પત્રલાલસા/નઠારો વિચાર

વિકિસ્રોતમાંથી
← મજૂરો પત્રલાલસા
નઠારો વિચાર
રમણલાલ દેસાઈ
૧૯૩૧
મજૂરી →




૨૬
નઠારો વિચાર

છતાં શીખો અગ્નિની ઉપર ચાલવું રે લોલ,
ફૂલે ફૂલે તો ઘડીનું એ ફાલવું રે લોલ.
નાનાલાલ

મદનલાલનું મન આજે ઠેકાણે ન હતું. બધી મિલોમાં હડતાલ પડી ચૂકી હતી. આજે તેમની મિલનો વારો હતો. તેમણે આજે મિલમાં જવાનું પણ માંડી વાળ્યું. હતું. મિલમજૂરોના બે-ત્રણ સ્થળે તોફાનો થઈ ચૂક્યાં હતાં, અને પોલીસને ગોળીબાર કરવાની ધમકી આપવી પડી હતી. એવો પ્રસંગ પોતાની મિલમાં ઊભો થાય એ સંભવિત હતું. મિલના માલિકે પોતાની મોંઘી જાતને જોખમમાં નાખવાનું દુરસ્ત ધાર્યું નહિ. જેમ પૈસાથી બધું જ ભાડે મળે છે તેમ પોતાને માટે મરનાર પણ ભાડે મળે છે એમ મદનલાલ જાણતા હતા, એટલે હડતાલનો પ્રસંગ સાચવી લેવા માટે તેમના બીજા નોકરોની ગોઠવણી ત્યાં હતી જ.

આ મજૂરોએ શા માટે વધારે પગાર માગવા જોઈએ તેની માલિકોને સમજણ પડતી નથી. મુખ્ય ભાગીદારમાંથી એજન્ટ - મુખત્યાર – દલાલ બની તે નામે મિલની માલિકી ભોગવતા ગૃહસ્થો જ્યારે મજૂરોમાં અસંતોષ જુએ છે ત્યારે તેમને તેમાં પેટભરા ચળવળિયાઓનો જ હાથ દેખાય છે. મજૂરો મજૂરી કર્યે જાય : તેમને રીતસર - એટલે બીજે મળતો હોય તે પગાર મળ્યા કરે, રાતપાળીમાં વધારાની રકમ મળે; લાંબો વખત. નોકરી કરે, અને એજન્ટનું લાખો રૂપિયાનું કમિશન પૂરું મળી જાય તો મજૂરોને બોનસ પણ અપાય; મજૂરને અકસ્માત થાય તો તેનાં બૈરાંછોકરાંને માસ બે માસ ચાલે એટલાં નાણાં અપાય; પછી મજૂરોને અસંતોષ શા માટે રહેવો જોઈએ એની સમજ પડવી અગર પાડવી - માલિકો માટે તો બહુ જ મુશ્કેલ છે.

માલિકો દયાળુ પણ હોય છે, પોતા પ્રત્યે નહિ પણ મજૂરો પ્રત્યે પણ. નુકસાનીવાળું કાપડ બીજે ખપતાં વધ્યું હોય તો ઘણી વખત મજૂરોની દયા ખાઈ તેમને વહેંચવાની ઉદારતા તેઓ બતાવે છે, પછી મજૂરોને જોઈએ શું?

અલબત્ત, એજન્ટોને મિલના પૈસામાંથી બંગલા અને બગીચા જોઈએ, મોટરો અને ટેનિસ-કોર્ટ જોઈએ, વંશપરંપરાની મિલમાલિકી તથા સગાંવહાલાં ને મિત્રમંડળને ભારે પગારની જગાઓ તથા દલાલીઓ આપવાની સ્વતંત્રતા જોઈએ, મિલને પૈસે બીજા અનેક ખાનગી સટ્ટા તથા ધંધા રમવાની, તેમાં આવતી ખોટ મિલને નામે લખી નફો મળે તો ખાનગી ખજાનામાં મૂકવાની છૂટ જોઈએ; મિલમાંથી મેળવેલા પૈસા બાપ, ભાઈ, પુત્ર કે બૈરીને નામે મિલને જ ધિરાવી મિલ ઉપર પોતાની ચૂડ મજબૂત અને મજબૂત કરવાની સત્તા જાઈએ; અને મિલ ખોટમાં આવી બંધ થાય તો પોતાની જાતને – પોતાના કુટુંબને સુખચેનમાં રાખવાની તથા બીજી મિલો કાઢવાની સગવડ જોઈએ.

પરંતુ તેમાં મજૂરોને શું ? તેમના દેહને દળી મિલમાંથી માલ પેદા કરવામાં આવતો હોય તો તેમને પગાર મળે જ છે. તેમને ક્યાં બુદ્ધિ વાપરવાની છે ? બુદ્ધિ તો માત્ર મિલના સંચાલકો અને માલિકોને જ વાપરવાની છે. મજૂરોના નિત્ય મરતા દેહને બુદ્ધિ વાપરવાનો જીવનભરમાં અવકાશ નથી મળતો એમાં દોષ તેમના નસીબનો ! બુદ્ધિને જ વધારે પૈસા મળે.

અને મજૂરોને આપવાના પૈસા પણ માલિકોના જ હોય છે ને ! હિંદની વસતિની માફક ધનાઢ્યોના ધનમાં તીવ્ર ઉત્પાદકશક્તિ હોય છે. હજારના દસ હજાર અને લાખના દસ લાખ ધનાઢ્યો બહુ ઝડપથી કરી શકે છે. અલબત્ત, જાદુઈ ચીજોની માફક એ ધનના હિમાલયો સિફતથી ઓગળી પણ જાય છે. પણ એ બધી બુદ્ધિની રમતમાં મજૂરોનું સ્થાન હોવું ન જોઈએ. મજૂરાનું સ્થાન, મજૂરીમાં અને મજૂરીમાંથી મરવામાં.

માત્ર એ મિલમુખત્યાર - કે માલિક એક જ વાત ભૂલી જાય છે, કોઈ મજૂરની બુદ્ધિ જીવતી રહે અને માલિકને પૂછે કે 'મજૂરોની મહેનત કાઢી લો અને તમારો પૈસો અને બુદ્ધિ વાપરો. માલ પેદા થઈ શકશે ?' તે વખતે કયો જવાબ આપવો એ મુખત્યારની બુદ્ધિને સૂઝે એમ નથી. કોઈને પણ સૂઝે એમ નથી. કારણ, ખરી ઉત્પાદક શક્તિ મજૂરીમાં છે, મૂડીમાં નહિ. મજૂરીના બાળ તરીકે જન્મેલો પૈસો મજૂરીનો માલિક બની બેઠો છે એ મજૂરો જ્યારે સમજશે ત્યારે મજૂરોને પૈસાની માલિકી, મુખત્યારોની નહિ પણ પોતાની સમજાશે. મિલનો નફો મૂડીનો નહિ - બુદ્ધિ માત્રનો નહિ - તે તો ખરેખર મજૂરોનો છે.

મજૂરોમાં ઉત્પન્ન થયેલી એ ઝાંખી સમજણ પૂરતા ઉપયોગમાં આવતી નથી. માત્ર માલિકોને સહજ મૂંઝવણમાં નાખે છે - સુખમાં સૂતેલા અમીરને મગતરું પજવી જાય તેમ. એ પજવણીનું મહત્ત્વ વધારે ન કહેવાય. મગતરાને મસળી શકાય. પરંતુ એ પજવણી હવે વધતી જતી હતી. જરાજરામાં હડતાલ પાડવાની ધમકી મજૂરો આપી મિલમાલિકોની પ્રતિષ્ઠા ઉપર હુમલો કરતા હતા. એ સ્થિતિ અસહ્ય બનતી જતી હતી. અને ઝાંખું ઝાંખું - મનને કબૂલ કરવું ન ગમે એવું સત્ય માલિકોને પણ દેખાવા લાગ્યું હતું કે મજૂરવર્ગની એકતામાં મૂડીનો પરાજય છે.

મદનલાલને ચીઢ ઉપજાવતું આ સત્ય કાંઈ દેખાઈ ગયું હોય કે કેમ, પણ તેઓ ભારે બેચેની આજ પ્રદર્શિત કરી રહ્યા હતા. ઘડીમાં બારણા તરફ જતા, તો ઘડીમાં બારી તરફ જોતા. વળી જરા ઊઠીને આમતેમ ફરતા, અને વળી પાછા બેસી ચોપડી લઈ વાંચતા. તેમની સર્વકૃતિમાં અસ્થિરપણું લાગતું હતું. એકે કામમાં તેમનું લક્ષ ચોંટ્યું નહિ.

વાત કરીને તેમના ચિત્તને બીજી પાસે લઈ જનારની તેમને જરૂર લાગી અને તેમણે કુસુમને બોલાવી. હમણાં હમણાં કુસમ વગર બોલાવ્યું મદનલાલની પાસે જતી નહિ. પતિની નાની નાની બેદરકારી પત્નીને પતિ તરફ વિરક્ત જ બનાવે છે. પ્રથમથી જ કુસુમને પતિ પ્રત્યે જ્વલંત લાગણી જાગી નહોતી. તેમાં આવી રસિક કોડભરી પત્નીને રીઝવવા રમાડવાની પતિને ઓછી ફુરસદ રહેતી. કુસુમનું હૃદય પ્રથમ માની બન્યું, અને પછી વિરક્ત બનવા લાગ્યું. સનાતનની સાથે વાંચવામાં તેને ઘણો રસ પડતો; એ રસમાં મદનલાલ ભાગ લઈ શકે એમ ન હોવાથી કુસુમે એકલાં જ પોતાનું રસજીવન ગાળવા માંડ્યું. વિચારવા માંડ્યું. અલબત્ત, પતિપત્ની વચ્ચે કશી તકરાર થઈ નહોતી, મદનલાલ કુસુમ તરફ સર્વદા માયાળુ વર્તન રાખતા. છતાં એક પ્રકારનું શીત કુસુમના હૃદયમાં પ્રવેશી ગયું.

પતિએ બોલાવી એટલે એકદમ આવી. તેની વાણી અને તેની ચાલ એવી ને એવી જ ઊછળતી હતી.

'આજ તો સોનાનો સૂરજ ઊગ્યો !' કુસુમ અંદર પ્રવેશ કરતાં બોલી.

'મને આજ ચેન પડતું નથી. તને તેની શી દરકાર ?' મદનલાલ બોલ્યા. ખરેખર ! તેમના મુખ ઉપર વ્યગ્રતા હતી.

'શું કરવાને દરકાર રાખું ? તમારી દરકાર તમારી મિલ ક્યાં ઓછી રાખે છે કે મારી દરકારની જરૂર પડે ?' અડધું હસતું અને અડધું રીસભર્યું મુખ રાખી કુસુમ બોલી, અને મદનલાલની જોડે એક સૉફા ઉપર બેઠી.

'આ તો ચોર કોટવાલને દંડે છે !' મદનલાલ બોલ્યા. 'એટલો વિચાર કરવાનીયે ફુરસદ મળી એ અમારાં ધન્ય ભાગ્ય ! આજે મિલમાં નથી જવું ?' કટાક્ષમાં કુસુમ બોલી. કટાક્ષ મધુરો હતો; શબ્દની પાછળનો અભિનય જોવો ગમે એવો હતો, એમ મદનલાલને લાગ્યા છતાં તેમનાથી બોલાઈ ગયું :

'એ જ દુઃખ છે ને ? આજ તો મિલ બંધ રહેવાની છે. લોકો હડતાલ પાડશે એમ લાગે છે.'

‘તમે જો આમ અડધો કલાક મારી પાસે બેસી વાત કરી શકો તો હું એ જ ઈચ્છું કે મિલ સદાય બંધ રહે.' કુસુમે આશીર્વાદ આપ્યો.

પત્નીની મશ્કરી મદનલાલને ગમી. તેઓ હસ્યા, અને કાંઈ બોલવા જતા હતા એટલામાં જ મેજ ઉપર મૂકેલા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

મદનલાલનું હાસ્ય ઊડી ગયું. તેમણે રિસીવર હાથમાં લીધું.

કુસુમે મદનલાલનો હાથ ઝાલ્યો, અને તેમને ખેંચીને તે બોલી :

'નથી સાંભળવાનો ટેલિફોન.'

'અરે જરૂરનું કામ હશે; છોડી દે.'

'ભલે જરૂરનું કામ હોય; આજે નથી કરવાનું.'

'અરે પણ તું કાંઈ સમજતી નથી. મિલમાં તોફાન હશે તો?'

'છો તોફાન હોય. બધાંને કપાઈ મરવા દો.' કુસુમે કહ્યું.

'એ કાંઈ ચાલે ? જરા વિચાર કર. તારી આવી ટેવ જ મને ગમતી નથી. તને બોલાવી એટલે તારું તોફાન શરૂ જ થઈ ગયું !'

આ અરસિક ધનવાનને પત્ની કરતાં પોતાની મિલ વધારે વહાલી છે એમ રમતિયાળ કુસુમને લાગ્યું. તેણે હાથ છોડી દીધો. તેનું મુખ ઊતરી ગયું.

શેઠે તરત ટેલિફોનમાં વાત શરૂ કરી :

'કેમ ? કોણ છે... હા... એ તો હું છું... હા હા, મદનલાલ... લોકો કામે લાગ્યા..વાહ ! પછી ?...કાલે જવાબ આપવાનો ?..સનાતન ? .... હા. ઘેર આવે છે.. માસ્તર છે... એણે રોક્યા ?... હું બહુ ખુશ થયો... તોફાન તો નથી ને ?... બહુ સારું.... સાંજે આવે છે.... અત્યારે જ બોલાવું ? ઠીક મિસ્ત્રીને મોકલો.. આગેવાનો અત્યારે નહિ. સાંજે...હું સનાતનને... સમજો - બરાબર સાંભળો... હું સનાતનને બોલાવી વાત કરું છું... મને મળી જાઓ... ખબર આપ્યા કરો... હું આજ નહિ આવું.'

રિસીવર મૂકી મદનલાલ કુસુમની પાસે બેઠો અને તેનો હાથ પોતાના હાથમાં તેમણે મૂક્યો.... કુસુમે તે હાથ તરછોડી નાખ્યો. ટેલિફોનમાંની વાત સાંભળવા તે થોભત નહિ, પરંતુ વાતમાં સનાતનનું નામ આવવાથી તેની જિજ્ઞાસા જાગૃત થઈ. મિલ સાથે, મિલમજૂરો સાથે સનાતનને શો સંબંધ? એણે કેમ અને કેવી રીતે મજૂરોને રોક્યા? એ જાણવાનું તેને મન થયું. સનાતનનાં નામમાં તેને એવો જાદુ લાગ્યો હતો કે એ નામ જ્યાં ઉચ્ચારાતું હોય ત્યાંથી જવાનું તેને મન થતું નહિ.

'ચાલ, હવે તારી સાથે વાત કરું. મને ફુરસદ છે.' તરછોડાયલા હાથને ન ગણકારી મદનલાલ બોલ્યા.

'મારે એવી છાંડેલી ફુરસદ નથી જોઈતી.' કુસુમ કહ્યું.

'અરે એમ શું કરે છે? આ તારા માસ્તર તો બહુ કાબેલ જણાય છે.' શેઠે કહ્યું.

'એની કાબેલિયતને તમારે શું કરવી છે ? એ તો બિચારો નિર્ધન માણસ ! કાબેલ હોય તોય તમારો પગારદાર ને ?' શેઠના અભિમાનને જખમ કરે એવી વાણીમાં કુસુમે કહ્યું.

'ના, ના. એમ કહેવાય ? એણે તો આજે લાજ રાખી છે. મેં તો એની સાથે કદી લાંબી વાત પણ કરી નથી. પણ હોશિયાર લાગે છે. પગાર લઈ વફાદારી બતાવવી એ આ સમયમાં મુશ્કેલ છે. પણ મને હજી સમજ પડતી નથી કે એણે મિલમજૂરોને કેવી રીતે સમજાવ્યા ? એ ક્યાં રહે છે ?' મદનલાલે પૂછ્યું.

'એમને બોલાવવા છે ?' સનાતનનાં વખાણ સાંભળી કુસુમે માર્દવ ધારણ કરી પૂછ્યું.

'હા, એના વગર અત્યારે ચાલે એમ નથી.'

'મોટર મોકલીએ.'

‘ડ્રાઈવર ઘર જાણે છે ?'

'હં... .. કાલે જ હું એમને મોટરમાં ઘેર મૂકી આવી હતી.'

મદનલાલે ઘંટડી વગાડી. નોકર આવતાં તેમણે બાઈસાહેબના શૉફરને બોલાવવા ફરમાન કર્યું. શૉફર આવતાં તેને હુકમ મળ્યો :

'બાઈસાહેબના માસ્તરને બોલાવી લાવ.'

સલામ કરી શૉફર ચાલ્યો ગયો.

મદનલાલે મોટી જબરજસ્ત બીડી કાઢી સળગાવી મોંમાં મૂકી ઓરડામાં ફરવા માંડ્યું.

કુસુમ મદનલાલની સ્થૂલતા જોઈ રહી. મદનલાલની સફાઈદાર પણ સ્થૂલતા, અને સનાતનની સાદી છતાં ચપળતાનો તફાવત કુસુમના હૃદયમાં જડાઈ રહ્યો. '

અત્યારમાં જ તે નાનાલાલની 'વિલાસની શોભા' વાંચતી હતી. તેના મગજમાં હજી શબ્દો રમતા હતા :

જોઈ હસે મુજ આંખ, ઠરે મુજ
આત્મન પ્રેમની ભરતી ચઢે.
દાખવ દેવી ઓ ભાખ સખી
આ મુજ વલ્લભ એ કોણ ક્યાંહી જડે ?

પરંતુ હવે તેને એ પ્રશ્ન પૂછવાનો રહ્યો જ નહોતો. તેને વલ્લભ મળી ચૂક્યો હતો. પરંતુ તે વલ્લભ હતો? પતિ અને વલ્લભ જુદા હોય ? તેણે ડોકું હલાવી એ નઠારો વિચાર દૂર ફેંક્યો.