ન્હાના ન્હાના રાસ/વેલના માંડવા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← વિહંગરાજ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
વેલના માંડવા
ન્હાનાલાલ કવિ
વ્હાલપની વાંસલડી →


  
આછી-આછી વેલના માંડવા,
ઘેરી-ઘેરી ઝાડીઓ, સાહેલડી !
કુંજ ભરી બોલે મોરલો,
ડાળીએ બોલે કોયેલડી.

પિયુજીએ પ્રેમના મન્ત્રની
ઝીણી-ઝીણી મોરલી વગાડી;
ઉરને ઊંડે આંબાવડિયે
ઉંઘતી તે કોયલો જગાડી :

સખિ ! વિરહીનાં ચેન,
જાણે પિયુઘેલાં નેન:
આછી-આછી વેલના માંડવા.

વ્હાલાના વાસ ઉરબાગે વસન્તમાં;
પમરે દિલપિયુના પરાગે વસન્તમાં;
મીઠા મીઠા કોડ જાગે વસન્તમાં:

સખિ ! વિરહીની વાત,
જાણે પિયુસૂની રાત :
આછી-આછી વેલના માંડવા.
-૦-