લખાણ પર જાઓ

પુષ્પોની સૃષ્ટિમાં

વિકિસ્રોતમાંથી
પુષ્પોની સૃષ્ટિમાં
રમણલાલ દેસાઈ


શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-૩

વિરાટ ગ્રંથાવલિ
પુસ્તક તોંતેરમું
 


પુષ્પોની સૃષ્ટિમાં



રમણલાલ વ. દેસાઈ, એમ.એ.




આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈના પુસ્તકો

સંપુટ-૧

નવલકથાઓ
જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન

સંપુટ-ર

નવલિકાસંગ્રહો
ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક

સંપુટ-૩

કાવ્યસંગ્રહો
નિહારિકા * શમણાં
નાટ્ય સંગ્રહો
શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા

સંપુટ-૪

પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા
ચિંતનમાળા
મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો?






અર્પણ


કાંટાને પણ ‘પુષ્પોની સૃષ્ટિ’માં સ્થાન છે
એમ સ્વીકારી, વાગતે કાંટે સદા ય પુષ્પ-
બિછાતમાં નિવાસ હોય એવું માનસ
કેળવી જીવન સાથે રમતા નાટકધૂની

શ્રી ચન્દ્રવદન ચીમનલાલ મહેતાને
રમણલાલ વ. દેસાઈ

DESAI, Ramanlal V.
PUSHPONI SRUSHTIMA, Play
R. R. Sheth & Co., Bombay - Ahmedabad
1992
891.472


© ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ


શ્રી ૨. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ–મે, ૧૯૯૨


મૂલ્ય રૂ. ૪૩-૦૦






પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨ અમદાવાદ ૩૮૦ ૦૦૧


મુદ્રક
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી,
સોનગઢ-૩૬૪ ૨૫૦






પ્રસ્તાવના

‘પુષ્પોની સૃષ્ટિમાં’ એ નામથી મારાં નવાં પાંચ નાટકોનો સંગ્રહ બહાર પડે છે. એને નાટક કહો, નાટિકાઓ કહો, એકાંકી કહો, જે નામ આપવું હોય તે આપી શકાશે. અંક લગભગ પ્રવેશની ગરજ સારે છે એ જોતાં ત્રણ અને એથી વધારે અંકવાળાં નાટકને ‘નાટક’ નામ આપીએ, અને એથી નાનાં નાટકોને ‘નાટિકા’ નું નામ આપીએ તો ચાલી શકે એમ અત્યારના નાટકલેખનનો વ્યવસાય કહી રહ્યો છે.

બધી જ નાટિકાઓ ભવાઈ ચૂકી છે: ‘પુષ્પોની સૃષ્ટિમાં’, ‘શક્તિસંભવ’ અને ‘રસતરંગ’ રંગભૂમિ ઉપર અને ‘નવલખી વાવ’તથા ‘હે રામ !’ રેડિયો ઉપર. રેડિયો ઉપર ભજવાયેલી કેટલીક નાટિકાઓ સહેજ ચાતુર્યભર્યા ફેરફારથી રંગભૂમિ ઉપર પણ ભજવી શકાય એમ મને લાગે છે.

ધંધાદારી નાટકો લોપાય છે; અવેતન રંગભૂમિ વધારે જોર પકડે છે. એનો અર્થ એમ નહિ કે બે વચ્ચે ખાસ સરસાઈ છે. નાટકના ધંધાને તો સિનેમાએ જબરદસ્ત ફટકો માર્યો છે. છતાં ચલચિત્ર–સિનેમા–પણ એક પ્રકારનું નાટક જ છે, અને અવેતન રંગભૂમિમાં ઊપજતો પ્રજાકીય રસ નાટ્યકલામાં રહેલા જીવંત સામર્થ્યને જ સૂચવે છે એ વસ્તુસ્થિતિ આપણે ધ્યાનમાં રાખવાની છે. કલા તરીકે નાટક જીવંત છે–ધંધાદારી રંગભૂમિ પડી ભાંગે છે તો ય.

ચલચિત્ર-સિનેમા અઢળક ખર્ચ માગે છે. અવેતન રંગભૂમિ પણ છેક પૈસા વગર ચાલી શકે એમ નથી- કલાકારોનો શોખ ગમે એટલો નિઃસ્વાર્થી બને તો ય.

વીસમી સદીએ બે નવાં કલાસાધનો આપણને આપ્યાં :

(૧) સિનેમા – ચલચિત્ર – ટૉકી-બોલપટ - ચિત્રપટ. આપણી ભાષામાં જે અંતિમ નામ ઘડાય તે ખરું.

(૨) રેડિયો-બ્રૉડકાસ્ટિંગ-નભોવાણી-આકાશવાણી.

આપણા કલાવિધાનમાં એ બંને સાધનો જબરદસ્ત ફેરફાર કરે છે. સાધનો ફરતાં કલાનો આકાર પણ ફરે છે. કલાનાં વાહનો બદલાય તેમ તેમ તેના રૂપમાં ફેર પડતો જ ચાલે છે. ચલચિત્ર આંખને અને શ્રવણને બન્નેને સ્પર્શે છે, અને છબીકલા એને કાયમી પણ બનાવી શકે છે.

આકાશવાણી–રેડિયોનું વિશિષ્ટ સ્વરૂપ એ કે એમાં દૃશ્ય કશું જ નહિ. કાનને–શ્રવણને અનુલક્ષીને જ એમાં આખી કલારચના રયાય. એમાં ધ્વનિ મહત્ત્વ ભોગવે છે, દેખાતાં પાત્રો નહિ. ધ્વનિ જ એમાં પાત્ર બની જાય છે એમ કહીએ તો ચાલે. સાચું શ્રાવ્ય નાટક એ જ નભોવાણી નાટક નહિ ?

ધ્વનિ પાત્ર બને ત્યારે ધ્વનિએ પણ પ્રસંગને અનુરૂપ સ્વાંગ ધારણ કરવો પડે. ધ્વનિ સ્ત્રીનો હોય, પુરુષનો હોય, બાળકનો હોય, વૃદ્ધનો હોય–અને તે પણ જીવનને જડેલા વિધવિધ ભાવ અને રસને અનુરૂપ હોય. ધ્વનિ જ જ્યાં ભાવપ્રદર્શનનું મુખ્ય સાધન બને ત્યાં ધ્વનિ–કંઠ વિશિષ્ટ કેળવણી માગે છે. દેહઅભિનય અને દૃશ્યની સહાય વગર માત્ર ઉચ્ચારણથી જ–નાદથી જ વાતાવરણ સર્જવામાં કંઠકેળવણી – Voice culture – ઉપર વધારે ભાર મૂકવો પડે.

આપણે ત્યાં કંઠના ઉત્કૃષ્ટ અભિનેતાઓ છે ખરા ? એકાદ–અદીમર્ઝબાન જેવા–ને યાદ કરીએ તો ! હશે. નહિ હોય તો થશે.

ધ્વનિએ–ધ્વનિનકારે જ જ્યાં પાત્ર બનવાનું હોય ત્યાં પ્રસંગ પ્રમાણે, વસ્તુ પ્રમાણે, પાત્ર પ્રમાણે ધ્વનિફેરફારની આવડત અને સગવડ રાખવી જ જોઈએ. પરંતુ અંતે નભોવાણીમાં કંઠધ્વનિ જ મહત્ત્વ ધારણ કરે છે એ મૂળભૂત સિદ્ધાંત ન વિસરાય. રૂપાળા–આંખને પણ ગમે એવા–દેખાવની યુવતી જ નાયિકા બને એવો દૃશ્ય નાટકનો આગ્રહ નભોવાણીમાં નિરર્થક બને છે. કોઈ પણ યુવતી રૂપરહિત હોઈ શકે જ નહિ એ ધ્યાનમાં રાખીને પણ આપણે એટલું તો કહી શકીએ કે સુંદર, ઘટિત ધ્વનિવાળી, પ્રસંગને અનુરૂપ ઉચ્ચારણના આરોહઅવરોહની મરોડ સાચવે એવી કોઈ પણ યુવતી ધ્વનિપ્રભાવ વડે નાયિકા બની શકે – પછી ભલે રૂપની ક્રમગણતરીમાં તેના કરતાં બીજી યુવતી ચડિયાતી હોય !

પરંપરાગત નાટકનાં સ્વરૂપો પણ બદલાતાં જ રહે છે. ચિત્રપટમાં ‘ટેલિવિઝન’ પણ ભારે ફેરફાર કરવા તલપી રહ્યું છે. આકાશવાણીએ ધ્વનિ ઉપર ભાર મૂકી આપેલાં નાટ્યસ્વરૂપોનાં નામ હજી સ્થિરતા પામ્યાં નથી. રૂપક, સંગીતરૂપક, રેડિયોનાટિકા જેવાં કૈંક નામો ફેંકાયે જાય છે. હું પણ એક બે નામ ફેંકું : શ્રાવ્ય નાટક અગર નાટિકા કે ધ્વનિનાટિકા જેવાં નામ આપી શકાય? એ આકારોને જે નામ મળે તે ખરું. સ્પષ્ટ સ્વરૂપ અને સ્વચ્છ નામ હજી ન પામેલા સાહિત્ય આકારો અહીં તેમ જ પશ્ચિમમાં ઘડાયે જાય છે.

નૂતનત્વને આપણે આવકારવું જ પડશે...ન ગમે તો પણ.

ધ્વનિનાટિકાના મારા બે પ્રયોગો ‘નવલખી વાવ’ અને ‘હે રામ!’ આ સંગ્રહમાં મૂક્યાં છે તેનો એક જ ઉદ્દેશ. નાટ્યકલાને નવાં નવાં સ્વરૂપો મળે એવા અખતરા થઈ રહ્યા છે. નૃત્ય, મૂક

અભિનય, મૂક દૃશ્ય રંગભૂમિ ઉપર ઉતારી પ્રસંગના નાટ્યભાવને પોષવા નેપથ્યે અપાતાં વિવેચન, સમજૂતી, અભિનય વાણી દ્વારા સ્પષ્ટ કરવાના પ્રયોગો પશ્ચિમમાં તેમ જ પૂર્વમાં – આપણે ત્યાં પણ – થઈ રહ્યા છે. બેલે, ઑપેરા, ટૅબ્લો વગેરે પ્રકારોને આપણી અનુકૂળતા પ્રમાણે આપણે લઈ રહ્યાં છીએ, અને એમાં છેક અસફળતા મળી નથી.

ધ્વનિનાટિકાને–રેડિયોનાટિકાને આ ઢબે રંગભૂમિ ઉપર મૂકવાની સારી શક્યતા મને દેખાઈ છે. પ્રસંગનો સ્ફોટ કરતું વિવેચન આકાશવાણીમાં ભજવાતાં નાટકોમાં ઉપયોગી થઈ પડે છે; એ વિવેચન પ્રસંગોને, ધ્વનિને, વાતચીતને અર્થ અને સમજૂતી આપે છે. એ જ કાર્ય રંગભૂમિ ઉપર વિવેચનને સોંપતાં કેટલાંક સુંદર અભિનયદૃશ્યો સાર્થ અને રસમય બની શકે એમ છે. ધ્વનિ અને દૃશ્યના સંયોગીકરણનો અખતરો કેટલો સફળ થાય છે એ નાટ્યરસિકો અનુભવી શકે એ માટે બંને ધ્વનિનાટિકાઓ આ સંગ્રહમાં ઉતારી છે. ‘નવલખી વાવ’માં પ્રાચીનતાને પ્રગટાવવાનો પ્રયત્ન છે. ‘હે રામ!’ ગાંધીજીને સ્મરણાંજલિ આપતું રૂપક છે. એ મહાત્માની ભવ્યતાથી આપણે એટલા વ્યાપ્ત છીએ કે એ નથી એ ભાવ ઉપજાવવો મુશ્કેલ બની રહે છે. એટલે માત્ર તેમના અંતિમ ઉદ્‌ગારને જ અહીં ઉતારી, રૂપકને એ ઉદ્‌ગારનું જ નામ આપી, ગાંધીજી વગરનું છતાં ગાંધીજીથી વ્યાપ્ત રૂપક મારી નિર્બળ વાણીમાં મૂક્યું છે. ગાંધીજીના વિવિધ સમયના પહેરવેશવાળી છબીઓ અગર સ્વાંગ જે હવે શક્ય બનવા માંડ્યાં છે તેમનો ઉપયોગ એ નાટિકામાં થઈ શકે.

નાટકો વિષે મારે આથી બીજું કાંઈ કહેવાનું ન હોય–મારાં નાટકો વિષે તો કાંઈ નહિ જ.

કદી કદી ભજવવા માટે પરવાનગી માગતા પત્રો ઉપરથી એમ લાગે કે મારાં નાટકો તરફ સહજ કોઈની નજર જાય છે ખરી,

પરવાનગીના હક્ક એટલા પૂરતા પણ સાચવવા જેવા છે ! પરવાનગી વગર ભજવનારને અપરાધના વર્તુલમાં લાવવા સરખું નાટકોનું મહત્ત્વ હજી વિકસ્યું નથી જ એ હું જાણું છું.

ભજવવામાં કદી કોઈ નાટક ઉપયોગી થઈ પડે એટલું જ એનું સાર્થક્ય. નાનપણનો નાટકો જોવાનો, ભજવવાનો અને લખવાનો શોખ હજી ઘટતો નથી એ વિચિત્રતાની કબૂલાત અત્રે હું આપી દઉં, જોકે વર્ષો થયાં ભજવણીમાં ભાગ લેવા કોઈ મને આગ્રહ કરતું નથી !


૯-૩-૫૨
કૈલાસ, મદનઝાંપા રોડ,
વડોદરા
રમણલાલ વ. દેસાઈ
 






અનુક્રમ


ક્રમ નામ પૃષ્ઠ
પુષ્પોની સૃષ્ટિમાં
નવલખી વાવ ૪૨
શક્તિસંભવ ૬૩
રસતરંગ ૧૧૧
હે રામ ! ૧૪૪




મુદ્રણો
પ્રથમ આવૃત્તિ : એપ્રિલ, ૧૯૫૨
બીજું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ : મે, ૧૯૯૨
પ્રત : ૭૫૦



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.