પત્રલાલસા/વારાફેરા

વિકિસ્રોતમાંથી
પત્રલાલસા
રમણલાલ દેસાઈ
૧૯૩૧


વારાફેરા

પરંતુ જેનું ગૃહ પૂર્ણતામાં
ભર્યું હતું આજ સુધી સદાયે,
ના જ્યાં હતી ભાવિ તણીય ચિંતા,
અસહ્ય તેને પલટો થયો આ.
કલાપી

'દીનાનાથનું ઘર ક્યાં આવ્યું ?' પચાસ પંચાવન વર્ષના એક પુરુષે ચૉગાનમાંથી નીકળતા એક, યુવકને પૂછ્યું. આ ઉંમર વૃદ્ધાવસ્થાનો કિનારો કહી શકાય, પરંતુ ટટ્ટાર ચાલતો આ પુરુષ વૃદ્ધ લાગતો નહોતો. તેની આંખો સહેજ ઝીણી પણ ચમકતી હતી, અને તેનું મુખ મલકતું લાગતું હતું.

‘જી, હું બતાવું.' કહી યુવકે પાછા ફરવા માંડ્યું.

વૃદ્ધ હસ્યો. 'દુનિયા સુધરતી જાય છે, ભાઈ ! કૉલેજમાં જાઓ છો ?'

'હા જી, હું કૉલેજમાં જાઉં છું.' યુવકે કહ્યું. 'પરંતુ દુનિયા સુધરતી જાય છે એમ આપે કેમ કહ્યું?'

'જુઓ ને ભાઈ ! અમે નાના હતા ત્યારે પરદેશીઓને આમ સહેલાઈથી કોઈનાં ઘર બતાવતા નહિ, અને બતાવતા તો કોઈ એવું ઘર બતાવીએ કે જ્યાંથી ઘર પૂછનારને ધપ્પો જ પડે. તમારી નિશાળો અને કૉલેજોએ છોકરાઓને તોફાન શીખવતાં અટકાવ્યા છે.'

યુવક આ સાંભળી આશ્ચર્ય પામ્યો. તોફાનનો શોખીન આ ડોસો વળી કોણ હશે ? નિશાળ અને કૉલેજમાં શીખવાતી સભ્યતા માટે યુવકને માન હતું. તેણે પ્રશ્ન કર્યો : 'શું આપને સભ્યતા નથી પસંદ પડતી?'

'સભ્યતા તો અલબત્ત ગમે જ, પરંતુ સભ્ય માણસો વહેલા વાંકા વળી જાય છે. મારે સભ્યતા સામે એટલી જ તકરાર છે.'

'દીનાનાથનું આ મકાન. બારીમાં ઊભી છે એ એમની દીકરી.' યુવકે મકાન બતાવતાં કહ્યું.

'દીનાનાથનું આ મકાન ?' તે સહજ અટકી બોલ્યો. 'શું વારાફેરા આવે છે !'

દીનાનાથ એક ગર્ભશ્રીમંત જમીનદાર હતા. તેમના પૂર્વજોની દાનધર્મ સંબંધમાં એટલી ખ્યાતિ હતી કે આજ આપણને એ બધું કલ્પનામય લાગે. તેઓ જાતે પણ એ જ વિચારશ્રેણીમાં ઊછર્યા હતા. પરાપૂર્વથી તેમના ઘરમાં પૂરતો વૈભવ હતો, અને વૈભવ એકલા ભોગવતા કરતાં સ્નેહસંબંધીઓની સાથે ભોગવવામાં તેની સાર્થકતા તેઓ માનતા. અત્યંત દયાળુ અને ઉદાર સ્વભાવને લીધે કુટુંબનું દરેક માણસ તેમને ચાહતું અને નિકટનાં તેમ જ દૂરનાં સગાં, સગપણ સંભારીને અથવા ખોળી કાઢીને, તેમને ઘેર ઘણું આવતાં અને રહેતાં. આ કુટુંબવત્સલ ગૃહસ્થ સર્વને આવકાર આપતા - મુખનો જ આવકાર નહિ પણ મનનો. અતિથિને યજમાનનો આભાર માનવાનો કદી પ્રસંગ મળતો જ નહિ. અતિથિએ પધારીને ઘર પાવન કર્યું એ માટે તેનો એટલો બધો ઉપકાર માનવામાં આવતો કે તે અતિથિને સર્વ તિથિઓ દીનાનાથના ઘરમાં જ ગાળવાનું મન થતું, અને ઘણા એ ઇચ્છાને પૂર્ણ કરી દીનાનાથને ઉપકૃત પણ કરતા.

દીનાનાથનું મકાન ભરચક હોવા છતાં તેમને કાંઈ સંતાન નહોતું. તેમનાં પત્ની નંદકુંવર પણ સરલ અને પવિત્ર હૃદયનાં હતાં.

કુટુંબનું દરેક માણસ તેમનું પોતાનું જ લાગતું. છોકરાં પણ ખાવાનું માગવા અથવા ટંટો પતાવવા તેમની પાસે જ જતાં. આખો દિવસ તેમને નવરાશ મળતી નહિ. સવારના પાંચ વાગે ઊઠી, નાહીધોઈ, પૂજા કરી, રસોઈના કામમાં તેઓ પડતાં. ઘરમાં માણસો ઘણાં હતાં, અને ફેરો ખાવાનો ડોળ પણ બધા કરતા. હું કામ કરું છું એવું દેખાડવા દરેક જણ ધાંધળ કરી મૂકતું, પરંતુ ખરું કામ તો નંદકુંવરને જ માથે આવી પડતું.

આમ ખર્ચ વધ્યે જ ગયું. દયાળુ સ્વભાવને લીધે ગુમાસ્તાઓ આવકખર્ચના હિસાબમાં પણ ગોટાળો કરવા લાગ્યા. કોઈ આ બાબતની સૂચના કરે તો તેને દીનાનાથ તરફથી એક જ જવાબ મળતો કે 'આપણો કહ્યો, માટે બધે પૈસો આપણે જ માટે વપરાય એવું કોઈ દહાડો બને ખરું? હોય, એમાં બીજાનો પણ ભાગ છે.'

પરંતુ અવ્યવસ્થિત ગૃહવ્યવહાર લાંબા વખત સુધી ચાલી શકતો નથી. જગતના કાર્યક્રમમાં અર્થશાસ્ત્રનો ઉપયોગ ન થતો હોત. તો ઉદાર પુરુષોની ઉદારતાને મર્યાદિત કરવાની જરૂર રહેત નહિ. પરંતુ આવક અને ખર્ચના બે છેડાની વચ્ચે રમત કરવાની હોવાથી ઉદાર પુરુષોને ઝટ જણાઈ આવે છે કે ઉદારતાને પણ દુનિયા મર્યાદા આપવા માગે છે.

તેમનો ખર્ચ વધવા માંડ્યો અને વર્ષ ખરાબ આવવા લાગ્યાં; ગુમાસ્તાઓ ખોટ બતાવવા લાગ્યા, અને કર્જે નાણાં લેવાવા માંડ્યા.

દરમિયાન તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો. સંતતિરહિત પતિપત્નીનાં જીવન ટૂંક મુદતમાં ખાલી ખાલી લાગવા માંડે છે, અને બીજી હજારો વસ્તુઓમાં મન પરોવવાનું સાધન હોય છતાં હસતું બાળક ઘરમાં રમતું ન હોય ત્યાં સુધી હૃદય વિરામ પામતું નથી. દંપતીના આનંદનો પાર જ ન રહ્યો. દીકરીનું નામ મંજરી પાડ્યું.

પરંતુ દિનપ્રતિદિન દીનાનાથની આર્થિક સ્થિતિ ખરાબ થતી ચાલી. લેણદારો નાણા માગતા હતા. વખતસર નાણા ન અપાય તો કૉર્ટે ઘસડતા હતા, અને મોજમાં જીવન વ્યતીત કરનાર દીનાનાથને ચિંતાએ ઘેર્યો. અનેક મનુષ્યો તેઓ પાળતા : હવે તેમને પોતાની પુત્રીને પાળવાના વખતે જ તંગી વેઠવાનો સમય આવ્યો. પડતી હાલત પરખી જનાર સગાંસંબંધીઓ અનુકૂળતાએ ખસતાં થયાં, મિત્રો દિલગીરી બતાવી બેઠા; અને દીનાનાથને પોતાની મિલકત વેચવાનો સમય આવી ગયો.

મિલકત વેચતી વખતે જણાયું કે તેમનું કરજ કેટલું ગંજાવર હતું ! આખા પ્રાંતમાં પ્રતિષ્ઠિત ગણાતા જાગીરદાર દીનાનાથને એક નાનું ઘર, થોડાં ઘરેણાં અને કેટલીક જમીન સિવાય પોતાનાં ગાડી, ઘોડા, હવેલી અને જમીનજાગીરનો મોટો ભાગ વેચી નાખવો પડ્યો.

ગરીબી એ પણ એક મહાદુઃખ છે. તેમાંયે પરાપૂર્વથી ચાલતો આવેલો વૈભવ પોતાની નજરે જતો જોવો અને એ પાછલો વૈભવ સંભારી તંગીમાં દિવસ ગુજારવા એ વજ્રનું હૃદય હોય તો જ બની શકે. પૈસો જતાં જે દુઃખોની પરંપરા ભોગવવી પડે છે, તેની ગરીબો સિવાય ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે એમ છે.

તેમ છતાં ગરીબ હોવું અથવા થવું એ કાંઈ પાપ નથી. ઘર જોઈ પેલા વૃદ્ધના મુખમાંથી પણ ઉદ્દગાર નીકળી ગયો કે 'ગરીબ હોવું અથવા થવું એમાં કાંઈ પાપ છે?'

યુવકે કહ્યું: 'હું રજા લઉં ત્યારે ?'

'બેલાશક ! પરંતુ તમે મને ઘર બતાવવામાં મદદ કરી એ માટે હું તમારો ઉપકાર નહિ માનું તો હું જૂના જમાનાનો જંગલી ઠરીશ. હું અહીં રહેવાનો છું. જરૂર મળજો ભાઈ, હોં ?'

યુવકની આંખ બારી ઉપર ઊભેલી મંજરી તરફ ફરી, પણ તત્કાળ દ્રષ્ટિ વાળી લઈ તે વિનયથી ચાલ્યો ગયો.

‘ભાઈસાહેબ ઘરમાં છે કે બહેન ?' વૃદ્ધ જેવા પુરુષે મંજરીને પૂછ્યું. દીનાનાથ પોતાની જાહોજલાલીમાં ભાઈસાહેબ તરીકે ઓળખાતા.

દીનાનાથને અંદર બેઠેબેઠે ઘાંટો પરિચિત લાગ્યો. જૂનાં સ્મરણો ખડાં થયાં અને મુખ ઉપર વ્યાકુળતા છવાઈ ગઈ.

મંજરીએ મધુર કંઠે જવાબ આપ્યો: ‘ઘરમાં જ છે.'

છોકરી મોટી થઈ ગઈ છે. તે મનમાં બબડ્યો અને ઉપર ચઢી આવ્યો. તેને જોતાં જ દીનાનાથ હીંચકા ઉપરથી ઊભા થઈ ગયા. આગળ વધ્યા અને ભેટી પડ્યા. આંખમાંથી આંસુ નીકળી આવ્યાં અને રૂંધાતા કંઠમાંથી ઉચ્ચાર નીકળ્યો : ‘ચિતરંજન ! તું આવ્યો ?'