પત્રલાલસા/બુલબુલનો ભૂતકાળ
← બુલબુલ | પત્રલાલસા બુલબુલનો ભૂતકાળ રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
વ્યવહાર → |
આશાભર્યા ઊછરતાં પ્રિય બાલ બાલા !,
સંસાર મધ્ય વડવાનળ કેરી જ્વાલા.
નાનાલાલ
સવારથી બિલાવલની છાયા જામી ગઈ હતી. બુલબુલના મનમાં હજી તેની તે જ ધૂન હતી. પ્રભાતને અનુકૂળ બિલાવલના સૂર તેના કંઠમાંથી નીકળ્યા અને તેણે એક સુંદર ચીજ ઉપાડી.
યહી બીધના તોપેં અંચરા પસાર માગું,
જનમોજનમ દીજો યહી બ્રિજ બસસો :-યહી.
દધી કો જો દન લેત, બ્રિજકી કુંજનમેં,
ટેર ટેર પિયારેસે હેર હેર હસસો :-યહી.
ગાન પૂરું થયું પરંતુ તેના ભણકારા વાગવા ચાલુ જ હતા. સનાતન પણ આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયો. તેણે ક્વચિત્ ગાયું હશે, પણ તે શાકુંતલ કે મેઘદૂતની છંદરચના બહાર કદી ગયો નહોતો. કંઠમાંથી કેટલું માધુર્ય ઉત્પન્ન કરી શકાય છે તેનો તેને પૂરો ખ્યાલ નહોતો. ગાનાર વગાડનાર ઉપર તેને એક જાતનો તિરસ્કાર આવતો. કામધંધો ન હોય, ભણવાગણવાની મહેનત કરવી ગમતી ન હોય, એવા માણસો ગાવાનું સહેલું કામ ઝટ હાથ કરી લે એમ તેને લાગતું હતું. સંગીતમાં હૃદયને ડોલાવવાની શક્તિ છે તેની તેને આજે ફરીથી ખાતરી થઈ.
ચિતરંજન તો ગાનમાં લીન જ થઈ ગયો હતો. નશામાં આવેલા માણસને આજુબાજુનું ભાન રહેતું નથી: સંગીત પણ એક પ્રકારનો નશો ઉત્પન્ન કરે છે. માધુર્યથી છલકાતા જામ ચારે પાસ ઊછળતા હોય, ઉપરાઉપરી પ્યાલા પીવા છતાં તૃપ્તિ થતી ન હોય, રખેને મીઠાશનું એક પણ બિંદુ વગર પીધે ઢળી તો નહિ જાય એની કાળજી રખાતી હોય – આવી નશાબાજી સંગીતના દર્દીઓ અનુભવે છે. ન સમજદારને તેઓ ઘેલા લાગે છે, પણ દર્દીઓને પારકાના અભિપ્રાયની ભાગ્યે જ દરકાર હોય છે.
ગાન પૂરું થતાં ચિતરંજન બૂમ પાડી ઊઠ્યો : 'વાહ, વાહ ! બુલબલ ! સંગીત ઉપર તો રાજ્યો કુરબાન થતાં એમાં નવાઈ નથી.'
સનાતને વખાણમાં ઉમેરો કર્યો : 'આપણી કુરબાની ગાયનની અસર નીચે ઘણી જ વધી જાય.'
‘વધી જાય એમ નહિ; કુરબાનીની મર્યાદા જ સંગીત તોડી નાખે છે.' ચિતરંજને સુધારો કર્યો. 'સંગીતના લયમાં તમે પગ ઉપાડો અને રણભૂમિમાં જરૂર હસતે મુખે મરી શકશે. મંદિરમાં જાઓ અને સૂરદાસનું એક પદ સાંભળો; તમે પ્રભુના ચરણમાં જરૂર તે વખતે મસ્તક મૂકી દેશો. હું જો ડૉક્ટર હોઉં તો દુનિયાના સર્વ દર્દીઓ માટે ગાયન સિવાય બીજી દવા જ ન આપું. હું જો રાજા હોઉં તો સર્વ ગુનેગારો માટે એક જ ઈલાજ અજમાવું? તેમને સંગીતની અસર નીચે છૂટા મૂકી દઉં.'
સનાતન આટલી હદ સુધી જવા તૈયાર નહોતો, છતાં તેને વિરુદ્ધ કહેવાપણું હતું નહિ !
મેના અને ચિતરંજને થોડી વારે ત્યાંથી ઊઠી ગયાં. સનાતનને વાગેલા ઘાની આજ સહજ પીડા લાગવા માંડી હતી. તેનાથી એકાદ માસ સુધી અહીંથી જવાય એમ નહોતું. તેના મિત્રને આ સંબંધમાં ખબર પહોંચાડવાનું ચિતરંજને માથે લીધું હતું. જતે જતે ચિતરંજને બુલબુલને સૂચના કરી કે સનાતનની ઇચ્છા હોય ત્યાં સુધી તેણે તેને ગાન સંભળાવવું.
બુલબુલે બે-ત્રણ ચીજો સંભળાવી. સનાતન ઘણો જ ખુશી થયો. છેવટે તેણે બુલબુલને પૂછ્યું : 'મને ગાયન ન શીખવો?’
અંધ યુવતી સહજ હસી : 'બહુ મહેનતનું કામ છે, પણ મને તો સારું લાગશે, ને મારો દિવસ જશે.'
'હું અહીં એકાદ માસ તો રહેવાનો છું. તેટલા વખતમાં શિખાશે તે શીખીશ.' સનાતને કહ્યું. ‘તમે તો અહીં જ રહેશો ને ?'
પ્રશ્ન સાંભળી બુલબુલનું મોં પડી ગયું.
‘હું તો અહીં જ રહીશ. બીજે ક્યાં આશરો મળે એમ છે?' તેના મુખ અને ઉચ્ચારમાં ઊંડા દુઃખનો રણકાર સંભળાયો.
'એમ કેમ ?' સનાતને પૂછ્યું.
'મારે મા નથી, બાપ નથી, સગું નથી, વહાલું નથી. મારી આંખો હતી ત્યાં સુધી સૌ કોઈ વહાલું હતું. આંખો ગઈ એટલે સર્વને અળખામણી થઈ પડી. નિરાધારને આ સ્થળ સિવાય ક્યાં આશ્રય મળે ?' દુઃખી હૃદયે બુલબુલે જણાવ્યું.
સનાતનને અતિશય દયા આવી. તેની હકીકત વધારે જાણવા તેનું મન થયું, પરંતુ તેમ કરી તેના દિલમાં વધારે દુઃખ ભેળવવું એ વાસ્તવિક થશે નહિ એમ તેને લાગ્યું. કાંઈ સૂજ ન પડવાથી આશ્વાસન આપવા પૂરતું તે બોલ્યો :
'ઈશ્વર સહુનો બેલી છે.'
પરંતુ બુલબુલને તેથી આશ્વાસન મળ્યું એમ લાગ્યું નહિ. તેનું મન સહજ ઉશ્કેરાયું. તેણે જવાબ આપ્યો :
'મારો બેલી તો ઈશ્વર પણ નથી. બધા કહે છે કે પ્રભુ સહુને ભૂખ્યાં ઉઠાડે છે, પરંતુ ભૂખ્યાં સુવાડતો નથી. આમ કહેનારાઓ ભૂલી જાય છે કે દિવસોના દિવસ ભૂખ્યાં સૂઈને એકાદ સવારે માણસો ઊઠવા પણ પામતાં નથી. ઈશ્વર તે વખતે ક્યાં નાસી જાય છે તે જણાતું નથી.'
સનાતનનું હૃદય કંપી ઊઠ્યું. ખરે, જગતમાં અસહ્ય દુઃખો વેરેલાં છે, અને તેનું પ્રમાણ એટલું બધું બહોળું છે કે દુનિયા ઈશ્વરને કેમ માને છે એ સમજવું મુશ્કેલ થઈ પડે છે.
બુલબુલ આગળ બોલી :
‘મારી આંખો ગઈ, અને જગતે મને હડસેલી મૂકી. ચિતરંજન મારી વહારે આવ્યા ન હોત તો હું આજ તમારી પાસે આમ ગાવાને જીવતી રહી ન હોત.'
સનાતનને ઈશ્વરની વિરુદ્ધ બહુ વિચાર કરવા ગમ્યા નહોતા; પરંતુ બુલબુલના વાક્યે તેની મરજી વિરુદ્ધ તેને નાસ્તિક બનાવી દીધો હતો. તેનું આસ્તિક હૃદય ઈશ્વરનો બચાવ કરવા બહાનાં ખોળતું હતું તે બહાનું તેને બુલબુલના વાક્યમાં જ મળી ગયું.
'મારે, તો ઈશ્વરનો ઉપકાર જ માનવાનો છે કે તમને જીવતાં રાખ્યાં અને આજે તમારું ઈશ્વરી ગાન સાંભળ્યું. તમે ભલે તેને નિંદો ! તમારે કારણ છે.'
‘શું કરું, ભાઈ !' બુલબુલે કહ્યું. “મારાં જ પાપનો વિચાર હું કરતી નથી અને ઈશ્વરને દોષ આપું છું. હું આંધળી થઈ તે પણ મારાં જ પાપે. મારે જાણવું જોઈતું હતું કે જીવનમાં અનાચારની એક ક્ષણમાં પણ ભવોભવ ચાલે એટલાં પરિણામોનાં બીજ રોપાય છે. મારી આંખો ન જાય તો બીજું શું થાય ?'
નિરાધાર અને અપંગ માણસો સહાનુભૂતિ માગે છે. તેમનું દુઃખ સાંભળવાની જગતના મોટા ભાગને દરકાર હોતી નથી, છતાં કોઈ વિરલ વ્યક્તિ સહજ દયાભાવ બતાવી તેમનાં વીતકો સાંભળે તો તેમના દુ:ખની તેમને દવા મળે છે. સનાતન સરખો સંસ્કારી યુવક બુલબુલની કથની સાંભળવા તૈયાર હતો, અને તેથી બુલબુલનું હૃદય તેના આગળ ખૂલી ગયું.
તે એક ગૃહસ્થ કુટુંબમાં જન્મેલી હતી. નાનપણથી જ તેને સંગીતનો નાદ લાગ્યો હતો. કિશોર અવસ્થાને કોણ સમજી શક્યું છે ? એક બાજુએથી યૌવનનો તનમનાટ અને મસ્તી અને બીજી બાજુએથી બાલ્યાવસ્થાનું અજ્ઞાન, ભોળપણ અને હલેતાપણું - એ ભાવોની સામસામી ખેંચતાણની રંગભૂમિ એ કિશોર અવસ્થા. એ કિશોરવયમાં બુલબુલને તેના સંગીતશિક્ષકે ભોળવી. અજ્ઞાન બાળાએ પોતાનું ગૃહ અને કુટુંબ છોડી એ શિક્ષકના અજાણ્યા ભાગ્ય સાથે પોતાનું ભાગ્ય જોડી દીધું. સંગીતની છાયામાં પાપ થતું હશે એમ માની શકાતું નથી, છતાં મૌવરના નાદથી મોહ પામી ડોલતો મણિધર ભાગ્યે જ સમજી શકતો હશે કે તેને માટે મદારીનો કંડિયો સેવવાનું સર્જાયું હશે ! મુરલીનો નાદ સાંભળી ભાન ભૂલી જતું હરણ ક્યારે જાણે છે કે એ મુરલીના મીઠા સૂર પાછળ તીરનો જીવલેણ જખમ સંતાયો છે ? સુખના અને દુઃખ વિવિધ અનુભવો થોડા સમયમાં કરાવી સંગીત શિક્ષક અદ્રશ્ય થઈ ગયો, અને આ ભાગ્યહીન યુવતીએ જાણ્યું કે તે એક પાપગૃહમાં આવીને ફસાઈ ગઈ છે. જાળમાં સપડાયેલી માછલી ઘણું તરફડે છે, પણ તેનાથી ક્યાં છુટાય છે ? બુલબુલે આ પાપગૃહમાંથી છૂટવાને ઘણાં જ તરફડિયાં માર્યા, પરંતુ તેનું મોહક સંગીત અને મોહક શરીર, પુરુષવર્ગની ધિક્કારપાત્ર લોલુપતા, નઠોર બેશરમી અને નિર્દય પશુભાવનાનું પ્રદર્શન કરાવતા પેલા સ્ત્રીઓના બજારમાં વેચાયાં. થોડો સમય આ સ્થિતિમાં ગાળતા તેને એક યુવકમાં સહૃદયતાનો ભાસ થયો. તે યુવક ગૃહસ્થ હતો, પરણેલો હતો; છતાં તેણે બુલબુલને છૂપી રીતે આશ્રય આપ્યો. બુલબુલને ખબર ન પડી કે આ યુવક તેના કંઠનો ભોગી હતો કે દેહનો; પરંતુ ટૂંક સમયમાં બુલબુલે જોયું કે પોતે એક મહા ભયંકર રોગનો કોળિયો થતી જાય છે. પાપીને પણ મરવું ગમતું નથી. તેણે પ્રાપ્ત કરેલું સર્વ ધન રોગ મટાડવામાં ખર્ચી નાખ્યું. ધન ગયું, રૂપ જવા માંડ્યું, તે કૃશ થતી ચાલી. પ્રથમના સુંદર દેહમાં કુરૂપતાની રેખાઓ ક્યાં ને કેવી રીતે છુપાઈ રહેતી હશે ? વૃદ્ધ અને રોગી એ બે જ જાણી શકે કે કોઈ જાદુઈ હાથ ફરતાં પ્રથમના ચમકતાં ચંચળ નયનો સુસ્ત અને જડ બની જાય છે અને પ્રથમના ગુલાબી ગાલ ફિક્કા અને કરચલી ભરેલા થઈ મુખને બિહામણું બનાવે છે. બુલબુલ દરરોજ આયનામાં પોતાના મુખને જોવા લાગી. તે કરમાતી ચાલી. અચાનક એક દિવસ તેને લાગ્યું કે તેની આંખે ઝાંખ વળે છે. તે કંપી ઊઠી : 'શું આંખ જશે?' તેને ભયભીત કરનારો વિચાર આવ્યો. અને જોતજોતામાં તેની આંખો ગઈ જ. તેનું રુદન અને પશ્ચાત્તાપ તેને કાંઈ જ કામ લાગ્યાં નહિ. તે કોને કામ લાગે છે ?
આંખ જતાં જ ગૃહસ્થ યુવકે તેને આપેલું ઘર પાછું છીનવી લીધું. બુલબુલને રોગ થવામાં અને તેને પરિણામે તેની આંખો ખોવડાવવામાં આ યુવક કેટલો કારણરૂપ હતો તે ડૉક્ટર જ કહી શકે. પરંતુ મનુષ્ય ખોટાં પરિણામો માટે પોતાની જવાબદારી લેવા ભાગ્યે જ તૈયાર થાય છે. અને તેમાંયે જ એ ખોટાં પરિણામો અન્યની જાત ઉપર સ્ફુટ થતાં હોય તો તે ઘણી જ ખુશીથી અને બહુ જ સગવડ સાથે પોતાની જવાબદારીને ધકેલી દે છે. બુલબુલ તો ગણિકા હતી. તે અંધ થઈ. ભોગ એના ! એમાં કોઈ શું કરે ? જરા પણ સંકોચ વગર આ યુવકે આંખ વિનાની થયેલી બુલબુલને ઘરમાંથી કાઢી મૂકી.
તે ક્યાં જાય? તેને કોણ સંઘરે ? તેનો કોણ ખપ કરે ? ગૃહસ્થ કુટુંબની કન્યા, અને લક્ષાધિપતિ મોજીલાઓને ગાંડા બનાવી દેનારી લલના - તેને આજે ઉપર આભ અને નીચે ધરતી હતાં. અને તે પણ ક્યાં હતાં ? તેની આંખોથી આભ અને ધરતી સુધ્ધાં છુપાઈ ગયાં હતાં ! તેનું હૃદય શૂન્ય થઈ ગયું, અંધકારમય જીવનમાં તે ઘેલછાની ટેકરીઓએ અથડાવા લાગી. ચાર દિવસ સુધી તે ભૂખી રહી. પોતાનો દેહ વેચનારને પણ ભીખ માંગતાં ન આવડ્યું - અગર પાપમાં પણ સચવાઈ રહેલી સ્વમાનની ચિનગારીએ તેને ભીખ માગીને પેટ ભરતાં રોકી.
હવે ખરેખર તેને મરવું ગમ્યું. કોને માટે - શાને માટે જીવવું ? અને જિવાડે કોણ ? આંખ હોત તો મજૂરી પણ કરત. રસ્તે જતા કોઈ માણસનો ભાસ થતાં તેણે દયાજનક એક ભીખ માગી :
'ભાઈ ! મારું એક કામ કરશો ? બહુ પુણ્ય થશે.'
‘પુણ્ય થશે કે નહિ તેની મને દરકાર નથી; પણ તારે શું કામ છે? તું આંખે નથી દેખતી, ખરું ?' પેલા રસ્તે જનારે પૂછ્યું.
ચાર દિવસમાં આવો સરળ ઉત્તર તેને પહેલો જ પુછાયો હતો.
બુલબુલને આશા પડી.
‘મને દરિયે લઈ જશો ?'
'દરિયો તો પાસે જ છે. ત્યાં તારે કેમ જવું છે ?' પેલા પુરુષે પૂછ્યું.
'મારે નાવું છે. મારે એક વ્રત છે.' બુલબુલે જવાબ દીધો.
‘ભૂખી લાગે છે. ચાલવાની તો શક્તિ નથી ને નાવા શી રીતે જઈશ? કશું ખાવું છે ?' પેલા પુરુષે પૂછ્યું. જગતના શુષ્ક પહાડમાંથી આ દયાનું ઝરણ કેવી રીતે વહી આવ્યું તેનો બુલબુલ વિચાર કરવા લાગી. પરંતુ જગત ઉપર તેને એટલી દાઝ ચડી હતી કે જગતમાં વસતા કોઈપણ પુરુષની દયાનો તે સ્વીકાર કરી શકે એમ નહોતું.
'નાહ્યા પછી ખાઈશ. એટલા માટે ભૂખી છું.' બુલબુલે કહ્યું.
'ઠીક ચાલ, હું લઈ જાઉં.' કહી તે માણસે બુલબુલને આંગળીએ વળગાડી દોરવા માંડી.
જગતના કહેવાતા નીતિમાનોથી આ પાપી સ્ત્રી સામું જોઈ પણ શકાય નહિ, પછી તેનો સ્પર્શ કરી દોરવાની તો વાત જ ક્યાંથી થાય ? બુલબુલને પોતાની જાતનું ભાન થયું, અને કદાચ આ મનુષ્ય નીતિમાન હશે તો પોતાનો સ્પર્શ તેને અપવિત્ર બનાવશે એ વિચારથી તે સંકોચ અનુભવતી આગળ દોરાવા લાગી.
'જો સંધ્યાકાળ પડી ગઈ છે. ભરતી આવવા માંડી છે. હું ઊભો છું અને નાહી લે.'
'ના ના, મારાથી એમ નહિ નવાય. આપ હવે જાઓ. હું નાહીને ધીમે ધીમે આવીશ. આપના દેખતાં હું નાહી શકીશ નહિ.' બુલબુલે તે માણસને ત્યાંથી ખસેડવા પ્રયત્ન કર્યો.'
‘ઠીક, તું ત્યારે રસ્તો હવે ખોળી લેજે, હું જાઉં છું.' એમ કહી પેલો માણસ ત્યાંથી સહજ દૂર ખસ્યો. આવી અંધબાલા રાતના વખતે દરિયા ઉપર એકલી નાહી શી રીતે બહાર આવશે તે તેને સમજાયું નહિ. તેને શક પડ્યો રખે ને આ બાઈ આપઘાત કરે !
ખરે, બુલબુલ સાગરને ખોળે મોત માગતી હતો. પાણીનાં મોજાં વધતાં વધતાં આગળ આવતાં હતાં. તેનું ગર્જન તેને ઘણું પ્રિય લાગ્યું. ક્ષણમાં બે ક્ષણમાં સાગર આવી પોતાને ઝડપી જશે અને આ પાપમય, દુઃખમય જીવનનો અંત આવશે, એ વિચારથી તેનું મન સહજ પ્રફુલ્લ થયું.
એક મોજું આવી તેના પગને ભીંજવી ગયું. આનંદમાં તે ધીમે સ્વરે એક ગઝલની પંક્તિ ગાઈ ઊઠી :
તુજકો આના હો તો આ ચુક, અય અઝલ*[૧]!
સાગર સાથે ચાલતી આ રમત પેલો પુરુષ દૂર ઊભો ઊભો હતો તેની બુલબુલને ખબર નહોતી.
- ↑ મોત*
પરંતુ દરિયાના કરતાં વધારે સબળ આશ્રય તેને મળવાનો હતો. પેલો પુરુષ એકાએક પાણીમાં કૂદી પડ્યો. વધ્યે જતાં મોજાં વચ્ચે બેદરકારીથી હીંચતી બુલબુલને તેણે ઝાલી લીધી, અને અત્યંત બળથી તેને પાણીની બહાર ખેંચી લાવ્યો. બુલબુલનું ભાન જતું રહ્યું હતું.
દરિયામાં ડૂબી આપઘાત ઇચ્છતી આ અંધ યુવતીને પાણીમાંથી ઊંચકી પેલો માણસ તેને એક સ્થળે લઈ ગયો. તેનાં ભીનાં કપડાં દૂર કરી ગરમ વસ્ત્રોમાં તેને લપેટી, અને અનેક જાતની માવજત કરી તેને સચેતન બનાવી.
ભાન આવતાં જ બુલબુલ બોલી ઊઠી :
‘મને મરવા પણ ન દીધી ?'
પેલા પુરુષે બુલબુલની ગઝલના ચરણનું ઉત્તરાર્ધ જવાબમાં આપ્યું :
બેઅઝલ આયે મરા જાતા નહિ !
ક્ષણભર સ્તબ્ધ બની અંધ બાળા બોલી :
'મને આંધળીને - નિરાધારને જિવાડી શું કરશો ?'
‘તારું ગીત સાંભળીશ. તારો અવાજ સાંભળ્યા પછી તને મરવા દેવાય એવું હતું જ નહિ.'
પાણીમાં ઊભા રહી તેણે ગઝલની એક લીટી ગાયેલી યાદ આવી અને તે પોતાના સંગીતને દોષ દેવા લાગી.
'ઠીક, પણ હું કોણ છું તે તમે જાણો છો? એ જાણશો તો પછી મને એક ક્ષણભર પણ તમારા ઘરમાં નહિ રહેવા દો.' સંતાપથી બુલબુલે થોડી વારે જણાવ્યું.
પેલા પુરુષે હસીને જવાબ આપ્યો :
'જો, છોકરી ! તું કોણ છે એ જાણવાની મને જરા પણ દરકાર નથી. ને મારા ઘર વિષે તું જરાયે ઊંચો જીવ ન કરીશ. મારે ઘર નથી, હું ઘર ચલાવતો નથી; હું તો ફક્ત મુસાફરખાનું રાખું છું.'
બુલબુલને નવાઈ લાગી. હિંસક માનવીઓથી ભરેલા જગતમાં આવો પરોપકાર પણ છુપાઈ રહ્યો છે એ તેને અત્યારે સમજાયું. તેની આંખમાંથી આંસુ ઊભરાઈ આવ્યાં. આંખ વિનાની આ અબળાનાં વહી જતાં અશ્રુ કોઈએ રૂમાલ વતી લૂછ્યાં, અને આ નિરાધાર બાળાની આભારવૃત્તિ બમણી ઊછળી આવી. તેનાં આંસુ ખાળ્યાં ખળાયાં નહિ. તેની પાસે બેસી કોઈ રૂમાલથી ઘડી ઘડી તેનાં આંસુ લૂછતું હતું. બુલબુલથી રડાય એટલું તે રડી. તેને રડવા દીધી. કેટલી વારે તેનું હૃદય હલકું પડ્યું. તેનાં આંસુ ખૂટ્યાં અને છેવટે મોં ઉપર રૂમાલ ફેરવતા હાથને પકડી તેણે પોતાની છાતી સાથે દાબ્યો.
બુલબુલ ચમકી. તેના ગાલ ઉપર એક આંસુનું બુંદ ટપક્યું. છાતી ઉપર દબાવેલો હાથ તેને અતિશય કુમળો લાગ્યો. તેની ખાતરી થઈ કે તે કોઈ સ્ત્રીનો હાથ હતો.
‘તમે કોણ છો ?' બુલબુલે પૂછવું.
‘તારા જેવી જ એક ભાગ્યહીન અબળા.' પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. હુંય તારી જ ન્યાતની છું.'
બુલબુલ પાછી ગભરાઈ. શું ફરીથી હું કોઈ પાપગૃહમાં આવી છું? તેને વિચાર આવ્યો.
'તમારું નામ શું ?'
'મારું નામ મેના !'
નામ ઉપરથી જ બુલબુલની ખાતરી થઈ કે પોતે પાછી એક કુટ્ટણખાનામાં ફસાઈ પડી છે. દયા ઊપજે એવા સ્વરે તેણે પૂછ્યું :
‘મને આંખ વગરનીને અહીં રાખી શું કરશો ?'
મેના સમજી ગઈ. તે હસી: ‘તારે બીજે ક્યાં જવા જેવું છે?'
'ના, મારું કોઈ નથી માટે તો હું મરતી હતી.'
'પછી અહીં જ રહે.'
'ફરી પાપમાં પડવા ?'
'નહિ. કરેલા પાપનો પશ્ચાત્તાપ કરવા.' મેનાએ જવાબ આપ્યો.
ટૂંક સમયમાં જ તેને જણાયું કે અહીં તો પાપમય જીવન ગાળતી એક નહિ પણ અનેક સ્ત્રીઓને આશ્રય મળેલો છે. તેને નવાઈ લાગી. માણસો પુણ્યદાન કરે છે, અપંગોને આશરો આપે છે, અનાથ બાળકોના આશ્રમો કાઢે છે. પરંતુ પાપમય જીવનમાં ફસાઈ પડેલી યુવતીઓને આશ્રય આપી નવીન જીવન ગાળવાની તક આપવાનું પુણ્ય જગતમાં કોઈ પણ લેતું હોય એમ તેને સ્વપ્ને પણ ખ્યાલ આવ્યો નહોતો. પૂણ્યનો એ માર્ગ જગતને હજી અજાણ્યો જ હતો. પતિત સ્ત્રીને પાળવી, તેના પતિત માર્ગમાંથી ખસેડવી, અને દેહ વેચી ગુજરાન કરવા કરતાં દેહની મહેનત વેચી ગુજરાન કરવાનો પ્રામાણિક રસ્તો બતાવવો એમાં પૂણ્ય છે એમ માનવાને પણ કોઈ તૈયાર નહોતું. કેટલીક જાતો અસ્પૃશ્ય હોય છે, તેમને અડકવાથી પાપ લાગે છે એમ મનાય છે. પરંતુ જગતના મોટા ભાગને વારંવાર સ્પર્શ કરતી આવી પતિત સ્ત્રીઓને જગતના નીતિમાન કહેવાતા પુરૂષો, સુધારકો અને આગેવાનો ઉચ્ચારને પણ પાત્ર ગણતા નથી. ! તો પછી તેમના તરફ દ્રષ્ટિ તો કરે જ કેમ ? અને દ્રષ્ટિ જ ન કરે તો તેમને ઉગારવાનો વિચાર પણ કેમ થાય ? ચાંડાળનો પડછાયો સુદ્ધાંત પડતાં સ્નાન કરવા સુધી ધર્મઘેલછાએ આપણી અસ્પૃશ્યપણાની ભાવનાને ખેંચી છે. પરંતુ શબ્દના ઉચ્ચાર માત્રથી જ અભડાઈ જવાય એવી કોઈ હીનભાગી સંસ્થા હોય તો તે ગણિકાની જ છે. તેના નામોચ્ચાર પછી જો નાહી શકાતું હોય તો નીતિમાન પુરુષ નાહી પણ નાખે અને પવિત્ર થાય !
અને છતાં તે પતિત સ્ત્રીઓના પણ હૃદય માનવહૃદય છે એ સહુ કોઈ ભૂલી જાય છે. જગતમાં નીતિમાન હોવાનો ગર્વ રાખનાર સ્ત્રીપુરુષો પોતાનાં અંતઃકરણ તપાસી જોશે ? સ્ખલન અને પતનમાંથી જ આગળ વધવાનો રસ્તો છે. જેને સ્ખલન નથી, જેને પતન નથી, તે મનુષ્ય નથી. અને આપણી દુનિયા-નીતિમાનોની દુનિયા તો મનુષ્યોથી જ વસેલી છે. નીતિમાન અને પતિત વચ્ચે બહુ તફાવત હશે ? નીતિમાનનાં સ્ખલન છૂપાં હોય છે, પતિતનાં સ્ખલન બહાર પડે છે. આ સિવાય બીજો વિશેષ તફાવત હોય તો તે નીતિમાન જાણે !
બુલબુલ અને બુલબુલના સરખી બીજી ઘણી પતિત સ્ત્રીઓને સન્માર્ગે ચઢાવવા, રોગનો ભોગ થઈ પડતી અટકાવવા, નિરાધાર બની ગયેલી સ્ત્રીઓને આશ્રય આપવા, અને ઉદ્યોગથી પોષણનું સાધન તેમને મેળવી આપવા માટે ચિતરંજને પતિત-આશ્રમો કાઢ્યા હતા : ચિતરંજનને તેની જ ઘેલછા લાગી હતી.
બુલબુલે પોતાની કથની બહુ જ કરૂણ ભાવથી સનાતનને કહી. તેનું હૃદય દ્રવી ગયું. ચિતરંજનની વિચિત્રતામાં કેટલો પરોપકાર સમાયો હતો તે હવે સમજી શક્યો અને છતાં વિચારમાં પડ્યો : 'જગતમાં કેટલી બુલબુલો સંજોગોનો ભોગ થઈ પડતી હશે ?'