પત્રલાલસા/કરાલ નિશ્ચય

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ગજગ્રાહ પત્રલાલસા
કરાલ નિશ્ચય
રમણલાલ દેસાઈ
૧૯૩૧
પડછાયા →


૩૨
કરાલ નિશ્ચય

અનન્ત સૃજનો થશે.
સખિ ! અન્ત એ ઝીલશું
અનન્ત પદમાં રમન્ત આપણ
અનન્ત યુગ પી જશું.
નાનાલાલ

વ્યોમેશચંદ્રને વાગેલા ઘા રુઝાવા લાગ્યા. પરંતુ સનાતનની ભાળ કોઈને લાગી નહિ. મંજરીએ વ્યોમેશચંદ્રની ઘણી જ સારવાર કરી. માતા કે પત્ની સિવાય આવી સારવાર કોઈથી ન જ થાય એમ ચારે પાસ મંજરીનાં વખાણ તરીકે કહેવાવા માંડ્યું. વ્યોમેશચંદ્ર વારંવાર મંજરીનો આભાર માનતા અને આવી પત્ની તેમને મળી એ માટે ઈશ્વરની કૃપા સમજતા. મંજરી મહેનતથી ન થાકતી, ઉજાગરાથી ન થાકતી. તે વ્યોમેશચંદ્રને દવા પાતી, વ્યોમેશચંદ્રને પાટા બાંધતી અને તેમની રસોઈ પણ જાતે જ કરતી. મંજરીને પોતાને પણ સમજાયું નહિ કે તે આટલી બધી મહેનત વ્યોમેશચંદ્ર માટે કેમ કરતી હતી. લક્ષ્મી પણ ભારે વિચારમાં પડી.

માંદગી અને મૃત્યુ દૂર થાય એટલે માનવહૃદયમાં રસનો આવિર્ભાવ થાય છે. વ્યોમેશચંદ્રની જાગ્રત થતી રસવૃતિ મંજરીના હૃદયને સ્પર્શવા ક્વચિત્ મથતી હતી. એક વખત તેમણે એકલી મંજરીનો હાથ પકડી કહ્યું:

'મંજરી ! મેં તને બરાબર ઓળખી નહિ.'

મંજરીએ હાથ છોડાવ્યો નહિ, પરંતુ તેણે કશો જવાબ આપ્યો નહિ.

એક વખત મંજરીને વાંસે હાથ ફેરવતાં તેમણે કહ્યું :

'મંજરી ! તું ન હોત તો મારાથી જિવાત નહિ.'

ખરે, જીવન અને મૃત્યુનો આધાર કંઈક વખત મર્ત્ય માનવી બની શકે છે. મંજરી વ્યોમેશચંદ્રના બધાય પ્રશ્નોનો ઉત્તર આપતી. માત્ર વ્યોમેશચંદ્રના બોલમાં ભાવ પ્રવેશતો ત્યારે મંજરી શાંત રહેતી. તેણે નિયમો મુજબ કશો જવાબ ન આપ્યો. વ્યોમેશચંદ્ર હવે હરતાફરતા થયા. મંજરીને પાસે લઈ હીંચકે બેસવાની પણ તેમણે શરૂઆત કરી; તેમનું જીવન મંજરીમય થઈ ગયું હતું. તેઓ ક્વચિત્ પૂછતા :

'મંજરી ! તું મને ચાહે છે ખરી ?'

સ્નેહવાક્યો સદા નિરૂત્તર રહેતાં. વ્યોમેશચંદ્ર વિચારમાં પડતા. પરંતુ મંજરીની સ્નેહભરી સારવારનો વિચાર કરતાં તેમને મંજરીના અબોલનો સ્પષ્ટ અર્થ સમજાતો. મંજરી વ્યોમેશચંદ્રને ચાહતી ન હોય તો આટલી મહેનત કરે ખરી ?

તેમને જોવાને મદનલાલ અને તેમનાં પત્ની આવી ગયાં. સ્વાભાવિક રીતે જ સનાતન સંબંધી વાતચીત થતી હતી. મંજરીને કુસુમે સનાતન સંબંધી ઘણી વાતો પૂછી. મદનલાલ અને વ્યોમેશચંદ્ર વચ્ચે ધનિકતાની મૈત્રી હતી જ. મંજરી અને કુસુમ વચ્ચે સનાતનની વાતોમાંથી મૈત્રી જાગી.

'સનાતન શાથી ચાલ્યા ગયા ?' કુસુમે મંજરીને પૂછ્યું બંને એકલાં હતાં.

'સમજાયું નહિ.' મંજરીએ કહ્યું.

'કેવી રીતે ગયા હશે ?'

'એની પણ સમજ પડતી નથી.'

‘તમે ક્યાંથી એમને ઓળખો ?'

'એ મારી પાસેના ઘરમાં રહી ભણ્યા હતા. તમે એમને ક્યાંથી ઓળખો ?'

'એ મને સાહિત્યનો અભ્યાસ કરાવતા હતા.'

સનાતન પ્રત્યે આ લલનાઓને શા માટે સદ્ભાવ હતો તેનું કારણ બંને સમજી ગયાં. સનાતન મંજરીની પડોશમાં અને કુસુમની પાસે રહેતો હતો ! મંજરીની બહેનપણીએ એક શેઠની પત્ની સાથેની સનાતનની મૈત્રી વગોવી હતી તેનું મંજરીને સ્મરણ થયું. શું આ જ તે સ્ત્રી હતી ? મંજરીને કુસુમ પ્રત્યે વેર વસ્યું નહિ. સનાતનમાં રસ લેતું સહુ કોઈ વહાલું લાગતું.

સનાતનના અદ્રશ્ય થયા પછી બાર માસમાં તો કુસુમે પોતાની લેખનપ્રવૃત્તિ ઘણી જ વધારી દીધી. તેની કલ્પનાએ ટૂંકી વાર્તાઓ અને ભાવનાએ કંઈક કવિતાઓ તેની પાસે રચાવી. મદનલાલને કુસુમની સાહિત્યપ્રવૃત્તિ પ્રત્યે વેર ઊપસ્યું નહિ. પત્નીનાં સાહિત્યકારોમાં થતાં વખાણથી તેઓ રાજી થતાં એટલું જ નહિ કુસુમની કવિતાઓ છપાવવા માટે તેમણે સહર્ષ સંમતિ આપી અને કુસુમનો કવિતાસંગ્રહ સનાતનને અર્પણ થયો તેની પણ તેમને બહુ હરકત લાગી નહિ.

પરંતુ કુસુમે પોતાનો કવિતાસંગ્રહ મંજરીને ભેટ મોકલ્યો ત્યારે પ્રતિઉત્તરમાં તેણે જાણ્યું કે મંજરીની તબિયત ખરાબ થતી ચાલી હતી. વ્યોમેશચંદ્રની પ્રકૃતિ જેમ જેમ સુધરતી ગઈ તેમ તેમ મંજરીના દેહમાં અશક્તિ વધતી ચાલી. લોકોને લાગ્યું કે વ્યોમેશચંદ્રની ચાકરીમાં મંજરીએ પોતાના દેહને ઘસી નાખ્યો હતો. એ વાત ખરી હતી. વ્યોમેશચંદ્ર મંજરીને નામે હજારો રૂપિયા મૂક્યા, તેને માટે ઘરેણાંલૂગડાં નવાં વસાવ્યાં. તેને દેશપરદેશની મુસાફરી કરાવવા ઈચ્છા પ્રદર્શિત કરી, પરંતુ મંજરીનું મન કદી પ્રફુલ્લ બન્યું દેખાતું નહિ.

અસ્વસ્થતાપણાનું બહાનું કાઢી અલગ બની જતી મંજરી ઉપર સાજા થયેલ વ્યોમેશચંદ્ર છેવટનો ઉપાય અજમાવવા નિશ્ચય કર્યો. પતિપત્નીના કેટલાક અનામી પરંતુ સ્પષ્ટ હક્ક સમાજે અને કાયદાએ માન્યા છે. અને એ હક્કનો ઉપભોગ બળજરીથી કરવાની પણ તેમાં છૂટ રાખેલી છે. વ્યોમેશચંદ્રના અસંતુષ્ટ મને પતિત્વના હક્ક સ્થાપન કરવા તેમને પ્રેર્યા.

દુખતે માથે એકલી સૂતેલી મંજરી પાસે મધરાતે વ્યોમેશચંદ્ર આવ્યા. મંજરી એવી જ એક મધરાતની યાદ કરતી જાગતી પડી હતી. એ મધરાતે તે સનાતનની સાથે વિકળતામાં ગાળેલી પેલી રાત્રિ હતી કે જ્યારે મંજરીએ સનાતન સાથે નાસી જવાની ભયંકર માગણી કરી હતી. વ્યોમેશચંદ્રને જોઈ મંજરી બેઠી થઈ ગઈ.

‘તું હજી સૂતી નથી ?' મંજરીના ખાટલામાં બેસી વ્યોમેશચંદ્રે પૂછ્યું.

'ના.' મંજરીએ ધીમેથી જવાબ આપ્યો.

'કેમ ?'

'હજી ઊંઘ આવી નથી.'

'શાથી એમ થાય છે ?'

'મારું માથું દુખે છે.'

'લાવ હું દબાવી આપું.' કહી વ્યોમેશચંદે તેના માથાનો સ્પર્શ કર્યો.

'હવે જરૂર નથી. લક્ષ્મી હમણાં જ માથું દબાવી ગઈ.' હસ્તસ્પર્શ થતો અટકાવી મંજરી બોલી.

'હું લક્ષ્મી કરતાં પણ ગયો? ચાલ, હવે બધું અતડાપણું મૂકી દે. મારી આટલી આટલી ચાકરી તેં કરી અને હું તારું માથું પણ ન દબાવી શકું ?' એટલું કહી બળ કરી મંજરીનું મસ્તક વ્યોમેશચંદ્રે હાથમાં લીધું અને તેને દબાવવાનું શરૂ કર્યું, બળને વશ થઈ મંજરી તકિયે આડી પડી અને વ્યોમેશચંદ્રની શીર્ષચંપીને સ્વીકારી રહી. સ્ત્રીના દેહને અડતાં પુરુષ ઘેલો બને છે. બહુ દિવસે આટલો લાંબો સ્પર્શ પામતા વ્યોમેશચંદ્રથી મસ્તકની મર્યાદામાં રહેવાયું નહિ. મંજરી ચમકીને પાછી બેઠી થઈ.

'હવે બસ માથું ઊતરી ગયું છે.' મંજરી બોલી.

'આ શી ઘેલછા ? માથું ઊતર્યું હોય તોય મારે દાબવું છે.'

'મને ફાવતું નથી.'

'તને ભલે ન ફાવે; મને ફાવે એટલે બસ !' વ્યોમેશચંદ્રે મશ્કરી કરી. મંજરીને આ વર્તનમાં અપમાન લાગ્યું. પતિપત્ની વચ્ચેના વ્યવહારમાં માન અપમાન હોઈ શકે ? મંજરીએ વ્યોમેશચંદ્રના હાથને ખસેડી નાખ્યો.

'આજે કશું તોફાન ચાલવાનું નથી.' સાજા થયેલા વ્યોમેશચંદ્ર બોલ્યા. મંજરી આ વાક્યનો અર્થ કરી સહજ કંપી ઊઠી. વ્યોમેશચંદ્ર મંજરીને તોફાનની ના કહ્યા છતાં તેમણે પોતે તોફાની દેખાવ શરૂ કર્યો હતો. મંજરીને ગળે તેમણે હાથ મૂક્યો અને પૂછ્યું :

'મંજરી ! ક્યાં સુધી આમ શરમાઈશ ?'

મંજરી ખરેખર શરમાઈ. એટલું જ નહિ, તેને રીસ ચઢી. જોર કરી તેણે વ્યોમેશચંદ્રનો હાથ ગળેથી ખસેડવા પ્રયત્ન કર્યો. પ્રયત્નનું ફળ એ આવ્યું કે વ્યોમેશચંદ્રના તરફ ઘસડાઈ અને તેના એકને બદલે અનેક અંગનો સ્પર્શ થતો લાગ્યો. તે ગૂંગળાતી બોલી ઊઠી :

'મને મૂકી દો ! મારી તબિયત સારી નથી.'

‘તારી તબિયત આખી જિંદગી સુધી સારી નહિ રહે. તેમાં હું શું કરું ?' પુરુષવર્ગના પ્રતિનિધિને શોભે એવી બેદરકારીથી વ્યોમેશચંદ્ર બોલ્યા અને મંજરીને તેમણે વધારે ગૂંગળાવી.

'છોડો ! આમ બળાત્કાર ન કરો.' મંજરીનો ક્રુદ્ધ અવાજ સંભળાયો.

'બળાત્કાર? તું બોલે છે? તું શું મારી પત્ની નથી ?'

'પત્નીની મરજી વિરુદ્ધ જે કાંઈ થાય તે બળાત્કાર જ !'

'ભલે તેમ હોય; બળાત્કારનો મને હક્ક છે.'

‘હક્ક ! હું અને તમે બંને પાપમાં પડીશું.'

'પાપ ? શાનું પાપ ?'

‘વ્યભિચારનું.'

વ્યોમેશચંદ્ર વ્યભિચારનું નામ સાંભળી પોતાના હાથ છોડી દીધા અને આશ્ચર્ય પામી તેઓ મંજરી સામે જોવા લાગ્યા. મંજરી બહુ સુંદર દેખાતી હતી. વિરોધ કરતી લલના સદાય મોહક હોય છે. છતાં વ્યોમેશચંદ્ર સરખા નીતિમાન પુરુષને વ્યભિચાર શબ્દનો ઉચ્ચાર ચમકાવે એ સહજ હતું. પત્ની સાથેનો પ્રેમ વ્યવહાર કદી પણ વ્યભિચારને નામે ઓળખતો હોય એમ તેમણે સાંભળ્યું નહોતું. આજ તેમની જ પત્ની તેમના પ્રેમઅભિનયને કલુષિત ભાવથી ઓળખાવતી હતી. પતિપત્નીનો સંબંધ સદાય પુણ્યમય મનાયો છે. તેઓ એક જ વાત ભૂલી ગયા. પતિત્વ અને પત્નીત્વના મૂળમાં જ પુણ્ય ન હોય તો ? મરજી વિરુદ્ધનો, ન છૂટકાનો, પૈસાનો, શરમનો, દબાણનો, અજાણપણાનો, સ્વાર્થનો લગ્નસંબંધ શું પવિત્ર કહેવાય ? અને કેટલાં લગ્નમાં આ તત્ત્વો નહિ આવતાં હોય ? નિઃસ્વાર્થ લગ્નસંબંધ જગતમાં દુર્લભ છે. માટે જ મોટા ભાગનાં લગ્નો અપવિત્ર હોય છે. અપવિત્ર લગ્નનો સંબંધ વ્યભિચાર તરીકે ઓળખનારને આપણે કેમ દોષ દઈ શકીશું ?

વ્યોમેશચંદ્રને વિચારની તક મળી. દલીલ સર્વદા પોતાના લાભનું જ વલણ લે છે. વ્યોમેશચંદ્રને મંજરીના ચમકાવનાર વિચારમાં અસત્ય લાગ્યું. તેઓ ફરીથી મંજરીને બલપૂર્વક ભેટી પડ્યા અને બોલ્યા :

‘ભલે મને પાપ લાગતું.'

પરંતુ વ્યોમેશચંદ્રના હાથમાં સપડાયેલો મંજરીનો દેહ થરથર ધ્રુજતો હતો એમ તેમણે તત્કાળ જાણ્યું. બલપ્રદર્શનમાં પુરુષત્વ સમાયેલું છે એવી ઘણાની માન્યતા હોય છે. સ્ત્રીત્વ ઉપર વિજય મેળવવાનો એ સચોટ ઈલાજ છે એમ પણ ઘણા માને છે. છતાં વ્યોમેશચંદ્રના પુરુષત્વમાં એટલું બધું કાઠિન્ય ન હતું કે એક થરથરતી સ્ત્રી પછી ભલે તે પત્ની હોય, તોપણ તેને તેઓ વધારે થરથરાવે. માનવતા અને કહેવાતા પુરુષત્વ વચ્ચેના ઘર્ષણનો પ્રસંગ તેમને મૂંઝવી રહ્યો. મંજરીનો દેહ થરથરતો હતો એટલું જ નહિ, પણ તેની દંતાવલિ પણ કડકડી ઊઠી. વ્યોમેશચંદ્ર પુરુષત્વને ભોગે માનવતાને સ્વીકારી મંજરીને છોડી દીધી, અને તેને પૂછ્યું :

‘મંજરી! તને તાવ તો નથી આવ્યો?'

મંજરીને થરથરવા સિવાય બીજું કશું ભાન ન હતું. યંત્રની નિયમિતતાથી વ્યોમેશચંદ્ર સામે જોઈ રહેલી મંજરી યંત્ર સરખી અચેતન બની ગઈ.

'તું સૂઈ જા. હું રજાઈ ઓઢાડું.' વ્યોમેશચંદ્રે કહ્યું, અને ધીમે રહી તેમણે મંજરીને સુવાડી અને તેના ઉપર રજાઈ ઓઢાડી. એક રજાઈથી તેનો થરકાટ કમી થયો નહિ, એટલે તેમણે બીજી રજાઈ મંજરી ઉપર નાખી. તેઓ પલંગમાં ન બેસતાં પાસે ઊભા રહ્યા. થોડી ક્ષણો પછી તેમણે મંજરીને કપાળે હાથ મૂક્યો. એ સ્પર્શમાં સંપૂર્ણ નિર્વિકારીપણું હતું. મંજરીને જ્વર છે કે નહિ એટલું જોવાનો જ તેમાં ઉદ્દેશ હતો. પરંતુ મંજરીએ વ્યોમેશચંદ્રના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો, અત્યંત મૃદુતાથી પૂછ્યું :

'હું બહુ દુઃખ દઉં છું, ખરું ?'

મંજરીની આંખમાં બે અશ્રુબિંદુ ચમક્યાં. મંજરી અણસમજુ ન હતી. પત્નીત્વના અર્થની તેને ખબર હતી. એ અર્થ સિદ્ધ કરવા તેણે વ્યોમેશચંદ્રની કાળજીપૂર્વક ચાકરી કરી હતી. વ્યોમેશચંદ્રનાં બાળકો પ્રત્યે તે સગી મા સરખું વર્તન રાખતી હતી. પરંતુ તેનું પત્નીત્વ એટલી મર્યાદામાં જ રહેતું. ઉપભોગના તત્ત્વથી રહિત પતિપણું કે પત્ની પણું અધૂરું જ છે એમ તે માનતી અને છતાં તેનાથી મર્યાદા બહાર જઈ શકાયું જ નહિ. પતિને છેવટે નિરાશા અર્પતાં તેને દુઃખ થયું. પોતાની સંભાળમાં પરોવાયલા પતિને તેથી જ એણે રુદનમય પ્રશ્ન કર્યો :

'હું બહુ દુઃખ દઉં છું, ખરું ?'

એક રીતે તે વ્યોમેશચંદ્રને દુઃખ જ દેતી હતી. પરંતુ આવી કરુણ રીતે થતો દોષ સ્વીકાર સંપૂર્ણ ક્ષમાને પાત્ર છે. વ્યોમેશચંદ્રે જવાબ આપ્યો :

‘મને જિવાડનાર મને દુઃખ દે છે એમ કેમ કહેવાય ?'

'હું બધું સમજું છું. પણ... પણ... મને માફ કરો.'

‘હવે તું બહુ વિચાર ન કર અને સૂઈ જા. હું લક્ષ્મીને મોકલું ?' વ્યોમેશચંદ્રે પૂછ્યું.

'જરૂર નથી. હું સૂઈ રહીશ.'

‘એકલી ન સૂઈશ. કોઈક પાસે જોઈએ.'

એટલું કહી વ્યોમેશચંદ્ર ઓરડાની બહાર ગયા. એક પરાયા પુરુષની માફક વિવેકથી બહાર ચાલ્યા જતા વ્યોમેશચંદ્રની સલૂકાઈ મંજરી જોઈ રહી. તેને લાગ્યું કે તે વ્યોમેશચંદ્રને ભારે અન્યાય કરતી હતી. પરંતુ તેમાં કોનો દોષ ? એ દોષનો ઇલાજ શો ?

વ્યોમેશચંદ્રે લક્ષ્મીને ઉઠાડી પાસે મોકલી.

‘જા, મંજરીની પાસે સૂઈ રહે. એને તાવ આવ્યો છે.'

કંટાળો દેખાડતી છતાં જાગતી લક્ષ્મી વ્યોમેશચંદ્રથી સંભળાય એમ બબડી : 'પેલા સાથે નાસી જવાયું હોત તો તાવ ન આવત.'

ચાડી અને નિંદામાં અમૃત મૂકી પ્રભુએ વૃત્તિને અમર બનાવી લાગે છે. વળી અમરતા સાથે અમૃતની મીઠાશ પણ તેમાં પ્રભુએ ઉતારી દેખાય છે. નિંદા કરનાર અને સાંભળનાર બંનેને તે એવી મધુરી લાગે છે કે તેની મીઠાશ મૂકવી કોઈને ગમતી નથી.

'શું બબડે છે ?' વ્યોમેશચંદ્ર બોલ્યા. તેમને લાગ્યું કે લક્ષ્મી ઊંઘની અસરમાં આમ બોલતી હતી.

'જે છે તે કહું છું.' લક્ષ્મી બોલી.

'એટલે ? શાની નાસવાની વાત કરે છે ? હલકી જાત !' વ્યોમેશચંદ્રે લક્ષ્મીને ધમકાવી. તેમની સભ્યતાએ તેમને ખાતરી આપી હતી કે આમ નાસવાની વાત હલકી જાતની સ્ત્રીઓ જ કરી શકે ! ઉચ્ચ કોમમાં નાસી જવું એ સ્ત્રીની કલ્પના બહારનો વિષય છે, એટલે તે ઉચ્ચારમાં પણ ઊતરવો અસંભવિત છે ! લક્ષ્મીનો જવાબ સાંભળી તેઓ ચોંકી ઊઠ્યા.

'એ તો બાઈસાહેબ પેલા મુંબઈવાળા મહેમાન સાથે નાસી જવાની વાત કરતાં હતાં તે કહું છું !'

'ક્યા મહેમાન ? ભાનમાં છે કે નહિ ?'

'પેલા જડતા નથી તે ! સનાતન !' લક્ષ્મી બોલતી બોલતી ત્યાંથી મંજરીના ઓરડા તરફ જવા લાગી.

વ્યોમેશચંદ્ર ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહ્યા. તેમને મંજરીના વિચિત્ર વર્તનની કાંઈ સમજ પડતી હોય એમ લાગ્યું. શું મંજરી સનાતનને ચાહતી હતી? એવું જ કાંઈ ન હોય તો મંજરી જેવી સમજવાળી ડહાપણભરી યુવતી પોતાના પતિ પ્રત્યે આવું અણઘટતું વર્તન રાખે ?

પોતાને ચાહતી ન હોય એવી સ્ત્રી સાથે કોઈ પણ સંજોગોમાં લગ્ન કરનાર પતિએ શું કરવું ? વર્તમાન યુગમાં એ પ્રશ્ન તીવ્ર બનતો જાય છે. એવી પત્નીને મારવી, ઝૂડવી, કાઢી મૂકવી, તેનું નાક કાપવું કે તેનું ગળું કાપવું એ પ્રાચીન કાળથી ચાલતા આવેલા જાણીતા ઇલાજ બહાદુર પુરુષને એકદમ સૂઝી આવે છે એ ખરું, પરંતુ વર્તમાન યુગમાં બહાદુરીની વ્યાખ્યા બદલાતી જાય છે. મારવા કરતાં મરવામાં, ઘા કરવા કરતાં ઘા સહન કરવામાં વધારે ઊંચા પ્રકારની બહાદુરી રહેલી છે એવી અસ્પષ્ટ ભાવના જનસમાજમાં જાગતી જાય છે. પતિપત્નીના સંબંધમાં પણ એ ભાવના પ્રવેશ કરે તો નવાઈ કહેવાય નહિ. વ્યોમેશચંદ્રની સ્વાભાવિક સજ્જનતાએ તેમને અશિષ્ટ બનતાં અટકાવ્યા. અને સવારમાં મંજરીને જોવા આવતાં તેમના બધા વિચાર ઓસરી ગયા.

મંજરીને ખરેખર તાવ આવ્યો હતો.

માંદા ગુનેગારને પણ શિક્ષા થઈ શકતી નથી. માંદી મંજરીને શિક્ષા થઈ શકે ? વળી તે ખરેખર ગુનેગાર હતી ખરી? વ્યોમેશચંદ્રની ઉદારતાએ મંજરીના દોષને ગાળી નાખ્યો. મંજરીની સામે તેઓ જોઈ રહ્યા. મંજરી તેમની સામે જોઈ રહી. બંનેને લાગ્યું કે તેમની વચ્ચેનો કોઈ પડદો ઊઘડી ગયો છે. એ પડદો ઊઘડતાં સ્વભાવની વિકરાળતા વિકસવાને બદલે કોઈ અવર્ણનીય મૃદુતા ઊભરાઈ આવી. બંનેને પરસ્પર પ્રત્યે દયા ઉત્પન્ન થઈ. મંજરીની આંખ ફરી આંસુથી ઊભરાઈ. વ્યોમેશચંદ્રે સમભાવપૂર્વક કહ્યું :

'મંજરી ! તાવ આવ્યો છે ?'

'વધારે નથી.' આંખો લૂછતાં તેણે કહ્યું.

'ગભરાઈશ નહિ. હમણાં ડૉક્ટરને બોલાવું છું. આમ મટી જશે.'

'મને મારી ચિંતા નથી.'

પરંતુ ડૉક્ટરે આવી વ્યોમેશચંદ્રની ચિંતા વધારી દીધી. એકાન્તમાં બોલાવી ડૉક્ટરે વ્યોમેશચંદ્રને કહ્યું :

'મંજરીબહેનને ક્ષયની અસર છે. બહુ સંભાળવું પડશે.'

વ્યોમેશચંદ્ર ચમક્યા. માનસિક આઘાત દેહને આમ ઘસી નાખતો હશે ?

'શાથી આમ થયું હશે ?'

'અનેક કારણો હોય. મધ્ય અને ઉચ્ચ વર્ગની સ્ત્રીઓમાં આ રોગ પ્રચલિત છે. ખાસ ઇલાજોની જરૂર છે.'

'શા શા ઇલાજો લઉં ? આપ કહો તેમ કરવા તૈયાર છું.'

'ઉપચારો તો હું કરીશ, પરંતુ એમને હવાફેર કરાવો; આ જગાએથી તેમને ફેરવી નાખો.'

વ્યોમેશચંદ્ર ડૉક્ટરના ગયા પછી મંજરી પાસે આવીને બેઠાં. પરંતુ ક્ષયના નામે તેમના મુખ ઉપર ઉત્પન્ન કરેલી વિકળતા હજી શમી નહોતી.

નાનકડી વેલી એટલામાં દોડતી દોડતી આવી સૂતેલી મંજરીને બાઝી પડી.

'મંજરીબહેન ! તમે ક્યાં જતા રહેવાના છો ?'

'કંઈ જ નહિ. તને કોણે કહ્યું ?' મંજરીએ બાળકીને છાતી સરસી દબાવતાં કહ્યું.

'લક્ષ્મી કહેતી હતી.' બાળકીએ જવાબ આપ્યો. બાળકો આપણે ધારીએ તે કરતાં વધારે ચબરાક હોય છે. ‘એ હરામખોરની જીભ બહુ વધી છે. આજે એને કાઢી મૂકું.' વ્યોમેશચંદ્ર ગુસ્સે થઈ બોલી ઊઠ્યા.

'કોઈને કાઢી મૂકવાની જરૂર નથી. લક્ષ્મી વગર ઘરમાં બહુ અડચણ પડશે.' મંજરીએ કહ્યું.

‘ત્યારે તમે નહિ જાઓ ને ?' વેલીએ ફરી ખાતરી કરવા પૂછ્યું.

‘તને મૂકીને હું કંઈ જ જવાની નથી.' મંજરીએ કહ્યું અને વ્યોમેશચંદ્રની સામે તેણે જોયું.

'સનાતન સાથે નાસી જતાં વેલીના પ્રેમે તેને રોકી હશે કે શું ?'

વ્યોમેશચંદ્રને વિચાર આવ્યો. મંજરીને હવાફેર કરવાની તેમણે યોજનાઓ ઘડવા માંડી. મંજરી વગર તેમનાથી રહેવાય એમ ન હતું.