ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઝરમર ઝાંઝરી

વિકિસ્રોતમાંથી
← જુગપલટાના રાસ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ઝરમર ઝાંઝરી
ન્હાનાલાલ કવિ
ઝાંઝરી ઝમકે છે →


૫૯, ઝરમર ઝાંઝરી




ઝરમર ઝાંઝરી અભિરામ
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ

૨, વનમાં ઘડી મર્મર સમીરણના,
ઉપવનમાં સ્ફુરણો પરિમળના,
કોકિલ બુલબુલ આમ્રકુંજમાં
ટહુકે ગીત રસધામ
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ.

૩, શાખ પૂરી ઝઝાનીલ બાજે,
સરિતે પૂરની નોબત ગાજે,
મેઘદુંદુભી ગગને છાજે;
ઘડીના એ સુરગ્રામ,
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ.

૪, મદભર ડગમગ વહે તારલિયા,
નિતનિત નવલું રમે ચાંદલિયા,
ધરી બ્રહ્માંડમુગટ રવિ ઢળિયા;

પી જળગીતના જામ:
નિધિ ! તુજ પી જળગીતના જામ:
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ

૫, અકળ ગહનતા ભણતી લહરીઓ,
અનન્તતાની અખૂટ ઉર્મિઓ;
તુજ જળ કંઈ ઘેરા ગરજે, હો !
પ્રકૃતિમન્ત્રના સામ
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ.

૬, ચંપકવર્ણી ઉષા પધારે,
ચન્દનીચીર નિજ રજની સમારે,
દેવમનુજ તુજ આરે આરે
સુણે શ્યામના નામ-
સદા યે સુણે શ્યામના નામઃ
ત્હારી ઝમકે નિધિ અભિરામ.

ઝરમર ઝાંઝરી અભિરામ
ત્હારી ઝમકે નિધિ ! અવિરામ.