ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વસન્ત લ્યો

વિકિસ્રોતમાંથી
← વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
વસન્ત લ્યો
ન્હાનાલાલ કવિ
વ્રજરાજ ! ત્હારી વાંસળિયે →


૧૦, વસન્ત લ્યો !





આજે વસન્તની પંચમી, વસન્ત લ્યો !
જગતે ઝીલાય દેવનાં અમી, વસન્ત લ્યો !

વેલે વેલે ફૂલ્યાં ફૂલડાં, વસન્ત લ્યો !
નયને નયને તેજ ઉઘડ્યાં, વસન્ત લ્યો !

કિરણો પ્રફુલ્લી કળીઓ થયાં, વસન્ત લ્યો !
નવલા પરાગ પૃથ્વીમાં વહ્યા, વસન્ત લ્યો !

સંજીવન ફોરે છે ફુવારીઓ, વસન્ત લ્યો !
દેવરંગે છાંટી જગતક્યારીઓ, વસન્ત લ્યો !

આત્માની પાંખડીઓ ફરફરે, વસન્ત લ્યો !
ટોડલે બેસીને મેના તરવરે, વસન્ત લ્યો !

અાંગણ અજવાળાં ઉતર્યાં, વસન્ત લ્યો !
હૈયાના રંગ દેહે નીતર્યા, વસન્ત લ્યો !

છાબ ભરી આવી રસમાળણી, વસન્ત લ્યો!
ટહુકે વૈતાલિણી વસન્ત લ્યો, વસન્ત લ્યો!