લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/મ્હારૂં પારેવું

વિકિસ્રોતમાંથી
← સારસનો શબ્દ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
મ્હારૂં પારેવું
ન્હાનાલાલ કવિ
પોઢોને →



૩૬
મ્હારૂં પારેવું




મ્હને પાછું આણીને પેલું આપો, રે પ્રાણ! મ્હારું પારેવું:
પેલી પુણ્યે હો! બાંધેલી પાંખઃ પ્રાણ! મ્હારૂં પારેવું.
મણિફૂલ જેવી કલગી નચવતું, રે પ્રાણ!મ્હારૂં પારેવું:
લાવો મીઠી એ નેહ ભરી આંખઃ પ્રાણ! મ્હારૂં પારેવું.

ભર્યું ભર્યું સરોવર ડોલે, રે પ્રાણ! મ્હારૂં પારેવું:
તીરે નમણી લજામણીની વેલ, પ્રાણ! મ્હારૂં પારેવું.
ત્ય્હાંથી નીકળી મ્હેં રમવાને ધીયું, રે પ્રાણ! મ્હારૂં પારેવું:
મંહી સારસ ખેલતા'તાં ખેલઃ પ્રાણ! મ્હારૂં પારેવું:

જરા ચુંબ્યું-ન ચુંબ્યું ને ઉડ્યું, રે પ્રાણ! મ્હારૂં પારેવું:
ઉંડ્યું ઊંડાં જ્ય્હાં ઉઘડે આકાશઃ પ્રાણ! મ્હારૂં પારેવું:
લીધું રમવા તો એમ ન્હોય કરવું, રે પ્રાણ! મ્હારૂં પારેવું:
દીધો કોલ, પછી ભાગવી ન આશઃ પ્રાણ! મ્હારૂં પારેવું.

જોઇ મ્હેં તો સંસાર કેરી ઝાડી, રે પ્રાણ! મ્હારૂં પારેવું:
શોધ્યાં મન્દિર મઢી ને વનદેશઃ પ્રાણ! મ્હારૂં પારેવું,
જોયાં પંખી પશુ જન દેવો, રે પ્રાણ! મ્હારૂં પારેવું:
નથી લાધ્યું, ન સુણ્યો યે સન્દેશઃ પ્રાણ! મારૂં પારેવું.

મ્હારે સારી દિશાઓ ય સૂની, રે પ્રાણ! મ્હારૂં પારેવું:
સૂના સૂના અન્તરના આવાસઃ પ્રાણ! મ્હારૂં પારેવું.
પાય લાગું, આણી દ્યો મ્હને પાછું, રે પ્રાણ! મ્હારૂં પારેવું:
મારા આત્માનો એ તો ઉજાસઃ પ્રાણ! મ્હારું પારેવું.