ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વ્રજરાજ ! ત્હારી વાંસળિયે

વિકિસ્રોતમાંથી
← વસન્ત લ્યો ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
વ્રજરાજ ! ત્હારી વાંસળિયે
ન્હાનાલાલ કવિ
સરોવર ઝીલવા ગઈતી, સજનવા →



૮, વ્રજરાજ! ત્હારી વાંસળીએ





હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.

લખ્યું કંઇ કંઈ આંખડી-આંખડીએ,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ,
લખ્યું હૃદયકમળની પાંખડીએ,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ,

પ્રેમપરિમળ પૂર્યા પરમ કંઈ
નર્તન્તાં ફૂલફૂલડિયે,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
લખ્યું વનની વેલડવેલડીએ,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.

ઇન્દ્રરંગ પૂરીને રસમન્ત્રો,
લખ્યા ઘૂમતી રસવાદળીએ,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.

લખ્યું રાસરમણ રૂપપૂતળીએ,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.

હૈયાવેધણ હૃદયઋચાઓ
અજબસલૂણી લખી વિજળીએ,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
લખ્યુ કંઈ કંઈ તારલી-તારલીએ,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.

અભયવચન દીધ જનકુળને,
અમે સાંભળ્યુ એ તો ગોકુળિયે,
વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.
લખ્યું જગપાવન તુજ પાવલિયે,
હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.

હો વ્રજરાજ ! ત્હારી વાંસળીએ.