લખાણ પર જાઓ

પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૧૮

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૭ પુરાતન જ્યોત
પ્રકરણ ૧૮
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૧૯ →


[૧૮]

વળતા દિવસે પરબ-વાવડીની જગ્યામાં બે બનાવો બન્યા :

એક તો અમરબાઈ એ રકતપીતિયાંનાં લોહીપરુ ધોવાના કામની દીક્ષા લીધી.

બીજું, ચલાળા ગામથી દાના ભગતનું આવવું થયું.

"સંત દેવીદાસ !” દાના ભગતે હાથ જોડીને જણાવ્યું, હું તમારાં, અમરબાઈનાં કે પતિયાંનાં દર્શને નથી આવ્યો. હું તો આવ્યો છું આપા શાદુળ ભગતની ખ્યાતિ ઉપર મોહાઈને. મેં સાંભળ્યું કે શાદુળ ભગત તો ભજનો ગાતા ગાતા - ઢોલિયા ભાંગે છે. એવા ભક્તિરસમાં ચકચૂર બનેલા પુરુષને મારે એના અસલ સ્વરૂપે નીરખવા છે.”

સંત દેવીદાસે સામા હાથ જોડીને જવાબ દીધો: “હું તો જાનવર ગણાઉં. મને રબારીને ભક્તિરસના મર્મો ક્યાંથી સમજાય? પણ શાદુળ ભગતને મારી કોઈ વાતે ના નથી. આપ સરીખા એનું નામ સાંભળીને આવ્યા, તો ખેર ! મારી તો જગ્યા પાવન થઈ. શાદુળને દિલ ચહાય તે કરવાની રજા છે.”

તે જ દિવસે રાતે સમૈયો રચાયો. ઝાંઝ, પખવાજ અને કરતાલ-મંજીરાની ઝૂક મચી ગઈ. જોબનજોદ્ધ શાદુળ કરતાલ વીંઝતો ઢોલિયા પર ચડ્યો. દાના ભગતે એને રંગ દીધા.

અમરબાઈ તે વખતે પીતિયાંઓની સારવારમાં પરોવાઈ ગયાં હતાં. રોગીઓના સૂતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણધોવણની તેમ જ બીજી કેટલીક ઔષધિઓની, વગડાના કેટલાએક ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા.

"બેટા બોન,” એમણે છેલ્લી વાત કહી, "કોઈ કીમિયો, કોઈ ચમત્કાર, કોઈ પણ પરચો હું જાણતો નથી. તનેય આટલું જ કહેવાનું છે કે સુગાઈશ નહીં. દેહની બહાર દેખાતા તમામ રોગ પ્રત્યેક દેહની અંદર પડેલા જ છે. માનવીને તો રૂંવે રૂંવે રોગ છે. કોઈકને બહાર તો કોઈકને માંયલી બાજુ. સુગાઈશ નહીં. ને બીજું, રોગીના રોગ તો ઉતારી ઉતારીનેય આપણે પહેરવાના છે. પારકી બદબોઈને ખુચબો બનાવવી હશે, તો બદબોઈને આપણે આપણામાં જ સંઘરી લેવી પડશે. હવે હું જાઉં છું સમૈયામાં બેટા ! અતિથિધર્મ તો સાચવવા રહ્યો છે ને !” અમરબાઈ એકલાં પડ્યાં. નજીકથી એના કાનમાં ભજનના સ્વરો આવતા હતા —

મારે રોમે રોમે રામબાણ વાગ્યાં;
એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં.

સ્વરોની સાથે જોરાવર હોંકારા ને પડકારા સંભળાતા હતા. પખવાજ પર એવી તે થપાટો પડતી હતી કે હમણાં જાણે એનું કલેજું તૂટી પડશે.

શાદુળનો તમાશો ચાલી રહ્યો છે.

પણ શાદુળ કોણ? શાદુળ મારો જાયો હતો, એ તો ગઈ રાતે મરી ગયો.

એનાં નેત્રોમાંથી છેલ્લાં આંસુ પડ્યાં.

જગ્યામાં આવવાને પ્રથમ દિને પણ એણે પોતાના ઉપરના પ્રેમનું સાચું સ્વરૂપ જોયું હતું એ હતું સત્તાધીશીનું સ્વરૂપ.

ગઈ રાતે પણ એણે પ્રેમનું સ્વરૂપ દીઠું. એનું જ એ સ્વરૂપઃ સ્વાર્થી પ્રેમ, ને સ્વાર્પણશીલ પ્રેમઃ એવા કોઈ ભેદ છે ખરા પ્રેમના ?

ના, ના, પ્રેમ એટલે જ લાગણીઓનો આગ્રહ : માલિકીનો આગ્રહઃ વહેમનું વિષવૃક્ષ.

પ્રેમ એટલે આત્માને વળગેલો રક્તપિતને રોગ.

કણકણી કરીને ખાઈ જાય.

પાછળ રાખી જાય એક બિભીષિકા.

શાદુળ મરી ગયો.

એવા વિચારો ચાલતા હતા તે અરસામાં જ ભજનસમારંભ વીખરાયો જણાયોય. શબ્દો સંભળાયાઃ

'ગજબ થયો. શાદુળ ભગત ઢોલિયો ન ભાંગી શક્યા.'

'એનું સત ગયું.' 'આપા દાનાએ ચમત્કાર કર્યો.'

'અને આપા દાનાએ વચનો પણ બરછી જેવાં કહ્યાં હો !'

'શું કહ્યું?'

'કહ્યું કે શાદુળ, જેને રોમે રોમે રામબાણ વાગ્યાં હોય તેને આવા પછાડા શા માટે ? અને ગરીબ ઘરની દીકરિયું પિયરથી એકાદ આવો ઢોલિયો લાવી હોય તેને તું રોજ ભાંગ્યા કરીશ તો કેટલા નિસાપા લાગશે તને ?'

'સાચું! ભગતને એવા નિસાપા જ નડ્યા લાગે છે.'

બધું સાંભળી લઈને અમરબાઈનો આત્મા ગુંજ્યો ? ખોટા, ખોટા, બધા જ એ તર્કો ખોટા.

શાદુળને એની સત્તાની કામનાએ જ ભુક્કો કર્યો.