ન્હાના ન્હાના રાસ/તમીસ્ત્રા

વિકિસ્રોતમાંથી
← ડોલતા ડુંગર ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
તમીસ્ત્રા
ન્હાનાલાલ કવિ
નન્દિની →



તમીસ્ત્રા

નમે આભમાં અન્ધાર, રમે વીજના ચમકાર;
જળની ઝડીઓ પડે પૂરમાં, હો બ્હેન !
દમે હૈયાના ભાર, ઝમે નયણાંની ધાર,
વ્હાલાની વાત જાગે ઉરમાં, હો બ્હેન!

ચ્હડી અટારી આંખને જૂવે જીવ એ પન્થ;
ઢળે તિમિરનાં ઝાપટાં,
મંહી ઘેરણાં કોડીલા કન્થ, હો બ્હેન !
જળની ઝડીઓ પડે પૂરમાં, હો બ્હેન !

કાળાં કાજળનાં વાદળાં, હો બ્હેન !
કાળો કાળો વરસાદ,
મહાજગત ભીંજે એ કાજળજળે, હો બ્હેન !

યુગયુગ કેરી વાત, પ્રલય તણાં પાણી પડે;
મંહી ડૂબ્યાં દિવસ ને રાત,
એક આંગણ ઉભો મેહુલો.


એવા વરસે અન્ધાર, ઝીણા વીજના ચમકાર,
જળની ઝડીઓ પડે પૂરમાં, હો બ્હેન !
દમે હૈયાના ભાર, ઝમે નયણાંની ધાર,
વ્હાલાની વાત જાગે ઉરમાં, હો બ્હેન !

અન્ધારી રજની ને આંસુનાં પૂર,
ઉંડું આકાશ અને આછેરાં ઉર;

કહે, સખિ ! કેમ કરી ઉતરૂં?
વ્હલાજી શઢ વીસરેલ;
સાંધ્યું સૂકાને ભાંગી પડ્યું,
હોડી ઉભી જળરેલ:
મ્હારી હોડી ઉભી જળરેલ.