ન્હાના ન્હાના રાસ/સ્વપ્નાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← એ રત ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
સ્વપ્નાં
ન્હાનાલાલ કવિ
એ દિવસો →


  
સ્નેહીનાં સોણલાં આવે, સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મારી ઊગી ઢળે. ધ્રુવ

ચ્‌હડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે.

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર:
ઉન્હે આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે.

અવની ભરી, વનવન ભરી ઘૂમે ગાઢ અન્ધાર :
ઝબકે મંહી ધૂણિ જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે.

ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર :
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે.

ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીના સંભારણાં
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર: રે સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે.
-૦-