નિહારિકા/નિહારિકા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રસ્તાવના નિહારિકા
નિહારિકા
રમણલાલ દેસાઈ
જંગ જામ્યો →


નિહારિકા


જ્યાં માનવ બુદ્ધિ અટકે,
નવ કવિકલપના ખટકે,

ત્યાં વિરાટ ચેતન જાગી ઊઠ્યું
ફેલાવી સ્થળના પાટ;
તે ઉપર રચિયા ગોળ ઘુમ્મટો
કોરી કાળની છાટ.

વહ્યા ત્યાં પ્રકાશ કેરા ધોધ,
ઘૂઘવે વર્તુલ વમલ અમેાઘ;
ઝબકતી પ્રચંડ અગ્નિજ્યોત,
ઉડાડે ઝગમગતા ખદ્યોત.

જયોતિ તણે પડછે ઊભરાયાં
શ્યામલ ઘેાર તિમિર;
અગ્નિ તણે ભડકે ભડકે
સંતાયા શીત સમીર.

ઊપડયા મહા ઝંઝાનિલ,
મંથનો ફેલ્યાં ઘોર નિખિલ.

ગતિ ત્વરિત, વિકાસ અથાગ, ફાલી અવકાશે
એ જ્યોતિતિમિરનાં દ્વંદ્વ દોડતાં શર્તજીત આશે.

પણ સ્થલના પાટ અસીમ;
કાલનું અભેદ્ય વર્તુલ ભીમ !

જરી થંભ્યા અગ્નિ પ્રવાહ;
બનિયા ઘટ્ટ જ્યોતિર્દાહ.

પ્રકાશના સિંધુ જરી થીજ્યા,
જામ્યા જ્યોતિદ્વીપ;
નિહારિકાના અગ્નિખંડો
ધૂમતા દૂર સમીપ.

સૃષ્ટિની સ્થિરતાનાં મંડાણ;
અસીમ અવકાશે ભવ્ય પ્રયાણ —
કોટિ મહાકોટિ પ્રકૃતિખંડ —
મહાબલ મહાકાય ગતિચંડ!

તો ય અથાગ મહાઅવકાશે
સિંધુ બિંદુસમ સ્વલ્પ.
નટનટી બની પદઅંગુલી ઉપર
નાચે નાચ અકલપ્ય.

ઘુમાવી દેહ ઘૂમી સહુ સાથ,
પરસ્પર ભરી રંગભર બાથ,
છૂટી વીખરી વળી યુગ્મ રચાય,
નૃત્ય સહ ગીત ગભીરાં ગાય.

રસમસ્તી તણી ભરતીમાં ઊડતાં અંગથકી ઉપઅંગ;
દૂર દૂર દોડતા રમતા દેહ તણા શતખંડ.

બને એ ભિન્ન છતાં ય અભિન્ન;
તેજબલગતિના એક જ ચિહ્ન !એમ ત્યાં ઉપન્યા અનંત ગોલ,
ઘૂમી કરી રહ્યા ચકહિંડોલ.

રંગ અને રચના મોહક વળી
દ્વિગુણિત ગતિના રાસ;
ઝબકે મલકે રાશિ અને
નક્ષત્રેા ભરી અવકાશ,

મહીં નાનકડો તારક એક,
ધરીને નિહારિકાની ટેક,
નાચતો વેરે અગ્નિબુંદ,
ઝબોળે સ્ફુલ્લિંગ શીતલ કુંડ.

વિકસે એમાં થકી ગૃહમાલા
ઝીલી સૂર્યના રંગ;
ગૃહમાલામાં ઘૂમતી પૃથ્વી
ધરી લલાટે ચંદ્ર.
 
ધ્રુવ ભણી તાકી તાકી એ ફૂદડી ફરતી જાય;
સવિતાનાં મહાવરેણ્ય કિરણો ઝીલતી એ ઝબકાય.

જીવનના રાસ અહો અણમૂલ,
ભ્રમણનાં ચિતરાતાં વર્તુલ.ગતિ વળી આકૃતિ વતું ગોલ,
પૃથ્વીની પરિક્રમણ અણબોલ.

ગોલક તત્ત્વ મહીં ગોલાાર્થો
આપોઆપ સમાય,

તેજકિરણ ઝીલતાં વહેચંતાં
રાત્રિ દિવસ રચાય.

તેજ તિમિર ઝીલતી પૃથ્વીમાં પંચતત્ત્વના ખેલ,
જડમાં પણ સંતાતા સુપ્ત જીવનની પ્રગટી વેલ.

પશુ પન્નગ જળચર ખગ કીટ :
સર્વમાં ઊઘડે જીવનમીટ.
અતિ અકળ સૃષ્ટિસંયોગ;
જીવનના અદ્‌ભુત ભવ્ય પ્રયોગ !
 
દેહ દેહ યોનિ યોનિ ગૂંથી
જન્મમરણની જાળ;
સર્ગવિસર્ગની વચ્ચે ઊતરે
જીવન કેરા ફાલ.

સૃજનને બાંધી સજીવન દોર
અહંના ઊછળતા અંકોર.
દેહમર્યાદિત જીવનવિકાસ–
સજીવ સૃષ્ટિના વિવિધ વિલાસ !

અહં ઊર્મિની ટોચે ઝળક્યો
નાનકડો મનુવંશ;
નિહારિકા ને નિહારિકાના
સર્જક કેરા અંશ
અહો, ઊતર્યા એ માનવ દેહ !
સૃષ્ટિના અર્ક તણો શું મેહ ?

જ્યાં માનવ બુદ્ધિ અટકે,
કવિકલ્પના ખટકે,


ત્યાં વિરાટ ચેતન જાગી ઊઠ્યું
ફેલાવી સ્થળના પાટ.
એ સ્થળ પર રચિયા ગોળ ઘુમ્મટો
કોરી કાળની છાટ.
ધરીને બુદ્ધિ તણી એ આંખ,
ચઢીને મહાકલ્પના-પાંખ,

વિરાટ લેવા બાથ મહીં
માપે એ સ્થળની વાટ,
ધીટપણે ડગ ધરી માનવી
ચઢે કાલના ઘાટ.

ત્યાં ઝણઝણી ઊઠ્યો એક તાર,
ભરે સંવાદ સકળ સંસાર.
પરોવે એકસૂત્ર બ્રહ્માણ્ડ,
એક મહાકાવ્યે ગૂંથ્યા કાણ્ડ.

પ્રકાશના મહાપુંજ થકી માનવની ન્હાનલ આંખ-
એક તેજતારે સંધાયાં – તણખા ને વળી ખાખ!
તેજનો ભર્યો સર્વ સંભાર;
પ્રકૃતિ જળજળબંબાકાર.


તિમિર ને તેજ તણું મહાતત્ત્વ,
જન્મમૃત્યુનાં કરાલ સત્વ,
હાસ્યઅશ્રુના પ્રબલ પ્રવાહ,
મહીં ઘૂમતી માનવની નાવ.


ચંદ્ર સૂર્ય નક્ષત્ર રાશિ ને
નિહારિકાને તીર,
માનવ નાવ જતું લ્હેરાતું
કાપી કાલનાં નીર.
 
અસીમ સ્થલપાટે કોણ રમંત?
કાલની કલગી કોણ ધરંત ?
અવિક્રીય સત્ય અનંત અગાધ
ગુહાશય નિષ્કલ કોણ અબાધ ?
 
બુદ્ધિ કલ્પના અટકી પીગળી
ભાવ મહીં રેલાય;
એ ભાવ મહીં બ્રહ્માણ્ડઐક્યનાં
શુભ સંગીત સુણાય.
 
જીવન મૃત્યુ પ્રકાશ તિમિર એ શમતાં જ્યોતિર્બિંબ !
માનવતા પૂછે જગ શું એ બિંબ તણું પ્રતિબિંબ ?

અહો એ નિહારિકાના રાસ !
અહો એ તેજતિમિરનાં હાસ!
ઝીલતો માનવીનો સમુદાય,
સર્જન મહાઐક્ય ઊભરાય !