ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દૂધમાં સાકર

વિકિસ્રોતમાંથી
← દિલડોલાવણહાર છો ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
દૂધમાં સાકર
ન્હાનાલાલ કવિ
દેવ મ્હેં તો દીઠા →


દુધમાં સાકર :

૪૬, ગુજરાતે પારસીઓનાં પગલાં




વાયા વાયા પૂરવપન્થકના વાયુ,
કે જહાજને ઝૂકાવિયા રે લોલ;
ઉજળા ચિન્તાભરે ઉગમણે મુખડે
કે સૂર્યની શોધે ચ્હડયા રે લોલ.

ધીરી ધીરી ધન્ય કોક ચેતના ભરેલી
વસન્તલ્હેરો વાતો કહે રે લોલ;
ચન્દનની વેદિએ સ્વદેશનો ધર્માગ્નિ
કે ધૂ૫નાં વાદળ વહે રે લોલ.

દીઠાં ત્યહાં તો ઘેરાં ગોરમ્ભ્યાં ઝાડીઝુંડો,
કે સરિતાઓ સાગરે મૂકી રે લોલ;
વાદળિયા જળસાળુને પાલવડે
લીલમની કોરે મૂકી રે લોલ.

મીઠી મધુરસ વહે નીઝરણી,
પનિહારીઓ પાણી ભરી રે લોલ,

 
ઘેરઘેર કદળીની કોમળી છાંયે
કે ધેનુ દુધધારા ઝરે રે લોલ.

સરોવરલહરીને ધીમે જળહિન્ડોળે
કે કમલિની ઝોલે ચ્‍હડે રે લોલ;
ફૂલડાંની વેલડ શી પદ્મણી પ્રફુલ્લે,
કે પાંખડીએ પગલી પડે રે લોલ.

ત્યહાં તો વડી નવખંડ નોબત વાગે,
કે રાજધ્વજ ગગને જતા રે લોલ;
કોડીલા કૃષ્ણના જાદવકુળ રાયા
કે દિલના દરિયા હતા રે લોલ.

અાંબલે અાંબલે સાખ ત્ય્હાંપાકી'તી,
કે ફળફૂલે ધરતી ભરી રે લોલ;
કે મૂક્યો એથી મ્હોરેલો દેશ આ સવાયો,
વસીશું અહીં વાસો કરી રે લોલ.

આર્યવંશી રઢિયાળી રાજવટસુહાગી
કે રાજસભા રાજતી હતી રે લોલ;
આવ્યો ત્યહાં દરિયાનો દૂત જળગંભીરો,
કે તેજવર્ણો મહામતિ રે લોલ.

'રાજવી ધર્મ કાજ સાગરે ઝુકાવ્યું,
અધર્મને અળગું કર્યું રે લોલ;
નિરખ્યો આ નીરઝરો તાહરો કિનારો,
કે મનડું વસવા ઠર્યું રે લોલ.'

'કે જાણતલ જોગી ત્‍હોય પુણ્યાળુ પડોશી,
અજાણના શા ઓરતા રે લોલ ?
કે છાકમ છલકાતી ગોરસીઓ આપો,
પીએ, ને પન્થ ભલ્લે જતા રે લોલ.'

'રાજ! આવી દૂધઝરતી સીમ ત્‍હારી
અખંડ ને અમર રહો રે લોલ;
એ દૂધમાં સાકર સમાય રતનાળી,
સમાશું ભરી ભોમે અમો રે લોલ.'

માનુભાવ મિજબાને, મીઠડા મહેમાને
કે આંખે આંખ એાળખ્યા રે લોલ;
કે દૂધમાં સાકરના વડા રાજમન્ત્રો
ઇતિહાસને ભાલે લખ્યા રે લોલ.