ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ભમ્મરિયા કૂવાને કાંઠડે

વિકિસ્રોતમાંથી
← બ્રહ્માંડજયિની કવિતા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ભમ્મરિયા કૂવાને કાંઠડે
ન્હાનાલાલ કવિ
ભૂલી આવી →


૪૮, ભમ્મરિયા કૂવાને કાંઠડે





સ્‍હાંજ પડે, ને ધીરી બોલતી રે મોરલી
ભમ્મરિયા કૂવાને કાંઠડે;
મોરલીના મીઠા મીઠા બોલ રે,
મોરલી ભમ્મરિયા કૂવાને કાંઠડે.

આભલાંની પારનું બોલતી રે મોરલી
ભમરિયા કૂવાને કાંઠડે;
મોરલીના બોલ અણમોલ રે,
મોરલી ભમ્મરિયા કૂવાને કાંઠડે.

છોગાળી ! છબીલીને છેડ મા, રે મોરલી
ભમ્મરિયા કૂવાને કાંઠડે;
ઘેરો ગંભીર એનો ઘોર રે,
મોરલી ભમ્મરિયા કૂવાને કાંઠડે.

મોરલીના બોલ ઘૂમે અાભમાં રે, મોરલી
ભમ્મરિયા કૂવાને કાંઠડે;

ઘૂમે મ્હારી આંખડીના મોર રે,
મોરલી ભમ્મરિયા કૂવાને કાંઠડે.

સરોવરજળ થંભી ગયા રે, મોરલી
ભમ્મરિયા કૂવાને કાંઠડે
થંભ્યા મ્હારા હૈયાનાં નીર રે,
મોરલી ભમ્મરિયા કૂવાને કાંઠડે.

પડતી સન્ધ્યા યે થંભી ઘડી રે, મોરલી
ભમ્મરિયા કૂવાને કાંઠડે;
થંભ્યા ઘડી વસન્તના સમીર રે,
મોરલી ભમ્મરિયા કૂવાને કાંઠડે.

સ્‍હાંજ પડી, ને સૂરજ આથમ્યા રે, મોરલી
ભમ્મરિયા કૂવાને કાંઠડે;
સંકોરી તેજ કેરી કોર રે,
મોરલી ભમ્મરિયા કૂવાને કાંઠડે;
સંકોર્યા ન જાય ચિત્તચકોર રે,
મોરલી ભમ્મરિયા કૂવાને કાંઠડે.