લખાણ પર જાઓ

પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૯

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૮ પુરાતન જ્યોત
પ્રકરણ ૯
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૧૦ →


[૯]

જારોને સુવારી દઈ અમરબાઈ પરોણાઓનાં બિછાનાં પાથરવા ગયાં. મુખ્ય ઘરથી થોડે છેટે એક મઢૂલી ઉતારા તરીકે વપરાતી. ગરીબી એ જગ્યાના સંચાલકોનું જીવનવ્રત હતું. પણ એ વ્રતના અભિમાનમાં તણાઈ ને દેવીદાસે પરોણાઓને પણ ગરીબીવ્રતમાં જકડ્યા નહોતા. આથી કરીને અતિથિગૃહમાં તો ખાટલા અને ગાદલાં પણ બબે વસાવી લીધાં હતાં. સંતે એક વખત કપાસની મોસમમાં ખળાવાડે ઝોળી ફેરવી હતી. ભલા ખેડૂતો મશ્કરી કરતા કે “બાપુ, આમ છોકરાંની રમત શું કરો છો ! લઈ જાઓને એક એક કળ પાસેથી મણ મણ કપાસ !”

સંત હસતા :'દોથો દોથો જ દ્યોને ભાઈ ! દૂઝણી ધેનુઓ જેવા છે, તે પાછાં વે'લાં વેલાં વસૂકી જશો, જો મણ મણ ઉઘરાવીશ તો.”

ખાટલાનાં લાકડાં પણ પોતે જ જંગલમાંથી કાપી આવેલ ને ભીંડી પણ પોતે જ ભાંગીને વાણ (રસી) બનાવી લીધું હતું.

અતિથિગૃહમાં દીવો પેટાવીને અમરબાઈ જ્યારે પથારીઓ પાથરતી હતી, ત્યારે એની ચીવટ હરકોઈ જોનારાને સંશયમાં નાખે તેવી હતી. ખાટલા ખંખેર્યા, ગાદલાં ઝાપટ્યાં, ગાદલાને અને બાલોશિયાંને ખૂણેખૂણેથી જીવાત જોઈ નાખી. અને તે ઉપર રજાઈઓ બિછાવી પોતાના હાથ આખી પથારી ઉપર દાબી જોયા : એકલી એકલી બોલીઃ 'ક્યાંય ગાંઠોગડબો તો રહ્યો નથી ને?'

"કેટલી બધી કાળજી !” અમરબાઈની પીઠ પાછળથી કોઈએ ટૌકો કર્યો.

પછવાડે જોયું તો રૂપાળો કાઠી મહેમાન બારણાં બંધ કરીને અંદર ઊભો હતો બારણાંને એણે પોતાના શરીરથી દબાવી રાખ્યાં હતાં.

પહેલાં પ્રથમ તો અમરબાઈને પોતાની આંખો ઉપર જ અવિશ્વાસ આવ્યો. આ શું જગ્યાનો મહેમાન જ છે ? જેને હજુ હમણાં જ ગાયનું તાજું દૂધ પિવરાવ્યું, તે જ આ માણસ છે ? આ માણસ આટલો બધો રૂપાળો છે, છતાંય શું લંપટતા એનામાં હોઈ શકે ?

મહેમાન સામે ઊભો ઊભો મોં મલકાવી રહ્યો હતો. દીવાની જ્યોતમાં એક જંગલી જીવડું સડસડ સળગતું હતું. અતિથિનો દેહ કેમ જાણે કોઈ કાળા ચેગઠામાં મઢ્યો હોય તેવો એનો કાળો પડછાયો ભીંત ઉપર એની પછવાડે પડતો હતો ને જગત પણ તે સમયે કોઈ કાવતરાખોરના કલેજા જેવા અંધકારમાં સપડાયું હતું. માત્ર થોડા તારાઓ જ કરોડો જોજન દૂરથી છૂપા હોઠ પટપટાવી જગતને સાનમાં કહેતા હતા કે “હિંમત હારીશ ના !”

અમરબાઈ એ ફક્ત એટલું કહ્યું કે, “સત દેવીદાસ !”

બહુ પ્રયત્ને એના ગળામાંથી આટલો સૂર નીકળ્યો. એ સૂર જાણે કે એનો સાથી બન્યો. અમરબાઈને તુરત એમ લાગ્યું કે અહીં કોઈક મારો મદદગાર છે, જેણે આ શબ્દોનો જવાબ દીવાલોમાંથી વાળ્યો. અંધારી સાંકડી ગલીમાંથી પસાર થતું માનવી ગાય છે, ગાઈને પોતાની એકલતા મિટાવે છે.

કોઈએ દઝાડ્યો હોય ને જાણે ! એવી દાઝ દાખવતો કાઠી પોતાના મોં પરનો મલકાટ સંકેલી લઈ સહેજ ઉગ્ર આંખે અમરબાઈ તરફ વધ્યો. એની ભુજાઓ આ એકલી સ્ત્રીના દેહ પ્રત્યે પહોળાયેલી હતી. એનાં જુલફાં મોંને ઢાંકતાં હતાં.

'સત દેવીદાસ! સત દેવીદાસ ! સત દેવીદાસ !” એને અક્કેક પગલે અમરબાઈ એ આ બોલ રટ્યા. એ બોલના ધ્વનિએ અતિથિને ઉશ્કેર્યો – બંદૂકમાંથી છૂટતી ગેળી વાઘને ઉશ્કેરે તે રીતે.

"બોલ મા એ બોલ,” એણે કહ્યું: “મારાથી એ સાંભળ્યા જાતા નથી. તું મારણના જાપ જપછ, એમ ને? મારો પ્રાણ નીકળી પડે છે, ખબર નથી પડતી? ખબર નથી પડતી? મારા માથામાં દુખાવો ઊપડ્યો છે. શૂળ પરોવાય છે. મને પડવા દે પથારીમાં.”

આવું આવું વિચિત્ર ભાષણ કરતો કરતો મહેમાન બિછાના પાસે પહોંચ્યો ત્યારે એ પોતાના શરીર પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. એ ભફ દેતો બિછાનામાં પડ્યો. એણે પોતાનું માથું બે હાથમાં જકડી લીધું. હજુ તે હમણાં હસતું હતું એ જ મોં ઓચિંતાનું રિબાતું, ઓશિયાળું બની ગયું. અમરબાઈ એની સામે ચૂપચાપ ઊભેલી હતી. પડ્યાં પડયાં મહેમાને એને નિર્ભય ઊભેલી નિહાળી. એના હોઠ બિડાયેલા હતા. એની આંખમાં કોઈ જાતની અધીરાઈ નહતી.

“તું ભાગતી કેમ નથી ? તું હજુ મારી સામે ઊભવાની હિંમત શી રીતે રાખી રહી છે ?” માથામાં શૂળ ભોંકાતાં હતાં તેની અરેરાટી કરતાં કરતાં મહેમાને પૂછ્યું.

અમરબાઈ એ માત્ર માથું ધુણાવ્યું.

"તેં મને આ શું કરી મૂક્યું ?” મહેમાન કષ્ટાતો કષ્ટાતો કહેતો હતો. "માર્ગે મારાં ઘોડાને ભૂલાં પાડ્યાં તારા એ શબ્દે જ. અત્યારે મને આ દુખાવામાં નખાવ્યો એ પણ તારા આ શબ્દે જ.”

અમરબાઈને પહેલી જ વાર ખબર પડી કે પોતાની પછવાડે ઘેાડા દોડાવનાર બગેશ્વરનો કાઠીરાજ આ પોતે જ હતો. હવે એને સમજાયું કે 'સત દેવીદાસ'ના બોલોએ એના માથામાં શુળ શા કારણે પરોવ્યાં હતાં, જંગલમાં એ બીનો હતો તે જ વાતની અસર અત્યારે થઈ હતી.

“ભલી થઈને તારા મારણ જાપ પાછા વાળી લઈશ ?"

અમરબાઈ રોગીના એ શબ્દો સામે શાંતિથી હસી.