પત્રલાલસા/સમુદ્રસ્નાન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← મજૂરી પત્રલાલસા
સમુદ્રસ્નાન
રમણલાલ દેસાઈ
૧૯૩૧
આશા →


[ ૧૫૫ ]૨૮
સમુદ્ર સ્નાન

હાંરે લહરી બહેની તું ધીમે ધીમે વાજે.
હાંરે તારા સાગરનાં ગાન ગંભીર ગાજે.
નાનાલાલ

કુસુમે આવતાં બરોબર કહ્યું :

'સનાતન ! તમે બધું કરજો; પણ આ વેપારીની વાતમાં ન પડશો.'

સનાતનને સમજ ન પડી. તેની યોજનાથી કુસુમ કે મદનલાલ નાખુશ થયાં હોય એમ જણાતું નહોતું. વળી કુસુમ હસતી હસતી બોલતી હતી. તેણે કહ્યું :

‘એમ કેમ ? આ જમાનામાં વેપારીની વાત પહેલી જાણવી જોઈએ.’

'બીજું બધું ઘણુંયે જાણો છો. આટલું નહિ જાણો તો નહિ ચાલે ?' કુસુમે હસવું ચાલુ રાખ્યું.

‘પણ હું તો જાણું છું એનું કેમ ?'

'જાણતા હો તો ભૂલી જાઓ. તમને એ દીપતું નથી.'

'દીપતું નથી ? એનું કાંઈ કારણ ?'

'કારણ એટલું જ કે મને એ ગમતું નથી. તમારું મુખ અને તમારી વાણી એવાં સુંદર છે કે મજૂરી, હડતાલ, પૈસો, નફો, તોટો, આડતિયા, દલાલ : એવા એવા શુષ્ક કઠોર શબ્દો તમારા મુખમાં બહુ વિચિત્ર લાગે છે. એ કોઈ કદરૂપા વ્યાપારી માટે રહેવા દો.' કુસુમે કારણ બતાવ્યું.

સનાતનને આ કારણ સાંભળી હસવું આવ્યું. પરંતુ કુસુમના બોલવામાં કાંઈ સત્ય રહેલું હતું એમ પણ એને લાગ્યું. વિચારનો દેહ વાણી. વિચારમાં જીવન રહેલું છે, અને એ જીવન શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. વિચારની સ્વચ્છતા-અસ્વચ્છતા વાણીમાં ઊતરી આવે છે, અને માનવ દેહની માફક શબ્દોને પણ ગમતું અણગમતું સ્વરૂપ આપે છે. અમુક કક્ષાના સંસ્કારને અમુક ઢબની શબ્દરચના જરાય રુચતી નથી. કલાપી કે નાનાલાલના વાચન પછી પાર્થિવ ભાષા બોલવાને પણ યોગ્ય રહેતી નથી. પરંતુ જગત પ્રત્યે ક્ષણ ક્યાં કવિતામય રહી શકે છે ? પામર મનુષ્યને [ ૧૫૬ ] કવિત્વવિરોધી વિચાર પણ કરવા પડે છે. એટલે જીવનની વિચિત્ર ઘટના તેને કઠોર, અપ્રિય, અરસિક શબ્દો ઉચ્ચારવા પ્રેરે છે.

'ઠીક ત્યારે. તમારી હાજરીમાં એવા એવા શબ્દો હું નહિ બોલું.' સનાતને કહ્યું.

‘ત્યારે હવે શું શરૂ કરશો ?' કુસુમે પૂછ્યું. તે પોતાના અભ્યાસની વાતમાં સનાતનને દોરતી હતી.

'તમને હવે મારા શિક્ષણની જરૂર લાગે છે ?' સનાતને પૂછ્યું.

'એટલે? તમારે નાસી છૂટવું છે, ખરું ?'

'ના ના, એમ નહિ. તમને હવે મારા શિક્ષણની જરૂર જણાતી નથી. તમે એકલાં બહુ સારી રીતે સમજી શકશો.' કેટલોક સમય થયાં કુસુમથી ભય પામતા સનાતને કહ્યું.

'મારે તમારા શિક્ષણની જરૂર હોય કે ન હોય તો પણ તમારે અહીંથી જવાનું નથી.' કુસુમે કહ્યું.

'ચાલો ત્યારે આપણે કાંઈક વાંચીએ.'

'આજે મારે કાંઈ જ વાંચવું નથી.'

‘ત્યારે હું રજા લઉં ?'

‘શાની રજા ? મારી સાથે ફરવા આવવાનું છે.'

સનાતન સહજ કચવાયો. તે દિવસે કુસુમ સાથે મોટરમાં બેઠાનો અનુભવ તે ભૂલ્યો નહોતો. આનંદને બદલે સંકોચમાં તે અડધો થઈ ગયો હતો. કુસુમ તેનો કચવાટ સમજી ગઈ.

'સનાતન ! તમે જો આમ એક માસ મારી સાથે ફરવા આવો તો એક દસકો વહેલા ઘરડા થઈ જાઓ, ખરું ?' કુસુમે તેના સંકોચની મશ્કરી કરી.

સનાતનને જવાબ જડ્યો નહિ. અડધાં વાક્યો વિચિત્ર રીતે બોલ્યો :

'ના, ના.... હું નવીન ઢબમાં ઊછરેલો નહિ. શહેરનું જીવન અજાણ્યું... એટલે...'

'એ કશું ચાલવાનું નથી. ઊઠો, મોટર તૈયાર છે.' કુસુમે આજ્ઞા કરી.

સ્ત્રી આજ્ઞા કરતી નથી, પરંતુ આજ્ઞા કરે ત્યારે પુરુષથી તે લોપાતી નથી. સનાતનનું કાંઈ ચાલ્યું નહિ. શિક્ષણને બદલે પર્યટનનો ક્રમ કબૂલવો પડ્યો. તેને કુસુમની સાથે મોટરમાં બેસવું પડ્યું. કુસુમની નિશ્ચલતાએ તેને ગભરાવ્યો. ધડકતે હૃદયે અને સંકોચાતાં અંગે તે કુસુમની જોડે બેઠો.

બે-ત્રણ દુકાનોમાં જઈ કુસુમે એક કલાક ગાળ્યો, અને પછી મોટર દરિયાકિનારે લઈ જવાનું તેણે કહ્યું. દરિયાકિનારાનો એકાંત ભાગ આવતાં [ ૧૫૭ ] મોટર ઊભી રહી. કુસુમનો આ નિત્યક્રમ હતો. અહીં ઊતરી તે રેતીમાં ફરતી અને બેસતી. કવચિત્ મદનલાલ સાથે હોય તો ફરવા કરતાં બેસવાનું વધારે બનતું. તેના ચાપલ્યને થાક્યા સિવાય બેસવું ગમતું નહિ, સદ્દભાગ્યે મદનલાલ જવલ્લે જ સાથે આવતા. આજે સનાતન સાથમાં હતો. કુસુમને દરિયાનું રૂપ બદલાઈ ગયેલું લાગ્યું. રોજની માફક સુસ્તી પ્રેરતી ભૂરાશ આખા સમુદ્ર ઉપર પ્રસરી નહોતી. આજનો સૂર્ય આથમતે આથમતે તેજની લાંબી રંગબેરંગી લકીરો વડે સમુદ્રને રંગી રહ્યો હતો. ક્ષિતિજનાં ઊંડાણને અને સમુદ્રના કિનારાને તેજસાંકળથી ગૂંથી રહેલો રવિ, ચંદ્રના સરખો કવિપ્રેરક બની ગયો હતો. સંધ્યાનો સમય, આથમતા સૂર્યની રંગલીલા અને શીતળપવન એકાન્તને ઉન્માદ અર્પી રહ્યાં હતાં.

કુસુમે અને સનાતને નીચે ઊતરી રેતીમાં ફરવા માંડ્યું. પાણી હસતું હતું, ઊછળતું હતું, આવકાર આપતું હતું. એકાએક કુસુમ બોલી :

'સનાતન ! તમને તરતાં આવડે છે ?'

'હા. સાધારણ.'

'દરિયામાં તરી શકો ?'

'હા. નદીનાં પાણી કરતાં દરિયાના પાણીમાં વધારે સહેલાઈથી તરી શકાય.’

‘મને તરતાં ન શીખવો ?' કુસુમે પૂછ્યું.

કુસુમની અપરિચિત સરળતાથી સંકોચ પામી સનાતન શરમાતો શરમાતો હસ્યો.

'કેમ હસો છો ?' કુસુમે પૂછ્યું.

'મને એવું સારું નથી આવડતું કે હું બીજા કોઈને શીખવી શકું.'

'ભલે ન શીખવશો. પણ અત્યારે નાહીએ તો ?'

'અત્યારે ?'

'કેમ ? શો વાંધો છે ?'

'રાત પડી જાય.'

'રાતે બીક લાગે છે ?'

'ના, ના. પણ અંધારું થાય... શરદી લાગે...'

'આપણે જલદી નાહી લઈશું.'

'ફરી અનુકૂળ વખત જોઈ આવીએ તો કેવું?'

'હું તો અત્યારે જ નહાવાની.'

'કપડાં ક્યાં છે?' સનાતને બની શકે એટલા વાંધા રજૂ કર્યા છે. [ ૧૫૮ ] 'છે તે જ કપડાં ભલે પલળે, બીજાં હમણાં મંગાવી લઈએ.' એટલું કહી કુસુમ તાળી પાડી મોટરમાં બેઠેલા શૉફરને બોલાવ્યો, અને બીજાં કપડાં તત્કાળ ઘેરથી લઈ આવવા હુકમ કર્યો.

કુસુમે વધારે વાતચીત કે વિચાર કર્યા વગર, સનાતનની સંમતિની રાહ જોયા સિવાય પાણીમાં પ્રવેશ કર્યો. કિંમતી કપડાં પલળવાનો તેને જરાય ભય લાગ્યો નહિ. બહુ જ આનંદપૂર્વક કુસુમે પાણીમાં છબછબાટ કરવા માંડ્યો.

સનાતનને ભય લાગ્યો કે કુસુમ પાણીમાં ડૂબી જશે. તરતાં ન આવડે તોય પાણીમાં ધસવું એ ઘેલછા જ કહેવાય. કુસુમ પાણીમાં પડી ઘેલા જેવી જ બની ગઈ. તેણે ચારે પાસ પાણી ઉછાળ્યું, ડૂબકીઓ ખાધી અને ખોટું ખોટું તરવા માંડ્યું. પરંતુ એ રમતમાં તે ઊંડા પાણી તરફ જતી હતી તે સનાતને જોયું.

સનાતનથી હવે બહાર રહેવાય એમ નહોતું. કુસુમ ડૂબશે એ ધાસ્તીમાં તેણે પણ પાણીમાં પ્રવેશ કર્યો. કુસુમ પાણીમાં દોડવા લાગી.

'કેવું આવવું પડ્યું ?' હસતાં હસતાં કુસુમે કહ્યું.

'શું કરું ત્યારે ?... અરે અરે.. બહુ આગળ ન જાઓ. મોજાં મોટાં છે... તમે પડી જશો.' સનાતન દોડતી કુસુમને આમ બૂમો પાડતો હતો.

'મને પકડો જોઈએ.' કુસુમે રમત શોધી કાઢી અને આગળ દોડવા માંડ્યું. એટલે સનાતનને પણ પાછળ દોડવું પડ્યું. જેવો સનાતન કુસુમની પાસે પહોંચ્યો તેવી કુસુમે તેના મુખ ઉપર છાલક મારી. આંખમાંથી પાણી લૂછી નાખવા સનાતને હાથ ઊંચા કર્યા. પાણીમાં દેહનો રંગ વધારે ગોરો બની જાય છે. સનાતનની ખુલ્લી વિશાળ છાતી અને સ્નાયુબદ્ધ હાથ કુસુમની નજરે પડ્યા, કુસુમના હૃદયમાં - શરીરમાં એક વીજળી પસાર થઈ ગઈ.

કુસુમ સમજી કે કોઈ અવનવો ભાવ તેના હૃદયમાં પ્રગટે છે. એ ભાવને સંતાડવા - ભૂલી જવા તેણે ફરી દોડવા માંડ્યું. આખું સ્થળ નિર્જન હતું. સ્થળની નિર્જનતા, સમુદ્રની વિશાળતા અને તરંગોની ચંચળતા કુસુમના હૃદયને કોઈ અજાયબ સ્વાતંત્ર્ય આપતાં હતાં. સમુદ્રજળ ચેતનભર્યું હતું; હસતાં, રમતાં, વગર પરવાએ ફાવે તેમ દેહને અડકતાં મોજાં કુસુમના હૃદયને પણ ઝોલે ચડાવતાં હતાં. અવનવો ભાવ ભૂલવાને બદલે વધારે તીવ્ર થયો.

'સનાતન ! આજ તો મને જરૂર તરતાં શીખવો.' [ ૧૫૯ ] ‘આજ નહિ. ફરી આવશું.' સનાતને કહ્યું.

‘તમે નહિ શીખવો ત્યાં સુધી હું પાણીની બહાર નીકળીશ જ નહિ ને? જુઓ, હું મારી મેળે તરું છું.'

એટલું બોલી ગરદન સુધી પહોંચતા પાણીમાં તેણે તરવાનો ડોળ કરી હાથ ફેલાવ્યા. પરંતુ તેને ક્યાં તરતાં આવડતું હતું ? તે તરફડવા લાગી, પાણીની અંદર પેસી જવા લાગી. તેનું મસ્તક પણ પાણીમાં ડૂબી ગયું.

સનાતન ગભરાઈને તેની પાસે દોડ્યો. ડૂબકાં ખાતાં કુસુમને તેણે પકડી ઊભી કરી. ગભરાઈ ગયેલી કુસુમે મુખ બહાર આવતાં જ સનાતનને જોરથી પકડી લીધો, અને બંને હાથ તેની આસપાસ વીંટાળી દીધા.

‘હાય ! હું તો એટલી ગભરાઈ ગઈ ?' થરથરતી કુસુમ બોલી. એ થરથરાટ ડૂબવાના ભયે કે અવનવા સ્પર્શે પ્રેર્યો હતો. તેની કુસુમને જ સમજ ન પડી. પરંતુ કેટલીક ક્ષણો સુધી તેણે સનાતનને પોતાના હાથમાંથી ખસવા દીધો નહિ.

'કુસુમબહેન ! હવે ચાલો.' છેવટે સનાતન બોલ્યો.

'ના, હું નહિ આવું.'

‘આપણને કોઈ આમ દેખે તો કેવું કહેવાય ?' સનાતને ગભરાઈને વસ્તુસ્થિતિ સમજાવી.

જવાબમાં કુસુમે સમુદ્રની નિરંકુશતાનો પડઘો પાડતું હાસ્ય કર્યું.

વિશાળ એકાંતમાં એ હાસ્ય સનાતનને ચમકાવી રહ્યું.