લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/પૂછશો મા

વિકિસ્રોતમાંથી
← ફૂલડાંકટોરી ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
પૂછશો મા
ન્હાનાલાલ કવિ
જગતના ભાસ →


૭૧
પૂછશો મા

પૂછશો મા, કોઇ પૂછશો મા.
મારા હૈયાની વાતડી પૂછશો મા.

દિલના દરિયાવ મહીં કાંઇ કાંઇ મોતી :
ગોતી ગોતીને ત્હેને ચૂંથશો મા :
મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

ટહુકે છે કોકિલા, પુકારે છે બપૈયો :
કારણોના કામીને સૂઝશો મા :
મારા હૈયાની વાતડી પૂછશો મા.

આંસુનાં નીરના કો આશાના અક્ષરો
આછા-આછા ત્હો યે લૂછશો મા :
મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.

જગના જોદ્ધા ! એક આટલું સુણી જજો :
પ્રારબ્ધનાં પૂર સ્હામે ઝૂઝશો મા :
મારા હૈયાની વાતડી પૂછશો મા.