ન જાણશો તે અમો મોટા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ન જાણશો તે અમો મોટા
બાપુસાહેબ ગાયકવાડ


ન જાણશો તે અમો મોટા;
વિચારી જુઓ ન જાણશો તે અમો મોટા. ટેક૦

કાચી કાયા તારી ધૂળ મળી જશે,

જેમ દારૂ તણા ટોટા;

એક માટીનાં સર્વે બનાવ્યાં,

અમે ઘડા, ગાગેર ને લોટા.
વિચારી જુઓ૦.

ગજિયાણી મુમની ને દોટિયો પહેરો,

ઝીણા ઓઢો ને શાલ જોટા;

ટકા તે ગજની ખાદી તે પહેરો,

અંતે ધુમાડાના ગોટા.
વિચારી જુઓ૦.

તે હરિની ભક્તિ વિના કાળની છે ફાંસી,

જમ મારશે ઘણા સોટા;

ઊંચ ને નીચ એ તો માયાના ખેલ છે,

એ તો પાની તણા પરપોટા.
વિચારી જુઓ૦.

રાજા ને રંક સહુ ભૂમિમાં જાશે

પછી ઉપર ચણાશે ઓટા;

સત્ નામ બાપુ તે તો સહુથી મોટા,

હરિ ભક્તિ વિના સહુ ખોટા.
વિચારી જુઓ૦.