પત્રલાલસા/પડછાયા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← કરાલ નિશ્ચય પત્રલાલસા
પડછાયા
રમણલાલ દેસાઈ
૧૯૩૧

૩૩
પડછાયા

જીવન નૃત્ય કરી કરી થાકતાં,
નીરવ શોક હવે ઉર ઠારશે;
સકળ સ્વપ્ન ભલે વીખરી જતાં,
સ્મરણ એકલ એ સહુ બાળશે.
ચંદ્રવદન

ઉનાળો ઊતરતો હતો. સંધ્યા નદી ઉપર ઘણી લંબાય છે. નદીના પટ ઉપર એક હોડી ધીમી ધીમી આગળ વધતી હતી. ઊતરતા ઉનાળાનો શાંત દિવસ ભાવિ સરખો અનિશ્ચિત હોય છે. મધ્ય પ્રવાહમાં તરતી હોડીએ આછો ઝોલો લીધો.

'અલ્યા સમાલ, વંટોળિયો લાગે છે.' એક ખલાસી બોલી ઊઠ્યો.

ખલાસીઓ પવન અને પાણીને અડતાં જ ઓળખી શકે છે.

હોડી સુંદર હતી. તેમાં નાનકડું ઘર હતું, અને ઉપર અગાસી હતી. આવી હોડી ગુજરાતમાં ભાગ્યે જ નજરે પડે. એક ધનિક કુટુંબે આવી ખાસ હોડી કરાવી હતી, અને પંદરેક દિવસથી કિનારે આવેલા બંગલામાં હવાફેર માટે ઊતરી સવારસાંજ એ કુટુંબ હોડીમાં ફરવા નીકળતું. ક્વચિત્ તેમાંથી હારમોનિયમ કે ગ્રામોફોનનું સંગીત સંભળાતું અને આખા નદીકિનારાને ઓછા-વધતા સૂરથી ભરી દેતું. એકાન્તમાં સંગીત પણ અજબ પડઘા પાડે છે.

ખલાસીએ વંટોળિયાની બૂમ પાડી તે વખતે બે-ત્રણ બાળકો, બે ત્રણ સ્ત્રીઓ અને બે-ત્રણ પુરુષો હોડીની અગાસીમાં બેઠેલાં હતાં. તેમની વાતો, હસાહસ, બાળકોનો કલબલાટ અને બધાં વચ્ચેની સતત ચિચિયારી પાડ્યા કરતું ગ્રામોફોન વાતાવરણને આછી પણ વિચિત્ર અશાંતિ અર્પતાં હતાં. ખલાસીની બૂમ સાંભળતાં બધે શાંતિ ફેલાઈ ગઈ.

'શું છે?' કોઈએ પૂછ્યું. જાણે સ્વપ્નમાં અવાજ ન સંભળાતો હોય એવો એ એકલ અવાજ લાગ્યો. એટલામાં પવનના સુસવાટાથી આજુબાજુનાં વૃક્ષો હાલી ઊઠ્યાં. નાવે બીજે ઝોલો ખાધો, અને તેની સાથે જ પવનનું બળ એકાએક વધી ગયું. હોડી ઝૂલવા લાગી. ખલાસીઓ ઉતાવળથી પરસ્પરને સૂચનો આપવા લાગ્યા. ગ્રામોફોન બંધ થઈ ગયું.

'સમાલો !' 'ખેંચી રાખ !' 'દોરડું છોડ !' 'સુકાન પર હાથ રાખ !' 'હે રામ !' વગેરે શબ્દો નદીમાંથી સંભળાવા લાગ્યા. જોકે પવનનો ઘુઘવાટ બધા જ શબ્દોને સંભળાવા દેતો ન હતો.

કોઈ જબરજસ્ત વંટોળિયો ઘેલા હાથીની માફક છૂટો થઈ તેના માર્ગમાં આવતી સઘળી વસ્તુઓને હચમચાવી મૂકતો હતો. ભેખડ ઉપર ઊભેલો એક પુરુષ નિત્યની માફક અત્યારે પણ હોડી તરફ જોતો હતો. હોડી અસ્થિર બનેલી જોતાં તે એક ક્ષણમાં નીચે ઊતરી આવ્યો, અને કિનારે લાંગરેલી એક ખુલ્લી હોડીને લઈ પાણીમાં આગળ વધ્યો. જોતજોતામાં તે પેલી ડામાડોળ થતી હોડીની નજીક આવી પહોંચ્યો.

'ભાઈ જરા જોજો, એક દોરડું ફેંકો.' એક ખલાસી બોલ્યો.

'કેમ ? આગળ જવાનો વિચાર છે ?' ભેખડેથી ઊતરી હોડી લાવેલા પુરુષે પૂછ્યું.

'બને તો આ બધાંને મુકામે પહોંચાડીએ.'

'બેવકૂફ ! જોતો નથી ? હોડી ક્યાંથી આગળ વધશે ? બધાંને ડુબાવવાં છે, શું ?'

'ત્યારે શું કરું ?'

‘સામી ભેખડે ઉતારીએ.' અજાણ્યા પુરુષે કહ્યું.

'મહામંથન કરી ખલાસીઓએ યુવક અને તેની હોડીની સહાય વડે ડામાડોળ થતી મોટી નાવને કિનારે અડકાડી. વંટોળિયો ઘૂમતો હતો. એટલું નહિ, તેની સહાયમાં વરસાદને પણ ખેંચતો હતો.

‘અલ્યા ઘેમર ! આટલાં વરસથી નદી ખેડો છો, અને વંટોળિયામાં આગળ હોડી ન લેવાય એ ભૂલી ગયા ?' અજાણ્યા યુવકે એક ખલાસીને ઓળખી કહ્યું.

‘ભાઈ ! અમે પહોંચાડતા મુકામે. પણ આ હોડી નવી જાતની તે અમને ફાવશે નહિ. નહિ તો ગમે તેવું વાવાઝોડું હોય ને !' ઘેમરે કહ્યું.

'હવે બધાંને ધીમે રહીને ઉતાર અને વરસાદ વધે તે પહેલાં ધર્મશાળામાં બધાંને પહોંચાડ.' યુવકનો અવાજ સંભળાયો.

'એ જ ઠીક પડશે; બીજી જગા નથી.' કહી ખલાસીએ બીજા ખલાસીઓની સહાય વડે બાળકો, સ્ત્રીઓ અને પુરુષોને કિનારે ઉતાર્યા. છેવટે એક માંદી સ્ત્રીને સ્ટ્રેચર-ખાટલામાં સુવાડી સંભાળથી ઉતારવી પડી. તેને ઊંચકી બે માણસો આગળ ચાલ્યા. તેની સાથે જ એક યુવતી આગળ ચાલવા લાગી. અંધકાર હતો છતાં તે યુવતીએ પેલા યુવકને ઓળખ્યો, અને તેનાથી પુછાઈ ગયું :

'કોણ ? સનાતન?'

ખાટલામાં સૂતેલી માંદી યુવતીએ પોતાનું ડોકું ઊંચક્યું.

'બહુ હાલશો નહિ.' એક ઊંચકનારે કહ્યું.

સનાતને પોતાને બોલાવનાર સ્ત્રીનો કંઠ ઓળખ્યો; તે કુસુમ હતી, માંદી સ્ત્રી પણ તેણે ઓળખી; તે મંજરી હતી.

તેણે કુસુમના પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ. માત્ર પોતાના મુખ ઉપર લૂગડું ફેરવી નદી અને વરસાદનાં પાણીના લાગેલા છાંટા તેણે લૂછવા માંડ્યા.

'સનાતન !' કુસુમે ફરી સંબોધન કર્યું. પરંતુ તેનો કશો ઉત્તર મળ્યો નહિ. ટોળામાંથી ખસી બાજુએ ઊભેલા સનાતનને એક ખલાસીએ બૂમ પાડી :

'ભાઈ ! આપને બોલાવે છે !'

'તમે જાઓ. હું આવું છું, હોડી ગોઠવીને.'

વરસાદ અને વંટોળિયાના ભયે સહુ ઉતાવળાં જતાં હતાં. માત્ર સનાતન વધતા જતા અંધકારમાં ત્યાં ને ત્યાં સ્થિર ઊભો રહ્યો. તેના વસ્ત્રની માફક તેનું હૈયું પણ અત્યારે હાલી ઊઠ્યું હતું. જેમને તે છોડવા ઈચ્છતો હતો તે અણધાર્યાં સામે જ આવી ઊભાં હતાં ! એક વખત તે મંજરીને છોડી અદ્રશ્ય થઈ ગયો હતો. શા માટે ?

ઘાયલ વ્યોમેશચંદ્રના હાથમાં રહેલો મંજરીનો હાથ, વ્યોમેશચંદ્રની વ્યાકુળ પરાધીનતા, ને મંજરીના હૃદયમાં પ્રેમ કરતાં પણ વધારે પ્રબળપણે પ્રગટેલી સેવાભાવના તે દિવસે સનાતને નિહાળી, અને તેને લાગ્યું કે એ પતિ પત્નીના જીવનમાં તેણે ક્ષણ પણ ઊભા રહેવું એ પાપ છે. વ્યોમેશચંદ્રના લગ્નને સ્વીકારી શકેલી મંજરી વ્યોમેશચંદ્રની સારવાર સ્વીકારતી હતી. સનાતન તેમના જીવનમાંથી જ અદ્રશ્ય થઈ જાય તો મંજરી પોતાના જીવનને સરળતાથી સ્વીકારતી બની જાય એવો પૂર્ણ સંભવ હતો. એક વંટોળિયાની માફક કોઈના જીવનમાં પ્રવેશ કરી એ જીવનને વેરણછેરણ કરી ચાલ્યા જવાનો તેને જરાય હક્ક ન હતો. તેણે પોતાના હૃદયને પથ્થર બનાવી દીધું, અને કોઈને કશી જ ખબર ન પડે એમ તે અંધકારમાં ઘર બહાર ચાલી નીકળ્યો.

ક્યાં જવું તેની એને ખબર ન હતી, શું કરવું તેની એને ખબર ન હતી; મંજરીના જીવનમાંથી જેટલે દૂર ચાલ્યા જવાય એટલે દૂર જવાની તેનામાં સબળ વૃત્તિ જાગ્રત થઈ હતી. ડગલાં ભરવાથી દૂર જવાય એમ તે ધારતો હતો. તેણે ખૂબ ડગલાં ભર્યાં. તેની પાછળ કોઈ આવતું હતું તેની પણ તેને ખબર રહી નહિ. પાછળ આવતો માણસ કંટાળ્યો, અને ઝડપથી ડગલાં ભરી તેણે સનાતનને ખભે હાથ મૂક્યો. સનાતને ચમકીને પાછળ જોયું. તે વસતીની બહાર નીકળી ગયો હતો. તેના ખભા ઉપર હાથ મૂકનાર માણસે તેને પૂછ્યું :

'ક્યાં જશો ?'

અવાજ અને આકૃતિ ઉપરથી તે પુરુષ તેને સહજ પરિચિત લાગ્યો.

'થાક ન લાગે ત્યાં સુધી તમે કોણ છો ?' સનાતનથી પેલા માણસને પૂરો ઓળખી શકાયો નહિ.

‘મને ન ઓળખ્યો? તમને છરો વગાડ્યો હતો તે.'

'રફીક ! તું અહીં ક્યાંથી ?'

'આપની પાછળ આવ્યો.'

'કેમ ?'

‘ચિતરંજને મોકલ્યો.'

'એ ક્યાં છે?' ગામમાં જ. એમના મિત્રને મળવા આવ્યા છે.'

'પણ તું ચિતરંજન સાથે ક્યાંથી ?'

'હું તેમની જોડે જ હવે રહું છું.'

'શું કામ કરે છે ?'

'જે કામ એ બતાવે છે. અત્યારે તમને સાથે લઈ જવાનું કામ સોંપ્યું છે.'

'હું ન આવું તો?'

'તો ઊંચકીને લઈ જઈશ.' પ્રચંડ રફીક હસતે હસતે બોલ્યો. આ મશ્કરી તે ખરી પાડે એવો તેનો દેખાવ હતો જ.

ચિતરંજન પાસે જવાનું સનાતનને મન થયું. નિરાશા ઉત્પન્ન થાય ત્યારે પોતાની પાસે આવવાનું તેમનું કાયમનું આમંત્રણ હતું. સનાતન પાછો ફર્યો. તેના હૃદયમાં નિરાશા જ હતી. આથી વધારે અંધકારમય સ્થિતિ કઈ હોય?

પરંતુ એમાં ચિતરંજન શું કરી શકશે ? સ્થિતિ પલટો કરવાની કોનામાં શક્તિ રહી હતી ? મંજરી અને વ્યોમેશચંદ્રનાં લગ્ન એ સિદ્ધ વાત હતી. મંજરી સનાતનને ચાહતી હતી એ એટલું જ સિદ્ધ હતું. લગ્ન એ ટાળી ન શકાય એવી સામાજિક ઘટના હતી. મંજરી અને સનાતન બંનેએ લગ્નમાં પોતાના પ્રેમનો ભોગ આપવો એ જ માત્ર બની શકે એમ હતું. એ ભોગ આપતાં મંજરીને ઓછામાં ઓછું દુઃખ થાય એમ કરવું એ જ માત્ર સનાતનની ફરજ હતી. મંજરીના જીવનમાંથી અદ્રશ્ય થવા સિવાય એ બની શકે એમ નહોતું. તેના જીવનમાંથી અદ્રશ્ય કેમ થવાય ? તેની આંખથી અદ્રશ્ય બનવું એ એનો પ્રાથમિક ઈલાજ. એમાં ચિતરંજનને મળવાથી વધારે શું ?

તોય તે ચિતરંજનની પાસે ગયો. દીનાનાથનું એ જૂનું મકાન. મંજરીનાં માતાપિતા ત્યાં ન હતાં, વ્યોમેશચંદ્રની સારવાર માટે તેમને ઘેર પહોંચી ગયાં હતાં.

'આવ, સનાતન !' ચિતરંજને કહ્યું.

સનાતન પોતાની જગ્યાએ બેઠો. એ જ સ્થાને તેણે મંજરીને હૃદય અર્પણ કર્યું હતું - જીવન અર્પણ કર્યું હતું. એ અર્પણ આજ નિરર્થક બન્યું હતું. મંજરીથી તેને અદ્રશ્ય થવાનું હતું.

'તારી પાછળ જ હું આવ્યો.' અબોલ સનાતનને ચિતરંજને કહ્યું.

'હું આવ્યો એની આપને શી ખબર?' સનાતને પૂછ્યું.

'દુનિયામાં કેટલાક બેવકૂફોની હું ખબર રાખતો રહું છું.'

શું સનાતન બેવકૂફ હતો ? શા માટે તેણે પત્રલેખનનો કાળ લંબાવ્યો ? તેણે વગર બોલ્યે પોતાની બેવકૂફમાં થતી ગણતરીને સંમતિ આપી.

'મને ચિંતા હતી કે તું કાંઈ વાંકું વસમું કરી બેસીશ.' ચિતરંજને વાતચીતને પોતાના પંજામાં પકડી રાખી.

'એટલે !'

'આ બે કલાકથી હું જાણું છું કે તું જતો રહેવા ધારે છે. એ માટે તો મેં રફીકનો તારા ઉપર પહેરો રાખ્યો. કહે ક્યાં જવાનો વિચાર કર્યો છે?'

'જ્યાં પગ લઈ જાય ત્યાં.'

'આજના યુવાનોને પગ જ ક્યાં છે ?'

‘પગ નહિ હોય તો જિગર તો છે જ.' સનાતનને આજના યુવાનોની ટીકા ગમી નહિ.

'આજના યુવાનોમાં જિગર પણ નથી.'

'જિગર હોત તો શું કરત?'

'જૂના યુગનો યુવાન હોત તો તે ગમતી સ્ત્રીને ઉપાડી લઈ ગયો હોત.'

'સ્ત્રી એ મિલકત નથી - ન હોવી જોઈએ.’

'અગર ખુલ્લે છોગે બંને ભેગાં રહેતાં હોત.'

‘બહુ જ અશિષ્ટ ! અસંસ્કૃત !'

'ખરું, પણ વધારે પ્રામાણિક. નહિ ?'

સનાતન આ વિચિત્ર પણ ખરી લાગતી વાત સાંભળી વિસ્મય પામ્યો. લગ્ન એ પવિત્ર સંબંધ છે - હોવો જોઈએ. જ્યાં તેમ ન હોય ત્યાં સુઘળ અનુકૂળતાનો એ સંબંધ છે. એ સંબંધ પવિત્ર હોય કે સગવડરૂપ હોય તો પણ તેને નિભાવી શકાય એ સારામાં સારો સંસારમાર્ગ છે. પરંતુ એવી નિભાવણીને પણ સીમા હોય છે. પવિત્રતાની - સગવડની સીમાનું ઉલ્લંઘન થાય તો પણ લગ્નસંબંધ ચાલુ રાખવો એમાં ન્યાય હશે ? ડહાપણ હશે ? નીતિ હશે ? એને લગ્નસંબંધનું નામ આપેલું ચાલુ રાખી શકાય ખરું ? સંબંધ વિચ્છેદ એ વધારે સારો માર્ગ ન કહેવાય ?

‘મંજરીને મળ્યો ?’ વિચારમાં પડેલા સનાતનને ચિતરંજને પૂછ્યું.

'હા, જી.'

'હવે એક જ જૂનો માર્ગ સૂચવવો બાકી રહ્યો.'

'શો ?'

‘પણ તે માર્ગ તમે આજના યુવાનો લઈ શકો કે કેમ એની મને શંકા છે.'

'કારણ ?'

'કારણ એટલું જ કે તમે આજના યુવકો કામી છો. લોલુપ છો. પ્રેમી નથી.'

'હું શું કરું તો પ્રેમી કહેવાઉં ?'

'કહેવા માટે પ્રેમી થવાને જરૂર નથી. પ્રેમી હોઉં તો જ પ્રેમી કહેવાજે.'

'હં. આપ શું સૂચવો છો ?'

‘મસ્ત બન; સાધુ બન; દેહથી આગળ જા; રડતો ન બેસ; બને તો મંજરીને ભૂલી જા.' 'ભૂલવાની વાત મુશ્કેલ નથી ?'

'અલબત્ત, ઘણી જ મુશ્કેલ. પરંતુ મુશ્કેલીને ઠોકર મારે તે યુવક; મુશ્કેલીની ઠોકરે ચડી રડતો બેસે એ નામર્દ. પછી એ મુશ્કેલી ધનવિષયક હોય કે પ્રેમવિષયક હોય.'

સનાતનને ચિતરંજને એક માર્ગ બતાવ્યો. વાચન, ચિન્તન અને કાર્ય. એમાં દુઃખને ઓગાળી નાખવાની શક્તિ રહેલી દેખાડી. વળી રફીક અને બુલબુલનું દ્રષ્ટાંત તેની આગળ મૂકી એવા ભગ્ન જીવનની સેવામાં પોતાના જીવન અવશેષને ગાળવાથી પ્રેમસિદ્ધિ કરતાં પણ વધારે મહાન સિદ્ધિ મેળવવાની તેનામાં આશા ઉપજાવી.

સાધુપણું આર્યજીવનનો અંશ છે. ફકીરી એ પૌર્વાત્ય પ્રજાનો પ્રિયધર્મ છે. પશ્ચાત્તાપમાં પડેલા રફીક અને અંધ બુલબુલની સોબતમાં નદીકિનારાનું એકાંત સેવી, ભગ્નપ્રેમી સનાતને વિરાગ કેળવવો શરૂ કર્યો.

જગતમાંથી તે લગભગ અદ્રશ્ય બની ગયો. મંજરીના જીવનની બહાર કુસુમના જીવનની બહાર નીકળી જઈ તે બંને યુવતીઓને સુખી થવાની તક આપતો હતો. તેને કલ્પના પણ ન હતી કે અણધાર્યા સંજોગોમાં એ જ બંને યુવતીઓ તેની જ મહેમાન બનશે. અને મંજરીએ પ્રેમમાં પોતાના દેહને ઓગાળી દીધો હતો તેનું ખરું ભાન સનાતનને નદીકિનારે જ થયું. મંજરીને પોતાની સાથે નાસી આવવા દીધી હોત તો તેનો દેહ આમ ઘસાત ખરો ?

મોડી રાત સુધી તે નદીની કરાડ ઉપર બેસી રહ્યો. વંટોળિયો અને વરસાદ બંને અદ્રશ્ય થયાં હતાં. પરંતુ એ કુદરતનો વંટોળિયો સનાતનના હૃદયમાં પ્રવેશ પામ્યો હતો. રફીક તેને રાતમાં બોલાવવા આવ્યો ન હોત તો તે ભાગ્યે પોતાની ઝૂંપડીમાં જાત.

'રફીક ! બધાં મહેમાનો જમ્યાં ?' ઝૂંપડીમાં આવી સનાતને પૂછ્યું.

'હા. સગવડ થઈ ગઈ, બહેનો તો કાંઈ જમી નહિ.' રફીકે જણાવ્યું.

સ્ત્રીઓના વેચાણમાંથી ગુજરાન મેળવતો એ ગુંડો પવિત્ર નિઝામી મુસ્લિમ બની ગયો હતો. માનવીની સદ્દગતિ સર્વદા શક્ય છે. પાપીને તરછોડવાની જરાય જરૂર નથી. પાપીને તરછોડનાર જાતે જ પાપી બને છે.

'બધાંને સુવાડ્યાં ?' સનાતને પૂછ્યું.

'હા જી. ધર્મશાળા મોટી છે. ગોદડાંની પણ પૂરી સગવડ છે.'

પ્રભાતમાં બુલબુલની ભૈરવીએ સહુને જાગ્રત કર્યા :

દયાધન ! પાર ઉતારો નાવ !
આંધી ચડી જલ મારે ઉછાળા;
ભૂલ્યો સુકાની દાવ ! - દયાધન.
સૂરજ અસ્ત ! શશી તારાગણ
અંધારે ગરકાવ ! - દયાધન.
નીર તીર બની એક ગૂંથાયાં !
કરવી કોને રાવ ? - દયાધન.
સઢ તૂટ્યા, ખોવાય હલેસાં
મારગ નાથ બતાવ ! - દયાધન.
પાપભાર જરી હળવો કરીને
ડૂબતી નાવ બચાવ ! - દયાધન.

ધર્મશાળા સનાતનની ઝૂંપડીની જોડમાં જ હતી, ધર્મશાળામાં જવું કે ન જવું તેના સંકલ્પવિકલ્પમાં પડેલા સનાતનને ધર્મશાળામાંથી વ્યોમેશચંદ્રે જ બોલાવ્યો. અનિચ્છાએ સનાતન ત્યાં ગયો. માંદી મંજરી એક ખાટલામાં સૂતી હતી. તેનો દેહ એવો કૃશ બની ગયો હતો કે ખાટલો ખાલી ખાલી લાગતો હતો. છતાં મંજરીના મુખ ઉપર રોગભરી ખૂબસૂરત લાલાશ અને તેની ચપળ ચમકતી કાળી આંખો તેને હજી આકર્ષક બનાવી રહી હતી.

'મંજરી તમને યાદ કરે છે.' વ્યોમેશચંદ્રે સનાતનને કહ્યું.

સનાતનના હદયમાં ધ્રાસ્કો પડ્યો. મંજરીની આવી સ્થિતિ ? ભોગ સનાતને આપ્યો, કે મંજરીએ ? ભૂલવા મથતો સનાતન પ્રેમી ? કે તેને ન ભૂલેલી મંજરી પ્રેમી ?

આંખને ઇશારે મંજરીએ સનાતનને પાસે બોલાવ્યો. માંદગીમાં મર્યાદાની કોઈ આશા રાખતું નથી. જોવા આવનાર બધાં જ જ્વરગ્રસ્તને ગમે છે. સનાતન ખાટલા આગળ જઈ ઊભો.

'બેસો ને ?' કુસુમે કહ્યું.

સનાતન ખાટલા નીચે બેસી ગયો. મંજરી તેના સામે જોયા કરતી હતી.

'કેમ આવું શરીર કરી નાખ્યું ?' સનાતને મંજરીને પૂછ્યું.

'હોય. દેહ છે.' મંજરીએ ધીમેથી કહ્યું. તેનાથી બળપૂર્વક બોલાતું પણ ન હતું.

'મટી જશે એ તો.' સનાતને આશ્વાસન આપ્યું.

દર્દી અસાધ્ય રોગને પારખી જાય છે. લાંબા પરિચયથી મૃત્યુનો ભય પણ દર્દીને રહેતો નથી. મંજરીએ કહ્યું :

'મને તેની ચિંતા નથી.'

'તમારે કશી જ ચિંતા ન રાખવી.'

'મને એક જ ચિંતા છે.' એટલું કહી મંજરીએ આંખ મીંચી. તેને ભારે થાક લાગ્યો જણાતો હતો. આટલી વાતચીત પણ તેના દેહને શ્રમિત બનાવતી હતી. જરા રહી તેણે આંખ ઉઘાડી. તેની આંખમાં અમાનુષી વિકળતા ઊભરાઈ આવી. તેણે સનાતનને કહ્યું :

'એક વાત પૂછું?'

'તમને થાક લાગશે.'

'હવે નહિ લાગે. થોડું જ પૂછીશ.'

'કહો, શું છે ?'

‘હું... જાઉં ત્યારે... પત્ર લખશો ને ?'

'જરૂર.'

'ક્યાં લખશો ?'

'તમે જ્યાં હશો ત્યાં.'

'જો જો... ફરી ભૂલ ન થાય...'

'હું ખાતરી આપું છું.'

મંજરીના મુખ ઉપર સ્મિત છવાયું. તેની આંખ હસી ઊઠી. પરંતુ એ સ્મિત કેમ સ્થિર હતું ? એ હસી ઊઠેલી આંખો કેમ પલક મારતી ન હતી ?

'અરે ! અરે ! જુઓ, બહેનને કાંઈ થયું !' લક્ષ્મી દૂરથી બોલી ઊઠી.

સહુ દોડીને ખાટલા પાસે આવ્યાં.

'મંજરી !' વ્યોમેશચંદ્રે બૂમ પાડી.

મંજરીની આંખ હસતી જ હતી.

'મંજરી ! મંજરી !' રડતે સાદે વ્યોમેશચંદ્ર ફરી બૂમ મારી ઊઠ્યા.

મંજરીએ જવાબ ન આપ્યો. સ્મિત એ તેનો જગતને - જગતનાં સર્વ સ્નેહીઓને છેલ્લો જવાબ હતો. તેને તેનો સનાતન પત્ર પાઠવશે એ આશા તેના જીવનની છેલ્લી ક્ષણ હતી. આશામાં પ્રસન્નતા અનુભવતા મંજરીનો આત્મા તેના મુખને સ્મિતથી રંગી દેહ છોડી ઊડી ગયો. ક્યાં? કોણ જાણે !

આખી ધર્મશાળા રડી ઊઠી. કિનારો રડી ઊઠ્યો. ન રડ્યો માત્ર સનાતન. તે વિરાગને કેળવતો હતો. જગતના સંબંધથી તે પર જવા મથતો હતો. મંજરીના દેહને તેણે ચિતામાં સળગતો જોયો. તેનું હૃદયકાઠિન્ય તેને અવિકળ રાખી શક્યું.

તે જ વખતે લક્ષ્મી એક પત્ર લઈને દોડતી આવી.

'શું છે ?' કોઈએ પૂછ્યું.

‘આ કાગળ બહેનની સાથે જ રાખવાનો છે.' રડતી લક્ષ્મીએ કહ્યું.

'કેમ ?'

'એવી એમની ઇચ્છા હતી.'

'જોઉં, શાનો કાગળ છે ?' સનાતને પૂછ્યું.

લક્ષ્મીએ તેના હાથમાં પત્ર મૂક્યો. સનાતનના હાથના અક્ષર તેની ઉપર હતા. ‘કાંઈ જોવાની જરૂર નથી. એની ઈચ્છા પ્રમાણે એ પત્ર એની સાથે જ રાખો.' વ્યોમેશચંદ્ર બોલ્યા.

સનાતને એ પત્ર ચિતામાં મૂકી દીધો. દેહ સાથે બળી ઊઠતા પત્રે પણ તેના હૃદયને હલાવ્યું નહિ. હૃદય ઉપર આજ તેણે વજ્રભાર મૂકવાનો સંકલ્પ કર્યો હતો.

સંધ્યાકાળે સનાતન નદીની કરાડે એકલો બેઠો બેઠો લાંબા લાંબા વૃક્ષપડછાયા પાણીમાં વિસ્તરતા જોતો હતો. માનવ જીવન સત્ય હશે, કે કોઈ અનંત જીવનનો એ બેડોળ પડછાયો માત્ર હશે ?

'શું કરો છો ?' પાછળથી એક બાલસ્વરે સનાતનને વિચારમાંથી જાગ્રત કર્યો. નાનકડી વેલી તેની પાસે ઊભી હતી.

'કાંઈ નહિ. બેઠો છું.' સનાતને કહ્યું.

'ખોટું ! કંઈ શોધો છો.’ વેલીએ કહ્યું.

'શોધ્યે કશું જ જડતું નથી.'

'જુઠા હું જાણું છું ને !'

'શું?'

'તમે મંજરીબહેનને જુઓ છો.'

'હવે મંજરી જોયે દેખાય એમ નથી.'

'ખોટું ! હું દેખું છું ને?'

'કેવી રીતે ?'

'કોઈને કહો નહિ તો બતાવું.'

'નહિ કહું.'

'આંખો મીંચો પછી મંજરીબહેન દેખાય છે કે નહિ તે કહો.' સનાતનનું હૃદય ધડકી ઊઠ્યું. તેણે આંખો મીંચી. ખરે, બાળકી કહેતી હતી એમ મંજરી મીંચેલી આંખે તાદ્રશ દેખાતી હતી !

‘અને બધા કહે છે કે મંજરીબહેન ગુજરી ગયાં !' વેલી જગતની માન્યતાને તિરસ્કારતી બોલી ઊઠી. પરંતુ વેલીને સમજ પડી નહિ કે સનાતનની આંખમાંથી આંસુધારા કેમ વહેતી હતી. !

'ના દેખાયાં?' વેલીએ પૂછ્યું.

આંખ ઉપર બંને હાથ રાખી સનાતન ખૂબ રોયો. તેનો પડછાયો વિલીન થઈ ગયો. માત્ર તેનું રુદન પડઘો પાડી રહ્યું હતું.

♦ ♦ ♦