લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/વીરાંગના

વિકિસ્રોતમાંથી
← ગોવાલણી ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
વીરાંગના
ન્હાનાલાલ કવિ
મોગરાની વેલ →


૫૭
વીરાંગના

સખિ ! મ્હારા વીરના ગઢો જો ! ઊંડા આકાશમાં રે,
સખિ ! મ્હારા પાલવની કોર શેષ સાથે છે જો !
સખિ ! મ્હારી આંખડીમાં કોટિ કોટિ ભાનુ તપે રે,
સખિ ! મ્હારી નણદલનો વીર મ્હારે માથે છે જો !
રસે ભરી રાજબાલ, ત્હો ય હું તો વીરાંગના રે.

સખિ ! મ્હારા ઓઢણાની ભાત કાંઈ યમની ગૂંથી રે,
સખિ ! મ્હારી છાયામાં ઝેર લીલું છાજે છે જો !
સખિ ! મ્હારી કાન્તિમાંહિ જોગણીનાં ખપ્પર ઝીલે રે,
સખિ ! મ્હારાં કંકણોમાં પ્રલયગીત ગાજે છે જો !
રસે ભરી રાજબાલ, ત્હો ય હું તો વીરાંગના રે.

સખિ ! મ્હારા નાથની સમશેર કાંઇ હૂલે ઝૂલે રે,
સખિ ! મ્હારી તેજીલી કટાર તેજ પીએ છે જો !
સખિ ! મ્હારા વીરના સામંત મ્હેલે રૂમે ઝૂમે રે,
સખિ ! મ્હારી સહિયરનાં શસ્ત્ર હીચ લીએ છે જો !
રસે ભરી રાજબાલ, ત્હો ય હું તો વીરાંગના રે.