસ્યો. એનાં 'હાં' ઉચ્ચારમાં પેલાના લહેકાનું અનુકરણ હતું.

એ લહેકાની આટલી ઝડપી પકડ જોઈ, તેમ જ નિરંજન પણ રમૂજ કરી શકે છે તે નવીન જ વાત નિહાળીને, ત્યાં બેઠેલા હતા તે તમામ ખડખડાટ હસી પડ્યા.

આ ખાદીધારી જુવાન, ઉપરથી જેટલો સાધુપુરષ લાગતો હતો તેટલો જ એ ઉગ્ર બની ગયોઃ “આ શું? જગતના સર્વશ્રેષ્ઠ વંદનીય પુરુષની હાંસી કરો છો તમે? હિંદીઓ છો? ગુલામો –"

“તમે છેડાઈ ન પડો,” નિરંજને કહ્યું, “એમાં ગાંધીજીની હાંસી હતી જ નહીં. ને હોય તો ગાંધીજી પોતે પણ માણે એવી હળવી, ડંખ વગરની એ હાંસી હતી. મારો તો વાંધો એ છે કે સોશિયાલિસ્ટ જુવાનો વાત વાતમાં લેનિન કે માર્ક્સને ટાંકે છે તેમ આપણે વાતવાતમાં 'પૂજ્ય બાપુજી'નો હવાલો આપીએ છીએ. કાલે વળી જવાહરલાલનાં સૂત્રો ટાંકીશું. આ મનોદશા વિદ્યાપીઠની ન હોવી જોઈએ. કોઈ શું કહે છે તેનું શું કામ છે? એ ફાવે તે કહે. આપણે શું કહેવાનું છે? આપણે કશું કહેવાનું છે કે નહીં? આપણા મગજનાં તાળાં ઉઘાડવાની ચાવી આપણા ગજવામાં છે, કે વર્ધા-આશ્રમની ખીંટી ઉપર અથવા મોસ્કો નગરની સરકારી કચેરીના કોઈ ઝૂડામાં આપણે ટાંગી આવ્યા છીએ?”

નાની-શી ઓરડીમાં હવે જુવાનો સમાતા નહોતા. લગભગ અકેકના ખભા પર અકેક બીજો અવલંબી ઝૂકી રહ્યો હતો.

નિરંજને નિહાળીનિહાળી જોયું તો એ પચીસેક જુવાનો એકબીજાના ગળામાં અથવા કમરે હાથ રાખીને એક જીવતી માનવ-સાંકળી રચી રહ્યા હતા.

એ માનવ-સાંકળીએ નિરંજનની આંખોને જરાક ભીની કરી. માબાપોને દૂર ત્યજી અહીં પડેલા, માના મમતાભર્યા હાથની જાડી-પાતળી રોટીનો અભાવ મહારાજે રાંધેલાં બેત્રણ જાતનાં શાક-ચટણીમાંથી પૂરવા ફાંફાં મારતા, ચૂલામાં વધુ છાણાં ભરવાના વાંક બદલ પોતાની બાળપત્નીઓને માતાઓ મહેણાં દેતી હશે તેનું દુઃખ કલ્પનારા, પત્નીની એવી એવી ફરિયાદોથી ભરેલા પ્રેમપત્રો વાંચી અભ્યાસમાં વિક્ષેપ અનુભવનારા, એવા વિક્ષેપોને સિગારેટના ધુમાડા કે ચાના પ્યાલામાં ડુબાવવા પ્રયત્ન કરનારા – અરેરે, એવી તો કંઈ કંઈ કથી-અણકથી વેદનાઓને દિલમાં દફનાવી તે ઉપર કૃત્રિમ મોજમજાઓની કબર ચણનારા આ જુવાનો!

કેવા એકટશે સાંભળે છે! કેવા વિચારમગ્ન બને છે! કેટલાંકેટલાં વિચાર-તૂતોની હડફેટે ચડી આ જુવાનો અંદરખાનેથી આકુળવ્યાકુલ બની રહ્યા હશે!

આવી સુંદર માનવ-સામગ્રી: તેનો કોણ ભાવ પૂછશે? કોણ એનાં ચોસલાં ગોઠવીને એ નવયૌવનનું રાષ્ટ્ર-મંદિર ચણશે?

“ટપાલ આવી; ટપાલ આવી," એવો એક સાદ પડ્યો. સાંભળીને ટોળું પલકારામાં તો ઓગળી ગયું. માનવજીવનમાં પોસ્ટમૅન એક અદ્દભુતરંગી રોમાન્ટિક પાત્ર છે. બાલ, યુવાન કે વૃદ્ધને ટપાલ જેવો બીજો કોઈ નિત્ય નવલો રોમાન્સ નથી.

'મારીય ટપાલ આવી હશે,’ એ વિચારે નિરંજનને પણ ઉઠાડ્યો.

ઓરડી પર જઈ બારણું ખોલતાં જ એક કવર પડેલું. ઉપર લખ્યું હતું: “અશુભ છે.”