લખાણ પર જાઓ

પંકજ/મૂર્તિપૂજા

વિકિસ્રોતમાંથી
← પુનર્મિલન પંકજ
મૂર્તિપૂજા
રમણલાલ દેસાઈ
૧૯૩૫
ગુનાની કબૂલાત →





મૂર્તિપૂજા



સુરેન્દ્ર ઘેલો થઈ જશે એમ મને લાગે છે.'

'શા ઉપરથી ?'

'સાંભળતા નથી, અંદર એકલો બોલ્યા કરે છે તે ?'

'કોઈ ડોકટરને બતાવીએ.'

'જરૂર. કાંઈ રસ્તો કાઢવો પડશે.'

'વર્ષ થઈ ગયું છતાં હજી પરણવાની ના કહ્યા કરે છે.'

'એટલે ડૉકટરને જ શોધવો રહ્યો.'

સુરેન્દ્રના મિત્રો સુરેન્દ્રના ઘરમાં આગલા ખંડમાં બેસી વાતો કરતા હતા.

સુરેન્દ્ર શિક્ષક હતો. શિક્ષક તરીકે તેણે બહુ ઊંચી શક્તિ દર્શાવી હતી. સહશિક્ષકોમાં તેણે માનભર્યું સ્થાન લીધું હતું, એટલું જ નહિ, પણ તેણે સહશિક્ષકોની મૈત્રી પણ મેળવી હતી. શાળાનું વાતાવરણ પણ ઝીણી ઝીણી ઈર્ષ્યાઓથી મુક્ત હોતું નથી. મુખ્ય શિક્ષકોની મહેરબાની અને વિદ્યાર્થીઓનો પ્રેમ ઈર્ષાના અગ્નિને શાળાઓમાં પણ પ્રજ્વળતો રાખે છે. છતાં સુરેન્દ્ર પ્રત્યે કોઈને ઈર્ષ્યા કે અણગમો નહોતાં. વિદ્યાર્થીઓમાં તો તેને માટે એક જાતને મોહ હતો. નોકરી કરતાં તેને પાંચેક વર્ષ થયાં હતાં.

એકાએક તેની પત્ની ગુજરી ગઈ. ઘણા પુરુષોને માથે એ દુઃખદ પ્રસંગ આવી પડે છે. એ સઘળાંને દુઃખ થાય છે અને સુરેન્દ્રને પણ દુ:ખ થયું. લાગણીના પ્રદર્શન ઉપર જેને કાબૂ હોય તે બહુ દુઃખ રડતો નથી. લાગણીને વશ થઈ જનાર ઘણું રડે છે, ઘણું ગમગીન રહે છે. મિત્રો અને ઓળખીતાં સગાંવહાલાં તેની લાગણીના પ્રદર્શનનું પ્રમાણ જોઈ ઓછીવધતી સહાનુભૂતિ દર્શાવે છે, અને છતાં તેની ઉદાસીનતા ચાલુ રહે તો તેનાની કંટાળી જાય છે. સુરેન્દ્રની દિલગીરી છ માસ સુધી ચાલુ રહી. તેને આશ્વાસન આપી, બીજો કાર્યોમાં રોકી તેનું દુઃખ ઓછું કરવા મથતા તેના બે અંગત મિત્રો મનહર અને ભાનુ હવે કંટાળો અને થાક અનુભવતા હતા. એવામાં એકાએક તેમને લાગ્યું કે સુરેન્દ્રના મુખ ઉપર ફેરફાર થયો છે. છ માસ સુધી ન હસેલો સુરેન્દ્ર હસ્યો ! એટલું જ નહિ, તેણે નકશો અને કેળવણી એ સંબંધમાં રસભરી ચર્ચા પણ કરી !

દુ:ખનો ખરો ઉતાર સમય. મિત્રો રાજી થયા. સુરેન્દ્રની ગમગીની ઓછી થઈ એટલું જ નહિ પણ તે આનંદી દેખાવા લાગ્યો. છ માસ સુધીની દિલગીરી શું એક પ્રેમી માટે ઓછી હતી ! થતું આવ્યું છે ને થાય છે. સમય જતાં ઘા રુઝાય એ કુદરતનો નિયમ છે !

આનંદથી વાર્તાલાપ કરી રહેલા સુરેન્દ્રને ભાનુએ લાગ જોઈને પૂછ્યું :

'કેમ હવે શો વિચાર છે?'

ભાનુની આંખમાં અડધી સહાનુભૂતિ અને અડધી મજાક જોયાં. સુરેન્દ્રને સમજ ન પડી. જે વાતચીત ચાલતી હતી તેમાં ભાનુના પ્રશ્નને સ્થાન નહોતું.

'એ શું પૂછે છે? શાનો વિચાર ?'

‘જાણે સમજતો ન હોય ! અમારી પાસે કહેવડાવવાની દાનત છે, ખરું ને !' મનહરે સહાનુભૂતિ અને મજાક ઓગળ વધાર્યાં. 'તમે શું કહેવા માગો છો તે સ્પષ્ટ કરો. આપણે રાજદ્વારી મુત્સદ્દીઓ નથી કે અગમ્ય વાણીમાં સમજી શકીએ.' સુરેન્દ્રે કહ્યું.

'લ્યો, ભાઈ તો સ્પષ્ટ વાત માગે છે ! તે કહે ને એને, ભાનુ !' મનહરે સ્પષ્ટતા કરવા આજ્ઞા આપી.

'કહે, હવે તારે માટે તજવીજ શરૂ કરીએ કે કેમ?' ભાનુએ વ્યવહારકુશળતાનો ભાવ મુખ ઉપર લાવી પુછ્યું.

'અરે પણ શાની તજવીજ ? છે શું ?' હસતાં હસતાં સુરેન્દ્રે પૂછ્યું. તેના હાસ્યથી ઉત્તેજિત થઈ ભાનુએ અગમ્ય વાતાવરણને મૂર્ત બનાવતાં કહ્યું :

'તારાં લગ્નની તજવીજ ! બીજું શું હોય?'

લગ્ન એ મોટે ભાગે તજવીજનો વિષય હોય છે – ખાસ કરી બીજી ત્રીજી વારનું લગ્ન. સુરેન્દ્રના મુખ ઉપર સતેજ આનંદ, સહેજ મૂંઝવણ અને ખેંચી લેવાયેલો ખેદ જોવાની ઈચ્છા રાખનાર બંને મિત્રો સુરેન્દ્રનું મુખ જોઈ ચમક્યા. સુરેન્દ્રની આંખો ખાલી બની ગઈ હતી !

પાંચેક ક્ષણો બાદ સુરેન્દ્રની આંખમાં પ્રકાશ દેખાતો. અર્થહીન બનેલી દ્રષ્ટિમાં અર્થ દેખાયો. તેણે પૂછ્યું કે:

'મારાં લગ્નની તજવીજ ? શા માટે ?'

'જો ભાઈ, હજી ઉમ્મર નાની છે. આખો જન્મારો એકલા રહેવું અશક્ય છે.' ભાનુએ કહ્યું.

'અને એમાં જોખમ પણ છે.' જગતની નીતિ માટે ચિંતા દર્શાવતા મનહરે દલીલ મજબૂત કરી.

'પણ કોણે કહ્યું કે હું એકલો છું?' સુરેન્દ્રે આશ્ચર્ય પામી પૂછ્યું.

'તું અને તારા બુઢ્ઢા નોકર એ સિવાય ઘરમાં બીજું કોણ છે?'

'મારી પત્ની છે.' સુરેન્દ્રે ભાર દઈ કહ્યું.

'ફરી પરણ્યો ? અમને ખબર ન કરી ?'

'તમે તે પાગલ બની ગયા છો કે શુ? એક સામટી મને બે સ્ત્રીઓ પરણાવી છે ? હા... હા...હા...' સુરેન્દ્ર મોટેથી હસ્યો. તેણે મિત્રોને પાગલ કહ્યા, પરંતુ તેના હાસ્યમાં એક જાતનું પાગલપણું મિત્રોને સંભળાયું. તેઓ ચમક્યા. સુરેન્દ્રની પત્નીના સ્વર્ગવાસ પછી તેના ઘરમાં કોઈ સ્ત્રીનો ઈશારો સરખો પણ દેખાયો નહોતો. પછી આ સુરેન્દ્ર શું કહેતો હતો ?

થોડી વારે બન્ને મિત્રો ઘર બહાર નીકળ્યા. બુઢ્ઢો નોકર સામો જ મળ્યો. મનહરે તેને પૂછ્યું : -

'અલ્યા, ઘરમાં કોણ છે?'

'હું અને મારા સાહેબ.'

'કોઈ બૈરી છે ને?'

'ના ભાઈ ! હું રાતદહાડો અહીંનો અહીં રહું છું, પણ કોઈ બૈરું દીઠામાં નથી.'

'વખત બેવખત કોઈ સ્ત્રી આવે છે?'

'ના બાપા, બૈરીનું નામ કે નિશાન કશું યે નથી. ભાઈને તમે સમજાવો ને થાય તો ઠીક.'

'ત્યારે સુરેન્દ્રે શું કહ્યું?' બન્ને મિત્રો પરસ્પરને પૂછતાં ત્યાંથી ચાલી નીકળ્યા.

નોકર ઘરમાં આવ્યો. તેણે ખૂણેખૂણો જોઈ નાખ્યો. ગોદડાંના વિટા અને કબાટનો પાછલો ભાગ તપાસ્યાં; પલંગની નીચે અને રસોડાની અંદર તે જોઈ વળ્યો. ત્યાં કોઈ જ ન હતું !

ઘર કાંઈ મોટું નહોતું. આગલો ખંડ, સૂવાની ઓરડી અને એક રસોડું તથા છેક પાછળ અગાસી, એટલો ભાગ સુરેન્દ્રને કબજે હતો. એ તપાસતાં કાંઈ વાર લાગે એમ ન હતું. સુરેન્દ્ર સિવાય કોઈ તેને દેખાયું નહિ. તે પણ એક છબી સામે નજર રાખી બેસી રહ્યો હતો. તેને ખબર નહોતી કે તેને વૃદ્ધ નોકર ઘરમાં કોઈ અજાણ સ્ત્રીને ખાળી રહ્યો છે !

જરા રહી ફરી નોકરે સુરેન્દ્રની સૂવાની ઓરડીમાં ડોકિયું કર્યું. સુરેન્દ્ર જેમનો તેમ બેઠો હતો. ફક્ત તે કાંઈ બોલતા હોય એમ સંભળાયું.

'બધાં એમ ધારે છે કે તું સ્વર્ગવાસી થઈ. એ ખરું છે?' કોઈને પૂછતો હતો.

'મૂર્ખ મિત્રો ! એમને બતાવું કે તું તો આ રહી ! જીવતી, જાગતી, હસતી !' સુરેન્દ્ર બોલ્યે ગયો.

'ન બતાવું? ચાલ, તારી મરજી પ્રમાણે કરીશ. પણ ફરી હસતું મોં કરી મારી સામે જોઈ રહે !'

વૃદ્ધ નોકર થરથર કંપવા લાગ્યો જુવાન, નાનકડા સાહેબને એમની બૈરી જરૂર વળગી ! તે ત્યાંથી ખસી ગયો. અને રસોડામાં જઈ ઘીનો દીવો સળગાવી માતાને સંભારતો બેઠો.

ખરે, સુરેન્દ્રની પત્ની સુરેન્દ્રને વળગી હતી !...કે પછી સુરેન્દ્ર તેની મૃત પત્નીને વળગી રહ્યો હતો?

સુરેન્દ્ર પોતાની પત્નીને બહુ ચાહતો હતો. તેનું મૃત્યુ તેને અસહ્ય થઈ પડ્યું. પત્નીનો દેહ જાગૃત અવસ્થામાં તેની આંખ આગળ રમ્યા કરતો, અને સ્વપ્નમાં તે ઘડી ઘડી તેને સ્પર્શી જતો. એક રાત્રે પત્નીનું તાદ્રશ્ય રૂપ જોતો તે જાગી ગયો. આંખ સામે જ તેની પત્ની ઊભી રહેલી તેણે દેખી. જાગૃત અને સ્વપ્નના ભેદ ભૂલી તેણે સામે ઊભેલી પત્નીને સ્થિર નયને નિહાળ્યા કરી. એ શું છબી હતી ? ના.

પત્નીની આંખમાં જીવંત ચમક હતી. તેનું મુખ આછું આછું સ્મિત કરી રહ્યું હતું. તે કેમ આમ એકી નજરે જોઈ રહી હતી ?સુરેન્દ્રે પૂછ્યું :

'શું તાકીને જોયા કરે છે?'

પત્ની ઘણી વખત આમ પતિના મુખ તરફ તાકી તાકીને જોતી હતી, અને તેમ કરતાં પકડાય ત્યારે તે શરમાઈને પોતાનું જ મુખ ઢાંકી દેતી હતી.

પતિનો પ્રશ્ન સાંભળી આજે પણ તે સંકોચાઈ ગઈ સુરેન્દ્રને લાગ્યું કે તે લૂગડાંમાં મુખ ઢાંકી દેશે.

'કેટલી શરમાય છે ! ચાલ, હું આંખ મીંચી દઉં, અને તું મારી પાસે આવ, ધીમે ધીમે.'

સુરેન્દ્ર આંખ મચી સૂઈ ગયો. તેની પત્ની તેની પાસે આવી કે નહિ તે તેણે કોઈને કદી કહ્યું નથી. પરંતુ બીજે દિવસે જ તેના મુખ ઉપર પ્રસન્નતા છવાયલી સહુએ નિહાળી.

ત્યારથી સહુને લાગ્યું કે સુરેન્દ્રનો ઘા રુઝાયો. ફરી લગ્ન કરવાની સલાહ આપવાના દિવસ પાસે આવે છે એમ તેના મિત્રોને લાગ્યું. અને લાગ જોઈ એક આનંદભરી ક્ષણે તેના મિત્રોએ તેને સલાહ આપી પણ ખરી. પરંતુ જવાબમાં તેમને નકાર મળ્યો. સુરેન્દ્ર પોતાની પત્ની મૃત થઈ છે એમ માનતો હોય એવું ન લાગ્યું.

મિત્રોના ગયા પછી સુરેન્દ્ર એકમ પોતાની સૂવાની ઓરડીમાં દોડી આવ્યો. તેનું મુખ ઊતરી ગયું હતું, તેનું હૃદય ધડકધડક થતું હતું. હા, એક દિવસ તેને એક ભયંકર સ્વપ્ન આવ્યું હતું ખરું. તેની પત્નીના મૃત્યુને ભયાનક વિચાર તેના મનમાં પાછો ઊભો થયો. તે વિચારમાં ઊંડો ઊતરી ગયો. નિ:શ્વાસ નાખી તેણે સહજ દ્રષ્ટિ ઊંચી કરી. સામે પત્નીનું મુખ હસતું હતું.

'કોનું મૃત્યુ ? અને શી વાત ? મને આ શાની ઘેલછા લાગી છે?' તે બોલી ઊઠ્યો.

'શું થયું ?' પત્ની જાણે પૂછતી હોય એમ સુરેન્દ્રે ભણકાર સાંભળ્યો. તેણે જવાબ આપ્યો : -

'બધાં એમ ધારે છે કે તું સ્વર્ગવાસી થઈ. ખરી વાત?'

પત્નીએ ડોકું હલાવી ના પાડી.


નોકરનો ભય સહજ ઓછો થયો. સુરેન્દ્ર ઓરડીમાંથી બહાર આવી તેને બોલાવતો હતો. 'ભાઈ, તમને કાંઈ થાય છે? ' નોકરે વાત્સલ્યથી પૂછ્યું.

'ના. કેમ ?'

'અંદર શું બોલતા હતા ?'

'એ તે એની જોડે જરા વાત કરતો હતો !'

'કોની જોડે ?'

'મૂરખ, સમજતો નથી ?'

નોકરના દિલમાં ફરી કંપ થયો. સાંજે બીતે બીતે ઓરડી સાફ કરવા જતાં તેના પગ પાછા પડતા હતા. જેટલા દેવનાં નામ આવડતાં હતાં તેટલા દેવનાં નામ લેતા તે અંદર ગયો. ત્યાં કોઈ જ નહોતું. ખુરશી અને ખાટલાની સામે હતી એક માત્ર છબી. ઘડીભર નોકર તે તરફ જોઈ રહ્યો.

'કેવાં હતાં બા ! જાણે લખમીનો અવતાર !'

છતાં નોકરનું લક્ષ સુરેન્દ્ર તરફ જ હતું. ઓરડીમાં આવી સુરેન્દ્ર શું કરે છે અને શું બોલે છે એની તે હવે દરરોજ બાતમી રાખવા લાગ્યો. સુરેન્દ્ર બહાર આવતો ત્યારે કોઈને કાંઈ લાગતું જ નહિ. તે પ્રસન્નચિત્ત વાચાળ અને ઉદ્યોગી બની ગયો હતો. તથાપિ ઘણો સમય તે સૂવાની ઓરડીમાં જ કાઢતો.

છબી સાથેની વાતચીત દિવસે દિવસે વધવા માંડી. ઘરમાં આવતાં બરાબર પોતાની પ્રિયતમાને નિહાળવા 'હું આવ્યો છું' કહી તે અંદર ધસતો. ઘર બહાર જતી વખતે તો મોટેથી કહેતો :

‘હું જરા જઈ આવું. વાર નહિ કરું.'

નોકરને સમજ પડતી નહિ. આ ડાહ્યો સુરેન્દ્ર હવામાં–છબી જોઈને વાત કરે એ શું ? ક્ષણ વાત થાય. ઘડી વાત થાય, કોક દિવસ બોલી જવાય; પરંતુ છબી જાણે જીવતી પત્ની જ હોય એમ સતત તેનું સાનિધ્ય શોધાય અને સતત વાર્તાલાપ ચાલે ત્યારે તેના મગજની અસ્થિરતા વિષે શંકા થાય — અરે, ખાતરી થાય એમાં શી નવાઈ ?

ભાનુ તથા મનહરને આ બધી ખબર નોકર આપ્યા કરતો. કવચિત્ તેઓ અણધાર્યા આવે ત્યારે તેમને પણ સુરેન્દ્રની ઘેલછા સહજ દેખાઈ આવતી. ફરી લગ્ન કરવાથી તેની આ ઘેલછા ઘટી જશે એમ માનતા તેના મિત્રોના આગ્રહને તે હસી કાઢતો; એટલું જ નહિ, તે મિત્રોને મશ્કરીખોર અગર ઘેલા માનતો. કોઈ કોઈ વખત તે જવાબ આપતો :

'એની પત્ની છતાં બીજી વાર પરણવું એ અમારી ન્યાતને રિવાજ નથી.'

આખું જગત જાણતું હતું કે તેની પત્ની તો જગત છોડી ચાલી ગઈ છે. પરંતુ સુરેન્દ્રની તો ખાતરી જ હતી કે તેની પત્ની જીવતી હતી.

'ક્યાં છે તારી પત્ની ?' કવચિત ભાનુ પૂછતો.

'અંદર.'

'બહાર બેલાવ ને !'

આ મિત્રની આજ્ઞા સાંભળતાં સુરેન્દ્ર કોઈ વખત સ્તબ્ધ બની ઊંડાણમાં ઉતરી જતો અગર હસીને જવાબ આપતો.

'તમારા જેવી માગણી કરતા મિત્રોથી હું બચવા માગું છું.'

તેનો મૂક કે વાચાળ જવાબ મિત્રોના ભયમાં વધારો કરતો હતો. ખરે સુરેન્દ્ર ઘેલો જ થઈ ગયો !


ઘેલછાનો ઈલાજ ફરી લગ્નનો. તે સુરેન્દ્ર માટે અશક્ય હતો. બીજો ઈલાજ ડોકટરની સલાહનો.

દર્દી અજબ હતો. તેને પોતાનું દર્દ કબૂલ નહોતું. એટલે બહુ નાજુકાઈથી તેની તપાસ કરવાની હતી. ડોક્ટરે સલાહ આપી :

'છબીની ઘેલછા લાગી હોય તે તે દૂર કરી જુઓ ને !'

મિત્રોએ તેની તૈયારી કરવા માંડી. એક દિવસ નોકરની સહાય મેળવી તેમણે સુરેન્દ્રની મૃત પત્નીની છબી ત્યાંથી ખસેડી નાખી અને સુરેન્દ્રના આવવાની રાહ જોતાં તેઓ બેઠા.

સુરેન્દ્ર ધસમસ્યો ઘરમાં આવ્યો. જગતને મૃત લાગતી તેની પત્ની છબીમાં દિવસે દિવસે વધારે જીવંત બનતી જતી હતી. તેણે આગલા ખંડમાં બેઠેલ મિત્રોને જોયા પણ નહિ અને એકદમ સૂવાની ઓરડીમાં 'હું આવ્યો છું, હો!' કહી દોડ્યો.

બન્ને મિત્રો આ ઘેલછા દેખી જરા હસ્યા, પરંતુ તેમનું હાસ્ય ક્ષણિક હતું. તેઓ કાંઈ પણ બોલે તે પહેલાં અંદર મોટો ધબાકો થયો. બન્ને ઊભા થઈ એકદમ અંદર દોડ્યા. સુરેન્દ્ર બેભાન સ્થિતિમાં જમીન ઉપર પડ્યો હતો બહુ પ્રયત્ને તે શુદ્ધિમાં આવ્યો. તેણે છબીવાળી ખાલી જગ્યાએ દ્રષ્ટિ ફેરવી ધીમે અવાજે પૂછ્યું :

'એ ક્યાં ગઈ !'

'કોણ?'

‘રમા.'

'રમાભાભી તો ગુજરી ગયાં છે તે તું ક્યાં નથી જાણતો?'

સુરેન્દ્રની આંખ પહોળી થઈ. ફરી તેણે છબીવાળી જગાએ આંખ ફેરવી. સ્થળ ખાલી હતું. ખરે તેની પત્ની આજે મૃત:પ્રાય બની ગઈ. તેણે આંખ મીંચી માથું જમીન ઉપર ઢાળી દીધું.

ભાનુ ચીસ પાડી ઊઠ્યો : 'મનહર, જા, જા. દોડ, ડોકટરને બોલાવ, સુરેન્દ્રની નાડી તૂટે છે.'

મનહર ડૉક્ટરને બોલાવવા દોડ્યો. નોકર પેલી છબી પાછી લેવા દોડ્યો.

જીવન એટલે શું ? પંચેન્દ્રિય જે અનુભવે તે જ જીવન? કે કલ્પના અનુભવે તે જીવન ? ખરું શું?