પાયાની કેળવણી/૨૦. યોજનાના ભીતરમાં

વિકિસ્રોતમાંથી
← ૧૯. "તળિયું સાબૂત છે" પાયાની કેળવણી
૨૦. યોજનાના ભીતરમાં
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૧. નવી કેળવણીનું નવાપણું →


૨૦
યોજનાના ભીતરમાં


[ડૉ. જૉન ડી. બોઅર નામના એક અમેરિકન પાદરી (દક્ષિણભારતની એક કૉલેજના પ્રિન્સિપાલ)ને અને ગામ્ધીજીને થયેલી વાતચીતોનો શ્રી૦ મ૦ હ૦ દેસાઈના હેવાલ 'વર્ધાયોજનાનું વિવરણ' - એ લેખમાંથી નીચેનું છે -સં૦]

ડૉ. ડી. બોઅરે કહ્યું, " મને આ યોજના બહુ જ ગમે છે, કેમ કે એના મૂળમાં અહિંસા રહેલી છે. માત્ર અભ્યાસક્રમમાં અહિંસાને બહુ ઓછું સ્થાન અપાયું છે એટલી જ મુશ્કેલી મને લાગે છે."

ગાંધીજી કહે, " તમને એ યોજના ગમી એનું કારણ તો બરોબર છે. પણ આખા અભ્યાસક્રમની સંકલના અહિંસાને કેંદ્રમાં રાખીને ન કરી શકાય. એ યોજના અહિંસક મગજમાંથી ઉદ્ભવી છે એટલું જાણવું બસ છે. પણ જેઓ એ યોજના સ્વીકારે તેમણે અહિંસાનો પણ સ્વીકાર કરવો જોઇએ એવું નથી. દાખલા તરીકે, આ સમિતિના સર્વ સભ્યો અહિંસાને જીવનનો સિદ્ધાંત માનતા નથી. જેમ શાકાહારી માણસ અહિંસાવાદી હોવો જ જોઈએ એવું નથી - તે આરોગ્યને કારને પણ શાકાહારી થઈ શકે, તેમ આ યોજનાનો સ્વીકાર કરનારા બધા અહિંસાવાદી હોવા જ જોઈએ એવું નથી."


ડૉ. ડી. બોઅર: "હું કેટલાકે એવા કેળવનીકારોને ઓળખું છું જેઓ આ યોજના અહિંસાની ફિલસૂફી પર રચાયેલી છે એટલા માટે જ એ નાપસંદ કરે છે."

ગાંધીજી : " મને ખબર છે. એમ તો હું કેટલાક આગેવાનોને જાણું છું જેઓ ખાદીનો સ્વીકાર કરવાની એટલા જ માટે ના પાડે છે કે, એ મારી જીવનની ફિલસૂફી પર રચાયેલી છે ! પણ એને હું શી રીતે રોકી શકું ? અહિંસા એ યોજનાનું હાર્દ છે જ, અને એ હું સહેજે બતાવી શકું, પણ હું જાણું છું કે, હું એમ કરીશ તો પછી એને માટે બહુ ઓછો ઉત્સાહ લોકોમાં રહેશે. પણ જેઓ આ યોજનાને સ્વીકારે છે તેઓ એટલી હકીકતનો સ્વીકાર કરે છે કે, કરોડો ભૂખ્યા માણસોની ભૂમિમાં એમનાં બાળકોને બીજી કોઈ રીતે શિક્ષણ આપી જ ન શકાય; અને જો આ યોજના ચાલતી કરી શકાય તો એમાંથી નવી અર્થવ્યવસ્થનો જન્મ થશે. એટલું મારે માટે બસ છે. જેમ મહાસભાવાદીઓ ભલે જીવન સિદ્ધાંત તરીકે નહીં પણ સ્વાતંત્ર્યપ્રાપ્તિના સાધન તરીકે અહિંસાનો સ્વીકાર કરે છે, એટલું મારે માટે બસ છે. આખું હિંદુસ્તાન જો અહિંસાને ધર્મ તરીકે એ જીવનસિદ્ધાંત તરીકે સ્વીકારે, તો તત્કાળ પ્રજાતંત્રની સ્થાપના કરી શકાય."

ડૉ. બોઅર : "સમજ્યો. હજુ એક વસ્તુ મારી સમજમાં નથી ઊતરતી. હું સમાજવાદી છું; અને અહિંસાવાદી તરીકે મને આ યોજના બહુ જ ગમે છે ખરી. છતાં સમાજવાદી તરીકે મને લાગે છે કે, આ યોજના હિંદુસ્તાનને જગતથી છુટું પાડી નાખશે, જ્યારે આપણે તો આખા જગતની જોડે અનુસંધાન સાધવાનું છે. અને એ કામ સ્માજવાદ જેવું કરે છે તેવું બીજી કોઈ ચીજ નથી કરતી."

ગાંધીજી : "મને કશી મુશ્કેલે નથી નડતી. અમે આખ જગતથી વિખૂટા નથી પડી જવા માગતા. અમે સર્વ પ્રજાઓની સાથે સ્વેચ્છાએ લેવડ દેવડ કરીશું. પણ આજે જે પરાણે લેવડદેવડ થાય છે, તે તો જવી જ જોઈએ. અમે નથી કોઇના હાથે ચૂસાવા માગતા, કે નથી કોઈને ચૂસવા માગતા. આ યોજના દ્વારા અમે સર્વ બાળકોને કંઈક ઉત્પાદન કરતાં બનાવવાની, ને એમ કરીને આખા રાષ્ટ્રની મુખમુદ્ર બદલવાની આશા સેવીએ છીએ, કેમકે એ વસ્તુ અમારા આખા સમાજજીવનની રગેરગમાં ઊતરી જશે. પણ એનો અર્થ એ નથી કે, અમે આખા જગત જોડેનો સંબંધ તોડે નાખીશું. એવી પ્રજાઓ તો રહેશે કે જે પોતે અમુક માલ પેદા ન કરી શકે એટલા માટે બીજી પ્રજાઓની પાસેથી માલની લેવડદેવડ કરવા ઇચ્છશે. એવા 'માલ માટે તેઓ બીજી પ્રજાઓ પર જરૂર આધાર રાખશે. પણ એ માલ પૂરો પાડનાર પ્રજાઓએ એમને ચૂસવી ન ઘટે."

"પણ તમને બીજા દેશો પાસેથી કશાની જરૂર જ ન પડે એટલું સાદું તમારું જીવન તમે બનાવી દો, તો તમે એમનાથી અળગ પડી જ જવાના; જ્યારે હું તો ઇચ્છું કે તમે અમેરિકાને માટે પણ જવાબદાર બનો."

"ચૂસવાનું ને ચુસાવાનું બંધ કરીને અમે અમેરિકા માટે જવાબદાર બની શકીએ, કેમ કે અમે એ પ્રમાણે કરીએ તો અમેરિકા અમારા દૃષ્ટાંતનું અનુકરાણ કરશે, અને પછી આપણી વચ્ચે છૂટથી લેવડદેવડ થવામાં મુશ્કેલી નહીં આવે."

"પણ તમે તો જીવનને સાદું કરી નાખવા ને મોટા ઉદ્યોગોને કાઢી નાખવા માગો છો."

"મારા દેશને જરૂરની બધી ચીજો હું ત્રણ કરોડ માણસને બદલે ત્રીસ હજારની મહેનત વડે પેદા કરી શકું તો મને વાંધો નથી; માત્ર પેલાં ત્રણ કરોડ આળસુ અને બેકાર ન બનવા જોઈએ. કામના કલાક ઘટાડીને રોજનાએક બે કલાક કામ કરવાનું રહે એટલી હદ સુધી યાંત્રિક ઉદ્યોગો દાખલ કરવાનો સમાજવાદીઓનો વિચાર છે, એ હું જાણું છું; પણ મારે એ નથી જોઈતું."

"પણ એથી લોકોને ફુરસદ મળે ને?"

"ફુરસદ શાને માટે ? હૉકી ખેલવા માટે ?"

"એને જ માટે નહીં, પણ દાખલા તરીકે સર્જનાત્મક હાથ ઉદ્યોગો માટે."

"સર્જનાત્મક હાથૌદ્યોગોમાં રોકાવાનું તો હું એમને કહું છું, પણ તેઓ રોજના આઠ કલાક કામ કરીને હાથ વડે ચીજો પેદા કરશે."

"દરેક ઘરમાં રેડિયો હોય ને દરેક માણસ પાસે મોટર હોય એવી સમાજની સ્થિતિ તો તમે નથી જ ઇચ્છતા. એ પ્રેસિડેન્ટ હૂવરનું સૂત્ર હતું. એને તો ઘેર ઘેર બે રેડિયો ને બે મોટર જોઈતાં હતાં."

ગાંધીજી : "એટલી બધી મોટરો અમારી પાસે થઈ જાય તો ચાલવાની જગા જ ન રહે."

"ખરી વાત છે. અમારા દેશમાં દર વરસે મોતરના અકસ્માતોથી ચાળીસેક હજારનાં મોત નીપજે છે અને એથી ત્રણ ગણાં માણસો ઘવાઈને લૂલાં પાંગળાં બને છે."

"હિંદુસ્તાનનાં બધાં ગામડાંમાં રેડિયો થાય એવિ દિવસ આવે ત્યાં સુધી હું તો નથી જીવવાનો."

"પંડિત જવાહરલાલનો વિચાર તો એવો લાગે છે કે, દેશમાં પુષ્કળ માલ પેદા થવો જોઈએ."

ગાંધીજી : " મને ખબર છે. પણ પુષ્કળ માલ એટલે શું ? અમેરિકામાં કરો છો એમ કરોડો ટન ઘૌંનો નાશ કરવાની શક્તિ નહીં ને?"

"હાસ્તો. એ મૂડીવાદનું બૂરું પરિણામ છે. હવે એ લોકો પણ નાશ નથી કરતા, પણ ઘઉંનો પાક ન કરે એટલા માટે એમને પૈસા આપવામાં આવે છે. ઈંડાના ભાવ ગગડી ગયા હતા એટલે લોકો એક બીજાની સામે ઈંડાં ફેંકવાની રમત રમતા હતા."

"એવું અમારે નથી જોઈએતું.પુષ્કળ માલ હોવો જોઈએ એનો અર્થ જો તમે એવો કરો કે, દરેક માણસને પુશ્કળ અન્ન, પેય અને વસ્ત મળવાં જોઈએ, મનને સુસજ્જ ને સિક્ષિત બનાવવાને માટે પણ સાધનસામગ્રી મળવી જોઈએ, તો મને સંતોષ થાય. પણ પચે અના કરતાં વધારે ખોરાક પેટમાં નાખવો ને વાપરી શકાય એનાં કરતાં વધારે પડતી ચીજો ઘરમાં ખડકવી, એ મને ન ગમે. પણ બીજી બાજુ મારે તો દારિદ્રય કંગાલિયત ને ગંદકી પણ હિંદુસ્તાનમાં નથી જોઈતાં."

"પણ પંડિત જવાહરલાલે તો એમની જીવનકથામાં કહ્યું છે કે તમે દરિદ્રનારાયણને પૂજો છો ને ગરીબાઈને ખાતર જ ગરીબ રહેવા સ્તુતિ કરો છો."

"મને ખબર છે." ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું.

ह० बं०, ૨૦,૨૭-૨',૩૮