પાયાની કેળવણી/૭. 'એક અધ્યાપક'ની ગેરસમજ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← ૬. સ્વાવલંબન વિષે વધુ વિચાર પાયાની કેળવણી
૭. 'એક અધ્યાપક'ની ગેરસમજ
મોહનદાસ કરમચંદ ગાંધી
૮. શહેરો માટે પણ એ જ →


['સ્વાવલંબી નિશાળો' એ લેખ]

"આપણી અત્યારની આર્થિક સ્થિતિનું મુખ્ય અંગ એ છે કે આપણાં દેશની સાધન સામગ્રી પર આધાર રાખનાર માણસોની સંખ્યાનો બોજો વધતો જાય છે. દાખલા તરીકે, હિંદુસ્તાનમાં ખેડ્યા વિનાની વિશાળ જમીનો પડેલી નથી. તેમ આપણે ત્યાં વસાહતો કે મૂડીનો છોળ નથી. એટલે આપણી સાધન સામગ્રીમાંથી માલ પેદા કરવાનું કામ એને માટે કેળવાયેલા લોકોને જ સોંપવું જોઈએ સો માણસો સો છૂટા છૂટા જમીનના ટુકડા ખેડે તો પચાસ માણસને પૂરો પડે એટલો ખોરાક પેદા કરે, પણ જો એ બધા ટુકડા ભેગા કરવામાં આવે અને વીસ નિષ્ણાત માણસો એના પર ખેતી કરે તો એ જ જમીન સો માણસોનો નિભાવ કરી શકે. અત્યારે એવી શોધ થઈ છે કે જેને લીધે મજૂરનું ગૃહજીવન અવ્યવસ્થિત ન થાય કે તેનું સ્વાતંત્ર ન હણાય, છતાં તેની ઉત્પાદન શક્તિ વધે. એટલે કે વધારે પડતા માણસને કામ કરતા અટાકાવવાની ચોક્કસ જરૂર ઊભી થઈ છે.માણસોનેપચાસ વર્ષે પેન્શન આપવાના રિવાજથી ઘણો બગાડ થાય છે, કેમ કે સામાન્ય માણસની માનસિક ને શારીરિક શક્તિ એ ઉંમર પછી જ વધારે માં વધારે ખીલે છે. યોગ્ય માર્ગ તો એ છે કે, માણસો પૂરતી તાલીમ પામીને તૈયાર નથાય ત્યાં લગી તેમને જીવનમાં પ્રવેશ કરવા ન દેવા."

"હિંદુસ્તાનની અવનતિનું કારણ એ છે કે, તેના મજૂરો જિંદગીની શરૂઆત બહુ જ વહેલી કરે છે. સુતાર એના છોકરાને ધંધામાં એટલો વહેલો દાખલ કરે છે કે, છોકરો બાર વરસની ઉંમરે એની કમાવવાની શક્તિની પરમ સીમાએ પહોંચે છે, તે પછી પરણે છે, ને થોડા જ વખતમાં આગવો ધંધો શરૂ કરે છે; અને તેથી ઉત્પાદન અને વહેંચણીની નવી રીતો એના મગજમાં ઊતરી જ શકતી નથી. એની મજૂરીનું આર્થિક દૃષ્ટિએ શું મહત્ત્વ છે એની એને કશી ગતાગમ નથી હોતી, એવા કારીગરને કોઈ પણ માણસ છેતરી શકે ને એને શોષી શકે. એને પોતાની નાની સંકુચિત દુનિયામાં કુવાના દેડકાની જેમરહી માંડ રોટલો મેળાવી જીવવામાં ને પરિવાર વધારવામાં સંતોષ રહે છે. હિંદુસ્તાનમાં સંકુચિતતા, સંતોષવૃત્તિ, દેવવાદ, જ્ઞાતિપ્રથા, દારૂ અફીણનાં વ્યસનો એ બધાંનું મૂળ આ જ છે. સિલોનના ચાના બગીચા જોવા ગયો, ત્યાં સૌથે વધારે દુઃખ મને ત્યાંના બાળકોને મજૂરી કરતાં જોઈને થયું, નિશાળો તો ત્યાં હતી, પણ માબાપનું વલણ છોકરાંને મજૂરી એ વળગાડવા તરફ હોય છે. મોટેરાઓની પેઢી હંમેશાં ઊછરતી પેઢી તરફનું પોતાનું કર્તવ્ય માથેથી ઉતારી નાખવા મથે છે. રાજ્યનું કામ એ છે કે, જે પ્રવૃત્તિઓ લોકોને લાભ કારક અને સમાજને હાનિકારક હોય તે એણે રોકવી. સિલોન જેવા દેશમાં, જ્યાં કુદરતની સામગ્રીના ભંડાર શોધી તેનો ઉપયોગ કરવાને પૂરતી વસ્તી નથી, ત્યાં પણ બાળકોને મજૂરીએ વળગાડવાની પ્રથાનો બચાવ થઈ શકે એમ નથી. ત્યારે હિંદુસ્તાનમાં, જ્યાં બાળકોને કામમાં લેવાથી મોટેરા બેકાર બને એમ છે, ત્યાં તો એનો બચાવ થઈ જ શી રીતે શકે?"

"માલ તૈયાર કરીને બજારમાં વેચનારી કારખાના જેવી સ્વાવલંબી નિશાળો કેળવણી આપશે એવી ભ્રમણા આપણે ન રાખવી ઘટે. વ્યવહારમાં તો એ કાયદાએ માન્ય કરેલી બાળ-મજૂરી જ નીવડશે. દાખલા તરીકે. એક નિશાળ કાંતણનું કામ દાખલ કરશે તો રેંટિયો ફેરવવો એ એક યાંત્રિક ક્રિયા બની જશે. એક તાકા માટે કેટલું સૂતર જોઈએ એ ગણીને ગણિત શીખી શકાય, કે રૂનો વિકાસ અને સુધારો નિહાળીને વિજ્ઞાન અને ભૂગોળ શીખવી શકાય, એ વાત મારે ગળે ઊતરતી નથી. એ વસ્તુઓ મને એકાદ બે વાર સતેજ કરે, પણ વરસો લગી એ ચાલુ રહે તો મન ઠિંગરાઈ જાય ને અમુક ચિલામાં જ કામ કરતું થઈ જાય. આંખ કાન, હાથની કેળવણી અતિઆવશ્યક છે અને અંગમહેનતથી બધી નિશાળોમાં ફરજિયાત કરવી જોઈએ; પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે , જેને હાથની કેળવની કહીએ છીએ તે વસ્તુતઃ મગજની જ કેળવણી હોય છે. કોઈ પણ નિશાળ કેળવની આપવા માગતી હોય તો તેણે તે વેચી શકાય એવો માલ બનાવવાનો વિચાર છોડી જ દેવો જોઈએ. તેણે બાળકોને કાચો માલ ને યંત્રો આપવા જોઈએ, તેના પર બાળક અખતરા કરીને ભલે બગાડે. બગાડ તો થવાનો જ. નરહરિ પરીખે સાબરમતી હરિજન આશરમની બાળાઓના કાંતણના આંકડા આપ્યા છે તેનો કાળજીથી અભ્યાસ કરતાં દેખાઈ આવે છે કે, નિશાળ એક જ કામ લઈને બેસે છે તોપણ સારી પેઠે બગાડ થાય છે. ધંધાના શિક્ષણની નિશાળ એ, વિજ્ઞાનની કૉલેજની પેઠે, પ્રયોગ કરવાની અને સાધનસામગ્રી બગાડવાની જગા છે. હિંદુસ્તાન જેવા ગરીબ દેશે તો એવી નિશાળો જેટલી ઓછી ઉઘાડવાની જરૂરને હોય તેટલી જ ઉઘાડવી જોઈએ, ને તે અમુક મોટાં મથકોમાં હોવી જોઈએ. ગોરખપુર કે અવધના છોકરાઓને પસંદ કરીને કાનપુર ચાદર કેળવવાનું કામ શીખવા મોકલ્યા હોય તો તેથી રાષ્ટ્રને કશું નુકશાન ન થાય; પણ ધંધાદારી નિશાળો અગણિત કાઢવાથી બગાડ થવાનો જ."

"બીજી એક જાતનો બગાડ સામાન્ય રીતે ધ્યાનમાં આવતો નથી. એક રતલ રૂમાંથી જો પ્રૌઢ ઉંમરનો કુશળ મજૂર ચાર માણસ પહેરે એટલાં કપડાં બનાવી શકશે, તો અણઘડ મજૂર માંડ બે માણસને થાય એટલા કપડાં બનાવશે. આનો અર્થ એ છે કે હિંદુસ્તાનને વસ્ત્રો પૂરાં પાડવાને સારુ અત્યારના કરતાં બમણી જગામાં કપાસનું વાવેતર કરવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, અણઘડ મજૂરો મારફતે કામ લેવાય તો હિંદુસ્તાનને વસ્ત્ર પૂરાં પાડવાને પૂરતો કપાસ ઉગાડવા સારુ જેટલી જમીન જોઈશે તેટલી જમીનમાં જો કુશળ મજૂર મારફતે કામ લીધું હોય તો, હિંદુસ્તાનને અન્ન અને વસ્ત્ર બંને પૂરા પડે એટલા સારુ પૂરતાં અનાજ અને કપાસ બંને ઊગી શકે."

" આ બગાડની એક ત્રીજી બાજુ પણ ધ્યાનમાં લેવી જોઈએ. એમ કહેવામાં આવે છે કે, નિશાળનાં બાળકો ભાત ભાતની સુંદર ચીજો બનાવી શકે. થોડા દિવસ પર એક ઉદ્યોગશાળામાં ભણી આવેલ એક છોકરાને મેં 'પ્લાઈવૂડ' માંથી રમકડાં બનાવતો જોયો હતો. એ લાકડું, નકૂચા અને ઓજારો વાપરતો હતો તે પરદેશથી આવેલા હતાં. આવા ઉદ્યોગો પરદેશી માલની ખપત આપણે ત્યાં ન હોય તે નવી પેદા કરે છે. કોઈ એમ કહેશે કે આપણે આપણું 'પ્લાઈવૂડ' પેદા કરી શકીએ. પણ અમેરિકામાં એ ઝાડ ઉગાડવા જેટલી વધારાની જમીન પડી છે તેવું હિંદુસ્તાનમાં નથી. કાચા માલનો ને મૂડીનો ઉપયોગ નકામી ચીજો પેદા કરવામાં થતો હોય તો તે રોકવો જોઈએ, તેને ઉત્તેજન ન આપવું ઘટે."

"નિશાળ કે કૉલેજમાં કુમળાં મગજો પૈસા અને નફાતોટાની નહીં પણ વિચારો અને આદર્શોની સૃષ્ટિમાં છે. એવી કુમળી વયે જો એમની આગળ માલ પેદા કરવો, વેચવો ને તેના પૈસા પેદા કરવા એ આદર્શ મૂકવામાં આવે, તો તેથી બાળકોનો વિકાસ રોકાશે; અને આજે જગતમાં ધનની છોળોની વચ્ચે માણસોને દરિદ્ર્યમાં વસવું પડે છે એ સ્થિતિ પણ ઘણી વધી પડશે. શ્રી રામકૃષ્ણ ધંધાના શિક્ષણને કશું મહત્ત્વ આપતા નહોતા એ જાણવા જેવી વસ્તુ છે.

"આપને શિક્ષણનો વેગ વધારી શકીએ અને આજે છોકરો જે વસ્તુ સાત વરસમાં શીખે છે તે બે વરસમાં શીખવીએ એમ માનવું એ પણ એક વિચિત્ર ભ્રમણા છે. છોકરાનું મગજ એ કંઈ ખાલી બરણી જેવું નથી કે એમાં જે કંઈ ભરવું હોય તે ભરી શકાય. બાળક જે વસ્તુ સોલમે વરસે જ શીખી શકે તે આઠમે વરસે શીખવા પ્રયત્ન ન કરી શકે, ન કવતો જોઈએ. વિદેશી ભાષાને લીધે વિલંબ થાય છે એવું નથી, અને લોકો માને છે એટલો બધો વખત પણ એ વિષયને અપાતો નથી. નિબંધલેખન એ મગજ અને લાગણીનું શિક્ષણ છે. એવું શિક્ષણ તો ધીમું હોય જ. મગજનો વિકાસ સાધવાને વાપરેલી રીતો અનુત્પાદક, બગાડાવાળી અને ધીમી કદાચ લાગે; પણ એટલું યાદ રાખવું જોઈએ કે, કેળવણીનો ઉદ્દેશ મનને બળવાન બનાવવાનો અને જીવનમાં મનને જે જાતની માંડવાળો કરવી પડે છે તે કરતાં શીખવવાનો છે. નિશાળો માણસો જ નહીં પણ માલ પણ પેદા કરે એવી માગણી આપણે ન કરવી ઘટે."

"આ બધાનો સાર એ ક છે કે, નિશાળો સધ્ધર ને રાષ્ટ્ર દેવાળિયું બને એવી ટૂંકી નજર વાળી નીતિ રાખવી એમાં ખોટું અર્થશાસ્ત્ર છે."

એક અધ્યાપક

આ લેખ એક જાણીતા વિશ્વવિદ્યાલયના એક અધ્યાપકનો છે. એની જોડેના કાગળ પર લેખકની સહી છે, પણ આ લેખ સહી વિનાનો છે તેથી હું લેખકનું નામ આપતો નથી. વાચકને તો કામ લખાણથી છે, એના લેખક જોડે નથી. ઊંડી જડ ઘાલીને બેઠેલી કલ્પનાથી માણસની દૃષ્ટિ કેવી રૂંધાઈ જાય છે એનો આ સચોટ દાખલો છે. આ લેખકે મારી યોજના સમજવાની તકલીફ લીધી નથી. મારી કલ્પનાના નિશાળના છોકરાઓને તે સિલોનના અર્ધગુલામીવાળા ચાના બગીચાના છોકરાઓ સાથે સરખાવે છે, એમાં તે પોતાની જ બુદ્ધિનું પ્રદર્શન કરે છે. તે ભૂલી જાય છે કે, એ બગીચામાં કામ કરતા છોકરાઓને વિદ્યાર્થી ગણવામાં આવતા નથી. એમની મજૂરી એ એમના શિક્ષણનો અંગ નથી. હું જે જાતની નિશાલોની હિમાયત કરૂં છું. તેમાં છોકરાઓ હાઈસ્કૂલોમાં અંગ્રેજી બાદ કરતાં જેટલું શીખે છે અને તે ઉપરાંત કવાયત, સંગીત, આલેખન અને બેશક એકાદ ઉદ્યમ એટલું શીખશે. આ નિશાળોને 'કારખાના'નું નામ આપવું એ તો નરી હકીકતો સમજવાની ના પાડવા બરોબર છે. કોઈ માણસે વાંદારા સિવાય કોઈ પ્રાણી જોયું જ ન હોય, અને માણસનું વર્ણન - કેટલેક અંશે - વાંદરાના વર્ણનને મળતું આવતું હોય, એટલા માટે માણસનું વર્ણન વાંચવાની જ ના પાડે, એના જેવું આ છે. મેં આપેલ સૂચનામાંથી જેટલાં પરિનામ નિપજાવવાનો દાવો કરેલો છે તે જ પરિણામો મળી જશે એવી આશા ન રાખવાની ચેતવણી આ અધ્યાપક લોકોને આપી હોત, તો એમના કહેવામાં કંઈક વજૂદ છે એમ લેખાત અને એ ચેતવણી અનાવશ્યક થાત, કેમ કે મેં પોતે જ એ ચેતવણી આપેલી છે.

મારી સૂચના નવી છે એ હું કબૂલ કરું છું. પણ નવીનતા ગુનો નથી. એની પાછળ ઝાજો અનુભવન નથી એ હું કબૂલ કરું છું. મારા સાથીઓને જે અનુભવ મળેલો છે તે પરથી મને એમ માનવામાં ઉત્તેજન મળે છે કે,જો આ યોજનાનો અમલ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો તે સફળ થાય. એ અખતરો નિષ્ફળ જાય તોયે એ અજમાવી જોવાથી રાષ્ટ્રને કંઈ નુકશાન જવાનું નથી. અને નો એ અખતરો અમુક અમ્શે પણ સફળ થાય તો તેથી પારાવાર લાભ થશે. બીજી કોઈપ્રાથમિક કેળવણી મફત, ફરજિયાત અને અસરકારક બનાવી શકાય એમ છે નહીં. અત્યારની પ્રાથમિમ કેળવણી તો એક જાળ અને ભ્રમ્રૂપ છે એ નિર્વિવાદ વાત છે.

શ્રી નરહરિ પરીખના આંકડા આ યોજનાને જેટલો ટેકો આપી શકે એટલો આપવાને માટે લખાયેલ છે. એ આંકડા પરથી જ આખરી નિર્ણય ન બાંધી શકાય. એ આંકડા પ્રોત્સાહન જરૂર આપે છે. ઉત્સાહી માણસને ને એઠીક ઠીક હકીકતનું ભાતું આપે છે. સાત વરસ એ મારી યોજનાનું સવિભાજ્ય અંગ નથી. એમ પણ બેને કે, મેં ધારેલી બૌદ્ધિક ભૂમિકાએ પહોંચવાને માટે વધારે વખત લાગે. શિક્ષણનો સમય લંબાવવાથી રાષ્ટ્રને કશું જ નુકશાન થવાનું નથી. મારી યોજનાના આવશ્યક અંગો આપ્રમાણે છે :

(૧) એકંદરે જોતાં કોઈ એક કે અનેક ઉદ્યોગ એ છોકરા કે છોકરીના સર્વાંગી વિકાસનું સારામાં સારું સાધન છે, અને તેથી આખો અભ્યાસક્રમ ઉદ્યોગશિક્ષનની આસપાસ ગૂંથાવો જોઈએ.

(૨) આ કલ્પના પ્રમાણેની પ્રાથમિક કેળવણી એકંદરે સ્વાવલંબી થવાની જ, જો કે પહેલા વરસના અને બીજા વરસના પણ અભ્યાસક્રમમાં તે કદાચ પૂરી સ્વાવલંબી ન બને. અહેં પ્રાથમિક કેળવણી એટલે જેનું મેં ઉપર વર્નન કર્યું છે તે.

ગણિત અને બીજા વિષયો ઉદ્યોગ દ્વારા શીખવવાની શક્યતા વિષે આ અશ્યાપકે શંકા ઉઠાવી છે. એમાં તે અનુભવ વિના બોલે છે.હું જાત અનુભવપરથી પરથી બોલી શકું છું. દક્ષિણ આફ્રિકામાં ટૉલ્સટૉય ફાર્મ પર જે છોકરાછોકરીઓના શિક્ષણમાટે હું સીધી રીતે જવાબદાર હતો તેમનો સર્વાંગી વિકાસ સાધતાં મને કશી મુશ્કેલી નડી નહોતી. ત્યાં શિક્ષણનું મધ્યબિંદુ તે આઠેક કલાકનો ઉદ્યોગ હતો. એમને એક કે બહુ બહુ તો બે કલાકનું અક્ષરજ્ઞાનનું શિક્ષણ મળતું. ઉદ્યોગમાં ખોદવું, રાંધવું, પાયખાનાંની સફાઈ કરવી, ઝાડું વાળવું, ચંપલ બનાવવાં, સાદું સુતારી કામ, અને સંદેશા લઈ જવા લાવવાનું એટલાં કામો હતાં. બાળકોની ઉંમર છથી સોળ વરસ સુધીની હતી. એ પ્રયોગ ત્યાર પછી તો ઘણો ફૂલ્યોફાલ્યો છે.

ह० बं० ૩-૧૦-'૩૭

(પૂર્ણ)