પંકજ/કીર્તિ કેરાં કોટડાં

વિકિસ્રોતમાંથી
← વૃદ્ધસ્નેહ પંકજ
કીર્તિ કેરાં કોટડાં
રમણલાલ દેસાઈ
૧૯૩૫
ચંદા →






કીર્તિ કેરા કોટડા


'વંદે માતરમ્ ! મહાત્મા ગાંધી કી જય ! જયંતકુમાર કી જય !' સ્ટેશને ગાડી ઊભી રહી, અને લોકોનું મોટું ટોળું જયનાદ કરી ઊઠ્યું. ગાડીની બારીઓ પાસે બેઠેલા ઉતારુ ટોળાં તરફ જોવા લાગ્યા. અંદર બેઠેલા બારીઓ ઉપર ગિરદી કરવા લાગ્યા. ટોળાંમાં ભારે ઉશ્કેરાટ હતો. જયનાદ વધ્યે જતો હતો, અને વગર તકરારે ખુશમિજાજભર્યા ધક્કાધક્કી પણ સારી રીતે થતાં હતાં.

ટોળાંમાંથી ત્રેવીસેક વર્ષનો દેખાવડો યુવક ગાડી ભણી આવતો દેખાયો. તેણે લટકતું ખાદીનું ધોતિયું, સ્વચ્છ લાંબી બાંયની કફની, વાંકી ગોઠવેલી ગાંધીટોપી, મોટાં ગોળ કાચનાં ચશ્મા અને ચંપલ પહેર્યાં હતાં. ધીરગંભીર ગતિએ ચાલતા એ યુવકના ગળામાં ફૂલહાર હતા અને તે ઉપરાંત બીજા ગળે વીંટળાયે જતા હતા.

'જયંતકુમારની જય !'

ફરી જયઘોષ થયો. મીઠે મુખડે, લળી લળીને તેણે ચારે પાસ નમસ્કાર વેર્યા. સેકન્ડ કલાસના એક ડબ્બા આગળ એ યુવક અટક્યો અને ટોળાંએ ડબ્બાને ઘેરી લીધો. યુવકે નીચે જ ઊભા રહી ટોળામાંથી આગળ આવી શકતા ગૃહસ્થો સાથે ટૂંકી ટૂંકી વાતચીત કરી. જેની જેની સાથે તેણે વાત કરી તેના તેના મુખ ઉપર પોતાના ભાગ્યશાળીપણાનું ભાન અંકિત થયેલું દેખાતું હતું.

ગાર્ડે સીટી વગાડી. યુવક ડબ્બાની અંદર ગયો અને બારી પાસે બે હાથ જોડી ઊભો રહ્યો.

'સેકન્ડ કલાસની ટિકિટ શું કરવા કઢાવી?' યુવકે જરા અણગમો બતાવી પાસે ઊભેલા એક બીજા ખાદીધારીને પૂછ્યું.

'તમે આટલો ભોગ આપ્યો છે, આટલું કષ્ટ વેઠ્યું છે, અને અને તમને પાંચ કલાક આરામ પણ ન આપી શકીએ ?' પેલા ખાદીધારીએ કહ્યું.

'હું એકલો કાંઈ કષ્ટ વેઠું છું ? જેટલા પ્રમાણમાં આપણે કષ્ટ વેઠીશું એટલા પ્રમાણમાં આપણી પ્રગતિ થવાની છે.' યુવકે કહ્યું અને ગાડી ચાલી. ટોળાંમાંથી ફરી જયકાર ગાજી ઊઠ્યો :

'વંદે માતરમ્ ! હિંદ મૈયાની જય ! મહાત્મા ગાંધીની જય ! જયંતકુમારની જય !'

ગાડી આગળ વધી. સ્ટેશનનું પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી તેની નમસ્કાર પરંપરા ચાલુ રહી. પ્લેટર્ફોર્મ પૂરું થયું. યુવકે ડોકું બારી અંદર લીધું. છતાં તેને લાગ્યું કે સિગ્નલ આગળ થોડાં માણસો ઊભાં છે. ટેવને લીધે તેનાથી એ ટોળાંને નમસ્કાર થઈ ગયા - જો કે એ ટોળું રેલવેના મજૂરોનું હોવાથી યુવકના નમસ્કારને તે ટોળાંએ જોયા નહિ.

યુવક પ્રસન્નતાપૂર્વક બારી પાસે બેસી ગયો તેના ડબ્બામાં જુદી બેઠક ઉપર તેના સિવાય બીજા બે પુરુષો બેઠેલા તેણે જોયા. એક સાદો, સહેજ દૂબળો બીજા વર્ગને બહુ શોભે નહિ એવો પરંતુ ચમકતી આંખવાળો ચાળીસેક વર્ષનો પુરુષ હતો; બીજા સુખી ગૃહસ્થ લાગતા હતા. તેમનું શરીર ઊજળું અને પુષ્ટ હતું. સૅકન્ડ ક્લાસમાં લાંબા સમયથી બેસવાની તેમને ટેવ હોય એમ તેમની બેસવાની ઢબ ઉપરથી લાગતું હતું. બન્ને ગૃહસ્થ છાપું વાંચતા હતા અને થોડી થોડી વારે પેલા નવા આવેલા યુવક તરફ જોતા હતા.

યુવક સંતુષ્ટ તો હતો. તેમાં આ સેકન્ડ કલાસમાંના મુસાફરો પણ તેની સામે નિહાળી તેના મહત્વને સ્વીકારતા હતા એથી તેનો સંતોષ વધી ગયો. તેના મુખ ઉપરનું ગાંભીર્ય, ગૌરવ અને કૃપાભર્યું સ્મિત કાયમ રહ્યું હતું. તેને બીજા કોઈ સામે જોવાની પરવા ન હતી. માત્ર તેઓ તેના સામું વખત બેવખત જુએ છે કે નહિ એટલું નક્કી કરવા ખાતર જ તે પોતાની આંખ ફેરવતો હતો. તેણે ઝોળીમાંથી એક પુસ્તક કાઢ્યું. પુસ્તક મોટું અને સુંદર હતું. સાદા દુબળા મુસાફરે પુસ્તક તરફ નજર નાખી જોઈ લીધું કે એ પુસ્તક 'બોલ્શેવીઝમ' ઉપરનું હતું.

બીજું સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી. આકર્ષક પોષાકવાળા એક છોકરાએ રોફબંધ ચાનો સરંજામ લાવી રૂઆબદાર ગૃહસ્થ પાસે મૂકી દીધો.

'કેમ ભાઈ, તમે ચા પીશો? ગૃહસ્થે યુવકને પૂછ્યું.

'ટેવ તો જતી રહી છે, પણ હા, આપકહો છો એટલે પીશ.'

'બીજો સેટ લાવ.' છોકરાને ગૃહસ્થે હુકમ આપ્યો.

છોકરો ઝડપથી ચાનો બીજો સામાન લઈ આવ્યો. યુવકને તેમણે પાસે બેલાવ્યો. દુર્બળ ગૃહસ્થ પણ પાસે આવ્યા.

'લાવો જી. હું તૈયાર કરૂં.' યુવકે વિવેક કર્યો.

'ઉપકાર ! તમે ચાની ટેવ કેમ મૂકી દીધી ?'

'કૉલેજમાં તો પીતો, પરતુ કૉલેજ છોડી અને મારે કેદમાં જવું પડ્યું.' યુવકે જવાબ આપ્યો.

'કેમ કેદમાં જવું પડ્યું ?'

'અસહકારમાં જોડાયો. ગાંધીજીની હાકલનો જવાબ દરેક યુવકે આપવો જોઈએ.' યુવકે કહ્યું.

બન્ને ગૃહસ્થોએ પરસ્પર સામું જોયું. એકે યુવકને પૂછ્યું : 'ક્યારે છૂટ્યા?'

'ગઈ કાલે જ, આજનાં છાપાંમાં બધી હકીકત છે.'

'એમ? આપનું નામ શું ?'

'મારું નામ નથી જાણતા? મારું નામ જયંતકુમાર.'.

ગંભીર ગૃહસ્થે યુવક સામે જોયું. યુવકની સાદાઈમાં અભિમાન રહેલું તેમને લાગ્યું. છતાં વર્તમાનપત્રમાં એમ. એ.નો અભ્યાસ છોડી અસહકારના યુદ્ધમાં પડેલા એક નવી ઢબના નામવાળા યુવકની કીર્તિના પડઘા પડેલા તેમને યાદ આવ્યા. આ યુવકે આખી પાઠશાળામાં હડતાલ પડાવી મુખ્ય અધ્યાપકને તોબાહ પોકરાવી હતી; તેણે અસરકારક ભાષણ આપ્યાં હતાં; અમલદારોની ટીકા કરી લોકોને હસાવ્યા હતા, અને પોતાના વીરત્વભર્યાં દ્રષ્ટાંતથી અનેક બીકણોના હૃદયમાં શૌર્ય ઉપજાવ્યું હતું.

આવા આશાભર્યા યુવકનું આગેવાનમાં સ્થાન હોય એમાં નવાઈ નથી. પરંતુ પેલા ગૃહસ્થને યાદ આવ્યું કે કો'ક સવારે એવા જ નામના યુવકને થયેલી કેદની શિક્ષાએ તેમના અંતઃકરણમાં નિઃશ્વાસ પ્રેર્યો હતો.

'ગાંધીએ છોકરાઓના અવતાર બગાડી નાખ્યા !' તેમના મનમાં તે વખતે ઉદ્ગાર પણ સ્ફુરી આવ્યા હતા. એ જ આછી પ્રખ્યાતિ પામેલ યુવક આજે અનેક મનુષ્યના જયનાદ વચ્ચે તેમની પાસે આવી બેઠો હતો.

'ઠીક, જયંતકુમાર, હવે ક્યાં જશો?' ગૃહસ્થે પૂછ્યું.

'મારા પિતાને મળતો આવું.'

'પછી?'

“પછી શું ? યાહોમ ! આટઆટલા સંઘને પ્રેરણા આપનાર હું હવે બેસી રહું એ બને જ નહિ. લ્યો સાહેબ, આ પ્યાલો. આપનું નામ ?' જયંતકુમારે પૂછ્યું.

'મારું નામ મહાવીર.' પેલા દૂબળા દેખાતા ગૃહસ્થે કહ્યું. 'આપ જૈન હશો.' જયંતે પૂછ્યું.

'ના જી, હું કૃષ્ણનો – કૃષ્ણની ગીતાનો ઉપપાસક સનાતની છું.' સહેજ કટાક્ષમાં દુર્બળ ગૃહસ્થ બોલ્યા. તેમની આંખમાં ચમક વધી ગઈ.

ચા પીતે પીતે ત્રણે જણ વચ્ચે ઘણી વાતચીત થઈ એમ કહેવા કરતાં જયંતકુમારે જ મોટે ભાગે વાત કરી એમ કહેવામાં હરકત નથી. તેમણે મહાવીરને પૂછ્યું :

'ગીતાના આપ ઉપાસક છો ત્યારે દેશની લડતમાં આપનો કાંઈ ફાળો હશે જ.'

'હું અહિંસામાં માનતો જ નથી.' મહાવીરે કહ્યું.

'કારણ?'

'કુદરત અને ઈતિહાસ બન્ને અહિંસાનાં વિરોધી છે.'

'કુદરત એ હૃદયસંપન્ન માનવીઓ માટે ખોટો ભોમિયો છે. અને ઈતિહાસ તો આપણે રચીએ તેવા રચાય.'

એ દલીલનો કોઈએ જવાબ આપ્યો નહિ. માનવીના આગ્રહો અને દુરાગ્રહો એટલા પ્રબળ હોય છે કે તે દલીલથી ફેરવાતા નથી અને માનવી પોતાને ભારે વિચારવંત પ્રાણી તરીકે ઓળખાવવા મથે છે !

બીજું સટેશન આવ્યું. પોલીસની નાની નાની ટુકડીઓ સ્ટેશન ઉપર ગોઠવાઈ ગઈ હતી; ગાડી ઊભી રહેતાં બરાબર એ ટૂકડીએ એ દરેક ડબ્બા ઉપર ધસારો કર્યો.

'મારે માટે હશે.' જયંતકુમારે બેદરકારીભર્યા દેખાવથી હસીને જણાવ્યું.

મહાવીર હસ્યો. તેણે કહ્યું :

'તમને તમારું બહુ મહત્ત્વ લાગે છે.'

આ યુગના યુવકો વાગ્યુદ્ધમાં કોઈથી હારતા નથી. તેમનું ચબરાકપણું અડકી શકાય એવું ધન હોય છે. જયંત માર્મિક વાગ્વિનોદમાં કુશળ હતો. તેણે હસીને જવાબ આપ્યો :

'સરકારને અમારું મહત્ત્વ એથી યે વધારે લાગે છે.' જયંતે ચા પાનાર ગૃહસ્થની હાસ્યમાં સંમતિ મેળવવા તેમની સામે જોયું. તેમણે વિવેકપૂરતું ખાલી હાસ્ય કર્યું.

એકાએક સેકન્ડ કલાસનું બારણું ખૂલ્યું અને દમામદાર પોલીસ અમલદાર અને બે સિપાઈઓએ અંદર પ્રવેશ કર્યો. તીક્ષ્ણ દૃષ્ટિથી તેમણે ત્રણે પાસે પાસે બેઠેલા ઉતારુઓને જોઈ લીધા. નવી ઢબે ચા પીવામાં ઓછામાં ઓછો પા કલાક લાગવો જોઈએ એ સૂત્ર અનુસાર હજી ચા પીવાની ક્રિયા ચાલુ હતી. ત્રણે જણે પોલીસ સામે જોઈ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું; માત્ર મહાવીરે નજર ફેરવી લીધી, અને નવી ચા બનાવવાના કાર્યમાં તે પડ્યો.

પોલીસ અમલદારે તત્કાળ 'એટેન્શન’ની અદાથી ઊભા રહી પેલા પુષ્ટ ગૃહસ્થને સલામ કરી. ગૃહસ્થે સલામ ઝીલી અને પૂછ્યું

'ઈન્સ્પેકટર છો ?'

'હા જી. આપના વખતમાં જ હું ચડ્યો.'

'કંઈ તપાસમાં નીકળ્યા છો?'

'હા જી'

જયંતે મુલાયમ સ્મિતથી અમલદાર સામે જોયું. રાજદ્વારી યુવકો સિવાય પોલીસને કશી જ તપાસ હોઈ શકે નહિ એમ તેના મુખ ઉપરથી લાગ્યું.

'શાની તપાસ ?' ગૃહસ્થે પૂછ્યું.

'એક રાજદ્વારી કેદીની.' અમલદારે કહ્યું.

'ગઈ કાલ સુધી રાજદ્વારી કેદી હું હતો.' જયંતે કહ્યું.

'તમારું નામ શું ?' અમલદારે સહજ કરડાકીથી પૂછ્યું.

'મારું નામ જયંત.'

'જયંત બયંત હું જાણતો નથી. તમે ક્યાંથી બેઠા ?'

'આગલા સ્ટેશનેથી.' જયંતે કહ્યું. અમલદારે પેલા ગૃહસ્થ સામે જોયું. તેમણે સંમતિ દર્શાવી કહ્યું :

‘હા, આગલા સ્ટેશનેથી બેઠા છે.'

‘ત્યારે તો અસહકારી હશે. એ નહિ જોઈએ.' અમલદાર બોલ્યા. જયંતકુમારનું મુખ સહજ ઊતરી ગયું.

'એ સિવાય તો આ ભાઈ મારી સાથે મુંબઈથી આવે છે.' ગૃહસ્થે કહ્યું.

'માફ કરજો, સાહેબ. આપના કોઈ માણસ ઉપર મારે વહેમ લાવવાનો છે જ નહિ. આપને નાહક તકલીફ પડી.' અમલદાર બોલ્યો .

‘તમારે તમારી ફરજ બજાવવી રહી.'

'આપને બેઠેલા જોયા હોત તો હું અંદર ન આવત.'

'હરકત નહિ. તમારે જરૂર પડ્યે મારી પણ તપાસ કરવી જોઈએ.' ગૃહસ્થે કહ્યું.

પોલીસ અમલદાર અને સિપાઈઓ ગૃહસ્થને સલામ કરી પાછા ઊતરી પડ્યા.

'આપ સરકારી નોકર છો ?' પોલીસના ગયા પછી સુખી ગૃહસ્થને જયંતે પૂછ્યું.

'હું સરકારી નોકર હોઉં તો ?'

'તો મને દિલગીરી થશે.'

'કારણ?'

'કારણ એટલું જ કે આપને આ જયંતભાઈ જેટલાં ફૂલહાર અને માનપાન ન મળી શકે.' મહાવીરે વાતમાં વચ્ચે પડી કહ્યું. હવે તેને હસવું આવ્યું. તે અત્યાર સુધી ભાગ્યે જ હસ્યો હતો.

'એ ફૂલહાર અને માનપાન આત્મભોગનાં પરિણામરૂપ છે; આત્મભોગની પ્રેરણારૂપ નથી.' જયંત જરા છેડાઈ બોલ્યો.

'શા ઉપરથી કહે છો.' મહાવીરે પૂછ્યું.

'તમને કે આ ભાઈને એવા ફૂલહાર મળતા નથી તે ઉપરથી.' જયંતે વધારે ખીજવાઈ ચબરાકી પુરવાર કરતો જવાબ આપ્યો.

મહાવીરે વધારે હસીને કહ્યું : - ‘આ ભાઈ કોણ તે જાણો છો ?'

'ના.'

'રાવબહાદુર વિહારીલાલનું નામ સાંભળ્યું છે?'

'હા. કંઈક યાદ આવે છે. એકાદ વખત તેઓ સરકારના પ્રધાન હતા એ તો નહિ?'

જયંતે પ્રધાન અને પ્રધાનપદનો જાણે કશો હિસાબ ન હોય એવી રીતે પૂછ્યું.

'એ જ. તેઓ જ્યારે પ્રધાન હતા ત્યારે દરેક સ્ટેશને તમારાથી વધારે નહિ તો તમારા જેટલા જ ફૂલહાર મેળવતા હશે, નહિ?' મહાવીરે કહ્યું.

'તમે બન્ને લડી પડશો. એ વાત જ બદલી નાખીએ તો?' રાવબહાદુરે સલાહ આપી.

'નહિ, સાહેબ. હું તો ગુસ્સો કરીશ જ નહિ.' જયંતે કહ્યું. ગુસ્સો કરવામાં પાપ માનવા ટેવાયેલા જયંતને ખ્યાલ આવ્યો કે તે ગુસ્સા તરફ વળતો જતો હતો.

'જેને ગુસ્સો જ ન ચડે એ દેશનું દળદર કેમ ફેડી શકશે !' મહાવીરે કહ્યું.

'વગર ક્રોધે અમે દેશની પ્રગતિ સાધી રહ્યા છીએ એ ખુલ્લું દેખાઈ આવે છે.' જયંતે કહ્યું.

'તમે શી પ્રગતિ સાધી?' મહાવીરે પૂછ્યું.

'બંદીખાનાનો ભય ટાળી નાખ્યો.'

'બંદીખાનાનો ભય એ શું તેની તમને ખબર જ નથી. માસ–વરસ ટોળાબંધ કલ્લોલતા રહેવું એનું નામ બંદીખાનું હોય તો તેનો યશ લેવો વીસરી જજો.'

'તમે અસહકારની ચળવળને અન્યાયથી આપતા? ના'

‘અસહકારની માટે ફાંસી, દેશનિકાલ કે જન્મ કેદની સજા નકકી થાય અને પાછા આવીને મોખરે ઊભા રહો તો હું તમને જરૂર શાબાશી આપીશ.' મહાવીરે કહ્યું.

જયંત વિચારમાં પડ્યો. મહાવીર કહે છે તેવો પ્રસંગ આવ્યે કેટલાં મનુષ્ય બહાર પડે? જયંત પોતે પણ આમ મોખરે ઘૂમે ખરો? તેને પોતાને જ સહજ શંકા ઉદ્દભવી.

'આટલું પણ થાય છે એ ઓછું છે?' જયંતે બચાવ કર્યો.

'જે કાર્યને માટે મરવાની તૈયારી ન હોય તે કાર્ય ને હું તો શોખ સાહેબી જ ગણું છું. પ્રતિષ્ઠા માટેનાં નવી ઢબનાં હવાતિયાં. નહિ ?' મહાવીરે કહ્યું.

‘તમને અમારી પ્રતિષ્ઠા કેમ ખૂંચે છે?' જયંતે પૂછ્યું.

'મને રાજકીય પ્રતિષ્ઠા એટલા માટે ખૂંચે છે કે તેનું અસ્તિત્વ બહુ જ અલ્પજીવી છે.' મહાવીરે કહ્યું.

વિહારીલાલે પ્યાલો મૂકી વર્તમાનપત્ર હાથમાં લીધું. મહાવીરના કથને તેમના હૃદયમાં કંઈ કંઈ ચિત્રો ઉત્પન્ન કર્યા. છાપું તેમનાથી વાંચી શકાયું નહિ. તેમને મળેલી મિજબાનીઓ, માનપત્રો, ફૂલહાર તેમની નજર આગળ રમી રહ્યાં. સભાઓનાં અભિનંદનો, ગવર્નરનાં વખાણ અને વર્તમાનપત્રોના અગ્રલેખોમાં તેમનું દર્શાવાયેલું મહત્ત્વ એ બધું તેમને યાદ આવ્યું. પ્રધાનપદનો છેલ્લો દિવસ તેમને મળેલું ભવ્ય માન જોતાં તેમના જીવનનો સુવર્ણ દિન હતો. તેમણે કરેલાં મહાકાર્યોની લાંબી યાદી તે દિવસે અપાઈ હતી; તેમણે પ્રધાનગીરી દરમિયાન લીધેલી મહાભારત મહેનતનાં જ્વલંત વર્ણનો થયાં હતાં. તેમના મહાપુરુષત્વને સાબિત કરે એવા સારા સ્વભાવનાં ઝમકદાર વર્ણનો થયાં હતાં; ભરતખંડના ઈતિહાસમાં તેમનું નામ અમર થઈ ગયું છે જવાબદાર અધિકારીઓ તરફથી એવી જાહેર ખાતરી અપાઈ હતી.

અને આજ !

કોઈ પત્રમાં તેમનું નામ પણ આવતું નથી. કોઈ પણ સ્થળે તેમને ફૂલહાર થતા નથી. તેમને માટે કોઈ મિજબાનીઓ ગોઠવતું નથી. તેમણે કરેલાં ઈતિહાસપ્રસિદ્ધ કાર્યો વિષે આખું જગત અજાણ બની ગયું છે. હવે બધું નવા પ્રધાન માટે વપરાય છે એટલું જ નહિ, કોઈ સભા કે મિજબાનીમાં પ્રમુખ કે સભ્ય તરીકે દ્વિતીય મહત્વનું સ્થાન મળતાં તેમને પોતાને નવા પ્રધાન માટે અતિશયોક્તિ ભર્યા વિશેષણ વાપરવાં પડે છે.

ત્યારે ખરું શું? વખાણના શબ્દો તાત્કાલિક ફૂટી ઊઠતા દારૂખાના સરખા જ હશે ? તેમનાં કાર્યો એ જળતરંગ જેટલાંજ સ્થિરહેશે? કહેવાતો ઈતિહાસ સાન્ધ્ય—રંગો જેટલો જ અલ્પજીવી હશે?

મહાવીર અને જયંત વચ્ચેનો વાર્તાલાપ ચાલુ જ હતો તેની રાવબહાદુર વિહારીલાલને દિવાસ્વપ્નમાં ખબર રહી નહોતી. પરંતુ મહાવીરનું એક વાક્ય તેમના કાન ઉપર અથડાયું અને વિહારીલાલનું દિવાસ્વપ્ન અદ્રશ્ય થઈ ગયું. તેઓ ચમકી ગયા. મહાવીરનો ઉચ્ચાર તેમણે સાંભળ્યો :

'પેલા પોલીસ અમલદાર ખોળતો હતા તે મને, તમને નહિ.'

'શા ઉપરથી કહો છો?’ જયંતે પૂછ્યું.

જે પત્રમાં તમારા છુટકારાનાં ઊજળાં વર્ણન છે તે પત્રના અગ્ર ભાગમાં મને પણ નાનું સરખું સ્થાન મળ્યું છે.' મહાવીરે કહ્યું. જયંતને પોતાના છુટકારાનાં વર્ણનમાંથી બીજે નજર નાખવાની ફુરસદ મળી હોપણ એક જૂનાપુરાણા રાજકીય કેદીના અદ્રશ્ય થયાની વાતમાં તેને સંભારી રાખવા જેવું મહત્વ લાગત નહિ. તેણે પત્ર ઉપર દષ્ટિ ફેરવી અને નહિ જેવા કુતૂહલથી પૂછ્યું :

'કેદમાંથી નાસી ગયેલા રાજદ્વારી કેદી તે તમે ? '

'હા. તમને જ્યારે પૂરું બોલતાં કે ચાલતાં પણ નહોતું આવડતું ત્યારે મારા ઉપર ચાલતા મુકદ્દમાની હકીકત હજારો માણસો રસપૂર્વક વાંચતાં હતાં !'

'તેથી શું ?' 'તેથી એટલું જ કે તમારા સિવાયની બીજી બાબતો પણ તમે વાંચતા રહો.'

'પણ અમારો સિદ્ધાન્ત છૂપી રીતે કેદખાનામાંથી નાસવાની મના કરે છે.'

'તમે પંદર વર્ષ આન્દામાનમાં કાઢ્યાં નથી એટલે તમને એમ લાગે.'

જયંત ચમક્યો, તેણે મહાવીરની સામે જોયું, અને પૂછ્યું :

‘તમે પંદર વર્ષ આન્દામાનમાં કાઢ્યાં છે?'

'હા. અને એ નિવાસ પૂરો કરી અહીં આવ્યો ત્યારે પોલીસે પકડીને મને ખબર આપી કે હજી બીજો ખટલો મારા ઉપર ઊભો છે.' મહાવીરની આંખો તરવારની ધાર સરખી તીક્ષ્ણ અને તેજસ્વી બન્યે જતી હતી.

'તમે રાજદ્વારી કામે દેશનિકાલ થયા હતા ?'

'હા, મારા વખતમાં રાજદ્રોહ માટે ઘણી સખ્ત સજા થતી. પૂછો રાવબહાદુરને. તેઓ મારા બચાવમાં વકીલ હતા.' મહાવીરે કહ્યું.

રાવબહાદુર વધારે ચમક્યા. સોળસત્તર વર્ષો ઉપર એક રાજદ્વારી કાવતરાના કામે તેમણે બચાવ કર્યો હતો તે તેમને સાંભરી આવ્યું. જગબત્રીસીએ ચડેલો એ જટીલ મુકદ્દમો આખા હિંદનું ધ્યાન ખેંચી રહ્યો હતો. વિહારીલાલે એ કામમાં ઘણી નામના મેળવી. તેમના પ્રયત્નથી કેટલાક આરોપીઓ છૂટી ગયા, કેટલાકને ઓછી વધતી કેદની સજા થઈ અને યુવકનો ગુનો બહુ ભયંકર સાબિત થવાથી તેને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. તેમનો પ્રયત્ન ન હોત તો ઘણા ફાંસીએ ચડત.

તે દિવસથી વિહારીલાલની પ્રતિષ્ઠા વધતી ચાલી. વકીલાત અને જાહેર જીવનમાં તેમણે ભારે કીર્તિ સંપાદન કરી; અને છેલ્લે છેલ્લે તેઓ સરકારમાં પ્રધાનની પદવીએ પણ પહોંચી ગયા હતા. જે રાજદ્રોહના મુકદ્દમાએ એક આરોપીને કાળા પાણીએ મોકલ્યો તે જ મુકદ્દામાએ વિહારીલાલને પ્રધાનપદ સુધી ચડાવ્યા.

તેઓ વિસ્મય પામી બોલ્યા :

'ત્યારે તમે શું મને ઓળખીને મારી સાથે બેઠા હતા?'

'હા, જી. આપને જોતાં બરાબર મેં ઓળખ્યા, અને મને લાગ્યું કે આપની ઓથે હું પકડાતો બચી જઈશ. થયું પણ તેમ જ.'

વિહારીલાલને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમની સાથે બેસવા આવનાર મુસાફર એક આરોપી હતો. નહિ તો તેઓ વિવેક કરી, તેની કાળજી રાખી, પોતાની પ્રધાન તરીકેની કારકિર્દીનું બયાન ભાગ્યે જ કરત.

'હું પ્રધાન હતો એવી ખબર તમને ક્યાંથી પડી?' તેમણે પૂછ્યું.

'બે માણસની વાત ઉપરથી. આપના ડબા પાસેથી પસાર થતાં બે માણસોએ આપને સલામ કરી; અને સહજ આગળ વધી કહ્યું...'

'શું કહ્યું?'

‘આપને કહેવા સરખું નથી. ભાવાર્થ એટલે જ હતો કે આપ પ્રધાનપદ ઉપર હતા ત્યારે જે પ્રતિષ્ઠા ભોગવતા તે એ પદ સાથે ચાલી ગઈ હતી.' મહાવીરે કહ્યું.

વિહારીલાલ વગર બોલ્યે પાછા પત્રમાં જોવા લાગ્યા. છતાં તેમનું ધ્યાન બન્નેના વાર્તાલાપ તરફ જ હતું.

'આમ ભાગી આવવાનું કારણ?' જયંતે પૂછ્યું.

'કારણ? મને લાગ્યું મારું જીવન કેદખાને જ પૂરું થવા સર્જાયેલું છે. આ પંદર વર્ષમાં મારાં માતાપિતા અને મારી પત્ની મૃત્યુ પામ્યાં. એક દીકરી છે તે કેાઈ સગાંને ઘેર ઊછરે છે. મને થયું કે જીવનમાં એક વખત એનું મુખ જોઈ લઉં.' મહાવીરના કંઠમાં સહજ રુંધામણ થઈ.

‘પણ તમે રજા માગી આવી શક્યા હોત !' 'અસહકારીઓને એ સગવડ મળે. અમને નહિ. વળી ત્યાં કે અહીં મારો જામીન કાણ થાય ?'

'પાછા પકડાઈ ગયા હોત તો?'

'હજી યે કોણે જાણ્યું કે પુત્રીનું મુખ જોતાં પહેલાં હું નહિ પકડાઉં ? એમ થશે ત્યારે ગીતાવાક્ય યાદ કરીશઃ मा फलेषु कदाचन.'

સૌમ્ય અસહકારી અને કરાલ ક્રાન્તિવાદી બન્ને ગીતા ઉપર ઝૂઝે છે એ વિચારે ગીતાના અમર પ્રેરણઝરણ પ્રત્યે વિહારીલાલ પાસે મૂક નમન કરાવ્યું.

પંદર વર્ષને દેશવટો ! વહાલાંનો વિયોગ અને અદીઠ મૃત્યુ ! પરાશ્રયે ઊછરતું એક સંતાન ! તેને નજરે જોવાની ખુલ્લી તક પણ નહિ. જયંતને મહાવીર પ્રત્યે માન ઉત્પન્ન થયું. તે હિંસાવાદી હતો એ દિલગીરીભરી ઘટના ! પરંતુ તેનો ત્યાગ ? છ માસ કેદ ભોગવી આવેલા જયંતમાં એ ત્યાગને અંશ પણ હતો ખરો ? જયંતના હૃદયે ના પાડી.

પ્રધાનપદ ગયા પછી માનસંગ અવસ્થા ભોગવતા રાવબહાદુર વિહારીલાલનું હૃદય પણ પ્રશ્ન હિંડોળે ચડ્યું. એ ક્રાંતિઘેલો પુરુષ અકર્મ–વિકર્મમાં ગૂંચવાઈ ગયો ! એ એની કમનસીબી ! પરંતુ એવી જ ભીષણ ત્યાગભાવનાથી તે સહકારી બન્યો હોત તો ? તે એક મોટો ગોખલે ન થઈ શકત? પ્રાન્ત પ્રાન્તના પ્રધાનોનાં કોડીબંધ નામે સાંભરતાં યે નથી? છતાં આર્થિક ગરીબી ભોગવતા દાદાભાઈ યાદ રહ્યા છે. મહાવીર શું બીજો દાદાભાઈ ન થયો હોત?

'આપની પુત્રીની ઉમ્મર કેટલી ?' જયંતે પૂછ્યું.

'સત્તર થયાં હશે.'

એ પરણી ન હોય તો કેવું ? જ્યંતના હૃદયમાં ખ્યાલ આવ્યો.

પરંતુ યુવતીઓની મીઠી નજર ખોળતા ખાદીધારી કામદેવો પ્રત્યે જયંતને એકાએક અણગમો થઈ આવ્યો. તેણે એ વિચારને રોક્યો, તેને લાગ્યું કે હજી અસહકારમાં સંયમની વધારે જરૂર છે. આ ત્રણે એક જ સ્થળે ઊતરવાના હતા. સ્ટેશન નજીક આવ્યું. મહાવીરે કહ્યું :

‘રાવબહાદુર, આપના પરિચયનો મેં દુરુપયોગ કર્યો છે. પુત્રીને જોઈ હું પાછો વગર પકડાયે પણ મારી બેડીમાં જ બેસી જઈશ. છતાં આપને મારી ખબર આપવી હોય તે હું આપને દોષ નહિ દઉં. મને પકડાવ્યાની કીર્તિ હજી પણ આપ મેળવી શકશો. સરકાર પ્રત્યે આપની એ ફરજ છે.'

રાવબહાદુરે જવાબ આપ્યો :

'તમે એ જ નાસી છુટેલા ગુનેગાર છો એમ કહેવા મારી પાસે પુરાવો નથી. તમારું એકલાનું કથન ચાલે નહિ.'

પરંતુ એ જવાબ કાયદેસર હોય તો પણ ખરો નહોતો. રાવબહાદુર રાજકીય કીર્તિના કોટડાની નશ્વરતા નીરખી રહ્યા હતા.

'ત્યારે હું આપની ઓથે છટકી જઈશ.’

'તે તમે જાણો.' રાવબહાદુરે કહ્યું.

મહાવીર જયંત તરફ ફર્યો અને બોલ્યો :

'ભાઈ જયંતકુમાર, તમે સાચના હિમાયતી છો. તમે પણ મારી વાત જાહેર કરી સચ્ચાઈની કીતિ સંપાદન કરી શકે છો.'

'હું તો અસહકારી છું. મારાથી સરકારને સહાય અપાય નહિ.' સરકારની જ ગાડીમાં મુસાફરી કરતા જયંતકુમારે દલીલ કરી. એ દલીલ, દલીલ તરીકે સાચી હશે; પરંતુ સચ્ચાઈના પૂજક તરીકે ગણાવા ઈચ્છતા એક યુવકને વિચાર આવ્યો કે માનવ સમુદાયની વાહવા ઉપર રચાતા કીર્તિકોટ શાશ્વત હશે ખરા ?

‘ત્યારે, ભાઈ જયંત્ કુમાર, બનશે તો હું તમારા જયઘોષને આધારે પણ છટકી જઈશ.' મહાવીરે કહ્યું.

'તમારી મરજી.' જયંતે કહ્યું અને સ્ટેશન આવ્યું.

જયંતકુમાર છૂટીને આવવાનો છે એ ખબર શહેરમાં થઈ ગયેલી હોવાથી સેંકડો ઉત્સાહી યુવક યુવતીઓએ સ્ટેશન ઉપર આવી હર્ષ નાદથી જયંતકુમારને વધાવી લીધો, અને પુષ્પવૃષ્ટિ કરી તેને ભાવભર્યો આવકાર આપ્યો.

પરંતુ તેનું હૃદય જયઘોષને સાંભળતું નહોતું–પુષ્પસ્પર્શને તે ઓળખતું નહોતું તેના હૃદયમાં એક જ પ્રશ્ન ઘૂમ્યા કર્યો :

જયઘોષ અને પુષ્પવૃષ્ટિનો તે અધિકારી હતો? કયા ત્યાગ ઉપર એ કીર્તિ–વાવટા ફરકતા હતા ? એ વાવટા ક્ષણ પછી તૂટી ફાટી નહિ જાય?

રાવબહાદુર વિહારીલાલને લેવા માટે મોટરકાર આવી હતી. તેમને હવે એ દુઃખ ન થયું કે તેમના પ્રધાનપદ વખતનું સામૈયું આજ અદ્રશ્ય થઈ ગયું હતું. તેમને લાગ્યું કે એ અદ્રશ્ય થયું એ જ બરાબર થયું છે. સરકારને સાથ આપવામાં તેમનો ત્યાગ કેટલો?

જયંતકુમાર અને વિહારીલાલ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા. મહાવીર ક્યાં અદ્રશ્ય થઈ ગયો છે તેમણે જાણ્યું નહિ. પરંતુ એ અદ્રશ્ય થયા છતાં એ બન્ને રાજદ્વારી વીરોના હૃદયમાંથી તે દહાડે મહાવીર ખસ્યો નહિ.

કીર્તિ મેળવવા જાતને પણ હોમી દેવી પડે, સુખને પણ હોમી દેવું પડે, અને સંસારને પણ હોમી દેવો પડે ! નહિ ?

પરંતુ તેને કીર્તિની જરૂર પણ ક્યાં હતી? ભીષણ ત્યાગ કીર્તિનું પણ બલિદાન માગે છે !

સેવાનું સૂત્ર કયું ? બલિદાન સર્વસ્વનું. કીર્તિનું પણ.