નિહારિકા/બાલવીર

વિકિસ્રોતમાંથી
← ચીલો સમાર નિહારિકા
બાલવીર
રમણલાલ દેસાઈ
દેવો મજૂર →




બાલા વીર

બહાદુર બંકા !
ડંકા વાગે.
રણશિંગાં રણભેરી ગાજે.
જાગો ઊઠો બાલક વીર,
ધારો ટોપ કવચ ને તીર.

સનનન સનનન છૂટતાં બાણ,
સમશેરો વાળે ઘમસાણ.
ભાલાની વરસી રહી ઝડી,
બાલાવીરની સ્વારી ચડી.

ભૂત પ્રેત ને રાક્ષસ દૈત્ય,
કંપી ઊઠતાં – અંગે શૈત્ય.
બાલાવીર ધસીને જાય.
દુશ્મન ભાગ્યા–શ્વાસ ન માય,

મારો બહાદુર
ઝાડ ચડશે, પહાડ ચડશે,
ખીણ ને ખોમાં ઊતરશે,
ચાંદા સાથે વાત કરશે;
સૂરજને એ બાથ ભરશે,
આભને ઊંડાણમાં લેશે
ભરી હથેલી દરિયો પીશે.



ફૂલ તણી કલગી એ ભરશે,
વા’લી પરીને માથે ધરશે.
તારાની ટીલડીઓ કરશે,
પરી લલાટે ભાવે ભરશે.

એને બોલે
આકાશેથી ગંગ ઊતરશે.
અમૃતની છોળો ઊભરશે,
સ્મિત તણા ફુવારા ઊડશે.
આનંદે આખું જગ ડૂબશે.

એને માગ્યે
અમ્મર ફળ દેવો કો દેશે,
સેવાનો કો કિરીટ ધરશે.
બાલાવીર સિંહાસન ચડશે.
ત્યાંથી ઊતરી હસતાં હસતાં
ભાંડુ ભેગાં રમતાં રમતાં
સહુમાં એ ફળ વહેંચી દેશે.