પંચતંત્રઃ સિંહ અને ઉંદર

વિકિસ્રોતમાંથી
પંચતંત્રઃ સિંહ અને ઉંદર
પંડિત વિષ્ણુશર્મા



સિંહ અને ઉંદર

મધ્ય ભારતમાં નંદનવન નામે એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે.

એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચઢ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમતેમ દોડાદોડી કરવા લાગ્યો. અન્ન શોધવામાં તે એટલો બધો તલ્લીન હતો કે એને તે પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે.

સિંહ પોતાના શરીર પર અચાનક સળવળાટ થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરકિયું કર્યું, અને ઉંદર ભાગી ગયો. થોડીવાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. ઉંદર બિચારો ધ્રૂજવા લાગ્યો. તે સિંહને કરગરવા લાગ્યો ” હે મહારાજ! મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું હવે તોફાન નહિ કરું. હું તો નાનકડું પ્રાણી છું મને મારીને તમારીએ ભૂખ ભંગશે નહીં. મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું. કોઈ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ.”

સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે,આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો? છેવટે સિંહે ઉંદરને છોડી મૂક્યો. પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહિ.

થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો. સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહિ. જેટલો તે જાળમાંથી છટકવા પ્રયત્ન કરતો તેટલો વધુ ફસાતો.

સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો” મહારાજ! તમે ચિંતા ન કરો. હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું.”

આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવા મંડી પડ્યો. થોડી જ વારમાં તો ઉંદરે આખી જાળ કાપી નાખી અને સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે એ તુચ્છ ઉંદરે એનો જીવ બચાવ્યો હતો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા.


વિષ્ણુ શર્મા આ કથાનો બોધ અપતાં કહે છે ” આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા. ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે.”