ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આયુષ્યનો છોડ

વિકિસ્રોતમાંથી
← આનન્દરંગ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
આયુષ્યનો છોડ
ન્હાનાલાલ કવિ
આયુષ્યનો ભયો ભોર →


આયુષ્યનો છોડ


આ પ્રારબ્ધ કેરી વાડીએ, ફૂલ વીણજો રે !
કાંઈ ઊગ્યો આયુષ્યનો છોડ:
રસિક ! ફૂલ વીણજો રે !

આ જગતકુંજની ઝૂકી ઘટા, ફૂલ વીણજો રે !
કાંઈ પૂરજો ઉરના કોડ;
રસિક ! ફૂલ વીણજો રે !

પેલા ફૂટે ફુવારા તેજના, ફૂલ વીણજો રે !
સન્ધ્યાના સોનેરી અન્ધાર;
રસિક ! ફૂલ વીણજો રે !

અને ચન્દ્ર ઢોળે રૂડી ચન્દની, ફૂલ વીણજો રે !
ત્યંહા વીણજો સંસારના સાર,
રસિક ! ફૂલ વીણજો રે !

કાંઈ કેસરની અર્ચા કરી, ફૂલ વીણજો રે !
જગે ચન્દન ચોળ્યાં અંગ:
રસિક ! ફૂલ વીણજો રે !

પ્હણે કુંકુમના પૂર્યા સાથિયા, ફૂલ વીણજો રે !
ત્ય્હાં છે આનન્દવર્ણ સુગન્ધઃ
રસિક ફુલ વીણજો રે !

મીઠી કળીઓ સુખની ઉઘડે, ફૂલ વીણજો રે !
એથી મીઠડા દુઃખના લ્હાવ.
રસિક! ફૂલ વીણજો રે!

આ દુનિયા વાડી છે દેવની, ફૂલ વીણજો રે !
મંહિ ખેલે મનુજ ધૂપછાવઃ
રસિક ! ફૂલ વીણજો રે !