લખાણ પર જાઓ

પત્રલાલસા/મંજરીનું લગ્ન

વિકિસ્રોતમાંથી
← અસ્થિર મનોદશા પત્રલાલસા
મંજરીનું લગ્ન
રમણલાલ દેસાઈ
૧૯૩૧
પૈસાની શોધ →




૧૭
મંજરીનું લગ્ન

જરા બાલાને બળતી બચાવો, સજ્જન !
નાનાલાલ


તે ઘેર આવી ત્યારે ટપાલીએ નાખેલા કાગળો મેડીમાં પડેલા તેણે જોયા. તેની નિરાશાનો પાર નહોતો. માનવ જાતની નિર્બળતા સૂચવતી નિરાશામાં પણ છુપેલી છેવટની આશા મંજરીને છોડતી નહિ. કાગળો તેણે બહુ જ આતુરતાથી ઊંચકી લીધાં. પરંતુ તેણે ધારેલો એક પણ કાગળ તેના જોવામાં ન આવ્યો.

‘શાનો કાગળ આવે ? મારે અને તેને શું છે ?'

નિસાસો નાખતી મંજરી બબડી. મંજરીને લાગ્યું કે સનાતનના પ્રસંગવશાત્ અપાયેલા વચનમાં સત્યવાદી હરિશ્ચંદ્રના પણનો આગ્રહ જોવાની આશા રાખવી એ ભૂલભરેલું છે. જગતમાં ઘણાં વચનો પાળવા ખાતર અપાતાં નથી. વચનભંગ એ સામાન્ય ક્રમ છે, અને તેથી કોઈએ નવાઈ પામવાની નથી.

ઉપર જઈ જુએ છે તો તેની સખી માલતી નંદકુંવર પાસે બેસી વાત કરતી તેણે દીઠી. માલતી તે દિવસે સનાતનનું ભૂંડું બોલી હતી એટલે તેને માલતી પ્રત્યે એક જાતનો અણગમો આવ્યો હતો. છતાં વખત બેવખત માલતી આવતી ત્યારે વાતો કરવામાં તેનો જીવ પરોવાતો.

માલતીને લઈ મંજરી પોતાની ઓરડીમાં ગઈ. કંઈક નવાઈની વાત કહેવાની હોય એમ તેના મુખ ઉપરથી લાગતું હતું. છેવટે તેણે જે કહેવાનું હતું તે કહી દીધું.

'હું તને નહોતી કહેતી ? મુંબઈમાં તો એક લાલચ મૂકી એટલે બીજી આગળ જ આવવાની.'

'પણ તેમાં મારે શું ?' મંજરીએ કહ્યું.

'હું જાણે કશું સમજતી જ નહિ હોઉં !' માલતીએ પોતાના સ્ત્રીહૃદયના જ્ઞાનની વડાઈ બતાવી કહ્યું: 'હું જાણું છું. તારો જીવ હજી પેલા સનાતનમાં ભરાઈ રહ્યો છે. પણ બહેન ! પરદેશીઓનો ભરોંસો નહિ.' સનાતનમાં ભરાઈ રહ્યો છે. પણ બહેન ! પરદેશીઓનો ભરોંસો નહિ.'

'મને તો બહેન ! કોઈનોય ભરોંસો નથી.' મંજરીએ જવાબ આપ્યો.

'હું નહોતી કહેતી ? હવે એ સનાતન મુંબઈના એક શેઠને ત્યાં રહ્યો છે. હોંશિયાર છે એટલે બધું હાથ કરીને બેઠો છે. શેઠની વહુ પણ.'

'મારે એ બધું નથી સાંભળવું ! જેને જે ફાવે તે કરે !' મંજરીએ કંટાળો બતાવતાં કહ્યું.

'સનાતનને તારી દરકાર નથી, એ શું કરે છે અને શું કરશે એ કોઈ જાણતું નથી. ગમે તેવી સોબતમાં રખડે છે. અને હાલ તો પેલા શેઠની વહુ સાથે એ પણ વગોવાય છે. એની આશા મૂકી દે. પેલા બિચારા વ્યોમેશચંદ્ર...'

એ વાક્ય માલતી પૂરું કરે તે પહેલાં તો વ્યોમેશચંદ્રની નાની બાળકી વેલી પાછી મંજરીને ખોળતી ખોળતી ઉપર ચઢી આવી.

'હું તો પાછી આવી !' પાછા આવવાનું કારણ કહેવાને બદલે વેલીએ પાછા આવ્યાની હકીકત જ કહી સંભળાવી મંજરીની પાસે જઈ તે બેસી ગઈ. મંજરીને આ છોકરી ઉપર ઉમળકો આવ્યો. તેણે તેને પાસે લઈ ખોળામાં બેસાડી.

માલતીને પેલું અધૂરું વાક્ય પૂરું કરવાની જરૂર જણાઈ નહિ. વ્યોમેશચંદ્રની છોકરીને આટલા બધા વહાલથી પોતાની પાસે મંજરીએ લીધી એ તેને માટે પૂરતું સૂચક હતું. તે સમજી ગઈ. અને થોડી વારે નીચે જઈ તેણે નંદકુંવરને જણાવ્યું કે વ્યોમેશચંદ્રની સાથે મંજરીનાં લગ્ન થશે તો એમાં મંજરીનો વાંધો હશે જ નહિ. મંજરી જોકે મોઢે કદાચ નહિ કહે પરંતુ એને એ વાત અણગમતી તો નથી જ એની ખાતરી માલતીએ આપી.

નંદકુંવર ખુશ થયાં. દીનાનાથને પણ તે વાત જણાવી. હિંદુ સંસારમાં કન્યાઓની મરજી નામરજી જાણવાનું સાધન કન્યાઓની સખીઓ જ હોય છે. માતાપિતાને તો કોઈ જાતનો વાંધો હતો જ નહિ. પોતાની વેચાઈ ગયેલી ઘણી મિલકત પોતાની જ દીકરીને વાપરવાનો પ્રસંગ આવશે એ તેમની મોટામાં મોટી ખુશાલી હતી. બીજો કાંઈ વાંધો નહોતો. છોકરી સુખી થશે, અને સારા માણસની સાથે તેનું ભાગ્ય જોડાશે એ વ્યવહારદૃષ્ટિ માતપિતા માટે બસ હતી.

મંજરીને હવે પૂછવાની જરૂર રહી નહોતી. વ્યોમેશચંદ્ર તરફ તેમણે માગું મોકલાવ્યું. અણધારી રીતે પોતાની ઈચ્છા પૂર્ણ થતી જોનારનો કેવો આનંદ થાય છે તે સામાન્ય સમજની બહાર છે. વ્યોમેશચંદ્રના આનંદનો પાર જ ન રહ્યો. તેને લાગ્યું કે તેનું ગયેલું સુખ પાછું મળે છે. અલબત્ત, એક ડંખ તેને લાગ્યા કરતો હતો. એ ડંખ તે કદી પણ ફરી ન પરણવાનું પોતાની ગત પત્નીને આપેલું વચન.

પરંતુ બીજા દુઃખના પ્રમાણમાં વચનભંગ થયાનું દુઃખ બાજુએ મૂકવા જેવું હતું. એ જ ગત પત્નીનાં બાળકો દુઃખી થતાં હતાં એટલે છેવટે બધી મુશ્કેલીઓ બાજુએ મૂકી વ્યોમેશચંદ્રે ઉપકાર સાથે માગણી સ્વીકારી.

મંજરીને ચાંલ્લો થતાં જ તે ચમકી. શા માટે તેને કપાળે બીજા કોઈ ચાંલ્લો કરવા આવ્યાં હતાં ? તેને ખબર પડી : તે બીજા કોઈની પત્ની થવાની હતી. માબાપની મટી કોઈ ત્રાહિત માણસની મિલકત બનવાની હતી. તેને લાગ્યું કે તે સ્વતંત્રતા ખૂએ છે. અને તે કોને હાથે ? વ્યોમેશચંદ્ર તેને કદી ગમ્યા નહોતા. તે ગમે એટલા દેખાવડા હશે, ગમે એટલા સારા સ્વભાવના હશે, ગમે એટલા પૈસાદાર હશે, ગમે એટલી પ્રતિષ્ઠાવાળા હશે, પરંતુ મંજરીને તે કદી ગમ્યા નહોતા.

પરંતુ હવે શો ઈલાજ? તેને શું કહેવાનું હતું ? કદાચ ના પાડે તોપણ શું?

તેનો સનાતન ક્યાં? તેને તો દરકાર ન હતી. તે ગમે ત્યાં ફરતો હતો. ગમે તેવું વર્તન રાખતો હતો. કદાચ તે મંજરીને ભૂલી પણ કેમ ન ગયો હોય ? અરે પણ લગ્ન કરવાનો વિચાર કર્યો હતો - કદાચ તે પરણી પણ કેમ ન ગયો હોય ?

તેને કપાળે કુમકુમ અડકતાં તે થથરી ગઈ. તેના અંતરમાંથી પોકાર ઊઠ્યો : સનાતન ! સનાતન !

છતાં ચાંલ્લો તો બીજાનો જ હતો. વ્યોમેશચંદ્ર સાથે તેનો વિવાહ મળ્યો અને થોડા વખતમાં તેનાં લગ્ન પણ થઈ ગયાં.

તેનાથી હસાયું નહિ. કોને માટે ? શાને માટે તે હસે ? પરંતુ તેનાથી રડાયું પણ નહિ. પત્ર આવ્યો હોત તો તો તે સનાતન માટે રડી શકત. અને લગ્નની ના પાડી શકત. પરંતુ સનાતન ક્યાં ? તેનો પત્ર ક્યાં ? પત્રલાલસા અતૃપ્ત જ રહી, અને જડ હૃદય અને જડ દેહ બનાવી તે પરણી તે દિવસથી તેના મુખ ઉપર પણ એક પ્રકારની જડતા આવી ગઈ. મુખ ઉપર પણ ચંચળતા બાળકો જ ઉપજાવી શકતાં - બીજું કોઈ નહિ.