ન્હાના ન્હાના રાસ/વસન્તગીત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← વસન્ત લ્યો ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
વસન્તગીત
ન્હાનાલાલ કવિ
વેણુ →


  
કોયલડી! ત્‍હારી મોરલી લલિત બ્‍હેનાં! છેડી જજે!
હીંચે - નમે તું બ્‍હેન! આંબલિયાની ડાળ જો!
કોયલડી! જ્‍હારી મોરલી લલિત બ્‍હેનાં ! છેડી જજે!

રંગ્યાં દિશાચિર વિધુની વિશુદ્ધિરંગે.
અર્ચા પ્રભાની અરચી દિનને દિનેશેઃ
નવગન્ધકોષ કંઇ ગન્ધવતી ઉઘાડેઃ
ઉઘાડીને ઘૂંઘટ ગાય, વસન્ત સખિ! પધારે.
કોયલડી! ત્‍હારી વેણુથી વસન્ત દેવી સત્કારજે!



કોયલડી! ત્‍હારા વનમાં પ્રભાત આજ ઊંડા ઉગે.
સોનારૂપાની મંહી રમતી રેખ અનન્ત જો!
લાંબી શિશિર તણી રજની વીરી! આજ ડૂબી જતી,
સાત્વિક પ્રકાશને પગલે પધારે વસન્ત જો!
કોયલડી! ત્‍હારી વેણુમાં વસન્ત દેવી સત્કારજે!



આછેરી પીંછીથી બ્રહ્માંડતીર્થ આલેખિયાં,
ઘૂમે પ્રશસ્ત તટે મન્દાકિનીનાં નીર જો!
સુરોઅસુરોની મેદની અખંડ ત્ય્હાં રાસે રમે,
નૃત્યનેતા અમીમોરલી હલકે સુધીર જો!
પદતાલી ભવ્ય ધમકે મહાગંભીર જો!
કોયલડી! ત્‍હારી વેણુથી અનેરી વેણ વાગે ત્ય્હાં:
કોયલડી! સહુ વેણુના વિલોલ શબ્દ જાગે ત્ય્હાં.



ફૂલડાંની આંખોમાં વસન્ત! કાંઇ આંજ્યું ત્‍હમે,
આંજો જાદુગર આંજણ એ મુજ નેને જો!
મ્હેકતું,
મ્હેકાવતું,
પ્રાણને ચેતાવતું,
વિરલ સૌન્દર્યે કદિક તે ભાસતું,
પ્રિયનયનની કાન્તિમાં સ્થિર વાસતું,
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું.
ફૂલડાંને ફૂલડાંને પગલે વસન્ત ! પધારજો!
આવ્યાં વને નો દેવિ! આવજો માનવ દેશ જો!
ચાંદા સૂરજ કેરી જ્યોતિ પામરીએ પરિમલે,
આપી જજો એ દેવપરિમલના આદેશ જો!
આવો, વસન્ત! પ્રાણઆંગણનાં આભ અમે વાળી લીધાં.



કોયલડી! મ્હારે બારણે હો બ્‍હેન! કાલ બોલી જજે!
કાલે મ્હારે ઘેર પ્રભુજીનાં વરદાન જો!
કાલે મ્હારે ઘેર વસન્ત દેવી મહેમાન જો!
કોયલડી! ત્‍હારી મોરલીનાં વીંધ બ્‍હેન! ખોલી જજે!
વીંધે વીંધે તે વહે વ્હાલમ કેરાં વેણ જો!
વીંધે વીંધે તે કહે વ્હાલમ કેરાં ક્‍હેણ જો!
કોયલડી મ્હારે બારણે વસન્તમંત્ર બોલી જજે!
-૦-